Sunday, April 21, 2019

હું નરેન્દ્ર મોદી બોલું છું...


હું નરેન્દ્ર મોદી બોલું છું...

--- ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ નરેન્દ્ર મોદીના મનમાં શું ચાલતું હશે અને તેમને જો મનની વાત કહેવાની ઇચ્છા થાય તો શું કહે... તેની એક કાલ્પનિક રજૂઆત...
-- અલકેશ પટેલ
નમસ્કાર મારા વ્હાલા ગુજરાતીઓ,
આ મંગળવારે તમે બધા મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઈને ચૂંટણીના મહાપર્વને અનેરુ બનાવી દેશો. મને વિશ્વાસ છે કે તમે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશો.
પણ એ પહેલાં મારે તમારી સાથે થોડી વાતો કરવી છે.
મિત્રો, તમે સૌ જાણો છો કે 2001માં કેવા સંજોગોમાં મેં રાજ્યનું મુખ્યપ્રધાનપદ સંભાળ્યું હતું. રાજ્ય ધરતીકંપના કુદરતી આફતમાંથી હજુ બેઠું થયું નહોતું ત્યાં 2002માં માનવ સર્જિત આફતે મોટો ફટકો પાડ્યો.
એ સમયમાં પહેલા જ પગથિયાથી જાણે મારા માટે કાંટાળા પડકાર શરૂ થઈ ગયા હતા. જે કંઈ થયું હતું તેનું મને દુઃખ હતું, પરંતુ રાજ્યના સર્વોચ્ચ વહીવટી વડા તરીકે અર્થાત મુખ્યપ્રધાન તરીકે મારે કોઈ નબળાઈ દર્શાવવાને બદલે એક મજબૂત અને મક્કમ નેતૃત્વ પૂરું પાડવાનું હતું. મેં એમ જ કર્યું. આમ છતાં, કોણ જાણે કેમ અમુક ચોક્કસ પ્રકારની ટોળકીએ મારા વિરુદ્ધ અંગત અપ-પ્રચાર શરૂ કરી દીધો. મારું ધ્યાન રાજ્યને કુદરતી તેમજ માનવ સર્જિત એમ બંને આફતમાંથી બેઠું કરવામાં હતું, પણ એક ટોળકી મને દૈત્ય ચીતરવા સતત મથામણ કરી રહી હતી.
સાથીઓ, કુદરતી આફત અને કોમી હિંસા તો ભારતના અનેક રાજ્યોમાં અગાઉ થઈ જ હતી. ભારત જ કેમ, દુનિયાના ઘણા દેશોમાં આવી સ્થિતિ આવી જ હતી. છતાં માત્ર મને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યો હતો એ સમજાતું નહોતું.
થોડા સમય પછી મને ખ્યાલ આવ્યો કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેનું મારું જોડાણ તથા ભારતીય સનાતન પરંપરામાં મારી દ્રઢ શ્રદ્ધા અમુક લોકોને મંજૂર નહોતી. તેઓ એવું ઇચ્છતા હતા કે, બીજા રાજકારણીઓની જેમ હું પણ મારા મૂળ સંસ્કાર ભૂલી જઈને બધા પ્રકારના ધર્મ સ્થાનોમાં જઉં અને બધાની ખુશામત કરું.
વ્હાલા ગુજરાતીઓ, તમે જાણો છો કે મારા માટે દરેકે દરેક ગુજરાતી એક સમાન હતા. મારું ધ્યાન પ્રત્યેક ગુજરાતીના જીવનમાં સુધારો લાવવાનું હતું. અને એ માટે મારે ધર્મસ્થાનોમાં જવાની કે ખુશામતના શબ્દો બોલવાની જરૂર નહોતી. હકીકતે તો ત્યારે હું રાજકારણ અને ધર્મ અલગ હોવા જોઇએ તેવી પૂરી સજાગતા સાથે કામગીરી કરતો હતો. પણ કમનસીબે ખુશામત ઇચ્છતા લોકોએ મારી સતત ટીકા કરવાનું ચાલુ જ રાખ્યું.

