Friday, April 26, 2019

ઝુરાપો : ચૅખોવની વાર્તા "એ લેડી વિથ એ ડૉગ" - નો અનુવાદ. અલકેશ પટેલ


Translation of a Chekhov story – A lady with a dog

ઝુરાપો. . .

રશિયન લેખક ચૅખોવની વાર્તા એ લેડી વિથ એ ડૉગનો ગુજરાતી અનુવાદ, અલકેશ પટેલ દ્વારા

ક્યાંક માત્ર આંખોના ઈશારાથી તો ક્યાંક શાબ્દિક રીતે માનવસહજ ગૂપસુપ શરૂ થઈ ગઈ હતી કે દરિયાકિનારે હમણાંથી એક નવો ચહેરો નજરે પડે છે. એક યુવાન સ્ત્રી તેના નાનકડા ડૉગી સાથે ફરતી જોવા મળે છે. રિસોર્ટ ટાઉન યાલ્તા માટે આમ તો આવાં સહેલાણીઓની કોઈ નવાઈ નહોતી, પરંતુ દ્‌મિત્રિ દ્‌મિત્રિચ ગુરોવે હજુ તેને જોઈ નહોતી. તે પંદરેક દિવસથી અહીં હતો અને સ્થાનિક વાતાવરણથી ટેવાઈ ગયો હતો. લોકોની વાતો પરથી તેને હવે આ નવાં આગંતુક વિશે ઉત્સુક્તા થઈ. એક ઢળતી સાંજે તે વેર્નેટના કાફેની ખુલ્લી જગ્યામાં બેઠો હતો ત્યારે એક સ્ત્રીને પસાર થતી જોઈ અને તેના વિશે સાંભળેલા વર્ણન મુજબ કોઈને પણ વહાલ ઊભરાય એવું રૂપકડું કૂતરું તેની પાછળ પાછળ દોડતું હતું. ગુરોવે બરાબર નિરીક્ષણ કરી લીધું - દેખાવે ગોરી, સુંદર અને સરેરાશ ઊંચાઈની એ યુવતીએ માથે સરસ મજાની ટોપી પણ પહેરી હતી.

પછી તો ગુરોવ તેને દિવસમાં કેટલીયે વાર બગીચામાં કે મુખ્ય ચૉકમાંથી પસાર થતી જોતો. તેની ટોપી તો હંમેશા એક જ રહેતી અને સાથે કૂતરું પણ હોય જ. એ કોણ છે એ તો કોઈ જાણતું નહોતું, પણ સૌને માટે તેની એક જ ઓળખાણ હતી - અ લેડી વિથ એ ડૉગ.
ગુરોવને થયું કે આ સ્ત્રી જો અહીં પતિ કે મિત્રો વિના એકલી જ હોય તો તેની સાથે ઓળખાણ કરવામાં કશું ખોટું નથી.





આમ તો ગુરોવ હજુ ચાળીસ વર્ષનો નહોતો થયો પરંતુ બાર વર્ષની એક દીકરી અને બીજા બે બાળકોનો પિતા હતો. કૉલેજના બીજા વર્ષમાં ભણતો હતો ત્યારે જ માતા-પિતાએ તેને પરણાવી દીધો હતો. હાલ તેની પત્ની તેના કરતાં ઉંમરમાં વધારે મોટી દેખાય છે, પરંતુ ભ્રમરો કાળી છે અને વ્યક્તિત્વ ઠસ્સાદાર છે. તે પોતાને એક વિચારશીલવ્યક્તિ ગણે છે. તે ખૂબ વાંચે છે અને પત્રો લખવામાં પોતાની નવીજોડણીનો ઉપયોગ કરતી. પતિને પણ તે દ્‌મિત્રિને બદલે દિમિત્રિ કહીને બોલાવતી. ગુરોવ તેને સાવ સાધારણ, સંકુચિત મનની અને જડ પ્રકારની સ્ત્રી ગણતો છતાં તેનાથી દબાયેલો રહેતો. કદાચ એ કારણે જ તેને વધારે સમય ઘરની બહાર રહેવાનું ગમતું. છેલ્લા ઘણા સમયથી તે અન્ય સ્ત્રીઓમાં સુખ શોધવા લાગ્યો હતો અને તેની માત્રા હવે વધી રહી હતી. તેનું પરિણામ એ આવ્યું કે સ્ત્રીઓ પ્રત્યે તેને માન ઉતરી ગયું એટલું જ નહિ પરંતુ સ્ત્રીઓને નીચી જાતની જ માનવા લાગ્યો.

ઘરની બહાર સુખની આ શોધ દરમિયાન થયેલા કડવા અનુભવોને આધારે સ્ત્રીઓ વિશે હવે ગમે તે બોલવાનો પોતાને અધિકાર મળી ગયો હોવાનું તે માનતો, પણ મઝાની વાત એ હતી કે આ નીચી જાતવિના તે એકાદ દિવસ પણ રહી શકતો નહિ. પુરુષોની કંપનીમાં તે સાવ નિરસ અને નિરૂત્સાહ બની જતો પરંતુ આસપાસ સ્ત્રીઓ હોય તો તેનામાં એક પ્રકારની ચેતના આવી જતી. સ્ત્રીઓ સાથે કેવી રીતે વર્તવું અને તેમની સાથે શી વાત કરવી એ બધું તે સારી રીતે જાણતો હતો, અને જરૂર પડ્યે સાવ સહજ રીતે ચૂપ પણ રહી શકતો. તેના વ્યક્તિત્વમાં એક ભ્રામક મોહક્તા હતી જેને કારણે સ્ત્રીઓ તેની નજીક ખેંચાતી. તે આ વાત જાણતો હતો પરંતુ સાથે જ તેને પોતાને પણ સ્ત્રીઓ પ્રત્યે કોઈ અદૃશ્ય ખેંચાણ રહેતું.




આ બાબતમાં તેને ઘણા કડવા અનુભવો થયા હતા અને તેથી જ સારી રીતે જાણતો હતો કે દરેક નવો સંબંધ રોજિંદી એક સરખી જીંદગીમાં રોમાંચ અને સાહસની અનુભૂતિ કરાવતો હોવા છતાં છેવટે તે પીડાદાયક અને ક્યારેક સમસ્યારૂપ બનતો હોય છે. પરંતુ જ્યારે પણ કોઈ સુંદર સ્ત્રીને મળવાનું થાય ત્યારે તે આ બધા કડવો અનુભવો ભૂલી જતો અને વધુ એક વખત જીંદગીને માણી લેવાની ઈચ્છાના રંગબેરંગી પતંગિયાં તેના મનમાં ઊડાઊડ કરતાં. ફરી તેને બધું સરળ અને રોમાંચક લાગતું.

એક સાંજે ગુરોવ બગીચાના રેસ્ટોરામાં જમી રહ્યો હતો ત્યારે એ યુવતી તેના રૂપકડા ડૉગી સાથે ત્યાં આવી પહોંચી અને તેની નજીકના જ ટેબલ પર બેઠી. તેના ચહેરા પરના ભાવ, ચાલવાની રીત, વસ્ત્રો તથા વાળની સજાવટ પરથી સ્પષ્ટ થતું હતું કે તે ભદ્ર વર્ગની છે, પરિણિત છે, યાલ્તા પહેલી વખત અને તે પણ એકલી જ આવી છે અને અહીં તેને ગમતું નથી. યાલ્તા આવતા પ્રવાસીઓની નૈતિક શિથિલતા વિશેની અતિશયોક્તિ ભરી વાતોને તે સાચી નહોતો માનતો. તેને આવી વાતો સાંભળવી ગમતી પણ નહિ અને તેને ખાતરી હતી કે વાસ્તવમાં આવી વાતો કરનારા લોકો તક મળ્યે પારકા લોકો સાથે મોજમસ્તી કરી જ લેતા હોય છે. આમ તો એ પોતે પણ એમાંથી ક્યાં બાકાત હતો! આ યુવતી તેની નજીકના ટેબલ પર બેઠી તે સાથે જ તેનામાં રહેલો અસલ ગુરોવજાગી ઊઠ્યો. આ એકલવાયી સ્ત્રીની બધી જ રીતે મદદ કરવાના ગલગલિયાં કરાવતા વિચારોએ તેના મનનો કબજો લઈ લીધો.

તેનું નામ તો એ જાણતો નહોતો, એટલે ઓળખાણ કરવાના માધ્યમ તરીકે તેણે એ મહિલાના કૂતરાનો ઉપયોગ કર્યો. કૂતરા સામે તેણે ચપટી વગાડી અને તે પાસે આવ્યું ત્યારે તેને હાથ હલાવી રમાડવા પ્રયત્ન કર્યો. કૂતરું સ્હેજ ઘૂરક્યું એટલે ફરી તેણે આંગળીઓ હલાવી રમાડવા પ્રયાસ કર્યો.




તેનો પ્રયાસ જાણે સફળ થયો હોય એમ મહિલાએ તેની સામે જોયું પરંતુ તરત જ નજર નીચી કરી દીધી.

સ્ત્રી સહજ શરમ સાથે તે બોલી, આ કરડશે નહિ.

ગુરોવને તો દોડવું હતું અને જાણે ઢાળ મળી ગયો. વાતચીત આગળ વધારવા તેણે ડૉગીને બોન ચૂસવા આપવાની સંમતિ મેળવી લઈને સીધું જ પૂછી લીધું, ઘણા વખતથી તમે યાલ્તામાં હશો?

પાંચેક દિવસથી

મારે તો અહીં બીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું

થોડી ક્ષણ બંને ચૂપ રહ્યાં પછી યુવતીએ યુરોવની સામે જોયા વિના જ કહ્યું, “અહીં દિવસો ઝડપથી પસાર થાય છે છતાં કંટાળો આવે છે.
અહીં કંટાળો આવે છે એવું કહેવાની જાણે ફેશન છે. લોકો બેલેવો કે ઝીઝદ્રો જેવાં સાવ ઉજ્જડ સ્થળોએ કંટાળાની ફરિયાદ નથી કરતાં પણ અહીં જાણે સીધા ગ્રેનાદાથી આવી પહોંચ્યા હોય એમ કંટાળાની અને ધૂળની વાતો કરવા લાગે છેગુરોવે બળાપો કાઢ્યો અને યુવતી હસી પડી.




