Tuesday, April 9, 2019

તમાશાનું પત્રકારત્વ અને પત્રકારત્વનો તમાશો


તમાશાનું પત્રકારત્વ
અને
પત્રકારત્વનો તમાશો
--- અલકેશ પટેલ

(1)     મોર કળા કરતો હોય ત્યારે આગળથી તો બધું સુંદર દેખાય, દિલ બાગ-બાગ થઈ જાય...પણ પૂંઠેથી એ નગ્ન હોય છે.
(2)    મદારી ખેલ બતાવે ત્યારે લોકો તાળીઓ તો પાડે...પણ ખેલ પૂરો થઈ ગયા પછી બધા પોતપોતાના કામમાં લાગી જાય છે, મદારીને કોઈ યાદ રાખતું નથી.
(3)    કોઈ વ્યક્તિ સામેની વ્યક્તિના કપડાં ઊતારે ત્યારે પોતે બહાદુર હોય એવું એને મનોમન લાગે...પણ પોતે અરીસામાં જૂએ તો પોતે પણ નગ્ન જ હોય છે.

ગુજરાતી પત્રકારત્વને આ ત્રણે ઉદાહરણ સંપૂર્ણ ફીટ બેસે છે. અહીં પત્રકારત્વને બદલે પટ્ટાબાજી કરવામાં લોકોને વધારે આનંદ આવે છે. અને મઝાની વાત એ છે કે, એ પટ્ટાબાજી જોઈને લોકો ખીખીયારીઓ કરીને તાળીઓ પણ પાડે છે..! વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ તથા રાષ્ટ્રવાદ વિરોધી માનસિકતાના આ બધાં પરિણામ છે. હું તો ઉપર નહીં પહોંચું... પણ તનેય નહીં જ પહોંચવા દઉં – એવો ક્રુર અને ઝેરી રોગ ભારતીયોની સૌથી મોટી ખામી છે.

હિન્દી કવિ દુષ્યંત કુમારે તો એક પથરો ઉછાળવાનું કહ્યું હતું, બીચારા એ કવિને ખ્યાલ નહોતો કે એક વ્યક્તિ, એક પક્ષ અને એક ધર્મને અપમાનિત કરવાની લ્હાયમાં ગુજરાત અને ભારતના પત્રકારો-લેખકો-સીબીડી પત્રકારો-સીબીડી રાજકીય વિશ્લેષકો એક-બીજા ઉપર પથ્થરમારાના ફૂલટાઈમ વ્યવસાયમાં લાગી જશે..!

ગુજરાતી પત્રકારત્વને તેની પ્રાયોરિટી-પ્રાથમિકતા શી છે એની કદી ખબર પડી જ નથી. ગુજરાતી પત્રકારત્વની બીજી એક સૌથી ગંભીર ખામી એ રહી છે કે અહીં પત્રકાર અને કૉલમ લેખક વચ્ચેના તફાવત વિશે ભારોભાર અજ્ઞાન પ્રવર્તે છે.
પણ મારી ચિંતાનો વિષય આ બીજો મુદ્દો નથી. મારી ચિંતાનો વિષય પહેલો મુદ્દો છે. પ્રાયોરિટીનો-પ્રાથમિકતાની સમજ વિશેનો. મૂળભૂત પ્રશ્નો વિશે સંશોધન કરીને લખવાને બદલે ગુજરાતી પત્રકાર એક-બીજાને આંટી દેવાની ફિરાકમાં વધારે હોય છે. કોઈ લેખકને કોઈ પત્રકાર સાથે વાંધો હોય તો એ કૉલમ દ્વારા નિશાન તાકી દે, અને કોઈ પત્રકારને લેખક સાથે વાંધો હોય તો એ એનો ખેલ પાડી દેવા ત્રાગાં કરે.

રાજકીય પક્ષની પીઠ ઉપર બેસીને આવેલા ડાબેરીઓએ શિક્ષણ, પત્રકારત્વ, ઉદ્યોગો તેમજ સરકારી નોકરીઓના ક્ષેત્રોમાં વાતાવરણ એ હદે દૂષિત અને ઝેરી બનાવી દીધું છે કે આજના જમાનામાં પત્રકારત્વના બિલ્લા પહેરીને ફરતા અસંખ્ય લોકોને ખબર જ નથી કે રાષ્ટ્ર કોને કહેવાય, રાષ્ટ્રનો સાચો ઇતિહાસ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, આક્રમણખોરો કોને કહેવાય અને એ આક્રમણખોરો સામે બહાદુરીપૂર્વક લડેલા સાચા નાયકો કોણ છે?

