Friday, April 26, 2019

પ્રેરણા આપનાર, એ પ્રેરણા ક્યાંથી મેળવતા હશે?


પ્રેરણા આપનાર, એ પ્રેરણા ક્યાંથી મેળવતા હશે?


--- અલકેશ પટેલ


પ્રેરણા અર્થાત Inspiration શબ્દનું ચલણ સતત વધી રહ્યું છે. અખબારો-સામયિકોમાં પ્રેરણાના અનેક ઝરણાં વહે છે, પ્રેરણાના અનેક દીપક ઝળહળે છે. પુસ્તકોની દુનિયામાં તો આખેઆખો એક ચતુર્થાંશ વિભાગ પ્રેરણાના વિષયોથી ભરેલો છે. વૉટ્સઍપના ગુડમોર્નિંગ સંદેશાઓમાં પ્રેરણા છે તો ફેસબુક પર પ્રેરણાના ખાસ પેજ ચાલે છે. પ્રેરણાદાયક ક્વોટેશન તો જાણે એક ઉદ્યોગનું સ્વરૂપ લઈ ચૂક્યો છે.

શું કોઇએ કદી વિચાર્યું છે કે આવું શા માટે છે? આ પ્રેરણા કોણ - કોને આપે છે? પ્રેરણાની જરૂર સૌથી વધુ કોને છે – મહિલાઓને, પુરુષોને, વિદ્યાર્થીઓને, સિનિયર સિટિઝન્સને, નોકરિયાતોને, ધંધાદારીઓને...કોને? આ પ્રેરણાનો જન્મ કેવી રીતે થયો હશે? સૌથી પહેલાં કોણે - કોને પ્રેરણા આપી હશે? જો પ્રેરણા સામાન્ય લોકો તેમજ મહાન લોકોના જીવનમાંથી મળે છે તો પછી લેખકો પ્રેરણા આપે છે એવું કેમ કહેવાતું હશે? પ્રેરણાનો આટલો વ્યાપક પ્રચાર-પ્રસાર છે, તો પછી હજુ પણ અસંખ્ય લોકો શા માટે માનસિક રીતે દુઃખી, અસ્વસ્થ અને હતાશ જણાતા હશે?... અને છેલ્લો સવાલ – પ્રેરણા આપનારા પોતે ક્યાંથી પ્રેરણા મેળવતા હશે?

ઘણા બધા સવાલ થઈ ગયા. ચાલો હવે જવાબ મેળવવા પ્રયાસ કરીએ. પ્રેરણા વિશે સામાન્ય રીતે એક એવી માન્યતા છે કે દુઃખી, હતાશ લોકોને તેમની એ અવસ્થામાંથી બહાર કાઢીને ખુશ કરવા માટે પ્રેરણા જરૂરી હોય છે. આ વાત સાચી છે, પરંતુ પૂર્ણ સત્ય નથી. દલીલ તો એવી થઈ શકે કે જો બધાને રોજેરોજ નાની-મોટી પ્રેરણા મળતી રહે તો દુનિયામાં કોઈ દુઃખી કે હતાશ કે નિરાશ થાય જ નહીં. આપણે જાણીએ છીએ કે ઉપરોક્ત બંને પરિસ્થિતિમાં સત્ય અને અર્ધસત્યના અંશ રહેલા છે.