પછી તો કોઈ વાતચીત કર્યા વિના બંનેએ જમી લીધું અને રેસ્ટોરાંમાંથી બહાર નીકળતા સાથે જ ચાલવા લાગ્યાં. પોતે ક્યાં જઈ રહ્યાં છે અને ચોક્કસ શેના વિશે વાતો કરે છે તેની સભાનતા વિના જ ચાલતાં રહ્યાં અને વાતો કરતાં રહ્યાં. દરિયાના પાણીનો રંગ, તેના ઉપર પથરાયેલો ચાંદનીનો પ્રકાશ અને ગરમીને કારણે થઈ રહેલા ઉકળાટની પણ વાતો કરી.

હું મોસ્કોમાં રહું છું. આમ તો ભાષાશાસ્ત્રી છું પરંતુ બેંકમાં કામ કરું છું. ઓપેરા કંપનીમાં ગાયક તરીકે જોડાવાનું સ્વપ્ન હતું પરંતુ છેવટે એ વિચાર પડતો મૂક્યો. મોસ્કોમાં મારા બે મકાન છે, ” એવી પોતાના વિશે માહિતી આપીને તેણે એ સ્ત્રી વિશે પણ થોડી જાણકારી મેળવી કે તેનો ઉછેર સેંટ પિટર્સબર્ગમાં થયો હતો અને લગ્ન થયાં ત્યારથી - છેલ્લાં બે વર્ષથી એસ. . . ગામમાં રહે છે. યાલ્તામાં તેણે એક મહિનો રોકાવાનું છે અને તેના પતિ પણ રજાઓ ગાળવા અહીં આવવાના છે. અલબત્ત તેના પતિને કોઈ સરકારી ખાતામાં નોકરી હતી કે પછી સ્થાનિક વહીવટી પરિષદનો સભ્ય હતો એ વિશે આ સ્ત્રીને કોઈ ચોક્કસ જાણકારી નહોતી અને આ વિશે પોતે અજાણ છે એ વાત ગુરોવને કહેવાની તેને જાણે મઝા પણ પડી. વાતોને વાતોમાં ગુરોવે તેનું નામ જાણી લીધું - એન્ના સર્ગેયેવ્ના.

પોતાની રૂમ પર પાછો ફર્યો ત્યારે મનોમન ધારી લીધું કે બીજા દિવસે પણ તે એને ચોક્કસ મળશે. પથારીમાં પડ્યા પડ્યા ગુરોવ એન્નાના વિચારોમાં જ ખોવાયેલો હતો. આ યુવતી હજુ હમણાં સુધી તો મારી દીકરીની જેમ જ એક વિદ્યાર્થિની હશે. તેના હાસ્યમાં, એક અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરવામાં શરમ અને સંકોચ સ્પષ્ટ જોઈ શકાતા હતા. તે કદાચ જીવનમાં પહેલી વખત આમ એકલી પડી હશે અને એ પણ એવી પરિસ્થિતિમાં જ્યાં લોલુપ પુરુષો તેની પાછળ પાછળ ફરતા હોય, તેની સામે ધારી ધારીને જોઈ રહેતા હોય અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતા હોય - તેમના એકમાત્ર ઈરાદાને એ સ્ત્રી સમજી તો જતી હશે.

ગુરોવને એ યુવતીની પાતળી, નાજૂક ગરદન તથા આકર્ષક ભૂરી આંખો પણ યાદ આવી ગઈ. અને છતાં કરૂણા ઉપજાવે એવી કોઈ બાબત પણ તેનામાં છે, ”આમ એન્નાના વિચારોમાં જ તેને ઊંઘ આવી ગઈ.


બંનેનો પરિચય થયો એ વાતને એક અઠવાડિયું પસાર થઈ ગયું હતું. રવિવારનો દિવસ હતો અને હવામાન ખરાબ હતું. ઘરની અંદર ભારે બફારો થતો હતો જ્યારે બહાર ભારે વંટોળને કારણે ધૂળની ડમરીઓ થતી હતી. તોફાની પવન લોકોની ટોપીઓને પણ પોતાની સાથે ખેંચી જતો હતો. આવા સખત ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણને કારણે તરસ પણ ખૂબ લાગતી અને ત્યારે ગુરોવે એન્નાની ખૂબ કાળજી લીધી. રસ્તા પર આવતા કાફેમાંથી તે વારંવાર શરબત અને બરફ કે એવી બીજી પ્રવાહી ચીજો લઈ આવી એન્નાને ઑફર કરતો.




સાંજે પવનની ગતિ સાવ મંદ પડી ગઈ ત્યારે તેઓ સ્ટીમરને આવતી જોવા ડૅક ઉપર ગયાં. ત્યાં ઘણી ભીડ હતી અને કેટલાક લોકો તેમના સગા-સંબંધી કે મિત્રોને આવકારવા ફૂલો અને હાર સાથે આવ્યા હતા. સ્થાનિક યાલ્તાવાસીઓની બે લાક્ષણિક્તાઓ અહીં સ્પષ્ટ દેખાઈ આવતી હતી - એક તો વૃદ્ધ મહિલાઓએ સાવ તરુણીઓ જેવાં વસ્ત્રો પહેર્યાં હતાં અને બીજું લશ્કરી અધિકારીઓની સંખ્યા સૌથી વધુ જણાતી હતી.

દરિયો તોફાની હતો તેથી સ્ટીમર મોડી પડી અને સૂર્યાસ્ત થઈ ગયા પછી ડૅક ઉપર આવી. તેને યોગ્ય જગ્યાએ ગોઠવવામાં પણ કૅપ્ટને થોડી મહેનત કરવી પડી. એન્ના સર્ગેયેવ્ના જાણે કોઈ પોતાનું પરિચિત આવવાનું હોય તેમ દૂરબીનથી જોયા કરતી હતી. દૂરબીન હટાવી તેણે સામે જોયું ત્યારે તેની આંખોમાં અજબ ચમક હતી તે વાતની ગુરોવે નોંધ લીધી. તે કોઈ ચોક્કસ સંદર્ભ વિનાના સવાલો પૂછ્યા કરતી અને થોડી વાર પછી તો પોતે શું પૂછ્યું હતું એ પણ ભૂલી જતી. ભીડની એ ધક્કામૂક્કીમાં તેનું દૂરબીન પણ ક્યાંક પડીને ખોવાઈ ગયું.

ડૅક પર આવેલા ભદ્ર લોકો ધીમેધીમે વિખેરાવા લાગ્યા. અંધારું એટલું થઈ ગયું હતું કે લોકોના ચહેરા પણ હવે સ્પષ્ટ દેખાતા નહોતા. પવનને પણ જાણે વસમું લાગ્યું હોય એમ સાવ થંભી ગયો. એન્ના અને ગુરોવ કોઈની રાહ જોતાં હોય એમ હજુ ઊભાં હતાં. થોડી વાર પહેલા ઉત્સાહમાં બોલ-બોલ કરતી એન્ના હવે શાંત થઈ ગઈ હતી અને ગુરોવ તરફ કંઈ ખાસ ધ્યાન આપ્યા વિના પોતાની પાસેનાં ફૂલની સુગંધ માણતી હતી.

ગુરોવે છેવટે મૌન તોડ્યું, “વાતાવરણ ઘણું સરસ થઈ ગયું છે. હવે શું કરીશું? ક્યાંક ફરવા જઈએ તો?

એન્નાએ કશો જવાબ આપ્યો નહિ.

રમણીય સાંજ, નીરવ શાંતિ અને પ્રમાણમાં સાવ જ ઓછી ચહલપહલ વચ્ચે એન્નાને તાકી રહેલા ગુરોવે એકાએક તેને આલિંગનમાં લઈ લીધી અને તેના હોઠ ઉપર ચૂંબન કર્યું. તેનામાં પણ જાણે મધૂર ફૂલોની સુવાસ પ્રસરી ગઈ. પરંતુ તરત જ તેનાથી અળગો થઈ ગયો અને કોઈ જોઈ ગયું તો નથી ને! તેની ખાતરી કરવા આસપાસ નજર દોડાવી દીધી. અને દબાયેલા અવાજે કહ્યું, “ચાલો તમારી રૂમ પર જઈએ.

બંને ઝડપથી ચાલવા લાગ્યાં.

એન્નાની રૂમમાં બફારો હતો અને તેમાં તેણે એક જાપાની દુકાનેથી ખરીદેલા પરફ્યુમની સુગંધ ફેલાયેલી હતી. ગુરોવ તેને જોઈ રહ્યો અને તેને વિચાર આવ્યો, “જીવનમાં તેણે કેવી કેવી સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યા હતા.એકદમ બિંદાસ અને સ્વભાવે એકદમ મઝાની સ્ત્રીઓ સાથે ભેટો થયો હતો જેમણે ગુરોવનો સહવાસ માણ્યો હતો અને ભલે એ સંબંધો ટૂંકા ગાળાના હતા છતાં પ્રેમની એ પળો બદલ એ મહિલાઓ ગુરોવ પ્રત્યે આભારની લાગણી ધરાવતી હતી. તો બીજી તરફ પોતાની પત્ની સહિત એવી સ્ત્રીઓ પણ મળી હતી જેમના સહવાસમાં જરાય ગંભીરતા નહોતી અને તેમનો પ્રેમ નર્યા દંભ અને સાવ બિનજરૂરી વાતોમાં અટવાઈ ગયો હતો. એવી સ્ત્રીઓ તેમની હાજરીથી એવું પૂરવાર કરવા મથતી કે તેમનો પ્રેમ કેવળ ક્ષણિક આવેશ નથી પરંતુ તેથી પણ કંઈક વિશેષ છે. જ્યારે બે-ત્રણ સુંદર સ્ત્રીઓ એવી મળી હતી જેમનામાં ઉત્કટતાનો અભાવ લાગતો હતો એટલું જ નહિ પરંતુ તેમના હાવભાવ કે પછી વૃત્તિ જ એવી જણાઈ આવતી કે તેઓ જીવનને કંઈક આપવાને બદલે તેની પાસેથી વધુમાં વધુ મેળવી લેવા માગે છે. આવી સ્ત્રીઓ યુવાની વટાવી ચૂકી હતી પરંતુ હજુ આધેડ નહોતી થઈ, એ તરંગી, અણસમજુ, સ્વાર્થી અને કમઅક્કલ હતી. આ સ્ત્રીઓ પ્રત્યે ગુરોવની આસક્તિ ઓછી થઈ ગયા પછી તેમની સુંદરતા તેના દિલમાં ઘૃણા સિવાય બીજી કોઈ લાગણી પેદા કરતી નહોતી. અંદરના વસ્ત્રો પર લગાવેલી લેસ માછલી ઉપર કાંચળી ચોંટી હોય એવી લાગતી હતી.