પત્રકાર અને તંત્રીના બિલ્લા લગાવીને ફરતા અસંખ્ય લોકો ડાબેરીઓના બ્રેકિંગ ઈન્ડિયા કાવતરામાં એવા સપડાયેલા છે કે તેમને રાષ્ટ્રને લગતી કોઈ વાત સાચી લાગતી જ નથી. આ પત્રકાર અને તંત્રીના બિલ્લાધારીઓ હકીકતે જૈવિક (બાયોલોજિકલ) મિડલમેન જેવા બની ગયા છે. આ બાયોલોજિકલ મિડલમેનોને સેક્યુલારિઝમના નામે જેહાદીઓ વહાલા લાગે છે, પણ જયશ્રી રામ બોલનારાને હિંસક ગણાવી ધૂત્કારી નાખે છે.

--- આ બાયોલોજિકલ મિડલમેનો ભ્રષ્ટાચારની ચાર્જશિટમાં શેખર ગુપ્તાનું નામ આવે તો તરત તેના બચાવમાં કૂદી પડે છે કે – ના, ના, આવું કશું નથી. હજુ આરોપ સાબિત થયો નથી. આ તો મોદીની કિન્નાખોરી છે... વગેરે વગેરે વગેરે. પણ એ જ બાયોલોજિકલ મિડલમેનો રાફેલના કાલ્પનિક કૌભાંડ અંગે દિવસ-રાત ચોવીસે કલાક મોદી સામે આંગળીઓ ચીંધવામાં પાછીપાની નથી કરતા.

--- માયાવતી-અખિલેશ જાહેરસભામાં મુસ્લિમોને – મુસ્લિમો તરીકે સંબોધીને એક તરફી મતદાન કરવા ભાષણ કરે ત્યારે બિલ્લાધારી પત્રકાર-તંત્રીઓ મોળા પડી જાય છે... પણ ભાજપ કે સંઘનો કોઈ નેતા હિન્દુ શબ્દ પણ બોલે તો એ જ બિલ્લાધારી પત્રકાર-તંત્રીઓમાં શૂરાતન ચઢી જાય છે. આવું શા માટે...એ વિશે કોઈએ કદી વિચાર્યું છે ખરું?

--- આ બાયોલોજિકલ મિડલમેનો ભગવાન રામના અસ્તિત્વ સામે પ્રશ્ન કરતા કોંગ્રેસના સોગંદનામા સામે પોતાનું મોં પૂંઠમાં નાખીને બેસી જાય છે. આ મિડલમેનો દેશના સંસાધનો ઉપર મુસ્લિમોનો પહેલો અધિકાર છે એવું વડાપ્રધાનપદે બેઠેલો માણસ – મનમોહનસિંહ બોલે ત્યારે એ રાજકીય પક્ષે આપેલી બ્લેક લેબલની બૉટલો ખોલીને રૂમમાં ભરાઈ જાય છે, પરંતુ ભૂલેચૂકે મોદી કે યોગીના મોંમાંથી હિન્દુ શબ્દ નીકળી જાય તો એ જ પત્રકારો-તંત્રીઓ ખાવા-પીવાનું-અન્ય કુદરતી ક્રિયાઓ બધું જ બંધ રાખીને મોદી-યોગીની ખાલ ઊતારવાની હદે પાછળ પડી જાય છે. આવું શા માટે...એ વિશે કોઈએ કદી વિચાર્યું છે ખરું?

--- પત્રકાર-તંત્રીના સ્વાંગમાં બેઠેલા આ બાયોલોજિકલ મિડલમેનો એક વિદેશી સામ પિત્રોડાના પાકિસ્તાન-પ્રેમ સામે, રાજકીય પક્ષના જેહાદીઓ અને કાશ્મીરી ત્રાસવાદીઓ પ્રત્યેના પ્રેમ સામે સવાલ કરવા તૈયાર નથી, પણ મોદી કે ભાજપ ભારતીય લશ્કરના વખાણ કરે અથવા વિંગ કમાન્ડર અભિનંદનને બચાવી લાવે તો પણ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનના વખાણ કરવામાં શરમ નથી અનુભવતા. આવું શા માટે...એ વિશે કોઈએ કદી વિચાર્યું છે ખરું?

