Thursday, May 2, 2019

ડી જી વણઝારા, સાધ્વી પ્રજ્ઞા અને અર્બન નક્સલવાદીઓનો કુતર્ક




ડી જી વણઝારા, સાધ્વી પ્રજ્ઞા અને
અર્બન નક્સલવાદીઓનો કુતર્ક

--- આતંકી ઇશરત જહાં કેસમાં ડી જી વણઝારા તથા એન કે અમીન સામેના આરોપ અદાલતે આજે પડતા મૂક્યા – પણ અર્બન નક્સલી ગેંગને પીડા થઈ રહી છે. અગાઉ સાધ્વી પ્રજ્ઞા ભોપાલથી ચૂંટણી લડશે એવી જાહેરાત થઈ ત્યારે પણ આ જ અર્બન નક્સલી ગેંગના આંસુ સુકાતા નહોતા...એનું કારણ શું?

-- અલકેશ પટેલ
મંગળવારે રાત્રે અને બુધવારે બપોરે જંગલી નક્સલવાદીઓએ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં હિંસા આચરી ત્યારે તેમના શહેરી મિત્રો અર્થાત અર્બન નક્સલીઓ એરકંડિશન રૂમોમાં આરામ ફરમાવતા હતા. જંગલી નક્સલીઓએ બુધવારે રાત્રે 50 વાહનો સળગાવી દીધા તેનાથી જે નુકસાન થયું તેની આ અર્બન નક્સલીઓને કોઈ ચિંતા નહોતી. બીજા દિવસે બપોરે 15 થી 16 જવાનો આ જંગલી નક્સલીઓને કારણે શહીદ થઈ ગયા, પરંતુ અર્બન નક્સલીઓના પેટનું પાણી હાલ્યું નહોતું.
પણ... એ જ બધા અર્બન નક્સલીઓ આજે એટલે કે બીજી મે ને ગુરુવારે એકાએક સક્રિય થઈ ગયા છે.
કારણ?
કારણ એ જ કે આતંકી ઇશરત જહાંના એન્કાઉન્ટર કેસમાં એક દાયકા કરતાં વધુ સમયથી અદાલતી પ્રક્રિયાઓનો સામનો કરી રહેલા ડી જી વણઝારા તથા એન કે અમીન સામેના કથિત રીતે નકલી એન્કાઉન્ટર ના આરોપ વિશેષ અદાલતે પડતા મૂક્યા છે.
મારે આ કેસની વિગતોની ચર્ચા જરાય કરવી નથી. મારે તો અર્બન નક્સલીઓની માનસિકતા અને દેશ માટે જોખમી એવા તેમના તર્કની ચર્ચા કરવી છે. અર્બન નક્સલીઓ એટલે એ લોકો જે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં કાંતો શિક્ષક તરીકે અથવા પ્રાધ્યાપક-પ્રોફેસર તરીકે અથવા આચાર્ય તરીકે બેસી ગયેલા છે. અર્બન નક્સલીઓ એટલે એવા લોકો જે ન્યાયસંકુલોમાં વકીલો તરીકે હરતા-ફરતા હોય છે. અર્બન નક્સલીઓ એટલે એવા લોકો જે સાહિત્યના ક્ષેત્રમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. આ અર્બન નક્સલીઓ મીડિયામાં પણ ઘૂસેલા છે. કેટલાક અર્બન નક્સલીઓ દેશ અને પ્રજાને ગેરમાર્ગે દોરવા એનજીઓ ખોલીને બેસી ગયેલા છે.
આવા તમામ તત્વો આજે અને આગામી થોડા દિવસ સુધી દરેક મંચ ઉપર, દરેક સોશિયલ મીડિયા ઉપર, દરેક ટીવી ચૅનલ ઉપર, દરેક અખબારોમાં અને સામયિકોમાં વણઝારા તથા અમીન વિશે ઝેર ઓકશે અને આતંકી ઇશરતને નિર્દોષ સાબિત કરવા તમામ પ્રકારના અસત્ય, જૂઠનો સહારો લેશે. આ અર્બન નક્સલીઓ એટલા બધા મીઠા શબ્દોની માયાજાળ રચીને, એટલા બધા ઇમોશનલ થઈને રજૂઆતો કરશે કે કૉન્વેન્ટમાં અંગ્રેજી શિક્ષણ લીધેલા છોકરા-છોકરીઓ અને ભોળા યુવાન-યુવતીઓ તેમની વાતોમાં સપડાઈ જશે.
આ તમામ ભોળા લોકોને પૂછવા માગું છું કે, શું પોલીસ દરેક કેસમાં ખોટી હોય છે કે પછી માત્ર લઘુમતીઓના કેસમાં જ ખોટી હોય છે? શું અદાલત અને અદાલતી પ્રક્રિયા માત્ર શાસક પક્ષના કહ્યા પ્રમાણે દોરવાતી હોય છે? જો આ સવાલનો જવાબ તમને હા લાગતો હોય તો પછી ભાજપનું શાસન નહોતું ત્યારે જે ચુકાદા આવતા હતા તેમાં એવું તારણ કાઢી શકાય ખરું કે તે વખતના કોંગ્રેસ અથવા અન્ય પક્ષોના કહ્યા પ્રમાણે ચુકાદા આવતા હતા?
 