પરંતુ એન્નાની તરુણાવસ્થા અને તેની અસ્વસ્થતાની અકળામણ તેમજ બિનઅનુભવ સ્પષ્ટ જણાઈ આવતા હતા અને જાણે હમણાં જ કોઈએ તેને ઝકઝોળી નાખી હોય એમ ડરેલી જણાતી હતી. એન્ના હાલ ઘણી ગંભીર બની ગઈ હતી અને અકળ મૌન ધારણ કરી લીધું હતું. તેનું આ વર્તન ગુરોવ માટે અકળામણ પેદા કરનારું હતું. તે એકદમ હતાશ થઈ ગઈ હતી અને તેના વાળ બંને કાનને ઢાંકીને ગુલાબી ગાલ ઉપર વિખેરાઈ વેદના ટપકાવતા હતા.

આ સારું નથી થયું. હવે તમને મારા પ્રત્યે આદર નહિ રહે,” એન્નાએ એકાએક ઓછા શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરી દીધી.

ગુરોવે તત્કાળ કોઈ પ્રતિભાવ આપવાને બદલે બાજુના ટેબલ ઉપર પડેલા તડબૂચની ચીરી કાપીને ખાવા લાગ્યો. બંને લગભગ અડધો કલાક સુધી ચૂપ રહ્યાં. એન્નાનો ચહેરો એકદમ દયામણો લાગતો હતો અને તેના વ્યક્તિત્વમાં તદન બિનઅનુભવી અને અત્યંત સીધીસાદી નારીનું રૂપ પ્રગટતું હતું. ટેબલ પર સળગી રહેલી મીણબત્તીનો આછો પ્રકાશ તેના ગમગીન ચહેરા ઉપર રેલાતો હતો.

છેવટે ગુરોવે આ ભારેખમ મૌનની દીવાલ તોડી, “મને તારા પ્રત્યે શા માટે આદર નહિ રહે ? તું શું બોલે છે એની કદાચ તને ખબર નથી.
ઈશ્વર મને માફ કરે, પણ ઘણું ખોટું થઈ ગયું,” એમ કહેતાં જ તેની આંખ ભરાઈ આવી.

તારો પોતાનો બચાવ કરવાની કોઈ જરૂર નથી.

આમાં બચાવનો પ્રશ્ન જ ક્યાં છે ?હું નબળી સ્ત્રી પુરવાર થઈ, મને મારી જાત ઉપર ઘૃણા ઉપજે છે ત્યારે બચાવ તો થઈ જ ન શકે. મેં માત્ર મારા પતિને જ નહિ મારી જાતને પણ દગો દીધો છે. અને આ કંઈ માત્ર આજની વાત નથી, ઘણા વખતથી હું મારી જાત સાથે દગો કરતી આવી છું. મારો પતિ કદાચ ઈમાનદાર અને સજ્જન હશે, પરંતુ ખુશામતિયો છે. ઑફિસમાં એ શું કામ કરે છે એની તો મને ખબર નથી પરંતુ ખુશામતિયો છે એ વાત નિશ્ચિત છે. અમારા લગ્ન થયાં ત્યારે મારી ઉંમર માંડ ૨૦ વર્ષની હતી. પણ પછી તરત મને કંઈક વિચિત્ર લાગણી થવા લાગી. મને લાગ્યું કે મારે આના કરતા વધારે સારું જીવન જોઈતું હતું. મારે સારી રીતે જીવન જીવવું છે - માણી લેવું છે એવી લાગણી મને વધારે ને વધારે ઘેરવા લાગી. તમને આ વાત નહિ સમજાય, પરંતુ સોગંદ ખાઈને કહું છું કે કોઈપણ રીતે હું મારા મનને કાબુમાં ન રાખી શકી અને પતિ સમક્ષ બીમારીનું બહાનું કાઢીને અહીં આવતી રહી. અહીં સાવ એકલવાયી કોઈ હેતુ વિના આમ-તેમ ફર્યા કરું છું, અને હવે એકાએક નીચ થઈ ગઈ. કોઈપણ વ્યક્તિને મારા પ્રત્યે નફરત પેદા થાય એ સ્વાભાવિક છે.

ગુરોવ ભારે કંટાળા સાથે બધું સાંભળતો રહ્યો. તેને લાગ્યું આ ભોળપણ, પસ્તાવો એ બધાનો કોઈ મતલબ નથી. જો એન્નાની આંખમાં આંસુ ના હોત તો તો એ એમ જ માની લેત કે આ સ્ત્રી સાવ નાટક કરે છે.

તે ધીમા અવાજે બોલ્યો, “છેવટે તું શું ઈચ્છે છે એ મને સમજાતું નથી.

અને. . . એન્નાએ ગુરોવની છાતીમાં મોં ઢાંકી દીધું અને તેને કસોકસ જકડી લીધો.

તે હજુ પૂરેપૂરી સ્વસ્થ થઈ નહોતી અને પોતાના વિશે ખુલાસો કરવાનું ચાલુ રાખ્યું. વિનવણીના સૂરમાં તેણે કહ્યું, “મારી વાત માનો. જીવનમાં જે કંઈ પ્રામાણિક અને સ્વચ્છ હોય એ મને ગમે છે, અનીતિને ધિક્કારું છું. પણ હાલ હું શું કરી રહી છું તેની મને ખબર નથી. અન્ય સામાન્ય લોકોની જેમ મને પણ અત્યારે એવું જ લાગે છે કે મને શેતાને જકડી લીધી છે.

ઠીક છે, ઠીક છેકહી ગુરોવે એન્નાને સધિયારો આપવા પ્રયાસ કર્યો. તેની આંસુથી છલકાઈ ગયેલી અને ભયભીત લાગતી આંખોમાં વહાલપૂર્વક જોયું અને ચૂંબન કર્યું. લાગણીભર્યા શબ્દો વડે તેને શાંત પાડવા પ્રયાસ કર્યો અને એન્ના ઉપર તેની અસર પણ થઈ. તે સ્વસ્થ થવા લાગી અને થોડી વારમાં જ બંને હસીમજાક કરવા લાગ્યાં.

પૂરેપૂરા સ્વસ્થ થયા પછી બંને ઘરની બહાર નીકળ્યાં ત્યારે દરિયા કિનારે કોઈ નહોતું. ગામના રસ્તા અને વૃક્ષો પણ સાવ ભેંકાર જણાતાં હતાં. જોકે દરિયો હજુ કિનારે જોરજોરથી અફળાઈને પોતાની હાજરી પૂરાવતો હતો. દૂર કોઈ માછીમારની હોડી મોજાં સાથે હિલોળા લેતી હતી અને તેમાંથી આછો પ્રકાશ રેલાતો હતો.

ઘોડાગાડીમાં બેસી તેઓ ઓરેઆન્દા તરફ ચાલી નીકળ્યાં.

તારા ઘરની બહાર પાટિયા ઉપર મેં નામ વાંચ્યું - ફોન દિદેરિસ્ત, શું તારા પતિ જર્મન છે ?” ગુરોવે એન્નાને પૂછ્યું.

ના, મને ખ્યાલ છે ત્યાં સુધી તેના દાદા જર્મન હતા, મારા પતિ તો રૂઢિચૂસ્ત રશિયન ચર્ચ સાથે સંકળાયેલા છે.

ઓરેઆન્દા પહોંચી તેઓ દરિયા કિનારે આવેલાં દેવળ પાસે બેઠાં અને ચૂપચાપ દરિયાને નિહાળતાં રહ્યાં. પરોઢ થવા આવ્યું હતું અને ધુમ્મસને કારણે યાલ્તા ધુંધળું દેખાતું હતું. સફેદ વાદળાં પર્વતોના શિખરો ઉપર થંભીને જાણે વિશ્રામ કરતાં હતાં. ક્યાંય પાંદડુંય હાલતું નહોતું, જીવડાંનો ગણગણાટ સંભળાતો હતો, સમુદ્રનો ઘૂઘવાટ તેમની નજીક આવીને શાંત થઈ જતો હતો, જાણે આપણા સૌ માટે રાહ જોતી ચિર નિદ્રા અને ચિર શાંતિનો સંદેશ આપતો હતો. આમ તો યાલ્તા કે ઓરેઆન્દાના અસ્તિત્વ પહેલાં પણ સમુદ્ર આ રીતે જ ઘૂઘવાટ કરતો હતો, અત્યારે કરે છે અને આપણે સૌ કાળની ગર્તામાં વિલીન થઈ જઈશું પછી પણ તદ્‌ન બેપરવાહ થઈને એ તો આવો જ રહેશે. અને કદાચ તેના આ સાતત્યમાં, જીવન અને મૃત્યુ પ્રત્યેની આ બેપરવાહીમાં આપણા અંતિમ ઉદ્ધારનું, આપણા ગ્રહ ઉપરના જીવનના પ્રવાહનું અને પરિપૂર્ણતા તરફની તેની સતત ગતિનું રહસ્ય છૂપાયેલું છે.

પરોઢના આછા પ્રકાશમાં, સામે સમુદ્ર અને આસપાસ પર્વતની ટેકરીઓ, વાદળાં અને વિશાળ આકાશની વચ્ચે અત્યંત મોહક વાતાવરણને વિસ્મયથી માણી રહેલી આ સુંદર અને પ્રસન્ન યુવતીની બાજુમાં બેઠલા ગુરોવને વિચાર આવ્યો કે ખરેખર તો એક માનવ તરીકે, માનવીય મહત્ત્વાકાંક્ષાઓ કે પછી આપણા પોતાના કૃત્યોને ભુલીને જો થોડા આગળ નીકળીએ તો જગતમાં બાકીનું બધું જ સુંદર હોય છે.