--- બ્રેકિંગ ઈન્ડિયાનાં પરિબળોએ પત્રકારત્વને એ હદે નપુંસક બનાવી દીધું છે કે, કર્ણાટકમાં કોંગ્રેસી શાસન હેઠળ ગૌરી લંકેશની હત્યા થાય તો પણ તરત જ હિન્દુઓ અને ભાજપ તરફ આંગળીઓ ચીંધી દેશે... પણ કેરળમાં ડાબેરીઓ અને પશ્ચિમ બંગાળમાં મમતાના શાસન હેઠળ ભરબપોરે ગુંડાગીરી અને હિન્દુ કાર્યકરોની હત્યા થાય છે છતાં બાયોલોજિકલ મિડલમેનોને દેખાતું જ નથી. આવું શા માટે...એ વિશે કોઈએ કદી વિચાર્યું છે ખરું?

--- આ અને આવા બીજા અનેક મુદ્દા છે -જેમ કે, આઠ રાજ્યોમાં લઘુમતીમાં આવી ગયેલા હિન્દુઓ, વસતી વધારો, રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી, એ ઘૂસણખોરીને કારણે દેશના સંસાધનો ઉપર પડતો બોજ, એ ઘૂસણખોરીને કારણે દેશમાં રોજગારીની ખોરવાતી તકો, લવ જેહાદ, લેન્ડ જેહાદ... આવા કોઈ મુદ્દાની પ્રાથમિકતા દેખાતી નથી.

--- કુલ મળીને સેક્યુલારિઝમના ડંખથી આંધળી બની ચૂકેલી આ પ્રજાતિને હિન્દુત્વ અને ભારતીયતાની દરેક બાબત સામે વાંધો છે. હિન્દુત્વ અને ભારતીયતાની વાત કરનાર દરેકને અપમાનિત કરીને તેમને એ માર્ગમાંથી દૂર કરી દેવા આખી અર્બન નક્સલ સેક્યુલર ટોળકી સક્રિય થઈ જાય છે.
પણ તેની સામે ડાબેરીઓ અને રાજકીય પક્ષે પીવડાવેલા સેક્યુલારિઝમના અફીણની અસરમાં રહેતા અને પત્રકારત્વના ખોળિયામાં ફરતા આ મિડલમેનો દરેક સમસ્યા માટે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને જવાબદાર ઠેરવે ત્યારે દુઃખ નહીં પણ સખત આક્રોશ જન્મે છે.

સામે પક્ષે હિન્દુઓના કોઈ સંગઠન કે એવા કોઈ બાહોશ રાષ્ટ્રવાદી જોવા નથી મળતા જે રાષ્ટ્રવાદી પત્રકાર-તંત્રી-લેખકોના બચાવમાં ઊભા રહે..!

સેક્યુલારિઝમના ઝેરમાં લપેટાયેલા આ પત્રકારો-તંત્રીઓને એટલી પણ અક્કલ નથી રહી કે, -જે હિન્દુત્વ કણ કણમાં ભગવાનનું અસ્તિત્વ જૂએ છે, જે હિન્દુત્વ બ્રહ્માંડના તમામ કુદરતી સ્રોતોને ઈશ્વરનું સ્વરૂપ માને છે- એ હિંસક હોઈ જ કેવી રીતે શકે? એટલે જ એમને હું જૈવિક મિડલમેન તરીકે સંબોધું છું. કેમ કે આ લોકો જાતે વિચારવાની ક્ષમતા જ ગુમાવી ચૂક્યા છે.

આ જૈવિક મિડલમેન પ્રજાતિ એ સમયે ખુશ થાય છે જ્યારે કોઈ રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની તરફેણમાં લખતા લેખકની કૉલમ બંધ થઈ જાય. સેક્યુલારિઝમની નાગચૂડમાં ફસાયેલી પત્રકારત્વની પ્રજાતિની દયા આવે છે. દયા એટલે આવે છે કે આ પ્રજાતિ દૂરનું જોઈ શકતી નથી.

