Tuesday, April 30, 2019

2019ની ચૂંટણી આ પાંચ કારણસર નિર્ણાયક




2019ની લોકસભાચૂંટણી આ પાંચ કારણસર નિર્ણાયક બનવી જોઇએ

--- ભારત એક વિશિષ્ઠ પ્રકારના સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહ્યો છે. સદીઓ પછી ભારતના મૂળ નાગરિકને એવું લાગ્યું છે કે દેશના વિકાસ અને ઉન્નતિમાં પોતે સહભાગી થઈ શકે છે. સદીઓ પછી આ દેશના મૂળ નાગરિકને એવું લાગ્યું છે કે 2014નો તેનો નિર્ણય સંપૂર્ણ યોગ્ય હતો, પણ હવે 2019માં શું..!

-- અલકેશ પટેલ

2019ની લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દા અગત્યના છે? – મારા મતે (1) કલમ 370 અને 35-A, (2) કૉમન સિવિલ કોડ (સમાન નાગરિક કાયદો), (3) વસ્તી નિયંત્રણ કાયદો, (4) રામ મંદિર તથા (5) મંદિરો ઉપર સરકારી નિયંત્રણનો અંત. આ મુદ્દા શા માટે અગત્યના છે એ અંગે વિસ્તારથી વાત કરીએ.

કલમ 370 અને 35-એઃ

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આ કલમોએ હકીકતે દેશની અંદર એક દેશ જેવી સ્થિતિ પેદા કરેલી છે. લઘુમતી તૃષ્ટિકરણથી પીડિત નહેરુની સરકારે 1954માં કોઇપણ સંસદીય પ્રક્રિયા કર્યા વિના માત્ર રાષ્ટ્રપતિના વટહુકમથી કલમ 35-એ બંધારણમાં ઘૂસાડી દીધી (ઘૂસાડી- શબ્દ એટલા માટે વાપરું છું કે તેને બંધારણમાં દાખલ કરવા માટે સંસદમાં પસાર કરવાની બંધારણીય જરૂરિયાતનું પાલન થયું નહોતું) અને ત્યારથી જમ્મુ-કાશ્મીરના તે સમયના મુખ્યપ્રધાન રાતોરાત એ રાજ્યના વડાપ્રધાન થઈ ગયા. એ રાજ્યને અલગ ધ્વજની માન્યતા મળી ગઈ. એ રાજ્યને અલગ બંધારણ બનાવવાની માન્યતા મળી ગઈ. જમ્મુ-કાશ્મીરની તે સમયની શેખ અબ્દુલ્લાની સરકારે પાછલી અસરથી અર્થાત 1944ની અસરથી આ કલમનો અમલ કરવાનો ઠરાવ કરી દીધો. તેની પાછળનો બદ-ઇરાદો એ હતો કે 1944 સુધીમાં જે હિન્દુઓ એ રાજ્યમાં હોય એ જ જમ્મુ-કાશ્મીરના નાગરિક ગણાય, પણ 1944 પછી આવેલા હિન્દુઓ કે પછી અન્ય કોઈ ત્યાંના નાગરિક ગણાય નહીં. તેમને એ રાજ્યની વિધાનસભા કે પંચાયતો માટે મતદાન ન કરી શકે. એ લોકો એ રાજ્યમાં જમીન ખરીદી ન શકે. આ બધાનું પરિણામ એ આવ્યું કે હિન્દુઓની વસ્તી સતત ઘટતી રહી. 2014 પછી આ મુદ્દે હિલચાલ શરૂ થઈ અને આખો દેશ એકાએક જાગ્રત થઈ ગયો. પહેલાંની સરકારોનું આ મુદ્દે વલણ કેવું હતું તે આપણે જાણીએ છીએ. હવે મતદારોએ વિચારવાનું એ છે કે, વહેલા કે મોડા આ ગંભીર સમસ્યાનો ઉકેલ કોણ લાવી શકે તેમ છે?