કોઈ માણસ તેમની નજીક આવ્યો, બંનેની સામે જોયું અને ચાલ્યો ગયો. કદાચ ચોકીદાર હશે. એન્ના અને ગુરોવ માટે આ સમય એટલો બધો રોમાંચક હતો કે કોઈ વ્યક્તિનું આ રીતે આવીને ચાલ્યા જવું એ પણ તેમને રહસ્યમય અને સુંદર લાગ્યું. ફેઓદોસિયા તરફથી એક સ્ટીમર બંદર તરફ આવી રહી હતી. તેની લાઈટો બંધ કરી દેવામાં આવી હતી છતાં પરોઢના ઉજાસમાં સ્ટીમર ચમકતી હતી.

ઘણા લાંબા સમયની બંનેની ચૂપકીદી પછી એન્નાએ હળવેથી કહ્યું, “ઘાસ ઉપર ઝાકળ છવાઈ છે.

હા, હવે આપણે ઘર તરફ જવું જોઈએ.ગુરોવે કહ્યું અને બંને શહેરમાં પાછાં ફર્યાં.

તેમની મુલાકાત હવે રોજિંદો ક્રમ બની ગઈ. દરરોજ બપોરે સાગર કિનારે મળતાં, લંચ અને ડીનર પણ સાથે જ લેતાં. કલાકો સુધી બેસી રહી દરિયાને જોયાં કરતાં. એન્ના ક્યારેક ક્યારેક અનિદ્રાની અને હૃદયના ધબકારા વધવાની ફરિયાદ કરતી, વારંવાર એકના એક સવાલો કરતી. ક્યારેક ઈર્ષા કરતી તો ક્યારેક વળી એવી આશંકા પણ વ્યક્ત કરતી કે ગુરોવને તેના પ્રત્યે આદર નહિ જ હોય. ગુરોવ આવી બધી વાતો ધ્યાનમાં લેતો નહિ અને ચૉકમાં કે પછી પાર્કમાં જ્યારે પણ એકલતા મળે ત્યારે એન્નાને પોતાની નજીક ખેંચી લઈ ચૂંબનોથી નવડાવી દેતો. બની-ઠનીને આસપાસ ફરતા લોકોની નજર ના પડે તે રીતે ચૂંબન કરવાનો રોમાંચ, બપોરની ગરમી અને દરિયાની સુવાસ - આ બધું જ જાણે ગુરોવને નવજીવન આપતું હતું. તે એન્નાની સુંદરતાના વખાણ કરતો અને તેને પ્રેમમાં ભીંજવી દેતો એટલું જ નહિ પરંતુ તેનાથી એક ક્ષણ માટે પણ અલગ પડતો નહિ. આમછતાં, એન્ના તો ઉદાસ જ રહેતી. તેના મનમાં જે ભાવો હતા તેનાથી તદન વિરૂદ્ધ બાહ્ય રીતે તે ગુરોવ પાસે એવો એકરાર કરાવવા મથતી કે એ તેને પ્રેમ કરતો નથી, આદરથી જોતો નથી અને તેને સાવ સાધારણ સ્ત્રી ગણે છે. દરરોજ મોડી સાંજે બંને ઓરેઆન્દા કે પછી ધોધ જોવા અથવા તો એવા કોઈ સુંદર સ્થળે પહોંચી જતાં. તેમની આ મુલાકાતો સફળ રહેતી અને હંમેશા યાદગાર બની રહેતી.

એન્ના સર્ગેયેવ્નાનો પતિ રજાઓ માણવા ગમેત્યારે યાલ્તા આવી પહોંચવાનો હતો પરંતુ તેના બદલે તેનો પત્ર આવ્યો. તેની આંખોમાં દુખાવો ઉપડ્યો હોવાથી હવે તે આવી શકે તેમ નથી, તેથી એન્નાને વહેલી તકે પરત આવી જવા પત્ર દ્વારા જણાવ્યું. પત્ર મળતા જ એન્ના ઘરે જવા માટે ઉતાવળ કરવા લાગી. પોતાનો સામાન આટોપતાં આટોપતાં ગુરોવને સંબોધીને બોલી, “મારે જવાનું થયું એ સારું જ થયું. વિધાતાએ જ મને મદદ કરી હોય એમ લાગે છે.

યાલ્તાથી રેલવે સ્ટેશન ઘણું દૂર હતું. એન્ના ઘોડાગાડીમાં રવાના થઈ, ગુરોવ પણ તેને મૂકવા સાથે ગયો. સ્ટેશન દૂર હોવાથી ત્યાં પહોંચતા લગભગ આખો દિવસ પસાર થઈ ગયો. એક્સપ્રેસ ટ્રેનની છેક બીજી વ્હીસલ વાગી ત્યારે જ એન્ના તેના ડબામાં ચઢી અને ગુરોવને કહ્યું, હજુ એક વખત તમને બરાબર જોઈ લેવા દો, છેલ્લી વાર. હા બસ આ રીતે.

તેની આંખમાં આંસુ નહોતા, પરંતુ ચહેરા ઉપર ભારે ગમગીની હતી અને બીમાર પણ લાગતી હતી. તેનો ચહેરો પણ સ્હેજ ધ્રુજતો હતો.
હું તમને યાદ રાખીશ. . . મને બધું જ યાદ આવશે. ઈશ્વર તમારું કલ્યાણ કરે. મારા વિશે ખોટો ખ્યાલ બાંધશો નહિ. આપણે કાયમ માટે અલગ થઈ રહ્યાં છીએ, એમ જ થવું જોઈએ. આપણે મળ્યાં જ ના હોત તો ઘણું સારું થાત. ગુડ બાય, ગૉડ બ્લેસ યુએન્ના એક શ્વાસે બોલી ગઈ.

ટ્રેન ધીમે ધીમે સ્ટેશનની બહાર નીકળી ગઈ અને થોડી વારમાં તો તેની લાઈટો દેખાતી બંધ થઈ. હવે તો તેનો અવાજ પણ આવતો બંધ થયો, જાણે આ સ્વપ્નવત સંજોગોને એક ઝાટકે ખતમ કરવા કાવતરુ રચાયું હોય. સ્ટેશન પર ચહલ-પહલ સાવ નહિવત્‌ થઈ ગઈ અને ગુરોવ એકલો એમ જ થોડી વાર ઊભો રહ્યો. જીવાતનો ગણગણાટ અને ટ્રેનના તારનો લયબદ્ધ અવાજ તેના કાનમાં અફળાતો રહ્યો. પોતે એકાએક કંઈક ભાનમાં આવ્યો હોય એવી લાગણી તેને થઈ અને વિચાર આવ્યો કે જીવનમાં બની ગયેલા બીજા કેટલાય કિસ્સાઓ જેવો જ આ કિસ્સો હતો જેના ઉપર હવે પડદો પડી ગયો. માત્ર સ્મૃતિઓ જ બાકી રહી. એન્ના સાથે પસાર કરેલો સમય યાદ આવતા લાગણીશીલ બનેલો ગુરોવ ઉદાસીમાં સરી પડ્યો. પસ્તાવાના ભાવથી તેને વિચારો આવ્યા કે આ યુવતીને ફરી ક્યારેય મળાશે નહિ પરંતુ જેટલો સમય સાથે હતી એટલો સમય તે મારી સાથે સુખી તો નહોતી જ. મેં તેની સાથે મિત્રતા અને પ્રેમભાવ રાખ્યા હતા પરંતુ મારા પૂરા વર્તનમાં દંભ અને બાહ્ય દેખાડો જ હતો. બીજાઓ કરતા થોડા વધારે નસીબદાર પુરુષના વર્તનમાં હોય એવી તોછડાઈ હતી. મારી ઉંમર પણ તેના કરતાં લગભગ બમણી હતી. તે સતત મને ઉમદા, અસાધારણ અને ભલો માણસ ગણતી અને મારા વખાણ કરતી, પરંતુ દેખીતી રીતે તો હું તેની સાથે છળકપટ કરતો હતો.

વાતાવરણમાં શરદઋતુનો અહેસાસ થવા લાગ્યો હતો અને સાંજે ઠંડી પણ વધવા લાગી હતી.

સ્ટેશનમાંથી બહાર નીકળતા ગુરોવે મનોમન વિચારી લીધું કે, મારે પણ હવે વતન પાછા જવું જોઈએ, સમય પણ થઈ ગયો છે.



ગુરોવ મોસ્કો પહોંચ્યો ત્યારે શિયાળો શરૂ થઈ ગયો હતો. ઘરમાં વાતાવરણ હુંફાળું રાખવા સગડીઓ સળગાવવી પડતી. બાળકો સવારે સ્કૂલે જતાં પહેલાં નાસ્તો કરવા બેસે ત્યારે આયાએ લાઈટ ચાલુ કરવી પડતી હતી. હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. શિયાળાની પહેલી હિમવર્ષા થાય અને જો કોઈ પ્રથમ વખત સ્લેજ ગાડીમાં બેસે તો તેનો એ અનુભવ બરફથી છવાયેલી ધરતી અને છતો નિહાળીને આહ્‌લાદક થઈ જાય. સ્વચ્છ-તાજી હવાથી મન હળવુંફૂલ થઈ જાય અને વ્યક્તિને પોતાનું બાળપણ યાદ આવી જાય. બરફથી છવાયેલાં લીંબોડી અને બર્ચ (ભોજવૃક્ષ) વૃક્ષો તરુ અને પામના વૃક્ષો કરતાં પણ વધારે મોહક લાગે. આવા અદ્‌ભૂત વાતાવરણમાં વ્યક્તિને પર્વતો અને સમુદ્રની યાદ પણ ના આવે.

