Saturday, April 13, 2019

ચૂંટણી યુદ્ધ નથી, પણ આ ચૂંટણી યુદ્ધથી ઓછી પણ નથી



ચૂંટણી યુદ્ધ નથી, પણ આ ચૂંટણી યુદ્ધથી ઓછી પણ નથી

--- નિવૃત્ત લશ્કરી અધિકારીઓને ચૂંટણીના કીચડમાં ખેંચીને કોંગ્રેસે ઘણું મોટું પાપ કર્યું છે. મતદાનનો હજુ એક જ તબક્કો પત્યો છે, બીજા છ તબક્કા બાકી છે. સ્થિતિ અતિશય ચિંતાજનક છે. મરણિયા થયેલા વિપક્ષો ચૂંટણીને વધારે સ્ફોટક બનાવી રહ્યા છે. હવે સાચો નિર્ણય લેવાની સઘળી જવાબદારી મતદારો ઉપર આવી પડી છે

-- અલકેશ પટેલ
2018ના પ્રારંભે, એટલે આજથી એક વર્ષ કરતાં વધારે સમય પહેલાં પ્રખર રાષ્ટ્રવાદી એનઆરઆઈ ડેટા-સાયન્ટિસ્ટ ગૌરવ પ્રધાને જ્યારે કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી એક પ્રકારે યુદ્ધ જેવી હશે, ત્યારે કેટલાકને એ વાત મજાક લાગી હતી, તો કેટલાકે ગંભીરતાથી લીધી હતી. ગૌરવ પ્રધાનનો તર્ક એકદમ સ્પષ્ટ હતો કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સત્તા મેળવવા માટે કંઇપણ કરશે...ગમે તે હદે જશે.
મતદાનનો હજુ એક તબક્કો પૂરો થયો છે અને બીજા છ તબક્કા બાકી છે ત્યારે એ એનઆરઆઈ ડેટા-સાયન્ટિસ્ટની વાત સાચી પડી રહી હોય એવું લાગે છે. ગઇકાલે 12 એપ્રિલને શુક્રવારે 154 જેટલા ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ-સૈન્ય જવાનોના નામે જે રીતે એક નકલી પત્ર ફરતો થયો અને તેને કોંગ્રેસ પક્ષ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ થઈ જ ગયું હતું કે કોંગ્રેસ સહિત વિપક્ષો આ ચૂંટણીને કઈ દિશામાં લઈ જવા માગે છે.
આપણે સૌ જાણીએ છીએ કે, કોંગ્રેસે આ નકલી પત્ર વાઇલર કર્યો તેના થોડા જ કલાકમાં ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ એસ.એફ. રોડ્રિગ્સ તથા હવાઈ દળના ભૂતપૂર્વ વડા ઍરચીફ માર્શલ એન.સી. સુરી સહિત અનેક અધિકારીઓ તેમજ લશ્કરી જવાનોએ તેમની જાણ બહાર આ પત્રમાં તેમના નામો લખાયા હોવાનો ખુલાસો કર્યો હતો. બાકી રહેલા જે ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિકોએ ખુલાસો નથી કર્યો એમાંના કેટલાક કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, કેટલાક આમ આદમી પાર્ટી (કેજરીવાલ) સાથે સંકળાયેલા છે અને કેટલાક માનવ અધિકારના ઝંડા લઈને ફરતી સિવિલ સોસાયટી સાથે સંકળાયેલા છે. સિવિલ સોસાયટીના આ કથિત માનવ અધિકાર ઝંડાધારીઓએ ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં હુર્રિયતના અંતિમવાદી નેતાઓ ગીલાણી, મીરવાએઝ વગેરેની મુલાકાત લઇને તેમની મહેમાનગતિ માણી હતી. (આ ટોળકીએ કદી વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની મુલાકાત લીધી નથી...એ સૌએ યાદ રાખવું જોઇએ)