મગજમાં સેક્યુલારિઝમનું ભૂસું ભરેલી પત્રકાર-તંત્રી નામની પ્રજાતિને એ સમજ જ નથી પડતી કે હજારો વર્ષ જૂનો સનાતન ધર્મ તેની સહિષ્ણુતાને કારણે જ સતત સંકોચાતો રહ્યો છે અને તેની સામે 2000 વર્ષ પહેલાં અને 1400 વર્ષ પહેલાં એક-એક પુસ્તકના આધારે અસ્તિત્વમાં આવેલા ધર્મો આજે દુનિયાના આટલા બધા દેશોમાં છે તો એ ફેલાયા કેવી રીતે હશે? પોતાના ધર્મ અને ઈતિહાસની જાણકારી અને ગૌરવ ન હોય એવા પત્રકારત્વને પત્રકારત્વ કહેવાય ખરું?
---------------

પત્રકારત્વની આ સ્થિતિનું કારણ મને તો એ લાગે છે કે, ગુજરાતી પ્રજા મૂળભૂત રીતે વેપારી માનસ ધરાવતી પ્રજા છે. અને વેપારમાં તો ભઈ એક-બીજાની સ્પર્ધા અને ગળાકાપ હરીફાઈ અને એવું જ બધું હોયને!!! આમાં વેપાર કે વેપારીવર્ગની કોઈ અવમાનના નથી, કેમ કે સ્પર્ધા એ વેપારનો મૂળ આધાર છે... પણ એ વૃત્તિ કથિત પત્રકારત્વમાં ઘૂસી ગઈ છે તેની સામે મારો આક્રોશ છે.

ખેર... તો હવે હાલ આ બધી વાતો શા માટે? અને આ ગુજરાતી પત્રકારત્વમાં આ બધું શરૂ ક્યારે અને કેવી રીતે થયું?

મારું પોતાનું પત્રકારત્વ 30 વર્ષનું છે, પણ મને અનુભવ 50 વર્ષનો છે, કેમ કે હું જ્યારે પત્રકારત્વમાં આવ્યો ત્યારે મારા જે સિનિયર્સ હતા તેમણે 2-5 વર્ષથી લઈને 20 વર્ષ સુધીનું પત્રકારત્વ કરી લીધું હતું. અને એ રીતે મને મારી આગળના એ 20 વર્ષના ગુજરાતી પત્રકારત્વની પણ થોડી ઘણી ખબર છે.
અગાઉના એ 20 વર્ષના પત્રકારત્વ વિશે ખાસ કંઈ કહેવું નથી, કેમ કે ત્યારે દેશમાં હજુ ભાજપનું કોઈ વજૂદ નહોતું અને તેથી રાજકીય પક્ષને પોતાના રાજકીય અસ્તિત્વ વિશે કોઈ ચિંતા નહોતી. અને એટલે રાજકીય પક્ષે ત્યારના પત્રકારોને ભાજપની વિચારસરણીથી પ્રભાવિત થતા રોકવા માટે ખાસ કોઈ મહેનત કરવી પડતી નહોતી. બધાનું સહિયારું ચાલ્યા કરતું હતું.

પણ ત્રીસેક વર્ષમાં, ખાસ કરીને એલ. કે. અડવાણીની રથયાત્રા પછી દેશની સાથે સાથે ગુજરાતમાં પણ રાજકીય ચિત્ર બદલાવાનાં લક્ષણો  ક્ષિતિજે ડોકાવાં લાગ્યાં હતાં. અને દેખીતી રીતે તે સમયના રાજકીય પક્ષોને પણ તેનો રાજકીય હરીફ ઊભો થઈ રહ્યો હોવાની ગંધ આવી ગઈ હતી. ભાજપ જો લોકપ્રિય થાય તો પોતાનું અસ્તિત્વ જોખમાય એ 1980ના દાયકાના અંત સુધીમાં કેટલાક રાજકીય પક્ષોને ખબર પડી ગઈ હતી.