આ સંદર્ભમાં મેં વ્યક્તિગત રીતે તાજેતરમાં અનુભવેલો એક કિસ્સો જાણવા જેવો છે. સોશિયલ મીડિયા ટ્વિટર ઉપર એક દિવસ મેં એક ટ્વિટ વાંચ્યું. તેમણે લખ્યું હતું કે, હિન્દુ વિરોધી લોકોના ફૉલોઅર લાખોની સંખ્યામાં છે જ્યારે હું ઘણાં વર્ષથી હિન્દુત્વની સારી વાતો ફેલાવું છું છતાં મારા માત્ર 15 હજાર ફૉલોઅર છે.  – (#AntiHindus in India get d highest following. Mamata has 3.1M, Shashi Tharoor 6.75M, Akhilesh 9M, #RG-8.5M, Owaisi 0.5M. I have been fighting 4&projecting Hinduism 4 many yrs-& I've 15K followers! Not after power/ position&When I see Hindus going after Anti-HIndus it pains.
7:38 PM - 7 Feb 2019 from Kerala, India)
આ ટ્વિટ વાંચ્યા પછી મેં તેમની પ્રોફાઇલ તપાસી, તો તેમાં તેમની ઓળખ લખવામાં આવી હતીઃ ઇન્સ્પિરેશનલ સ્પીકર, ભૂતપૂર્વ પ્રાધ્યાપક, 35 પુસ્તકોના લેખક, સક્સેસ કોચ, ભારતને પ્રેમ કરનાર અને ધાર્મિક વિચારક.

આ પ્રોફાઇલ વાંચ્યા પછી મેં તેમને જવાબ લખ્યો કે, સર, તમે પોતે પ્રેરણાદાયક વક્તા છો તો પછી તમે આ રીતે હતાશ કેવી રીતે થઈ શકો? તમે જો આ રીતે વિચારો તો બીજાને તેમના મુશ્કેલ સમયમાં પ્રેરણા કેવી રીતે આપશો? તમારે તો માત્ર ફૉલોઅરની સંખ્યા ઓછી છે, બીજા લોકોની જેમ મુશ્કેલ સંજોગોનો સામનો નથી કરતા, છતાં તમે આટલા હતાશ કેમ? (Dear sir, As an inspirational speaker how come you lose Hope? If you think this way, how would you inspire others in their difficult times? Only lesser number of followers, and not any adverse situation of life makes you sooo depressed???)
4:15 PM - 9 Feb 2019
----------------
બે દિવસ પછી મારા ટ્વિટનો તેમણે જવાબ આપ્યો કે, હા, તમારી વાત સાચી છે. તદન સાચો મુદ્દો છે. હું મારી જાતને કરેક્ટ કરવા પ્રયાસ કરીશ. થેંક્યુ સર.  (Replying to @keshav29
Ya you are right. Very valid. I will try to correct myself. Thank you sir.
10:16 AM - 11 Feb 2019 from Kerala, India )  
(અહીં મેં જાણીજોઇને એ ભાઈની ઓળખ છુપાવી છે કેમ કે, તેમનું ખરાબ દેખાય અથવા હાંસીપાત્ર બને એવું હું જરાય નથી ઇચ્છતો.)
-----------------
હા, તો મૂળ વાત એ હતી કે, આ પ્રેરણા શું છે અને તે કોને, શા માટે જરૂર પડે? ખરેખર તો સવાલ એ છે કે, પ્રેરણાનું આ સમગ્ર તંત્ર ઊભું થવાનાં કારણો કયાં? પ્રેરણા એ જીવનની ચેતનાને ઉચ્ચસ્તરે લઈ જવા માટેનું એક મનોવૈજ્ઞાનિક તંત્ર છે. યુદ્ધના મેદાનમાં જતા સૈન્ય જવાનોને શૌર્યની પ્રેરણા આપીને તેમના મનોબળને મક્કમ બનાવી શકાય છે. પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પુરુષાર્થ તેમજ પ્રારબ્ધ બંનેમાં શ્રદ્ધા રાખવાનું જણાવીને તેમને મહાન વ્યક્તિઓનાં ઉદાહરણ આપી શકાય છે.

જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિ નિર્માણ થવાનાં કારણો પણ હોય છે. જેમ કે વધુ પડતી આશા, અપેક્ષા તથા લાલચ-લાલસા પૂરી ન થાય તો વ્યક્તિ દુઃખી થઈ જાય છે. તેના મનમાં એવી માન્યતા ઘર કરવા લાગે છે કે પોતે જે ઇચ્છે છે અથવા પોતે જે કરવા માગે છે તે થતું નથી. એવું બની શકે કે તેની આ આશા-અપેક્ષા-લાલચ-લાલસા પોતાની ક્ષમતા કરતાં વધુ હોય, પરંતુ તેને તેના વિશે સભાનતા ન હોય. પરિણામે તે દુઃખી થઈને હતાશા-નિરાશાની ગર્તામાં ધકેલાઈ જાય. તેને પરિવાર, સમાજ અને દુનિયા દુશ્મન લાગવા માંડે. તેનામાં નકારાત્મકતા ઘર કરી જતી હોય છે. આપણી આસપાસ આવા નકારાત્મક લોકોને જોતા હોઇએ છીએ જેઓ કદી, કોઇના વિશે સારું વિચારી કે બોલી શકતા નથી. તેથી જ તેમને પ્રેરણાની જરૂર હોય છે.

ઈર્ષા પણ દુઃખી લોકોનું એક કારણ છે. પોતાની પાસે બધું જ પૂરતું અને સરસ હોવા છતાં કેટલાક લોકો બીજાની સફળતા કે બીજાની પ્રગતિ જોઈ શકતા નથી. આવા લોકો ઈર્ષા કરી કરીને દુઃખી થાય છે. આવું દુઃખ નિરાશા અને હતાશામાં પણ પરિણમી શકે છે. અને તેથી જ આવા લોકોને પ્રેરણાની જરૂર હોય છે.

છેલ્લા થોડાં વર્ષથી હતાશા – નિરાશામાં ઉમેરો કરનારું પરિબળ બન્યું છેઃ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાનો ઉદ્દેશ ડિજિટલ માધ્યમથી એક-બીજાના સંપર્કમાં રહેવાનો હતો, પરંતુ તેનો ઉપયોગ વ્યક્તિગત સિદ્ધિઓ શૅર કરવા માટે થવા લાગ્યો (હું પોતે પણ તેમાંથી બાકાત નથી) અને ત્યારથી પોતાની એવી કોઈ સિદ્ધિનો પ્રચાર નહીં કરી શકતા પરિવારના કેટલાક સભ્યો અથવા કેટલાક મિત્રોને તમારી ઈર્ષા થઈ. તેમને તમારા પ્રત્યે સૂગ ઊભી થઈ કેમ કે તેમની પાસે શૅર કરવા લાયક કોઈ સિદ્ધિ નથી. સોશિયલ મીડિયા આવ્યા પહેલાં પણ સ્થિતિ તો આ જ હતી, પરંતુ ત્યારે એ બધું ખૂબ નાના વર્તુળમાં રહેતું હતું. પણ હવે સોશિયલ મીડિયાના ખૂબ વિશાળ મંચ ઉપર તમને અસંખ્ય અજાણ્યા લોકોની લાઇક્સ મળે છે, અને એ વાત બધા પચાવી શકતા નથી. આવા સંજોગોમાં પણ ઈર્ષા, નિરાશા કે હતાશા અનુભવતા કેટલાક સ્વજનો કે પછી કેટલાક મિત્રોને પ્રેરણાની જરૂર પડે છે. લાઇક્સ અને ફૉલોઅર ની સંખ્યા અનેકને બેચેન બનાવે છે, અને તેમને પ્રેરણાની જરૂર છે.

આ પ્રેરણા ક્યાંથી અને કેવી રીતે મળે? પ્રેરણા મેળવવાના સૌથી સરળ સાધન અને ઉપાયો છે – ધર્મ, ધર્મગુરુ, લેખક, કવિ, શિક્ષક, માતા-પિતા, યોગ, હાસ્ય – વગેરે.