એ ટોળકીએ તો છેક વિદેશોમાં પણ મારા વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું એ તમે સૌ જાણો છો. મારું ધ્યાન અને કામગીરી ગુજરાતને કોમી તોફાનો તેમજ ત્રાસવાદી હુમલાથી મુક્ત કરવા તરફ હતા, તેથી મારા ઉપર હુમલાના પ્રયાસ પણ થતા રહ્યા. જોકે ગુજરાતની બાહોશ અને ચપળ પોલીસે આવા તમામ કાવતરાં નિષ્ફળ બનાવી દીધા. પરંતુ પેલી ટોળકીએ તેને પણ મુદ્દો બનાવીને મને તેમજ ગુજરાત પોલીસના બાહોશ અધિકારીઓને ફસાવવા ઉધામા કર્યા.
તેમના આવા ઉધામામાં બીજા પણ ઘણા લોકો સાથ આપતા હતા – એ બધું તમારાથી ક્યાં અજાણ્યું છે?
ખેર, તેમ છતાં આપણે સૌએ સાથે મળીને ગુજરાતને નવી ઊંચાઈ ઉપર લઈ ગયા. એ જોઈને પક્ષ દ્વારા મને દેશનું નેતૃત્વ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી. એ કામગીરી પણ મેં પૂરી નિષ્ઠા, પૂરી પ્રામાણિકતા, અથાગ મહેનત કરીને કરી છે એ વાત મને લાગે છે કે મારે રિપીટ કરવાની જરૂર નથી.
આ પાંચ વર્ષ દરમિયાન, એટલે કે 2014 થી 2019 સુધી આખો દેશ પણ ગુજરાતની સાથે સાથે કોમી તણાવ અને તોફાનો અને ત્રાસવાદથી મુક્ત રહ્યો છે. હા, જમ્મુ-કાશ્મીર, રામ મંદિર જેવા કેટલાક મુદ્દા છે જેનો ઉકેલ નથી આવ્યો એવું નાગરિકોને લાગે છે. પરંતુ વિશ્વાસ રાખો, એ દિશામાં ઘણું કામ થયું છે અને આગામી સમયમાં તેનું પરિણામ જોવા મળશે.
સાથીઓ, સાચી વાત એ છે કે, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, જમ્મુ-કાશ્મીર અને રામ મંદિરના મુદ્દે જે પ્રગતિ થઈ છે ને...એ જ વિરોધીઓની પીડાનું કારણ છે. સાચી વાત તો એ છે કે, આ તમામ વિરોધીઓ ખૂબ હોશિયાર અને શાણા છે. તેઓ જાણે છે કે મારા નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે કેવી કામગીરી કરી છે..! તેઓ એ સારી રીતે જાણે છે કે, જો મને બીજી તક મળી જશે તો એ લોકોની, એટલે કે વિરોધીઓની રાજકીય કારકિર્દી વધારે લાંબા સમય સુધી વનવાસમાં ચાલી જશે. મારા વિરોધીઓનો આટલો બધો હોબાળો હકીકતે મારી સફળતાની ચાડી ખાય છે.
તમને એક જ ઉદાહરણ આપું. જો આ બધા વિરોધીઓ કહે છે તેમ મારી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કશું જ નથી કર્યું અને મોંઘવારી વધી ગઈ છે અને બેરોજગારી વધી ગઈ છે અને લોકો અસલામતી અનુભવે છે વગેરે વગેરે વગેરે... તો પછી મારા વિરુદ્ધ આ હદે ગઠબંધનો બનાવીને અંગત હુમલા કરવાની જરૂર ક્યાં છે? ગુજરાતમાં મને જે રીતે નિશાન બનાવવામાં આવતો હતો એ રીતે હાલ આખા ભારતમાં વ્યક્તિગત રીતે મને ટાર્ગેટ બનાવવાની જરૂર ક્યાં છે? એના જવાબો તમે સૌ જાણો છો મિત્રો.
આમ તો તમારી સાથે હજુ ઘણી બધી વાતો કરવી છે. પરંતુ તમે જાણો છો કે મારા માટે હવે માત્ર છ કરોડ ગુજરાતીઓ જ નહીં પરંતુ 125 કરોડ ભારતીયોનું મહત્ત્વ છે. મારે એ સૌના વિશે વિચારવાનું છે. ભલે મારા ઉપર અંગત પ્રહાર થતા રહે, પણ મને એ પણ ખબર છે કે કરોડો ભારતીયો મારી સાથે છે.
મારે તો માત્ર એટલું જ કહેવું છે કે, છેલ્લા 60-65 વર્ષમાં તમામ નેતાઓ, તમામ રાજકીય પક્ષો ભેગા મળીને પણ આ દેશને વિકસિત દેશની હરોળમાં લાવી શક્યા નથી...અને મારી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ લાંભા ભવિષ્યના વિઝન સાથે એ દિશામાં પગલાં લીધા છે. આપણે આટલા બધા વર્ષ પાછળ રહી ગયા છીએ ત્યારે પાંચ વર્ષમાં એ બધું અંતર કાપી દેવાનું કોઇના માટે શક્ય નથી હોતું. છતાં અમે એનડીએના સાથીઓએ પ્રામાણિક પ્રયાસ કર્યા છે. તેનાં પરિણામ આગામી વર્ષોમાં જોવા મળશે.
તો ચાલો...23 એપ્રિલે 26ના ટાર્ગેટના આશ્વાસન સાથે હાલ મારા વિચારોના ઊભરાને વિરામ આપું છું. જયહિંદ.
(રાજકીય કારકિર્દીની શરૂઆતથી આજ સુધી એટલે 18 વર્ષથી વ્યક્તિગત પ્રહારો ઝીલીને પણ દેશને નેતૃત્વ પૂરું પાડી રહેલા નરેન્દ્ર મોદીની મનોવ્યથાનો કાલ્પનિક પત્ર)
http://mediaanalysis.in/if-given-chance-what-narendra-modi-would-say-to-gujaraties/

No comments:

Post a Comment