વિચારવાનો સવાલ એ છે કે, એક જ પ્રકારના કેસોમાં – એક જ પ્રકારની અદાલતી પ્રક્રિયા દ્વારા કોઈ હિન્દુ નિર્દોષ છૂટે તો તેમાં સરકાર જવાબદાર કેવી રીતે હોઈ શકે? અને જો કોઈ લઘુમતી નિર્દોષ છૂટે તો તેમાં ન્યાયનો વિજય કેવી રીતે ગણી શકાય? શું બંને કેસમાં ન્યાયનો વિજય નથી? અહીં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના કેસની પણ વાત કરી લઇએ. જે દિવસે સાધ્વીને જામીન મળ્યા તથા એનઆઈએ દ્વારા તેમની સામેના આરોપ પડતા મૂકવામાં આવ્યા ત્યારે પણ આ અર્બન નક્સલી ગેંગનો જાણે ગરાસ લૂંટાઈ ગયો હોય એમ કાગારોળ મચાવી મૂકી હતી. ત્યારબાદ આ જ સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલથી ઉમેદવારી નોંધાવી ત્યારે તો અર્બન નક્સલીઓએ જાણે આખી પૃથ્વી રસાતાળ ગઈ હોય એવો હોબાળો મચાવ્યો હતો.
થોડાં વર્ષ પહેલાં અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલા કેસમાં કેટલાક મુસ્લિમો નિર્દોષ છૂટ્યા ત્યારે આ અર્બન નક્સલી ગેંગે તો કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો...! બલ્કે ત્યારે તો આ તત્વોના ઘરે આનંદ-આનંદ છવાઈ ગયો હતો..! તો પછી સાધ્વી પ્રજ્ઞા અથવા વણઝારા-અમીનનો છૂટકારો થાય તો અર્બન નક્સલી ગેંગને પેટમાં કેમ દુઃખે છે?
સમગ્ર વાતનું તાત્પર્ય એ છે કે, દેશની યુવા પેઢીએ તેમજ અન્ય નાગરિકોએ શહેરોમાં આપણી આસપાસ વસતા અર્બન નક્સલીઓના ઇરાદાથી સાવધાન રહેવાનું છે. આ તત્વો હંમેશાં ઘાતક રીતે બેવડાં ધોરણો ધરાવે છે. તેમના મતે દરેક લઘુમતી ગુનેગાર અથવા શકમંદ નિર્દોષ જ હોય છે જ્યારે તેથી વિરુદ્ધ દરેક બહુમતી (હિન્દુ) શકમંદ ગુનેગાર જ હોય છે..! આ અત્યંત ઘાતક માનસિકતા છે અને હકીકતે તેને કારણે જ દેશ તેમજ દુનિયામાં જમણેરી વિચારધારા વધારે આક્રમક બનતી હોય છે. આ અર્બન નક્સલી તત્વોને રાષ્ટ્રવાદ પ્રત્યે ધિક્કાર હોય છે, અને તેને કારણે જ દેશ અને દુનિયામાં રાષ્ટ્રવાદી વિચારધારા વધારે આક્રમક બનતી હોય છે. આ અર્બન નક્સલવાદી તત્વો હંમેશાં લઘુમતીઓની ખોટી આળપંપાળ કરતા આવ્યા છે અને તેને કારણે જ દેશ અને દુનિયાના બહુમતી સમાજમાં અન્યાયની લાગણી પેદા થાય છે.
જો કોઈ મુસ્લિમ નિર્દોષ છૂટે તેને ન્યાયનો વિજય ગણવામાં આવતો હોય તો, કોઈ હિન્દુ નિર્દોષ છૂટે તેમાં ન્યાયનો જ વિજય ગણાવો જોઇએ. શકમંદ અથવા ગુનેગારો-આરોપીઓની બાબતમાં તેનું મૂલ્યાંકન કરવાનાં કાટલાં અલગ અલગ ન હોઈ શકે, એટલે જ ચતુર કરો વિચાર.
http://mediaanalysis.in/vanzara-amin-sadhvi-pragya-and-logic-of-urban-naxals/

No comments:

Post a Comment