Saturday, April 13, 2019

ઇમરાન ખાનના મોદી-તરફી નિવેદનનું સત્ય



ઇમરાન ખાનના મોદી-તરફી નિવેદનનું સત્ય

--- ભારતમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને એક નિવેદન આપ્યું. હંમેશાં થાય છે એમ, ભારતીય મીડિયાએ અને રાજકારણીઓએ તેમાંથી પોતાની સગવડ મુજબનો હિસ્સો ઉપાડીને નરેન્દ્ર મોદીનો ખેલ પાડી દેવા પ્રયાસ કર્યો

-- અલકેશ પટેલ

10 એપ્રિલને બુધવારે તેમજ ગઈકાલે એટલે કે 11 એપ્રિલને ગુરુવારે ભારતના મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનનું એક નિવેદન ટ્રેન્ડ કરતું હતું. ટ્રેન્ડ એ કરતું હતું કે, ઇમરાન ખાને વડાપ્રધાન મોદીના વિજય માટે આશા વ્યક્ત કરી. પરંતુ આમાં હિત ધરાવતાં તત્વોની બદમાશી એ હતી કે, ઇમરાનનું આખું નિવેદન ટાંકવામાં આવ્યું નહોતું અને બધા સુધી પહોંચાડવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું આખું નિવેદન આ પ્રકારે હતું, હું ઇચ્છું છું કે મોદી ફરી વડાપ્રધાન બને કેમ કે માત્ર એ જ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીત કરી શકશે. મોદી વિના કોઈ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાટાઘાટ નહીં કરે કેમ કે બધાને ડરાવી દેવામાં આવ્યા છે, અને ખાસ કરીને ભારતના મુસ્લિમો છેલ્લા પાંચ વર્ષથી પોતે એકલા પડી ગયા હોવાની લાગણી અનુભવે છે.
– બદમાશ રાજકારણીઓ તથા બદમાશ મીડિયાએ તેમાંથી માત્ર પહેલો ભાગ ઉઠાવીને બે દિવસ સુધી એવો અપપ્રચાર કર્યો કે, (1) મોદી અને ઇમરાન મળેલા છે, અને (2) મોદીએ ચૂંટણી જીતવા માટે પાકિસ્તાનની સાથે મળીને પુલવામામાં હુમલો કરાવ્યો. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તો બધી મર્યાદા ઓળંગીને એવો પણ આક્ષેપ કરી દીધો કે, જે નમો ટીવી ચૅનલ છે તેમાં પાકિસ્તાનનું મૂડી રોકાણ છે..!
ખેર, ભારતમાં વિપક્ષો અને મીડિયાએ જે રમત રમી તેની ખાસ ચિંતા કરવા જેવી નથી કેમ કે દેશના મોટાભાગના નાગરિકો હવે આ ચાલ સમજી ગયેલા છે.
પણ મુદ્દો, ઇમરાન ખાનનો છે. તેમણે શા માટે આવું કર્યું? શું ઇમરાન ખરેખર ઇચ્છે છે કે મોદી ફરી જીતે? જવાબ સ્પષ્ટ ના છે. ભારતમાં કોઈ રાષ્ટ્રવાદી નેતા વડાપ્રધાન હોય અને એ પણ મોદી જેવા નેતા સર્વોચ્ચ સ્થાને હોય તો પાકિસ્તાનની શી હાલત થાય એ ઇમરાન ખાન પોતે અને આખી દુનિયા જાણે છે.
આ સંજોગોમાં સ્પષ્ટ છે કે ઇમરાન ખાનનો ઇરાદો મોદીની જીતની ઇચ્છા વ્યક્ત કરીને ભારતીય મતદારોમાં ગુંચવાડો પેદા કરવાનો હતો. મતદારોમાં ગુંચવાડો ઊભો થાય અને તેની અસર મતદાન ઉપર પડે જેથી ભાજપ અને મોદી સંપૂર્ણ બહુમતી સાથે જીતી ન શકે. એ સંજોગોમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાનનો ટેકો ધરાવતા ત્રાસવાદીઓને મનગમતી સરકાર નવી દિલ્હીમાં રચાય.
પાકિસ્તાન તેમજ ભારતમાં વસતા પાકિસ્તાન-પરસ્તોનો ઇરાદો સફળ થશે કે નહીં એ તો 23 મે સુધી ખબર નહીં પડે, પરંતુ ભારતના નાગરિકોએ – ખાસ કરીને દેશહિતમાં વિચારતા નાગરિકોએ ઇમરાન તેમજ પાકિસ્તાની રાજકારણ વિશે થોડું જાણી લેવું જોઇએ.
હકીકત એ છે કે, પાકિસ્તાનમાં રાજકારણીઓના અસ્તિત્વનો આધાર ભારતનો વિરોધ કરવો, કાશ્મીરનો મુદ્દો ચગાવ્યા કરવો અને એ બધાની સાથે સાથે ત્રાસવાદીઓ પ્રત્યે કૂણું વલણ રાખવું એ જ છે.
ભારતના નાગરિકોએ એ યાદ રાખવું જોઇએ કે, પાકિસ્તાનમાં ગયા વર્ષે ચૂંટણી થઈ ત્યારે ઇમરાન ખાન સહિત તમામ ટોચના રાજકારણીઓના દરેક ભાષણમાં ભારત વિરોધી ઝેર ઓકવામાં આવતું હતું. પાકિસ્તાની રાજકારણીઓ ખાસ કરીને નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટી ઉપરાંત સંઘ પરિવાર વિરુદ્ધ નિવેદનો કરતા હતા. પાકિસ્તાની રાજકારણીઓ જાણે છે કે તેમણે ટકી રહેવું હોય તો આ ત્રણેનો વિરોધ જાહેરમાં કરવો જ પડે.
ભારતના નાગરિકોના ધ્યાનમાં એ વાત હોવી જોઇએ કે, બે વર્ષ પહેલાં ઇમરાને ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડાપ્રધાન નિવાસસ્થાને ખાસ મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. 
અને પછી પાકિસ્તાનમાં ચૂંટણી આવી ત્યારે પ્રચાર દરમિયાન એ જ ઇમરાન ખાન મોદી વિરુદ્ધ ભયંકર ઝેર ઓકતા હતા.
ભારતના નાગરિકોએ એ વાત કદી ન ભૂલવી જોઇએ કે, જે દિવસે ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાનપદે નિયુક્ત થયા ત્યારબાદ તેમણે ભારત સાથે વાટાઘાટની ઑફર કરી હતી. ભારતે તે સમયે એવું વલણ અખત્યાર કર્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાનમાં ત્રાસવાદીઓને ટેકો મળે છે ત્યાં સુધી વાટાઘાટનો અર્થ નથી. અને એ વખતે ઇમરાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અતિશય અપમાનજનક ટ્વિટ કર્યું હતું , કે નરેન્દ્ર મોદીએ વાટાઘાટનો ઇનકાર કરીને પોતે નાના માણસ (અર્થાત સામાન્ય કક્ષાના) માણસ છે એવું સાબિત કરી દીધું. વિશ્વની સૌથી મોટી લોકશાહીના ચૂંટાયેલા વડાપ્રધાનનું આ સૌથી ખરાબ અપમાન હતું, અને છતાં એ દિવસે ભારતીય વિરોધપક્ષો તેમજ બદમાશ મીડિયાએ ઇમરાનના આવા નિવેદનનો વિરોધ કર્યો નહોતો.