ધર્મ સૌથી મોટું અને સૌથી અસરકારક પ્રેરકબળ છે. અને એ માટેનું પ્રેરકબળ શ્રદ્ધા છે. ઈશ્વરના કોઈપણ સ્વરૂપમાં શ્રદ્ધા રાખીને પ્રાર્થના, મનન, ચિંતન કરવાથી એક પ્રકારની માનસિક શાંતિ મળે છે અને ત્યારબાદ બીજી કોઈ પ્રેરણાની જરૂર રહેતી નથી. ધર્મગુરુઓનાં પ્રવચન આવું એક શ્રેષ્ઠ સાધન છે. લેખક અને કવિ પણ તેમનાં સર્જનો દ્વારા પ્રેરણાનાં ઝરણાં વહાવે છે અને હજારો લોકો તેમાંથી આચમન કરતા હોય છે. માતા-પિતા અને શિક્ષણ આપણી સૌથી નજીક હોય છે. તેઓ આપણા ગમા, અણગમા, સ્વભાવ અને લાક્ષણિકતાઓથી પરિચિત હોય છે અને તેથી પ્રેરણા આપવાની તેમની પદ્ધતિ પણ અલગ હોય છે. યોગ અત્યંત ઉપયોગી પ્રેરણાસ્રોત છે. યોગ કરવાથી તમામ લાગણી અને ચેતના સ્થિર થાય છે અને પરિણામે પ્રતિકૂળ સંજોગોમાં વ્યક્તિ ભાવનાઓને કાબુમાં રાખી એ સંજોગોમાંથી હેમખેમ પાર થઈ શકે છે. હાસ્ય સર્વશ્રેષ્ઠ ટૉનિક છે એવું કદાચ તમામ સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે. હાસ્યના બે મુખ્ય પ્રકાર સ્થૂળ અને સુક્ષ્મ. મોટાભાગના લોકો બેમાંથી એક જ પ્રકારનું હાસ્ય માણી શકતા હોય છે. પણ જે લોકો બંને પ્રકારના હાસ્ય માણી શકે તેવા જૂજ લોકોને પ્રેરણાના બીજા સ્રોતોની ખાસ જરૂર રહેતી નથી. એક સાથે બંને પ્રકારના હાસ્ય આપી શકે તેવા બે કલાકારોના નામ હાલ તત્કાળ યાદ આવે છે- એક તો ચાર્લી ચૅપ્લિન અને બીજા આપણા પોતાના શાહબુદ્દીન રાઠોડ. આ બંને હાસ્યકાર હોવાની સાથે ઉત્તમ કક્ષાના પ્રેરણાસ્રોતો છે એ પણ એટલી જ સાચી વાત છે.