ગુરોવનો જન્મ અને ઉછેર મોસ્કોમાં જ થયો હતો. યાલ્તાથી જે દિવસે તે પરત આવ્યો ત્યારે સરસ હિમવર્ષા થયેલી હતી. ફરનો ઓવરકોટ અને ગ્લોવ્સ પહેરી તે પેટ્રોવ્કા સ્ટ્રીટ તરફ ચાલી નીકળ્યો. શનિવારની સાંજ હતી, ચર્ચના બેલના અવાજ સંભળાતા હતા. યાલ્તા અને તેની આસપાસના સ્થળોની પોતે લીધેલી મુલાકાતો મોસ્કોના આ વાતાવરણ અને હિમાચ્છાદિત શેરીઓમાં સાવ અપ્રસ્તુત બની ગઈ. તે મોસ્કોના રોજિંદા જીવનમાં ખોવાઈ ગયો. દિવસમાં ત્રણ અખબારો અચૂક વાંચતો અને છતાં જાહેરમાં તો એવું જ કહેતો કે સિદ્ધાંત ખાતર પોતે ક્યારેય મોસ્કોના અખબાર વાંચતો નથી. ફરી વખત તે રેસ્ટોરાં, ક્લબ, બેન્ક્વેટ અને જુદા જુદા સમારંભોમાં ગુંથાઈ ગયો, વધુ એક વખત એ વાતનો સંતોષ લેવા લાગ્યો કે શહેરના જાણીતા વકીલો અને અભિનેતાઓ તેના ઘરે આવે છે અને ડૉક્ટરની ક્લબમાં એક પ્રોફેસર જોડે તે પત્તાં રમી શકે છે, એટલું જ નહિ પણ પોતે મજેદાર વ્યંજનમાં તૈયાર કરેલી કોબીની આખી ડિશ ખાઈ શકે છે.

એકાદ મહિનાના સમયમાં એન્ના સર્ગેયેવ્ના એક ધૂંધળી યાદથી વિશેષ કંઈ નહિ રહે અને ત્યારપછી તેનું સ્મિત અને એ પોતે અગાઉની અન્ય તમામ મહિલાઓની જેમ ક્યારેક માત્ર સ્વપ્નમાં દેખાશે. એક મહિનાનો સમય પૂરો થઈ ગયો હતો અને શિયાળો પણ બરાબર જામ્યો હતો. જોકે ગુરોવના મનમાંથી એન્ના ખસતી નહોતી, જાણે હજુ ગઈકાલે જ તેનાથી છૂટો પડ્યો હોય એમ તેની સાથે વિતાવેલી દરેક ક્ષણની યાદ હજુ તાજી હતી. સમય વિતવા સાથે એન્નાની યાદ વધારે પ્રબળ બનતી ગઈ. બીજા રૂમમાં ભણતા પોતાનાં બાળકોનો અવાજ સાંજની નીરવ શાંંત વીંધીને ગુરોવના સ્ટડીરૂમમાં પહોંચતો ત્યારે એન્ના યાદ આવી જતી, રેસ્ટોરાંમાં પ્રેમનું કોઈ ગીત સાંભળવા મળતું કે સંગીત વાગતું ત્યારે તે યાદ આવી જતી, ચીમની વાટે પવનના સૂસવાટા સંભળાતા એન્ના જ તેના માનસપટ ઉપર આવી જતી - જહાજની રાહ જોતાં બંદર ઉપર સાથે ઊભાં હતાં એ, વહેલી પરોઢે પર્વતોની ટોચ ઉપર છવાયેલું ધુમ્મસ, ફેઓદોસિયાથી આવેલી સ્ટીમર અને ચૂંબનો... બધું હજુ એમ જ તાજું લાગતું હતું. લાંબા સમય સુધી તે પોતાના રૂમમાં આંટા માર્યા કરતો અને એન્ના સાથે પસાર કરેલો સમય યાદ કરી મલકાતો. આ બધી યાદો હવે તો દિવાસ્વપ્નમાં પલટાવા લાગી. તેની કલ્પનાઓ હવે તો આગળ વધીને ભાવિ યોજનાઓ સાથે ભળી જવા લાગી. એન્ના સર્ગેયેવ્ના હવે માત્ર સ્વપ્નમાં નહોતી આવતી, પણ ગુરોવ જ્યાં જતો ત્યાં જાણે પડછાયાની જેમ તેની સાથે જ રહેતી અને તેને નીરખ્યા કરતી. તે આંખો બંધ કરતો ત્યારે તેને લાગતું કે એન્ના તેની સામે જ ઊભી છે અને તે ખરેખર હતી તેના કરતાં પણ વધારે સુંદર, યુવાન અને નમણી લાગતી, એટલું જ નહિ પરંતુ તે પોતે પણ યાલ્તામાં હતો તેના કરતા વધારે સારો દેખાય છે એવું ગુરોવ અનુભવતો. તે એટલો બધો એન્નામય બનવા લાગ્યો કે તેને સતત એવું લાગતું કે સાંજના સમયે પુસ્તકોના ઘોડામાંથી, ફાયર-પ્લેસ પાસેથી કે પછી રૂમના ખૂણામાંથી એન્ના મને જ જોઈ રહી છે. વળી એ તો તેના શ્વાસોચ્છવાસનો તેમજ તેના લહેરાતાં સ્કર્ટનો મીઠો ફરફરાટ પણ સાંભળી શકતો. શેરીઓમાં નીકળતો ત્યારે તેની આંખો એન્નાને જ શોધતી...

પોતાની આ બધી લાગણીઓ કોઈની સમક્ષ વ્યક્ત કરવાનું તેને મન થયું, પરંતુ આ પ્રેમ બાબતે ઘરે તો વાત થઈ શકે નહિ, અને ઘરની બહાર ભરોસો રાખી શકાય એવું હતું પણ કોણ? તેના ઘરમાં રહેતા ભાડુઆતોને આવી વાત થાય નહિ અને બેંકમાં પોતાના સહકર્મચારીઓને આ વાતનો ખ્યાલ પણ આવવા ના દેવાય. એ બધું તો ઠીક, પણ કોઈને કહેવું તો કહેવું પણ શું ? પોતે જે અનુભવી રહ્યો છે તેને પ્રેમ કહેવાય? એન્ના સર્ગેયેવ્ના સાથેના તેના સંબંધમાં શું એવું કંઈ સુંદર, કાવ્યાત્મક, પ્રેરણાદાયી કે પછી કંઈ રસપ્રદ હતું ખરું ? લોકો સાથેની વાતચીત દરમિયાન પ્રેમ અને મહિલાઓ વિશે તે કોઈ ચોક્કસ સંદર્ભ વિના બોલતો અને તે શું કહેવા માગે છે એ કોઈ સ્પષ્ટ સમજી શકતું નહિ. જોકે તેની પત્ની ભ્રમરો ચડાવી કરડાકીથી બોલતી, “દિમિત્રિ, તને આ વરણાગીવેડા જરાય શોભતા નથી.

એક સાંજે ડૉક્ટર્સ ક્લબમાં એક સરકારી અધિકારી મિત્ર સાથે પત્તાં રમીને ઘરે પરત જતી વખતે પોતાની લાગણી વ્યક્ત કરતા ગુરોવથી બોલી જવાયું, “કાશ તમે જાણતા હોત કે યાલ્તામાં મારી મુલાકાત એક અત્યંત રૂપાળી સ્ત્રી સાથે થઈ હતી. . .

પોતાની સ્લેજ ગાડીમાં બેસતા બેસતા મશ્કરા સ્વભાવના આ અધિકારીએ પાછળ ફરીને કહ્યું,

દમિત્રિ દમિત્રિચ,”

હા, બોલોગુરોવે ઉત્સુક્તાથી કહ્યું.

તમારી વાત સાચી હતી - ખાવાલાયક માછલી હાથમાં આવતા રહી ગઈ હતી.

આમ તો સાવ સામાન્ય લાગતા આ શબ્દોએ ગુરોવને ખિન્ન બનાવી દીધો. એ શબ્દો તેને અશિષ્ટ અને અપમાનજનક લાગ્યા. મનોમન તેણે ભારે પીડા અનુભવી - કેવો અસભ્ય વર્તાવ કર્યો, લોકો કેવા હોય છે ! આવા લોકો સાથે આ બધી સાંજ કેવી વેડફાય છે, દિવસો પણ સાવ એકધારા અને ખાલીપણામાં પસાર થાય છે ! સતત પત્તાં રમ્યા કરવાનું, ખાધા કરવાનું અને દારુ ઢીંચ્યા કરવાનો, એકના એક વિષય ઉપર રોજ નિરર્થક વાતો કરવાની. આવા પ્રકારની જીંદગીમાં તો વ્યક્તિનો મોટાભાગનો સમય તથા ઊર્જા એવી કામગીરીમાં વપરાય છે જે કોઈને પણ ઉપયોગી નથી. એકના એક મુદ્દાની વારંવાર ચર્ચા કરવાની અને છેવટે સાવ નિરર્થક હેતુ વિહીન જીવન સિવાય કશું રહેતું નથી. આ બધામાંથી છટકી શકાય એવું પણ રહ્યું નથી, પરિણામે વ્યક્તિ કાંતો પાગલખાનામાં પહોંચી જાય છે અથવા વેઠિયા મજૂરોની કતારમાં સપડાઈ જાય છે.

ઉશ્કેરાટ અને ઉચાટને કારણે ગુરોવને આખી રાત ઊંઘ ના આવી, પરિણામે બીજા દિવસે આખો દિવસ તેને માથામાં દુઃખાવો રહ્યો. ત્યારપછી પણ ઘણી રાતો તેને બરાબર ઊંઘ ના આવી. તે પથારીમાં બેસી રહેતો અને વિચાર્યા કરતો, અથવા પોતાના રૂમમાં આંટા માર્યા કરતો. પોતાના બાળકો અને બેંક માટે તેને તિરસ્કાર ઉપજ્યો, ક્યાંય જવાની કે કોઈની પણ સાથે વાત કરવાની સ્હેજ પણ ઈચ્છા તેને થતી નહોતી.

નાતાલની રજાઓ પડી ત્યારે ગુરોવે પોતાની બેગ પૅક કરી લીધી અને એક યુવકના કામ માટે સેન્ટ પીટર્સબર્ગ જવાનું છે એમ પત્નીને કહી એસ નામના ગામ તરફ રવાના થઈ ગયો. શા માટે ? એ તો એને પોતાને પણ ખબર નહોતી. એ તો માત્ર એટલું જ જાણતો હતો કે તેને એન્નાને મળવું છે, તેની સાથે વાત કરવી છે અને જો શક્ય હોય તો તેની સાથે મુલાકાત પણ ગોઠવવી છે.