કૉમન સિવિલ કોડ અર્થાત સમાન નાગરિક કાયદોઃ

છેક 1947થી તૃષ્ટિકરણના ચક્કરમાં અટવાયેલો આ મુદ્દો હવે ઉકેલ માગે છે. દેશના બહુમતી હિન્દુ સાથે હળાહળ અન્યાય કરીને હિન્દુઓને લગતા તમામ કાયદામાં ધરમૂળથી ફેરફારો કરીને તેમને ઓશિયાળા બનાવી દેવામાં આવ્યા અને કમનસીબે અદાલતી પ્રક્રિયા પણ હિન્દુઓની મદદે ન આવી. સામે લઘુમતીઓને તેમની ધાર્મિક સંસ્થાઓથી માંડીને શૈક્ષણિક સંસ્થાઓ સહિત મોટાભાગની બાબતોમાં તમામ પ્રકારની છૂટ મળતી રહી. જ્યારે પણ કોઈ રાષ્ટ્રવાદી વ્યક્તિ સમાન નાગરિક કાયદાની વાત કરે ત્યારે તેને કથિત બુદ્ધિજીવીઓ તેમજ મીડિયા દ્વારા હિન્દુ કોમવાદી ચીતરીને અપમાનિત કરી દેવામાં આવે છે. બહુમતી હિન્દુ ફરી ઓશિયાળો બની જાય છે કેમ કે હિન્દુ જ્ઞાતિ-જાતિ-સંપ્રદાય-ભાષા અને પ્રાંતમાં વિભાજીત છે અને કોઈ રાજકીય પક્ષ તેને ગંભીરતાથી લેતો નહોતો. હવે સ્થિતિ બદલાઈ છે. બદલવી પડશે. નવી સરકાર ઉપર આગામી પાંચ વર્ષમાં સમાન નાગરિક કાયદો – કૉમન સિવિલ કોડ દાખલ કરવા દબાણ લાવવું જ પડશે. આ દેશમાં લાંબા સમય સુધી લોકશાહી ટકાવવી હશે તો દેશની બહુમતીએ તેના મતની તાકાત બતાવવી તો પડશે જ.

વસ્તી નિયંત્રણ કાયદોઃ

આ પણ એટલો જ ગંભીર અને અગત્યનો મુદ્દો છે. 1970ના દાયકામાં કોંગ્રેસી સરકારોએ અમે બે, અમારા બે એવું સૂત્ર આપ્યું અને ભોળિયા હિન્દુઓ તેમાં સપડાઈ ગયા. મોટાભાગના હિન્દુઓએ તેનો અમલ કર્યો, પરંતુ અન્ય ધર્મીઓએ પોતપોતાના ધાર્મિક નિયમોને આગળ ધરીને વસ્તીને નિયંત્રિત રાખવામાં કદી સહકાર આપ્યો નહીં. વસ્તી વિસ્ફોટનું પ્રમાણ એ હદનું છે કે આજની તારીખે દેશના ઓછામાં ઓછા આઠથી નવ (8 થી 9) રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે અને બાકીના ઘણા રાજ્યોમાં લઘુમતીમાં આવવાની તૈયારીમાં છે. વસ્તી વિસ્ફોટ કોઇનો પણ હોય – એ યોગ્ય નથી જ. હિન્દુઓએ તેની સામે વસ્તી વધારવી એવું શક્ય નથી, અન્યથા દેશની સ્થિતિ વધારે કથળી જશે. તો પછી કડકમાં કડક વસ્તી નિયંત્રણ કાયદો લાવવામાં આવે તો જ આપણે બચી શકીશું. નહીં તો આગામી દાયકાઓમાં આપણા સંસાધનો પણ ખૂટી પડશે. આ કામ પણ તૃષ્ટિકરણમાં ન માનતી સરકાર જ કરી શકે. એવી સરકાર લાવવાનો નિર્ણય મતદારોના હાથમાં છે.