ખેર, તો ફરી પાછા આપણે એ જ સવાલ ઉપર આવીને ઊભા રહ્યા કે, જે લોકો પ્રેરણા આપે છે એ લોકો પોતે ક્યાંથી પ્રેરણા મેળવતા હશે? તો એનો જવાબ છે – લોકોના જીવનમાંથી. શિક્ષક હોય કે લેખક, કવિ હોય કે કલાકાર- એમની પાસે જીવનને જોવાની, ઘટનાઓને જોવાની એક વિશેષ કુશળતા હોય છે. કોઈ વ્યક્તિ રાજકારણ કે સમાજજીવનમાં ટોચના સ્થાને પહોંચી હોય અથવા કોઈ વ્યક્તિએ ઉદ્યોગના ક્ષેત્રમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હોય અથવા રમતના ક્ષેત્રમાં શિખરે પહોંચ્યા હોય તો એ બધાએ એ ટોચ સુધી પહોંચવા માટે કેવા સંઘર્ષ કર્યા, કેવા સંજોગોનો સામનો કર્યો, કેવા અવરોધ પાર કર્યા...એ બધું લેખકો-પત્રકારો શોધી કાઢતા હોય છે અને લેખન દ્વારા સમાજ સુધી એ વાતો પહોંચાડીને પ્રેરણાસ્રોતના પોતે જ માધ્યમ બનતા હોય છે. શિક્ષકનું કામ લેખક કરતાં વિશેષ હોય છે, કેમ કે તેઓ આવાં અનેક લખાણ વાંચીને તેને સરળ ભાષામાં પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરતા હોય છે. દુનિયામાં એવા અનેક શિક્ષકો પણ થઈ ગયા છે અને આજે પણ છે જેઓ પોતાના સંખ્યાબંધ વિદ્યાર્થીઓમાંથી એકાદ-બે વિદ્યાર્થીઓમાં રહેલું હીર પારખી જાય છે અને એવા એક-બે વિદ્યાર્થીઓને ટોચ ઉપર પહોંચવા પ્રેરણા આપતા હોય છે. મારા પોતાના જીવનમાં મેં આવા શિક્ષકોનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારથી શરૂ કરીને છેક કૉલેજ સુધી અને ત્યારબાદ અંગ્રેજી શીખવા માટે આઈ.ઇ.એલ.ટી.એસ. (IELTS) કરતો હતો ત્યાં સુધીના મારા દરેક શિક્ષકોએ આખા વર્ગમાં મારા ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું એ મને યાદ છે. અહીં હું મારું નહીં પણ મારા એ તમામ શિક્ષકોનું મહિમાગાન કરવા માગું છું જે 50-60 વિદ્યાર્થીઓના ક્લાસમાં મારા જેવા બે-ત્રણ વિદ્યાર્થીઓ ઉપર વિશેષ ધ્યાન આપતા હતા જેથી અમે પ્રગતિની એક અલગ કેડી પકડી શકીએ. એ જ રીતે ધર્મગુરુઓ પોતે પણ ઈશ્વર પરની શ્રદ્ધા, મનન, ચિંતન અને ધર્મગ્રંથોના અભ્યાસ દ્વારા જ જ્ઞાન અને પ્રેરણા મેળવતા હોય છે. માતા-પિતા અને જૂજ મિત્રો પ્રેરણાના એવા સ્રોત હોય છે જેમના વિશે લખવા માટે ઘણી વધારે જગ્યા અને ઘણી વધારે મોકળાશ જોઇએ.

ટૂંકમાં, પ્રેરણાનો વિષય એક એવો વિષય છે જે જન્મથી શરૂ કરી મૃત્યુ સુધી દરેક તબક્કે આપણી સાથે જોડાયેલો હોય છે. જન્મ લઇએ ત્યારે નવ મહિનાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવતાં જ રડી પડીએ છીએ અને પછી ધીમે ધીમે બહારના વાતાવરણને સ્વીકારવા લાગીએ છીએ. થોડા મોટા થયા પછી બાળપણમાં વાર્તાઓ દ્વારા પ્રેરણા મેળવીએ છીએ. શાળા અને કૉલેજ દરમિયાન સામૂહિક જીવન અને પરીક્ષા આપણને પ્રેરણા આપે છે. કારકિર્દીનો સંઘર્ષ અને લગ્નજીવન સમાંતર ચાલે... અને એ બધા જ અનુભવો વૃદ્ધાવસ્થા દરમિયાન માર્ગદર્શન કરે છે. મૃત્યુ થાય ત્યારે પરિવાર અને સમાજ આપણા વિશે કેવા અભિપ્રાય ધરાવે છે તેના આધારે બીજા લોકોએ પ્રેરણા મેળવવી કે નહીં તે નક્કી થાય છે.

છતાં, આ સમગ્ર પ્રેરણાકથાનો અંતિમ સાર એટલો જ છે - સંસાર છે, ચાલ્યા કરે.
(મારો આ લેખ સુરતની પ્રકાશન સંસ્થા "સાહિત્ય સંગમ"ના મુખપત્ર "સંવેદન" ના માર્ચ 2019 (પ્રકાશન એપ્રિલ 2019) માં પ્રકાશિત થયો છે.)

No comments:

Post a Comment