સવારે તે એસ નામના ગામમાં આવી પહોંચ્યો અને હોટેલના સૌથી શ્રેષ્ઠ સ્યૂટમાં રોકાયો. કળાત્મક કાર્પેટ પાથરેલા એ રૂમમાં ટેબલ ઉપર માથા વિનાના ઘોડેસવારની આકૃતિમાં જડેલા સાહીના ખડિયા ઉપર ધૂળ બાઝેલી હતી. હવે ગુરોવ જે જાણવા માગતો હતો એ માહિતી તેનો સામાન મૂકવા આવેલા નોકરે આપી કે, વોન દિદેરિત્ઝ હોટેલની નજીકમાં જ આવેલી સ્ટેરો-ગોન્ચર્ન્યા સ્ટ્રીટમાં વૈભવી મકાનમાં રહે છે. તેની પાસે બગી છે અને આખું નગર તેને ઓળખે છે. માહિતી આપનાર નોકર તેના નામનો ઉચ્ચાર દ્રીદેરિત્ઝ કરતો.

ગુરોવ તરત જ સ્ટેરો -ગોન્ચર્યા સ્ટ્રીટ તરફ ચાલી નીકળ્યો અને ઘર શોધી કાઢ્યું. મકાન ફરતે વાડ હતી અને તેના થાંંભલઓ પર ખીલા જડેલા હતા.

ઘરની બારીઓ અને વાડ ઉપર નજર ફેરવતા ગુરોવે વિચાર્યું, “આવી વાડથી ઘેરાયેલા રહેવાનું હોય તો કોઈને પણ ભાગી છૂટવાનું મન થાય.

તેણે ધારી લીધું કે આજે રવિવાર હોવાથી એન્નાનો પતિ કદાચ ઘરે જ હશે. આમ પણ તેના ઘરમાં પહોંચી જઈને તેને મુંઝવણભરી સ્થિતિમાં મૂકવાનું યોગ્ય નથી. અને જો ચિઠ્ઠી મોકલાવું એ તેના પતિના હાથમાં આવી જાય તો તો ભારે અનર્થ થઈ જાય. શ્રેષ્ઠ રસ્તો તો એ જ છે કે એન્ના જોવા મળે એ માટે તકની રાહ જોવી જોઈએ. ગુરોવે શેરીમાં આમ-તેમ આંટા મારવાનું શરૂ કર્યું અને કોઈ તક મળશે એવી આશાએ થોડી થોડી વારે વાડની પેલે પાર નજર કરી લેતો. એક ભીખારી ઝાંપામાં પ્રવેશ્યો પરંતુ કૂતરા પાછળ પડતાં ભાગી ગયો. ત્યારબાદ એકાદ કલાક પછી પિયાનાનો અસ્પષ્ટ અવાજ સંભળાયો. ગુરોવે માની લીધું કે એન્ના જ એ વગાડતી હશે. ત્યાંતો એકાએક મુખ્ય દરવાજો ખૂલ્યો અને એક વૃદ્ધ મહિલા નીકળી, તેની પાછળ એન્નાનું સફેદ પોમેરેનિઅન ડૉગી પણ નીકળ્યું. ગુરોવ ડૉગીને બોલાવવા માગતો હતો પરંતુ તેના હૃદયના ધબકારા એટલા બધા વધી ગયા કે તેને ડૉગીનું નામ જ યાદ ના આવ્યું.

વાડને વધુને વધુ ધિક્કારવા સાથે તેણે આંટા મારવાનું ચાલુ રાખ્યું. રોષ વધી જતા હવે તો તે એવું પણ વિચારવા લાગ્યો કે એન્ના મને ભૂલી ગઈ હશે અને કદાચ બીજા કોઈ પુરુષમાં સુખ શોધી લીધું હશે - સવારથી રાત સુધી આવી ધિક્કાર ઉપજાવે એવી વાડમાં કેદ રહેવા મજબૂર એક યુવાન સ્ત્રી બીજું કરે પણ શું ? તે હોટેલમાં પાછો ફર્યો અને પોતાના સ્યૂટમાં સોફા પર ચૂપચાપ બેસી રહ્યો. શું કરવું તેની કંઈ સમજ પડતી નહોતી. છેવટે તેણે જમવાનું મગાવ્યું અને જમ્યા પછી લાંબી ઊંઘ ખેંચી નાખી.

આંખ ઊઘડી અને બારી બહાર જોયું ત્યારે અંધારુ થઈ ગયું હતું. તેને પોતાના ઉપર જ ચીડ ચડી, “આ કેવી મુર્ખામીભરી અને નિરાશાજનક સ્થિતિ છે! મેં તો બરાબર ઊંઘ લઈ લીધી, હવે રાત્રે કેવી રીતે ઊંઘ આવશે ?”

તે પથારીમાં બેઠો થયો ત્યારે નજર પડી કે તેના ઉપર સાવ સસ્તો ભૂખરો ધાબળો પથરાયેલો હતો, તે જોઈને તેને હોસ્પિટલનો ધાબળો યાદ આવી ગયો. આ ઉચાટમાં તેણે પોતાની જાતને જ વખોડી, “તું અને તારી લેડી વીથ એ ડૉગ... અને આ તારું પરાક્રમ. તારી લાગણીઓનો તને શો બદલો મળ્યો છે એ જો.

સવારે તે રેલવે સ્ટેશને પહોંચ્યો ત્યારે તેની નજર એક પોસ્ટર ઉપર પડી હતી જેમાં સ્થાનિક થીએટરમાં ભજવાનાર ધ ગેઈશા નાટકના પ્રથમ શોની જાહેરાત હતી. એ યાદ આવતા જ તે ઊભો થઈ ગયો અને થીએટર તરફ ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા મનોમન વિચાર્યું, “તે (એન્ના) દરેક નાટકનો પહેલો શો જોવા જતી હશે એવી પૂરી શક્યતા છે.

હૉલ પૂરેપૂરો ભરાઈ ગયો હતો. નાના નગરોમાં હોય એવું જ આ એક પરંપરાગત થીએટર હતું. ઝુમ્મરો ફરતે ધુમ્મસ છવાયેલું હતું, અને નાટક જોવા આવેલા પ્રેક્ષકો ભારે ઘોંઘાટ કરતા હતા. પ્રથમ હરોળમાં સ્થાનિક નાટ્ય રસિકો પાછળ હાથ રાખી જાણે વિશ્રામની અદામાં ઊભા રહી નાટક શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. પેલી તરફ ગવર્નરની બેઠકની આગલી સીટ ઉપર તેમની દીકરી બેઠી હતી અને ગવર્નર પોતે પડદા પાછળ ચૂપચાપ બેઠા હતા, માત્ર તેમના હાથ જોઈ શકાતા હતા. પડદો ખોલી નાખવામાં આવ્યો અને મંચ ઉપર ગોઠવાયેલા ઓર્કેસ્ટ્રાના કલાકારોએ લાંબા સમય સુધી તાલ મિલાવવાની કવાયત ચાલુ રાખી. બીજી તરફ હૉલમાં આવીને પોતાની સીટ ઉપર ગોઠવાઈ રહેલા દરેક પ્રેક્ષક ઉપર ગુરોવની નજર ફરતી હતી.

એન્ના સર્ગેયેવ્ના પણ આવી પહોંચી. તે ત્રીજી હરોળમાં બેઠી ત્યારે ગુરોવની નજર તેના ઉપર પડી તે સાથે જ તેનું હૃદય ધબકારો ચૂકી ગયું. એ ક્ષણે જ તેને લાગ્યું કે આખી દુનિયામાં હાલ બીજું કોઈ પોતાની સૌથી નજીક કે પ્રિય નથી એટલું જ નહિ પણ પોતાની ખુશી માટે બીજી કોઈ વ્યક્તિ આટલી મહત્ત્વની પણ નથી જેટલી આ યુવાન સ્ત્રી છે. સામાન્ય લોકોના ટોળામાં ખોવાયેલી - સાવ ફાલતુ દૂરબીન હાથમાં રાખીને ફરતી આ સ્ત્રીમાં કશું જ અસાધારણ નથી છતાં ગુરોવ માટે એ જ સર્વસ્વ બની ગઈ હતી. તેના સુખ-દુઃખ અને તમામ ઈચ્છાઓનું લક્ષ્ય માત્ર એન્ના હતી. સાવ કઢંગા ઓર્કેસ્ટ્રામાંથી આવતા એકદમ કર્કશ અવાજો વચ્ચે પણ ગુરોવ તો માત્ર એન્નામય બની ગયો હતો. કેટલી સુંદર લાગે છે - એવું વિચારતો વિચારતો એ સ્વપ્નમાં સરી પડ્યો.

એન્ના એક ઊંચા કદના યુવક સાથે આવી હતી. નાની મૂછ રાખતા આ યુવકના ખભા જાણે ગોળાકાર વળેલા હતા અને ડગલેને પગલે ડોકું હલાવતો હતો એટલું જ નહિ પરંતુ કોઈની સામે સતત ઝૂક્યા કરતો હતો. આ જ માણસ એન્નાનો પતિ હોવો જોઈએ જેના વિશે યાલ્તામાં તેણે ઉશ્કેરાટમાં ખુશામતિયો શબ્દપ્રયોગ કર્યો હતો. તેનું આવું વ્યક્તિત્વ, મૂછનો આકાર તેમજ તેના માથામાં પડેલી નાની ટાલ - એ બધું જ જાણે તે ખુશામતિયો જ હોવાની ચાડી ખાતું હતું.  તેના સ્મિતમાં પણ ખુશામતખોરી ટપકતી હતી, વળી તેના કોટના બટનમાં ભેરવેલો કોઈ વૈજ્ઞાનિક સોસાયટીના સભ્યપદનો સિક્કો કોઈ નોકરે પોતાનો નંબર દર્શાવતો બિલ્લો પહેર્યો હોય એવું લાગતું હતું.

નાટકમાં પહેલો ઈન્ટરવલ પડ્યો ત્યારે એન્નાનો પતિ સિગારેટ પીવા બહાર ગયો અને તે એકલી પડી. તેનાથી થોડે જ દૂર બેઠેલો ગુરોવ ઊઠીને તેની પાસે પહોંચી ગયો અને પ્રયત્નપૂર્વક સ્મિત કરી ધ્રુજતા અવાજે બોલ્યો, “કેમ છો?”