રામ મંદિરઃ

કરોડો ભારતીયોના દિલમાં આ મુદ્દો છે. ભારતીય જનમાનસમાં એવું ઘૂસાડી દેવામાં આવ્યું છે કે, આ મુદ્દાનો માત્ર રાજકીય ઉપયોગ થાય છે અને કોઇને તેનો ઉકેલ લાવવામાં અર્થાત મંદિર બાંધવામાં રસ નથી. પણ આ કેસની હકીકત એ છે કે પોતાને સેક્યુલર કહેવડાવતા ડાબેરીઓ ઉપરાંત કોંગ્રેસ અને મુસ્લિમો આ મુદ્દાને અદાલતના ચક્કરમાંથી બહાર આવવા જ નથી દેતા. કેટલાક લોકો એવો અપપ્રચાર પણ કરે છે કે, વિવાદ તો માત્ર 2.77 એકર જમીનનો છે, બાકીની 67 એકર જમીન – જ્યાં માલિકી હકનો વિવાદ નથી ત્યાં મંદિર બાંધી શકાય. (એ જમીન પરત મેળવવા મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરેલી છે) પરંતુ હિન્દુ પક્ષકારો ઇચ્છે છે કે 2.77 પણ આ સાથે મળી જાય અને તેના બદલામાં મુસ્લિમોને સરયૂ નદીની પાર મસ્જિદ માટે જગ્યા આપી દેવી. આવો ઉકેલ આવે તો પૂરેપૂરી જમીન રામ મંદિર માટે રહે અને ભવિષ્યમાં 2.77 એકર જમીનમાં મસ્જિદ અથવા અન્ય કોઈ મુસ્લિમ માળખાને કારણે વિવાદ ન જાગે. દેશ જાણે છે કે, એ 2.77 એકર જમીનનો ટુકડો રામમંદિર માટે ન મળે તેમાં કોને રસ હોય..! અને પૂરેપૂરી જમીન મેળવવામાં કોને રસ હોય..!

મંદિરો ઉપર સરકારી નિયંત્રણનો અંતઃ

દેશના કરોડો હિન્દુઓ માટે આ પણ એક પીડાદાયક મુદ્દો છે. સેક્યુલારિઝમના ઓઠા હેઠળ લઘુમતી તૃષ્ટિકરણ કરનારાઓએ મસ્જિદો અને દેવળોને તો જે તે ધર્મના નેજા હેઠળ જ રાખ્યાં, પરંતુ મંદિરોને સરકારી નિયંત્રણ હેઠળ મૂકી દીધાં. કેરળના સબરીમાલા મંદિરનું ઉદાહરણ હજુ તાજું જ છે. ત્યાંની ડાબેરી સરકારના અન્ય-ધર્મી પ્રતિનિધિઓએ સાથે મળીને સબરીમાલાની સેંકડો વર્ષની પરંપરા તોડી નાખવા અદાલતનો આશ્રય લીધો અને કમનસીબે અદાલતોએ તેમની તરફેણમાં ચુકાદો પણ આપી દીધો. વિધર્મીઓ તેમના આ ટેસ્ટ-કેસમાં હાલ પૂરતા જીતી ગયા છે, પણ જો હજુ પણ એ સત્તા પર રહ્યા તો બાકીની તમામ હિદુ પરંપરાઓનું શું થશે એ વિચારી લેવું જોઇએ.

કહેવાતી સેક્યુલર સત્તાઓએ રામસેતુ કેસમાં અદાલતમાં એફિડેવિટ કરીને ભગવાન રામના અસ્તિત્વ વિશે શંકા ઊભી કરી હતી. કહેવાતી સેક્યુલર સત્તાઓએ આજ સુધી 370 અને 35-એ કલમો બચાવી રાખી છે. કહેવાતી સેક્યુલર સત્તાઓ કદી વસ્તી નિયંત્રણ કાયદો કે કૉમન સિવિલ કોડ આવવા નહીં દે. મત કોને આપવો એ દરેકનો વ્યક્તિગત નિર્ણય છે અને હોવો જોઇએ, પરંતુ તમારી પછીની પેઢીનું ભવિષ્ય શું થશે તેનો નિર્ણય પણ તમારે જ કરવાનો હોય છે. આપણી આગળની પેઢીઓએ એકતા દર્શાવી હોત તો કાંતો આપણે આ બધી સમસ્યાઓમાંથી મુક્ત થઈ ગયા હોત અથવા કમ સે કમ તૃષ્ટિકરણના રાજકારણનો ભોગ ન બન્યા હોત. ચતુર કરો વિચાર.

No comments:

Post a Comment