અને ત્યારે પત્રકારો અને તંત્રીઓને સાચવી લેવાનો યુગ શરૂ થયો. ભાજપ તો હજુ નવોસવો હતો. તેના દિમાગમાં રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ ફેલાયેલું હતું એટલે તેની પાસે ત્યારે પત્રકારો અને તંત્રીઓને સાચવી લેવાની કોઈ સૂઝ પણ નહોતી. પત્રકારો અને તંત્રીઓ આ રીતે એક ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા સચવાતા ગયા અને તેની સમાંતર ડાબેરી કાવતરાના ભાગરૂપે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની વાતો કેટલી ખતરનાક છે એવો તદ્દન ખોટો નૅરેટિવ તે સમયના પત્રકારત્વના વિદ્યાર્થીઓમાં, નવા-સવા યુવાન પત્રકારોમાં અને કૉલેજોમાં અને કલાકાર મંડળોમાં ઘૂસાડવાની શરૂઆત થઈ ગઈ.

ડાબેરીઓ અને અન્ય રાજકીય પક્ષોના આ ખેલ દેશ આખામાં તો ઘણાં વર્ષ પહેલાં જ શરૂ થઈ ગયા હતા, ગુજરાતમાં 80ના દાયકાના અંતે શરૂ થયા.

--- જે નિષ્પાપ હોય એ પહેલો પથરો મારેઃ-
 
બુદ્ધના નામે એક લોકવાયકા પ્રચલિત છે કે એમણે એવું કહ્યું હતું કે, જે પાપી ન હોય એ પહેલો પથરો મારે. હંમેશાં રાજકારણ, રાજકારણીઓ (ખાસ કરીને ભાજપના) સામે આંગળીઓ ચિંધ્યા કરતા પત્રકારત્વ અને તંત્રીના બિલ્લાધારીઓ પોતે કેટલા નીતિમય છે? પોતે કેટલા પ્રામાણિક છે?

ટોલ-ટેક્સના 50-100 રૂપિયા બચાવવા મરણિયા થતા એ કથિત પત્રકાર-તંત્રીના બિલ્લાધારીઓ કોઈ રાજકારણી (તેમાંય ખાસ કરીને ભાજપના રાજકારણી) એવું કરે ત્યારે અડધી રાત્રે પણ એ ટોલ-ટેક્સના નાકા ઉપર જઈને રિપોર્ટિંગ કરવા ઉત્સાહી હોય છે. (અહીં વારંવાર હું કથિત પત્રકાર-તંત્રીઓના ટાર્ગેટ ઉપર રહેતા ભાજપના રાજકારણીઓની વાત એટલા માટે કરું છું કે, હજુ એકાદ અઠવાડિયા પહેલાં ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા વાડરા-ગાંધીનો ખૂબ મોટો કાફલો ટોલ-ટેક્સ ચૂકવ્યા વિના નીકળી ગયો...તેની સામે અડધી રાત્રે રિપોર્ટિંમાં પહોંચીને બરાડા પાડવાની કે પછી બીજા દિવસે કે ત્યારપછી પણ તે વિશે દેશને જાણ કરવાની આ બાયોલોજિકલ મિડલમેનોએ દરકાર નહોતી કરી)

--- આ બિલ્લાધારી બાયોલોજિકલ મિડલવાળાઓને તકલીફ ક્યાં પડી?

1980 પછી, અર્થાત ભાજપના ઉદય પછી સ્થાપિત હિતો ધરાવતા રાજકીય પક્ષોને પોતાનું રાજકીય જોખમ લાગતાં જે રીતે પહેલાં બિલ્લાધારી અને પછી ગમે તે સીબીડી પત્રકારોને કોર્નરકરવાનું શરૂ કર્યું. આ બધાને ત્યાં નિયમિત કવર પહોંચવા લાગ્યા. આ બધા માટે નિયમિત વાર્ષિક પ્રવાસનું આયોજન થવા લાગ્યું. આ બધાની ચિઠ્ઠીઓને આધારે મામકાઓની બદલીઓ અને કોન્ટ્રેક્ટ મળવાની ગોઠવણ થવા લાગી. 1989થી 1999 સુધીમાં આ બધી જ વ્યવસ્થા પાકી થઈ ગઈ હતી. પત્રકારોની એક જડબેસલાક ઇકો-સિસ્ટમ રાજકીય પક્ષે ગોઠવી દીધી.