એન્નાએ ગુરોવની સામે જોયું અને એકદમ અવાક્‌ બની ગઈ. તેણે નજર ફેરવી લીધી પરંતુ તરત જ ફરી તેની સામે જોયું અને જાણે તેના હોશકોશ જ ઊડી ગયા. તેને પોતાની આંખ ઉપર વિશ્વાસ નહોતો બેસતો, એક હાથમાં પંખો અને દૂરબીન એકદમ કસીને પકડી રાખ્યાં અને પોતે ફસડાઈ ના પડે તેની કાળજી રાખવા મથતી હોય એવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. થોડી ક્ષણ સુધી બંને કશું બોલ્યાં નહિ. એન્ના તેની ખુરશીમાં બેઠેલી હતી અને ગુરોવ તેની પડખે ઊભો રહ્યો હતો. એન્નાની હાલત જોઈ તે વધારે મુંઝવણમાં મૂકાઈ ગયો અને તેની બાજુની ખાલી ખુરશીમાં બેસવાની હિંમત જ ના કરી. વાયોલિન અને વાંસળીવાદકોએ સૂર મિલાવ્યા, પરંતુ આ તરફ એન્ના-ગુરોવને વાતાવરણમાં ભારે તંગદિલી જેવું લાગ્યું. બંનેને એમ લાગ્યું કે તમામ પ્રેક્ષકો તેમને જ જોઈ રહ્યાં છે. છેવટે એન્ના ઊભી થઈ અને ખૂબ ઝડપથી હૉલના એક દરવાજામાંથી બહાર નીકળી ગઈ. ગુરોવ પણ ઝડપથી તેની પાછળ ચાલ્યો. થીએટરની લૉબીમાં આગળ એન્ના અને પાછળ ગુરોવ બંને ઝડપથી ચાલતાં રહ્યાં. વચ્ચે વચ્ચે આવતા દાદર પણ ઝડપથી ચઢીને ઊતરી ગયાં. ગણવેશમાં સજ્જ સરકારી અધિકારીઓ, હાઈસ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓ, મહિલાઓ - એમ અલગ અલગ આકૃતિઓ બંનેની નજરમાંથી પસાર થતી ગઈ. એક જગ્યાએ ઘણા બધા ઓવરકોટ ટિંગાડવામાં આવેલા હતા. સૂસવાટા મારતા પવનની એક લહેરખી પણ આવી ગઈ જેમાં સિગારેટના ધૂમાડાની તીવ્ર વાસ પણ ભળેલી હતી. ગુરોવનું હૃદય અસાધારણ ગતિએ ધબકી રહ્યું હતું, તેને રોષ ચઢ્યો - આ બધું શું છે, આ બધા લોકો અને ઓર્કેસ્ટ્રાવાળા પણ - શું કરે છે અહીં બધા?

બીજી જ ક્ષણે તેને એકાએક યાદ આવ્યું કે યાલ્તામાં પોતે એન્નાને રેલવે સ્ટેશને મૂકવા ગયો અને ટ્રેન રવાના થયા પછી તેણે પોતાની જાતને કહ્યું હતું કે, હવે બધું જ પૂરું થઈ ગયું અને તેઓ બંને ફરી ક્યારેય મળી નહિ શકે. અને હવે એ અંત કેટલો દૂર જણાય છે!

એન્ના એક અંધારી સાંકડી સીડી પાસે ઊભી રહી ગઈ. ત્યાં પાટિયું માર્યું હતું બાલ્કની તરફ જવાનો રસ્તો

તેને ખૂબ હાંફ ચઢેલો હતો અને હાંફતા હાંફતા જ બોલી, “તમે તો મને ડરાવી જ દીધી હતીતે હજુ ગભરાયેલી હતી અને આઘાતની સ્થિતિમાંથી બહાર નહોતી આવી. મને એટલી બધી ડરાવી દીધી કે મારો તો જાણે જીવ જ નીકળી ગયો હતો. તમે શા માટે અહીં આવ્યા છો ? શા માટે ?”

ગુરોવે નીચા અવાજે ઝડપથી પોતાની વાત કહેવાનો પ્રયાસ કરતા કહ્યું, “એન્ના, એન્ના સમજવાનો પ્રયત્ન કર. . . મારી વાત તો . . .

ભય, કાકલુદી અને પ્રેમની મિશ્ર લાગણીઓ વચ્ચે એન્નાએ ગુરોવની સામે જોયું અને પછી એ ચહેરો કાયમ માટે પોતાની સ્મૃતિમાં અંકિત કરી લેવા માગતી હોય એમ એકીટસે તેની સામે તાકી રહી.

ગુરોવની કોઈ વાત સાંભળ્યા વિના જ એન્નાએ પોતાની વાત ચાલુ રાખી, “હું ભારે વ્યથિત છું. આખો વખત મને તમારા સિવાય બીજા કોઈનો વિચાર જ નથી આવતો. માત્ર તમારા વિચારો કરીને જ જીવન પસાર કરતી હતી. હું બધું ભૂલી જવા માગતી હતી - ત્યારે તમે અહીં શા માટે આવ્યા, શા માટે ?”

તેમનાથી થોડે આગળ સીડી ઉપર સ્કૂલના બે વિદ્યાર્થીઓ ધૂમ્રપાન કરતા હતા અને આ બંનેની સામે જોઈ રહ્યા હતા. જોકે તેમની પરવા કર્યા વિના જ ગુરોવે એન્નાને પોતાની નજીક ખેંચી લીધી અને તેના ચહેરા ઉપર, હોઠ ઉપર અને હાથ ઉપર ચૂંબનો કરવા લાગ્યો.

શું કરો છો ? આ શું કરો છો તમે?” તે અત્યંત ગભરાઈ ગઈ અને પાછી હઠી ગઈ. આપણે બંને દીવાના થઈ ગયા છીએ. આજે રાત્રે જ, આ ક્ષણે જ અહીંથી ચાલ્યા જાવ. . . ભગવાનને ખાતર બે હાથ જોડી વિનંતી કરું છું, જૂઓ કોઈ આવે છે.

દાદર ચઢીને કોઈ ઉપર આવી રહ્યું હતું.

એન્નાએ રડતાં રડતાં વિનવણીના સ્વરમાં કહ્યું, “તમારે જવું જ પડશે. મારી વાત સાંભળો છો દમિત્રિ દમિત્રિચ? તમને મળવા હું મોસ્કો આવીશ. હું અહીં જરાય ખુશ નથી. હું અત્યારે પણ ખુશ નથી અને ક્યારેય નહિ થઈ શકું. મને હવે વધારે પીડા ન આપશો. હું તમને મળવા મોસ્કો આવીશ, વચન આપું છું. અને હવે આપણે છૂટા પડવું જોઈએ, મારા પ્રિય આપણે અત્યારે અલગ થવું જોઈએ.

એન્નાએ ગુરોવનો હાથ દબાવી લાગણી વ્યક્ત કરી અને ઝડપથી દાદર ઊતરતાં ઊતરતાં સતત ગુરોવને જ જોતી રહી. તેની આંખમાં સ્પષ્ટ દેખાતું હતું કે તે ખરેખર દુઃખી હતી. ગુરોવ ત્યાંજ થોડી વાર સુધી ઊભો રહ્યો, અને લૉબીમાં પૂરી શાંતિ છવાઈ ગઈ ત્યારે પોતાનો ઓવરકોટ શોધી લીધો અને થીએટરમાંથી બહાર નીકળી ગયો.


બસ ત્યાર પછી એન્ના સર્ગેયેવ્ના ગુરોવને મળવા વારંવાર મોસ્કો આવવા લાગી. દર બે-ત્રણ મહિને તે બીમારીનું બહાનું કાઢી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવવા મોસ્કો જવું પડે એમ છે તેમ તેના પતિને કહી ઘરેથી ચાલી નીકળતી. તેનો પતિ તેની આ વાત માની લેતો, છતાં . . . તેના મનના ખૂણામાં ક્યાંક આશંકા પણ રહેતી. મોસ્કોમાં હંમેશા તે સ્લાવયાન્સ્કી બજાર હોટેલમાં ઉતરતી. ત્યાં પહોંચતાની સાથે જ હોટેલબૉય દ્વારા ગુરોવને સંદેશો મોકલાવી દેતી. ગુરોવ તેને મળવા હોટેલ પર આવી પહોંચતો અને મોસ્કોમાં આ બાબતે કોઈ કશું જાણતું નહોતું.

શિયાળાની એક સવારે એન્નાને મળવા જવા ગુરોવ નીકળ્યો ત્યારે તેની દીકરી પણ સાથે હતી કેમકે તેની સ્કૂલ રસ્તામાં આવતી હતી. (આમ તો આગલે દિવસે સાંજે હોટેલબૉય સંદેશો આપવા ગયો હતો પરંતુ ગુરોવ ઘરે મળ્યો નહોતો).

ચાલતા ચાલતા તેણે દીકરીને સામાન્ય જ્ઞાન આપ્યું, “જો બેટા હાલ શૂન્ય કરતાં ત્રણ ડિગ્રી ઊંચું તાપમાન છે છતાં હિમવર્ષા થઈ રહી છે, તેનું કારણ એ છે કે અહીં જમીન નજીક વાતાવરણ થોડું હુંફાળું છે પરંતુ જમીનથી ઉપરના વાતાવરણમાં તાપમાન અલગ હશે.
પાપા, કેમ શિયાળામાં ક્યારેય ગાજવીજ નહિ થતી હોય?”

