Sunday, October 21, 2018

સુભાષચંદ્ર બોઝઃ કચડી નાખવામાં આવેલા ઇતિહાસનું એક પાત્ર


સુભાષચંદ્ર બોઝઃ કચડી નાખવામાં આવેલા ઇતિહાસનું એક પાત્ર

--- આજે 21 ઑક્ટોબર. 1943માં આજના દિવસે ભારતને સ્વતંત્ર દેશ જાહેર કરીને તેના પ્રથમ વડાપ્રધાનપદે શપથ લેનાર સૌથી બાહોશ અને વિદ્વાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝને હવે આજથી આ દેશમાં સાચું સન્માન મળશે...   


-- અલકેશ પટેલ



મોહનદાસ કરમચંદ ગાંધીની એવી તો કઈ મજબૂરી હશે કે તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, ડૉ. ભીમરાવ આંબેડકર, ભગતસિંહ જેવા વિદ્વાન અને બાહોશ સ્વતંત્રતા સેનાનીઓ સાથે અન્યાય કર્યો હતો – એ તો આજ સુધી જાણી શકાયું નથી. પરંતુ દેશનો એક ઘણો મોટો વર્ગ આ અને આવા બીજા અનેક સાચા નાયકો પ્રત્યે આજે પણ સાચી શ્રદ્ધા ધરાવે છે, અને હવે તો એ નાયકોને તેમનું યોગ્ય સન્માન પણ મળવા લાગ્યું છે.

આજે જ એટલે કે 21 ઑક્ટોબરે દિલ્હીમાં લાલ કિલ્લામાં જે સ્થળે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજના બાહોશ જવાનોને કેદી બનાવીને તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો એ સ્થળને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત નેતાજી સુભાષચંદ્ર બોઝને સાચી અંજલિ આપશે.

આ દેશની એ કમનસીબી રહી છે કે નહેરુ-ગાંધી પરિવાર પ્રત્યેની ગુલામ માનસિકતાને કારણે માત્ર સ્વતંત્રતા ચળવળ જ નહીં પરંતુ એ સિવાય પણ આ દેશના સેંકડો રાષ્ટ્રવાદી વિદ્વાન નાયકોએ ભારતીય જીવન ઉપર પાડેલા પ્રભાવને ઇતિહાસનાં પાનાઓમાં હાંસિયામાં ધકેલી દેવાનું ઘોર પાપ કરેલું છે.

આવી ઉપેક્ષા અને અન્યાયનો ભોગ નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ બન્યા. પણ હવે આપણે આ મહામાનવ વિશે ખુલ્લા મને ચર્ચા કરી શકવાની સ્થિતિમાં છીએ. વાસ્તવમાં 2014માં નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી નેતાજી બોઝ સહિત દેશના સાચા રાષ્ટ્રીય નાયકોને યોગ્ય સન્માન મળવાનું શરૂ થયું છે.

મને લાગે છે કે દેશની ઘણી મોટી વસતીને આજે એ વાતની ખબર પડશે કે નેતાજી સુભાષચંદ્ર બોઝે તો 21મી ઑક્ટોબર, 1943ના દિવસે જ, એટલે કે 15 ઑગસ્ટ, 1947ના ચાર વર્ષ પહેલાં જ ભારતને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધો હતો એટલું જ નહીં પરંતુ એવા સ્વતંત્ર ભારતના એ પ્રથમ વડાપ્રધાન અને વિદેશપ્રધાન પણ બન્યા હતા. સૌથી અગત્યની વાત એ છે કે 1943ની 21 ઑક્ટોબરે નેતાજી બોઝે તેમની સરકારની રચના કરી તેને વિશ્વના નવ (9) દેશોએ માન્યતા પણ આપી હતી. આ દેશોમાં જાપાન, જર્મની, ફિલિપિન્સ, થાઇલેન્ડ, મંચુરિયા, ક્રોએશિયા જેવા દેશોનો સમાવેશ થતો હતો. વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝની સરકાર 21 ઑક્ટોબર, 1943થી 18 ઑગસ્ટ, 1945 સુધી અસ્તિત્વમાં હતી. 1945ની 18 ઑગસ્ટે તેમના રહસ્યમય નિધન સાથે બધું જ ઇતિહાસનાં પાનાઓમાં માત્ર હાંસિયામાં ધકેલાઈ ગયું.

