Friday, October 5, 2018

ક્રૂડનું આંતરરાષ્ટ્રીય રાજકારણ ઘણું ક્રૂર છે


ક્રૂડનું આંતરરાષ્ટ્રીય રાજકારણ ઘણું ક્રૂર છે

--- પેટ્રોલ-ડીઝલના ભાવમાં શરૂ થયેલો ભડકો ઓછો થવાનું નામ નથી લેતો. લાખો પરિવારનાં બજેટ ખોરવાઈ ગયાં છે પણ સરકાર અને ઑઇલ કંપનીઓના પેટનું પાણી હાલતું નથી. તો હવે વાતનો તાગ મેળવવો પડે કે કોની કઈ મજબુરી હશે?



--- અલકેશ પટેલ
       
છેલ્લા એક મહિના દરમિયાન મિત્રોનું ગેટ-ટુ ગેધર હોય કે પછી પરિવારનું કોઈ ફંકશન હોય કે પછી સામાજિક મેળાવડો હોય – દરેક જગ્યાએ ચર્ચા અને ચિંતાનો કોઈ એક મુદ્દો હોય તો એ છે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો. પ્રતિ લીટર 90 રૂપિયા સુધી પહોંચી ગયેલો પેટ્રોલનો ભાવ ગમે ત્યારે 100 રૂપિયાને આંબી જશે એવી ધાસ્તી બધાને સતાવી રહી છે. ભારતની પ્રજાની એક ખાસિયત એ છે કે જે સમસ્યા સહનશક્તિની ઉપર નીકળી જાય એટલે એ સમસ્યાને જ મજાકનો વિષય બનાવી દે. પેટ્રોલ-ડીઝલના અતિશય ભાવનું પણ એવું જ થયું છે. વિદ્વાન કાર્ટુનિસ્ટો તો પોતાની કળા દ્વારા પ્રજાની પીડા રજૂ કરે જ છે, પણ સોશિયલ મીડિયા ઉપર લોકો પણ અનેક જોક બનાવીને ફોરવર્ડ કરતા રહે છે. અહીં એવું કહેવાનો જરાય આશય નથી કે આ મામલે કોઈને ચિંતા જ નથી અને પ્રજાને રાહત આપવા માટે કોઈ પગલાં લેવામાં આવતાં નથી. ના, એવું નથી. બધા પ્રયાસ થઈ જ રહ્યા છે. પણ આપણે આજે અહીં જે સમજવાનું છે તે પેટ્રોલ-ડીઝલના પૂર્વ સ્વરૂપ અર્થાત ક્રુડના આંતરરાષ્ટ્રીય રાજકારણ અને તેના આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પાછળ રહેલી ક્રુર વાસ્તવિકતા.
ક્રુડની રાજકારણ અને ક્રુડનું અર્થકારણ ખરેખર ક્રુર છે. દુનિયા બીજા વિશ્વયુદ્ધમાંથી નવરી પડી ત્યારપછી લગભગ કોઈ દસકો આખો એવો નથી પસાર થયો જ્યારે ક્રુડની કટોકટી ચિંતાનો વિષય ન બની હોય. એક તરફ બદમાશ અમેરિકા અને બીજી તરફ ઑઇલના ભંડારો ઉપર બેઠેલા ઇસ્લામિક દેશો પોતપોતાના સ્વાર્થ માટે સમયાંતરે કૃત્રિમ કટોકટી ઊભી કર્યા કરે છે અને એ રીતે મહિનાઓ સુધી દુનિયાને બાનમાં રાખીને મધ્યમવર્ગની પ્રજાના જીવ અધ્ધર કરી દે છે.
આપણે આજે અહીં આ ચિંતા કરવાનું એક ખાસ કારણ એ છે કે આપણી ક્રુડની મુખ્ય આયાત ઇરાનથી થાય છે, પરંતુ નવેમ્બરથી આ આયાત થઈ શકશે કે નહીં એ ખાતરી નથી. આવી સ્થિતિ ઊભી થવા માટે ભારતનો તો કોઈ વાંક જ નથી. જે કંઈ ગરબડ ચાલી રહી છે એ અમેરિકા-ઇરાન-રશિયા અને ચીન વચ્ચે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઇરાન સાથે વાંકું પડતાં તેમણે અમુક પ્રકારના પ્રતિબંધ ઑગસ્ટ મહિનામાં લગાવ્યા હતા અને ક્રુડને લગતા પ્રતિબંધ ચાર નવેમ્બરે લગાવવાની જાહેરાત કરેલી છે. ટ્રમ્પ બાહ્ય રીતે તો ઇરાનના પરમાણુ કાર્યક્રમનો હવાલો આપીને તે અટકાવવા માટે તહેરાનનું નાક દબાવી રહ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણ તેમજ અર્થકારણને સમજનારા લોકો જાણે જ છે કે મુદ્દો માત્ર પરમાણુ કાર્યક્રમનો નથી.