દીકરીના આ કૂતુહલભર્યા સવાલનો ગુરોવે જવાબ તો આપ્યો અને તેની વાતોનો દોર ચાલુ હતો પરંતુ મન તો ક્યાંક બીજે જ હતું. તે પ્રિયતમાને મળવા જઈ રહ્યો હતો અને એ વાત કોઈ જાણતું નહોતું, કદાચ ક્યારેય જાણશે પણ નહિ. તે બે અલગ અલગ જીવન જીવતો હતો - એક જીવન જાહેર હતું જે બધા જોઈ શકતા હતા, પરંપરાગત સત્ય અને પરંપરાગત છળથી ભરપૂર - બરાબર તેના મિત્રો અને અન્ય સંબંધીઓ જેવું જ. તેનું બીજું જીવન ગુપ્ત હતું. કેટલાક વિચિત્ર, સંભવતઃ આકસ્મિક સંજોગોની હારમાળાને કારણે જે કંઈ મહત્ત્વનું, રસપ્રદ અને આકર્ષક હતું તે, એવી દરેક બાબતે જેના માટે તે પૂરતો ગંભીર હતો અને ક્યારેય પોતાની જાતને છેતરી નહોતી, એવી દરેક બાબત જે તેના જીવનમાં મહત્ત્વપૂર્ણ હતી - એ બધું જ તેના ગુપ્ત જીવનનો ભાગ હતું. જ્યારે તેના હિસાબે જે કંઈ અસત્ય હતું, પોતાનામાં રહેલા સત્યને ઢાંકવા જે અંચળો ઓઢી રાખ્યો હતો - જેમ કે બેંકમાં તેની કામગીરી, ક્લબમાં ચર્ચાઓ, ‘નીચી જાતઅંગેની તેની વાતો, પત્ની સાથે સમારંભોમાં હાજરી - એ બધું જ જાહેરમાં હતું. તેણે બીજાઓને પોતાની દૃષ્ટિએ મૂલવવાનું શરૂ કર્યું. પોતે જે જોતો હતો તેનાથી વિરૂદ્ધ તે એવું જ માનવા લાગ્યો કે દરેક વ્યક્તિ પોતાનું સાચું અને રસિક જીવન રાત્રિના અંધકારમાં, ગુપ્તપણે માણે છે. દરેક વ્યક્તિના અસ્તિત્વ ફરતે એક રહસ્ય ઘેરાયેલું હોય છે અને કદાચ એ કારણે જ ભદ્ર લોકો તેમના અંગત જીવનમાં કોઈની દખલ ના હોવી જોઈએ એવું ભારપૂર્વક કહેતા હોય છે.

દીકરીને સ્કૂલની અંદર મોકલી દીધા પછી ગુરોવ સીધો સ્લાવયાન્સ્કી બજાર હોટેલ પર પહોંચી ગયો. ઓવરકોટ લૉબીમાં જ ઉતારી દીધો અને દાદર ચઢી હળવેથી રૂમનો દરવાજો ખખડાવ્યો. એન્નાએ ગુરોવને સૌથી વધુ ગમતો હતો તે ગ્રે ડ્રેસ પહેર્યો હતો. પોતાના ગામથી અહીં સુધીની મુસાફરીથી તે થાકેલી હતી એટલું જ નહિ પરંતુ આગલા દિવસની સાંજથી ભારે ઉચાટથી ગુરોવની રાહ જોઈ રહી હતી. ભારે ઉદાસ હોવાથી તે સ્મિત પણ કરી શકી નહિ પરંતુ ગુરોવ રૂમની અંદર પ્રવેશે તે પહેલાં જ તેને વળગી પડી. બંનેએ એટલું પ્રગાઢ ચૂંબન કર્યું કે જાણે વર્ષો પછી મળ્યાં હોય.

તારા ગામના શા ખબર છે? કંઈ નવાજૂની છે?” ગુરોવે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો.

એક મિનિટ, હમણાં કહું છું, અત્યારે તો . . .

એ રડતી હતી તેથી કશું બોલી શકી નહિ. બીજી તરફ વળી જઈને તેણે હાથરૂમાલ આંખો પર ઢાંકી દીધો.

એ રડી લે ત્યાં સુધી રાહ જોઉંતેમ ગુરોવે મનોમન વિચાર્યું અને ખુરશીમાં બેસી ગયો.

તેણે ઘંટડી વગાડી ચા મગાવી અને ચા પીતો હતો ત્યારે એન્ના હજુ પણ બારી બહાર જોતી ઊભી રહી હતી. તે લાગણીવશ થઈ ગઈ હતી અને રડતાં રડતાં તેમના બંનેના જીવનની કરૂણતાનો વિચાર આવતો હતો, તેઓ ચોર હોય એમ માત્ર આ રીતે લોકોથી છૂપાઈને મળી શકતાં હતાં. બંનેનું જીવન કેવું છિન્નભિન્ન થઈ ગયું છે?
ગુરોવે તેને શાંત પાડવા કહ્યું, “બસ, હવે રડીશ નહિ.

એ સારી રીતે જાણતો હતો કે તેમના આ પ્રેમનો એમ કંઈ તત્કાળ અંત આવવાનો નથી. એન્ના તેને વધુને વધુ ચાહવા લાગી છે, તેની પૂજા કરે છે અને એ તેને કહેવાની હિંમત કરી શકતો નથી કે એક દિવસ તો આ બધાનો અંત આવશે જ. જો ગુરોવ આવું કહે તો પણ એન્ના તે માનવાની નથી.

ગુરોવ ઊભો થઈ એન્નાની પાસે ગયો અને તેને શાંત પાડવા તથા હળવી વાતો કરી મૂડમાં લાવવા છાતી સરસી ચાંપી લીધી, પરંતુ એ જ ક્ષણે તેનું ધ્યાન સામેના અરીસા પર પડ્યું.

તેના વાળ સફેદ થવા લાગ્યા હતા. તેને લાગ્યું કે છેલ્લાં થોડા વર્ષમાં જ પોતે એકાએક વૃદ્ધ થવા લાગ્યો હતો. તેણે જે ખભા ઉપર હાથ મૂક્યા હતા તે હૂંફાળા અને ધબકતા હતા. એન્નાના જીવન પ્રત્યે તેને દયાભાવ થયો, પરંતુ સાથે એમ પણ લાગ્યું કે પોતે જેમ વૃદ્ધ થયો છે એમ આ સ્ત્રી પણ ઉંમરલાયક થશે. તે શા માટે તેને આટલો બધો ચાહતી હતી ? પોતે જે કંઈ હતો તેના કરતાં મહિલાઓ હંમેશા તેને કંઈક જુદો જ માનતી હતી અને તેને નહિ પરંતુ તેમના મનમાં હંમેશા જે એક આદર્શ પુરુષની જે છબિ હતી તેને ચાહતી હતી. પરંતુ પછીથી તેમને પોતાની ભૂલ સમજાતી ત્યારે પણ એ મહિલાઓ ગુરોવને એવો જ પ્રેમ કરવાનું ચાલુ રાખતી. તેમાંની એકપણ સ્ત્રી તેની સાથે ક્યારેય સુખી નહોતી થઈ. સમયાંતરે તે અલગ અલગ મહિલાઓને મળતો, તેમની સાથે સંબંધ કેળવાતો અને અલગ પડી જતાં, પરંતુ કોઈની સાથે પ્રેમ નહોતો. ગુરોવ અને અન્ય મહિલાઓ વચ્ચે તમામ પ્રકારના સંબંધ હતા પણ પ્રેમ નહોતો.

અને હવે જ્યારે તેને વૃદ્ધત્વ આવવા લાગ્યું છે, તેના વાળ સફેદ થઈ રહ્યા છે ત્યારે જીવનમાં સૌપ્રથમ વખત ખરા અર્થમાં પ્રેમ થયો છે.

તે અને એન્ના સર્ગેયેવ્ના એકબીજને ખૂબ પ્રેમ કરતાં હતાં, પતિ-પત્નીની જેમ, કે પછી મિત્રો એકબીજાને ચાહે એમ. તેમને એમ જ લાગતું હતું કે તેઓ એકબીજા માટે જ સર્જાયાં છે. બંને સમજી નહોતા શકતાં કે તેમના જીવનમાં અન્ય પુરુષ પતિ તરીકે કે પછી અન્ય સ્ત્રી પત્ની તરીકે શા માટે છે. તેઓ જાણે મુક્ત વિહાર કરતાં નર અને માદા પક્ષીઓ હતાં જેમને પકડી લઈને અલગ અલગ પાંજરામાં પૂરી દેવામાં આવ્યાં હતાં. બંનેએ એકબીજાની ભૂતકાળ અને વર્તમાનની શરમજનક બાબતોને માફ કરી દીધી હતી અને તેમને લાગતું કે આ પ્રેમને કારણે તેમનામાં પરિવર્તન આવી ગયું છે.

એક સમય હતો જ્યારે ઉદાસીની ક્ષણોમાં તે પોતાની જાતને યોગ્ય દલીલો વડે આશ્વાસન આપતો, પરંતુ હવે તો તેના માટે એ દલીલોનો પણ કોઈ અર્થ રહ્યો નહોતો. હવે તેને અત્યંત સહાનુભૂતિ જાગી હતી તથા ગંભીર અને નિખાલસ થવા માગતો હતો.

ભારે મનોમંથનમાંથી બહાર આવેલા ગુરોવે એન્નાને શાંત પાડતા કહ્યું, “હવે રડીશ નહીં વહાલી. હવે શાંત થઈ જા અને ચાલ આપણે વાતચીત કરીએ. આપણે વિચારીએ કે આમાંથી શું રસ્તો નીકળી શકે તેમ છે.

ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી તેમણે તેમની હાલત વિશે, છૂપાઈને મળવાની, છળકપટ કરવાની, અલગ અલગ ગામોમાં રહેવાની અને લાંબા વખત સુધી નહિ મળી શકવાની મજબૂરી વિશે વાતચીત કરી. આ અસહ્ય બંધનોમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય તેવો સવાલ આવીને ઊભો રહ્યો.

ગુરોવ બે હાથે પોતાનું માથું પકડી લઈ વારંવાર બોલ્યો, “કેવી રીતે? કેવી રીતે? કેવી રીતે?”

અને ત્યારે બંનેને લાગ્યું કે તેઓ કોઈ નિર્ણાયક તબક્કે આવી પહોંચ્યાં છે, ત્યારપછી એક સુંદર જીવન શરૂ કરી શકશે. બંનેને એ વાત સમજાઈ ગઈ હતી કે તેમના સંબંધનો અંત તો ઘણોબધો દૂર હતો એટલું જ નહિ પરંતુ અત્યંત મુશ્કેલ હતો. છતાં, સૌથી જટિલ સમય તો હવે શરૂ થઈ રહ્યો હતો.

No comments:

Post a Comment