Monday, October 8, 2018

ચૅમ્પિયન્સ ઑફ ધ અર્થ એવોર્ડઃ મૅસેજ બિટ્વિન ધ લાઇન્સ

ચૅમ્પિયન્સ ઑફ ધ અર્થ એવોર્ડઃ મૅસેજ બિટ્વિન ધ લાઇન્સ

--- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૅમ્પિયન્સ ઑફ ધ અર્થ એવોર્ડ એનાયત થયો. આમ તો આ એવોર્ડ પર્યાવરણ ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર છે, પરંતુ અહીં બિટ્વિન ધ લાઇન્સ સંદેશો એ છે કે – ભારત આંતરરાષ્ટ્રીય કૂટનીતિનું ચૅમ્પિયન બની રહ્યું છે 

-- અલકેશ પટેલ

આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં હાલ ભારતનો ડંકો વાગી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન. ચીની પ્રમુખ શી જિન હોય કે બ્રિટિશ વડાંપ્રધાન થેરેસા મે. ફ્રેન્ચ પ્રમુખ એમાનલ મેક્રોં હોય કે જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ હોય. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મહામંત્રી હોય કે પછી આઇએમએફ ચીફ... આ બધાં આજે ભારત વિશે વાત કરી રહ્યાં છે. આ બધાં આજે ભારત સાથે વાત કરી રહ્યાં છે. આ બધાં આજે ભારતની વાતો કરી રહ્યાં છે. પણ શા માટે?
દેશને મળેલા નેતૃત્વનો આ પ્રભાવ છે. એવું નથી કે દેશનું વર્તમાન નેતૃત્વ સર્વગુણ સંપન્ન છે અને તે કોઈ ભૂલો કરતા જ નથી અને આ નેતૃત્વ હેઠળ દેશ સોનાનો બની જશે. ના, આવી કોઈ ભ્રમણા નથી. હા, ભારતને હાલ જે નેતૃત્વ મળ્યું છે તે 1947માં મળ્યું હોત તો પૂરા આત્મવિશ્વાસથી એવું કહી શકાય કે આજે પ્રથમ ક્રમે હોત. પરંતુ કમનસીબે એવા નેતૃત્વ માટે દેશને 70 વર્ષ રાહ જોવી પડી. ખેર, હવે એ સમય શરૂ થયો છે. આપણે એવું માનવાનું કે દેશ 2014માં સ્વતંત્ર થયો છે..!
ભારતીય અવકાશ યાનમાં ભારતીય નાગરિકને મોકલવાની વાતથી લઇને દરિયાના પેટાળમાં સબમરીન સહિતના દરેકે દરેક વિષય અંગે આજે દેશમાં ચર્ચા થઈ રહી છે. આ દરેક ક્ષેત્રોમાં ભારત કેવી રીતે શ્રેષ્ઠતા હાંસલ કરી શકે તે વિશે નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં છે. એવું નથી કે આ બધું પહેલાં નહોતું થતું. આ બધી જ ચર્ચા થતી હતી, થોડા ઘણાં પગલાં પણ લેવાતાં હતાં, પરંતુ એ પૂરતા નહોતાં.
તફાવત ક્યાં પડ્યો? ભારતને સાડા છ દાયકા સુધી જે નેતૃત્વ મળ્યું તેમાં મોટાભાગે પોતાની સત્તા સાચવવાની ચિંતા હતી. એ સત્તા સાચવવા માટે અમુક-તમુક ચોક્કસ ધર્મના લોકોની ખુશામત કરવાની અગાઉના નેતાઓને ચિંતા હતી. અગાઉના નેતાઓ જ્ઞાતિ-જાતિ-ધર્મના આધારે રાહતના ટુકડા નાખીને લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરતા. કુલડીમાં ગોળ ભાંગવાની આ પ્રવૃત્તિઓમાંથી અગાઉના નેતાઓને જો સમય મળે તો દુનિયામાં આસપાસ નજર નાખતાં. અને ખેદજનક વાત એ છે કે એ સમયની વિદેશનીતિ પણ ડર-ખુશામત અને લાલચ હેઠળ દબાયેલી હતી. કહેવાતા બિન-જોડાણવાદના નામે નહેરુએ એ હદે છેતરપિંડી કરી કે ના તો અમેરિકાએ ભારત ઉપર ભરોસો મૂક્યો કે ના રશિયાએ પૂરા દિલથી ટેકો આપ્યો. આ મિશ્ર નીતિને કારણે (જેને વાસ્તવમાં અસ્પષ્ટ નીતિ કહેવાય) તે સમયે નાના-નાના છૂટપુટિયા દેશોની નહેરુને વાહ-વાહ મળી, પણ શક્તિશાળી દેશોએ કદી ભારત ઉપર વિશ્વાસ મૂક્યો નહીં. ભારતની ખુશામતખોર સરકારોની દેશનો વિકાસ કરવાની દૃષ્ટિ અને ક્ષમતા પણ નહોતી. જે છ-સાડા છ દાયકામાં દુનિયા સંપૂર્ણપણે વિકસિત થઈ ચૂકી હતી એ દરમિયાન ભારતના ભ્રષ્ટ અને ખુશામતખોર નેતાઓ ચૂંટણી જીતવાથી આગળ કંઈ વિચારી પણ નહોતા શકતા.
એ સ્થિતિ આજે સદંતર બદલાઈ ગઈ છે. ભારતના આજના નેતૃત્વને ચૂંટણી જીતવાની ચિંતા નથી કેમ કે તેમની કામગીરી-દાનત અને નિષ્ઠા જોઈને પ્રજા મત આપે જ છે. આજનું નેતૃત્વ ખૂબ મોટાપાયે વિચારી શકે છે. આજનું નેતૃત્વ ખૂબ મોટાપાયે પગલાં લઈ શકે છે. આજનું નેતૃત્વ ગગનયાનનું સ્વપ્ન જોઈ શકે છે એટલું જ નહીં પરંતુ તેને સાકાર કરવા પગલાં પણ લે છે. આજનું નેતૃત્વ પ્રદૂષણમુક્ત વૈકલ્પિક ઊર્જા માટે સૂર્યશક્તિનો ઉપયોગ કરવાનું વિચારી શકે છે એટલું જ નહીં પરંતુ એ માટે આખી દુનિયાને માર્ગદર્શન પણ પૂરું પાડી શકે છે. આજનું નેતૃત્વ અમેરિકાની ધમકી અને ચેતવણીને વશ થયા વિના ઇરાન પાસેથી ક્રૂડ ખરીદી શકે છે અને રશિયા સાથે એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે કરાર કરી શકે છે. આજનું નેતૃત્વ 54 ઇસ્લામિક દેશોના દબાણમાં આવ્યા વિના ઇઝરાયેલ જઈને એ દેશ સાથે સંબંધ મજબૂત કરી શકે છે. એ જ રીતે ઇઝરાયેલના દબાણમાં આવ્યા વિના પેલેસ્ટાઇન જઈને એ દેશને પણ આધુનિક ટેકનોલોજીમાં મદદ કરવાના કરાર કરી શકે છે. આજનું નેતૃત્વ ચીની ધમકીઓને વશ થયા વિના મ્યાંમારને શસ્ત્રો પૂરા પાડવાની સમજૂતી કરી શકે છે. સૂર્યઊર્જાના ઉપયોગની દિશામાં છેલ્લા ચાર વર્ષમાં ભારતે જે કોઈ કામગીરી કરી છે તેની નોંધ લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ચૅમ્પિયન્સ ઑફ ધ અર્થ પુરસ્કાર આપવામાં આવે ત્યારે એ ભારતની દુનિયાના 200 કરતાં વધુ દેશમાં નોંધ લેવાય જે ભારતને છ દાયકા દરમિયાન મોટાભાગની દુનિયા ગરીબ મદારીઓનો દેશ માનતી હતી.
ખેર, આખી વાતનો સાર એટલો જ છે કે નબળા નેતાઓની નબળી રાજકીય ઇચ્છાશક્તિને કારણે પ્રગતિની દોડમાં છ દાયકા પાછળ રહી ગયેલો દેશ હવે ખરેખર હરણફાળ ભરી રહ્યો છે. બસ, જરૂર છે માત્ર એ બાબતનો હકારાત્મક સ્વીકાર કરવાની અને પ્રગતિના એ પ્રયાસોને વધાવવાની. છતાં જો એ પ્રયાસોનો હકારાત્મક સ્વીકાર ન થઈ શકે તો વાંધો નહીં, કમ સે કમ પ્રગતિના માર્ગમાં પથરા અને કાંટા નહીં નાખો તો પણ મોટો ઉપકાર થશે આ દેશ ઉપર.

No comments:

Post a Comment