ખેર, આપણે સૌએ એટલું જ યાદ રાખવાનું છે કે, (1) પાકિસ્તાનનું નિર્માણ ભારતના વિરોધમાં થયું છે, (2) પાકિસ્તાનના અસ્તિત્વનો આધાર ભારત વિરોધી ઝેર ઓકવામાં છે, (3) પાકિસ્તાનના રાજકારણીઓ ભારત વિરોધી નિવેદન ન કરે તો રાજકારણમાં ટકી શકે નહીં, (4) પાકિસ્તાનના રાજકારણીઓ ભારત વિરોધી વલણ ન રાખે તો ત્યાંનું લશ્કર તેમજ આઈએસઆઈ એ રાજકારણીઓને ટકવા ન દે, (5) પાકિસ્તાનના રાજકારણીઓ આતંકવાદી પરિબળો પ્રત્યે આંખ આડા કાન ન કરે તો ત્યાંની કટ્ટરવાદી પ્રજા એવા રાજકારણીઓને કદી મત ન આપે.
10 એપ્રિલે ઇમરાને પણ હકીકતે આ જ કર્યું હતું, પરંતુ તેના અધુરા નિવેદનને ચગાવીને કોંગ્રેસ, ડાબેરીઓ તેમજ કેજરીવાલ ઉપરાંત બદમાશ મીડિયાએ રાષ્ટ્રવાદી નેતાની છબિ ખરડવા પ્રયાસ કર્યો હતો.

No comments:

Post a Comment