નેતાજી બોઝે કરેલા સંઘર્ષ વિશે, તેમના વિશ્વવિખ્યાત થયેલા સૂત્ર તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા વિશે, તેમના રહસ્યમય નિધન અંગે તો બધા જાણે છે. આ બધી વિગતો એવી છે કે તેને જાહેર કરવામાં મોહનદાસ ગાંધીના પ્રભાવ હેઠળના કોંગ્રેસ પક્ષ તેમજ હંમેશાં ભારત વિરોધી રહેલા ડાબેરી ઇતિહાસકારોને કોઈ વાંધો નહોતો. પરંતુ આ બધાએ ભેગા થઈને નેતાજી બોઝના ખરા રાષ્ટ્રવાદી વિચારો, દેશને સ્વતંત્ર કરાવવા માટે તેમણે કરેલો સંઘર્ષ અને વેઠેલી યાતનાઓની સાચી વિગતો દબાવી દીધી હતી.

શાળા જીવનથી જ સુભાષચંદ્ર બોઝમાં રાષ્ટ્રવાદની જ્યોત એટલી તીવ્રપણે પ્રજ્વલિત હતી કે તેઓ કોઇપણ ભોગે અંગ્રેજ દમનકારીઓને સહન કરવા તૈયાર નહોતા. કૉલેજ શિક્ષણ પૂરું કર્યા પછી તેમણે તે સમયના કોંગ્રેસ પક્ષમાં ક્રાંતિની ચિનગારી ચાંપી હતી. બાહોશ નેતૃત્વનાં લક્ષણોને કારણે જ તેઓ 1938માં કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા, પરંતુ મોહનદાસ ગાંધીની ખોખલી અહિંસાની છેતરપિંડીમાં ફસાયેલા કોંગ્રેસ પક્ષે સુભાષ બોઝને માત્ર એક વર્ષમાં જ પક્ષનું અધ્યક્ષપદ છોડવા ફરજ પાડી હતી.

મુદ્દો એ નથી કે મોહનદાસ ગાંધી અહિંસામાં માનતા હતા અને માત્ર અસહકાર જેવા ખોખલા સાધનો વડે સ્વતંત્રતા મેળવવા માગતા હતા...પરંતુ મુદ્દો એ છે કે તેમની એ નીતિને કારણે આ દેશના સાચા બાહોશ રાષ્ટ્રીય નાયકો હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. 2014 પછી આ સ્થિતિ બદલાઈ રહી છે. અનેક લોકોને પીડા થાય છે પરંતુ તેની સામે આ દેશનો એક સાચો હિંમતવાન અને બાહોશ ઇતિહાસ ઊઘડી રહ્યો છે. ડૉ. ભીમરાવ આંબેડકરનાં સ્મારક અને સંગ્રહાલય આંતરરાષ્ટ્રીય કક્ષાનાં થઈ રહ્યાં છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને તેની સાથે જ તેમનું સંગ્રહાલય આખી દુનિયા માટે અભ્યાસનો સ્રોત બની રહેશે. એ જ શ્રેણીમાં હવે નેતાજી સુભાષચંદ્ર બોઝને પણ રાષ્ટ્રીય સ્તરે યોગ્ય માન-સન્માન મળવાની શરૂઆત થશે. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી તેમજ વીર સાવરકરના સંઘર્ષ અને ભારતના ઇતિહાસમાં તેમના મૂઠી ઊંચેરા સ્થાન વિશે દેશમાં ભવિષ્યમાં પૉઝિટિવ પરિવર્તન આવશે તેવો વિશ્વાસ હવે રાખી શકાય તેમ છે.

No comments:

Post a Comment