ગામની સામે, સિસ્ટમની સામે હાકોટા પાડતા પત્રકારો પોતાના માલિકો અથવા મીડિયા હાઉસ દ્વારા આપવામાં આવતા સાવ નજીવા પગાર સામે હરફ ઉચ્ચારી શકતા નહોતા. આ હાલતનો રાજકીય પક્ષે ભયંકર ગેરલાભ ઉઠાવ્યો અને બંનેને પરસ્પર વ્યવહાર (ઇકો-સિસ્ટમ) માફક આવી ગઈ.
ગુજરાત વિધાનસભા અને સચિવાલયઃ

2001 સુધી ગુજરાતમાં પત્રકારો રાજા હતા. વિધાનસભા અને સચિવાલયમાં 56ની છાતી રાખીને ફરી શકતા. ગમે તે પ્રધાન અને ગમે તે સચિવની કૅબિનમાં બે-રોકટોક આવન-જાવન કરી શકતા. એ જ કૅબિનમાં બેસીને એ જ મંત્રી અથવા સેક્રેટરીના ફોનનો ઉપયોગ કરીને કેન્ટિનમાંથી ચા-નાશ્તો જે જોઇએ તે મગાવી શકતા. (બિલ કોણે ચૂકવવાનું...તેની કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર લાગે છે?)

પણ એક દિવસ આ બધો વૈભવ અને રાજાશાહી ઠાઠ એકાએક બંધ થઈ ગયા. સચિવાલય અને તેમાંય ખાસ કરીને સીએમ ઑફિસ – મુખ્યપ્રધાન કાર્યાલયની આસપાસ નિયંત્રણ મૂકાઈ ગયા.

બસ એ દિવસથી ગુજરાતમાં અને ત્યારપછીની 2002ની ઘટના પછી દેશના મીડિયામાં નરેન્દ્ર દામોદરદાસ મોદી વિલન બની ગયા. મીડિયામાં એકાએક સેક્યુલારિઝમ ટ્રેન્ડ કરવા લાગ્યું. સચિવાલયમાં ફાઇલોના પ્રાથમિકતા આપવાના પ્રયાસો, બદલી કરાવવા કે બદલી રોકવાના મહાન મીડિયાકર્મીઓને માઠું લાગી ગયું. તેઓ આ મુદ્દે તો નરેન્દ્ર મોદી સામે બોલી શકે તેમ નહોતા..! તો પછી એ માણસને કેવી રીતે બદનામ કરવો? અને એમને મળી ગયું સેક્યુલારિઝમનું પૂંછડું, અને એ લોકોએ આજ સુધી છોડ્યું નથી. 

હકીકતે, મૂળ બળાપો અંગત કારણોસર છે...પણ એ તો જાહેર કરાય નહીં... એટલે મોટાભાગના મીડિયાના મિત્રો સેક્યુલારિઝમના કુછંદે ચઢીને મોદી, ભાજપ, સંઘ, વિહિંપ, રાષ્ટ્રવાદીઓ અને જમણેરી વિચારધારા ધરાવતા પત્રકારો-લેખકોને કોઇને કોઈ રીતે નિશાન બનાવ્યા કરે છે - બસ આટલું નાનું સત્ય દેશના સામાન્ય નાગરિકોએ સમજી લેવાનું છે. બાકી બધું તમને આપોઆપ સમજાઈ જશે.

23 મે, 2019ના દિવસે આવા તમામ નકલી-દંભી-મધ્યમમાર્ગી સેક્યુલરોના આત્માને શાંતિ મળે એ માટે હૃદયના ઊંડાણથી પ્રાર્થના.  

--- પથ્થરનો છેડો વાગે હોં...
હિન્દી ભાષાના કવિ દુષ્યંત કુમારે તો એક પથરો ઉછાળવાનું કહ્યું હતું, બીચારા એ કવિને ખ્યાલ નહોતો કે એક વ્યક્તિ, એક પક્ષ અને એક ધર્મને અપમાનિત કરવાની લ્હાયમાં ગુજરાત અને ભારતના પત્રકારો-લેખકો-સીબીડી પત્રકારો-સીબીડી રાજકીય વિશ્લેષકો એક-બીજા ઉપર પથ્થરમારાના ફૂલટાઈમ વ્યવસાયમાં લાગી જશે..!(C)અલકેશ પટેલ

No comments:

Post a Comment