પ્રમુખપદે શપથ લીધા પછી ટ્રમ્પ સાઉદી અરેબિયાની મહેમાનગતિ માણી આવ્યા છે. ચીન સાથેની વેપાર નીતિમાં ટ્રમ્પે તલવાર ખેંચેલી છે. રશિયાના પ્રમુખ પુતીન તથા ઉત્તર કોરિયાના આપખુદ શાસક કીમ જોંગ સાથે અંગત મુલાકાત કરી લીધી છે. આ તમામ મિલન-મુલાકાતોમાં સ્વાભાવિક રીતે જ ઑઇલ – બિઝનેસ અને શસ્ત્રોનો મુદ્દો જ ચર્ચામાં રહ્યો હોય. આ દરેક હેતુ પાર પાડવા હોય તો કોઈ એવો મુદ્દો ઊભો કરવો પડે – કોઈ એવો બલીનો બકરો શોધવો પડે જેથી બાકીનું દુનિયાને એમ જ લાગે કે અમેરિકા જે કંઈ કરી રહ્યું છે તે બરાબર છે. આ મુદ્દો કહો તો મુદ્દો અને બલીનો બકરો કહો તો બકરો, પણ હાલ એ ઇરાન છે.
પ્રારંભમાં કહ્યું તેમ ક્રુડના ભંડારો ઉપર ઇસ્લામિક દેશો બેઠા છે. અને તેમનું સંગઠન ઓપેક (OPEC) ક્રુડના ઉત્પાદન ઉપર નિયંત્રણ રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવોને નિયંત્રિત અને મેનુપ્લેટ કરે છે એ વાત કોઈથી અજાણી નથી. ઇસ્લામિક દેશોની અંદર પણ પાછો શિયા-સુન્નીનો મામલો છે. ઇરાન શિયાપંથીઓની બહુમતીવાળો દેશ છે અને સાઉદી અરેબિયા સુન્ની. ટ્રમ્પનો ઝુકાવ સાઉદી તરફ છે. હવે આ વિષચક્રમાં અમેરિકી પ્રમુખે ઇરાનના પરમાણુ કાર્યક્રમનો મુદ્દો ઉપસ્થિત કરીને 2015માં થયેલી સમજૂતીમાંથી પોતે નીકળી ગયા છે. જે રીતે પર્યાવરણ માટેની પૅરિસ સમજૂતીમાંથી ટ્રમ્પે અમેરિકાનો હાથ પાછો ખેંચી લીધો હતો એવી જ રીતે દુનિયાના દેશોએ ઇરાનને પરમાણુ કાર્યક્રમમાં આગળ વધતા અટકાવવા 2015માં કરેલી સમજૂતીમાંથી પણ ટ્રમ્પે અમેરિકાનો હાથ પાછો ખેંચી લીધો. 2015માં ઇરાનને તેના પરમાણુ કાર્યક્રમમાં આગળ વધતું અટકાવવા માટે થયેલી સમજૂતીમાં એક તરફ ઇરાન અને બીજી તરફ સહી કરનારા દેશોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, રશિયા તથા ચીનનો સમાવેશ થતો હતો. હકીકત એ છે કે એ સમજૂતીનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનનો હાથ વધારે આમળી શકત, પરંતુ અગાઉ કહ્યું તેમ આ સમગ્ર મામલો માત્ર પરમાણુ કાર્યક્રમ પૂરતો સીમિત હોય એવું લાગતું નથી.
n  આ સંજોગોમાં ભારતે શું કરવાનું?
આ સમગ્ર ઘટનાક્રમમાં દુનિયાના બીજા દેશોની જેમ ભારતે પણ પરિસ્થિતિને સાનુકૂળ થઈને પોતાનાં હિતમાં પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ જ કારણે અમેરિકાએ ઇરાનને આપેલી નવેમ્બરની મહેતલને ધ્યાનમાં લઈને જેમ દુનિયાના અન્ય દેશો પોતાની ક્રુડ ઑઇલની જરૂરિયાત માટે વિકલ્પો વિચારી રહ્યા છે એવું જ ભારત પણ કરી રહ્યું છે. ભારતની ત્રણ મુખ્ય સરકારી રિફાઇનરી – ઈન્ડિયન ઑઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયન કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ઉપરાંત રિલાન્ય ઇન્ડસ્ટ્રી, નૈયર એનર્જી તેમજ મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ. એમ દરેકને નવેમ્બરમાં ઇરાનથી આવતો જથ્થો બંધ કરવો પડે તો એ સંજોગોમાં આયાતના અન્ય વિકલ્પ ચકાસવાની ફરજ પડી છે.