ખેર, તો હવે મતદારોએ વિચારવાનું એ છે કે, લશ્કરી દળોની ખરેખર ચિંતા કોને છે – (1) ચૂંટણી ઢંઢેરામાં ભારતીય લશ્કરી દળોને અત્યાચારી અને બળાત્કારી કહેનારને? (2) જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓ ઉપરાંત પાકિસ્તાની એજન્ટોની સામે લડનાર સશસ્ત્ર દળોને આપવામાં આવેલો વિશેષ આફસ્પા (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પ્રોટેક્શન પાવર્સ ઍક્ટ) રદ્દ કરીર દેવાની વાત કરનારાઓને? (3) વર્તમાન લશ્કરી વડા જનરલ બિપીન રાવતને સડકછાપ ગુંડા કહેનારને? (4) સાથી સૈનિકો તેમજ પંચાયત અન્ય સરકારી કર્મચારીઓના રક્ષણ માટે એક વ્યક્તિને જીપ સાથે બાંધનાર બાહોશ લશ્કરી અધિકારી મેજર જન. ગોગોઈ સામે કેસ ચલાવવાની માગણી કરનારને? (5) કે પછી છ દાયકા (60 વર્ષ) સુધી લશ્કરી જવાનોને બૂલેટ-પ્રુફ જૅકેટ તથા આધુનિક શસ્ત્રો નહીં આપનારને? (6) આત્મરક્ષણ માટે પગલાં લેનાર લશ્કરી જવાનોને હત્યાને કેસમાં જેલમાં પૂરનારને? (7) કે પછી ત્રાસવાદીઓને પકડી પાડવા માટે લશ્કરી ફરજના ભાગરૂપે ગુપ્ત ઑપરેશનમાં ભાગ લેનાર મેજર જન. પુરોહિતને હિન્દુ આતંકવાદી ચીતરીને તેમને જેલમાં પૂરનારને?
આ તમામ સવાલનાં મૂળ 2014 સુધીની સ્થિતિના છે. ત્યારપછી જે કંઈ બદલાયું તે ભારતવાસીઓની સામે છે. લશ્કરી દળોનું સન્માન વધ્યું છે એટલું જ નહીં પરંતુ તેમનાં વેતન-ભથ્થાંમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઓઆરઓપી લાગુ થઈ ગયું છે તો દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે વિશાળ અને ભવ્ય યુદ્ધ સ્મારક પણ રાષ્ટ્રને સમર્પિત થઈ ગયું છે. બૂલેટ-પ્રુફ જૅકેટ તથા આધુનિક શસ્ત્રો સૈન્ય દળોને મળવા લાગ્યા છે તો દુશ્મનો સામે પગલાં લેવા માટે સરકારની વિનંતીની રાહ જોવી નથી પડતી.
હકીકતે છેલ્લા પાંચ વર્ષમાં તમામ ક્ષેત્રમાં દેશ એટલો વાઇબ્રન્ટ થઈ ગયો છે કે અમુક રાજકીય પક્ષોને ભારતની પ્રજાની આ જાગૃતિ પસંદ નથી પડતી. રાજકીય પક્ષો એ વાત સહન જ નથી કરી શકતા જે પોતે 60-65 વર્ષ સુધી જે પ્રજાને ઘેનમાં રાખી હતી તે પ્રજા એકાએક આટલી બધી સમજદાર કેવી રીતે થઈ ગઈ..!
અને આ ફ્રસ્ટ્રેશનમાં – આ હતાશામાં રાજકીય પક્ષોને કોઇપણ ભોગે વર્તમાન શાસનને બદનામ કરી દેવા, કોઇપણ ભોગે વર્તમાન શાસનને હરાવી દેવા તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે. દેશને ચિંતા એ વાતે થવી જોઇએ કે સરકાર વિરુદ્ધ હુમલા કરવા માટે રાજકીય પક્ષો દ્વારા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશનો દરેકે દરેક મતદાર અત્યંત સમજદાર છે. તેને ખબર છે કે કોના હૈયામાં દેશહિત વસેલું છે અને કોનો એજન્ડા પાકિસ્તાન-તરફી છે?

No comments:

Post a Comment