ભારતે તેની ઇંધણ જરૂરિયાત પૂરી કરવા 80 ટકા ઑઇલ આયાત કરવું પડે છે અને તેમાં 14 ટકા આયાત એકલા ઇરાનમાંથી થાય છે. 2017-2018ના વર્ષમાં ભારતે 220.4 મિલિયન ટન ક્રુડની આયાત કરી હતી, જે પૈકી ઇરાનથી થયેલી આયાતનો હિસ્સો 9.4 ટકા હતો. એ જ રીતે 2018ના એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન ભારતે કરેલી 94.9 મિલિયન ટન ક્રુડની આયાતમાં ઇરાનથી થયેલી આયાતનો હિસ્સો 14.4 ટકા હતો. ભારત અને ઇરાન વચ્ચે સંબંધો ખૂબ સારા છે અને આ આયાતમાં સામાન્ય સંજોગોમાં કોઈ વાંધો આવે તેમ નથી. છતાં નવેમ્બરમાં અમેરિકી પ્રતિબંધો પછી શું સ્થિતિ હશે તે કોઈ જાણતું નથી. ભારત સરકારને તો એવી આશા છે કે તે અમેરિકાને સમજાવી લેશે અને તેથી ઇરાનથી થતી ક્રુડની આયાતમાં કોઈ વાંધો નહીં આવે, પરંતુ આ બાબતે વધારે આત્મવિશ્વાસમાં રહેવાય એવું નથી. પ્રમુખ ટ્રમ્પ કેવા પ્રકારના પ્રતિબંધ લાદશે અને તેને કારણે આખી દુનિયા માટે કેવી સ્થિતિ ઊભી થશે એ અનિશ્ચિત છે. અને તેથી જ ભારતે પણ નવેમ્બરથી જે ક્રુડની ખોટ પડશે તેના વિકલ્પો વિચારી લીધા છે જે અનુસાર સાઉદી અરેબિયા તેમજ ઇરાકથી હાલ થતી આયાતમાં વધારો થઈ શકશે.
આ સમગ્ર ખેલમાં ઓપેક (ઓર્ગેનાઇઝેશન ઑફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ) ની ભૂમિકા પણ શંકાસ્પદ છે. તેનાં રાજકીય અને સાંસ્કૃતિક કારણો તો છે જ, સાથે આર્થિક કારણો પણ છે. આ ઓપેક દેશો પૈકી અમુક દેશો ઉપર અમેરિકાનું તો અમુક દેશો ઉપર રશિયાનું પ્રભુત્વ છે. છેલ્લા થોડાં વર્ષથી ચીને પણ કેટલાક ઓપેક દેશોને ખોળામાં બેસાડ્યા છે. આ ત્રણે મહાસત્તાઓ પોતપોતાના રાજકીય અને આર્થિક કારણોસર ઑઇલ સમૃદ્ધ દેશોની તરફેણ અથવા વિરોધ કરતા રહે છે. આ જ કારણે ઇરાન ઓપેસ સંગઠનનો ભાગ હોવા છતાં અન્ય ઇસ્લામિક દેશોનું તેને સમર્થન નથી. સીરિયા અને તુર્કી પણ અમેરિકા-રશિયા વચ્ચે વહેંચાયેલા છે. આ સંજોગોમાં 4, નવેમ્બર પછી ઇરાન ઉપર અમેરિકી પ્રતિબંધો અમલમાં આવે ત્યારબાદ સ્થિતિ વધારે સ્પષ્ટ થશે.
આ બધી આંતરરાષ્ટ્રીય કૂટનીતિ-અર્થનીતિ અને રાજકારણ સાથે ભારતના સામાન્ય નાગરિકને કોઈ લેવાદેવા નથી. મહત્તમ પ્રતિ લીટર 60 થી 65 રૂપિયા ખર્ચી શકવા સમર્થ સરેરાશ ભારતીય નાગરિકે હાલ પ્રતિ લીટર 90 રૂપિયા ચૂકવવા પડે છે એ વાત આવનારા ઘણા દાયકા સુધી ભૂલાશે નહીં.

No comments:

Post a Comment