Thursday, July 12, 2018

પ્રજા તરીકે આપણે કેટલા લાયક છીએ?


--- દેશના નાગરિકો તેમજ મીડિયાની સૌથી ગંભીર ભૂલ એ છે કે દરેક બાબત માટે, દરેક સમસ્યા માટે આપણે માત્ર સરકારને જ જવાબદાર ઠેરવવા પ્રયાસ કરીએ છીએ. શું દેશની પ્રગતિ માટે નાગરિકોની કોઈ ફરજ નથી હોતી..?
 --- અલકેશ પટેલ


10 જુલાઈ, 2018ને મંગળવારે મેં આ સ્થળે લખ્યું હતું કે દરેક સમસ્યા માટે આપણને માત્ર ને માત્ર સરકારને જવાબદાર ઠેરવવાની આદત પડી ગઈ છે. મેં ત્યારે કહ્યું હતું કે ચૂંટાયેલી સરકારની અને રાજકારણીઓની તો આવન-જાવન થતી રહે છે, પરંતુ વહીવટીતંત્ર અને અધિકારીઓ ત્યાં જ હોય છે અને વાસ્તવમાં નિયમો-કાયદાનું પાલન કરાવવાની, સરકાર જે કંઈ નક્કી કરે તેનો અમલ કરાવવાની જવાબદારી આ અધિકારીઓ અને વહીવટીતંત્રની જ હોય છે.

પણ આજે હવે એ વાત કરવી છે કે અધિકારીઓ અને વહીવટીતંત્ર પણ બીજા ક્રમે આવે છે. aઅર્થાત તેમની જવાબદારીનો ક્રમ પણ બીજો છે, પહેલોL ક્રમ તો પ્રજાનો પોતાનો આવે. દેશની પ્રગતિના ખરા ચાલક તો નાગરિકો પોતે છે.
સરકાર અને વહીવટીતંત્રનું kકામ તો માત્ર સાનુકૂળ સંજોગો ઊભા કરી આપવાનું હોય છે જેમાં નાગરિકો સુખેથી રહી શકે.
શા માટે પ્રજાની જવાબદારી..?
તેનો જવાબ છે... શું તમે તમારા ઘરમાં ગમે તે રૂમમાં છી-છી, પી-પી કરી દો છો..? શું તમે તમારા ઘરમાં એવી રીતે ચાલો છો કે હરોફરો છો જેનાથી પરિવારના અન્ય સભ્યો સાથે અથડાઈe જવાય..? શું તમે તમારા રસોડામાં જમ્યા પછી થાળી ગમેત્યાં છુટ્ટી ફેંકી દો છો..? ચા પીધા પછી કપ અથવા પાણી પીધા પછી ગ્લાસ ગમેત્યાં નાખી દો છો..?
જો આ બધાનો જવાબ હા હોય તો મારે કશું કહેવાનું રહેતું નથી...
... પણ મને ખબર છે કે ઉપરના કોઈ sસવાલનો જવાબ હા માં નથી. ઘરની અંદર આપણે સામાજિક પ્રાણીની જેમ જ રહીએ છીએ, બધું જ વ્યવસ્થિત. પરંતુ જેવા ઘરની બહાર નીકળીએ એટલે પ્રાણી-પશુ જેવા બની જઈએ છીએ. કચરો ગમેત્યાં નાખી દેતાં જરાય અચકાતા નથી. ચા જો પ્લાસ્ટિક કે કાગળના કપમાં પીધી હોય તો એ કપ જ્યાં-ત્યાં જ નાખી દઇએ છીએ. લારી ઉપર નાશ્તો કર્યા પછી ડિશ નાખવા માટે ડસ્ટબીન શોધવાની તકલીફ ઉઠાવતા નથી, પણ સીધી ગમેત્યાં નાખી દઇએ છીએ. ટ્રાફિકના કોઈ નિયમનું પાલન કરવાનું આપણને ગમતું નથી. બેફામ હોર્ન વગાડ્યા કરવાનો, રોંગ સાઇડમાં ઘૂસી જવાનું, ચાર રસ્તા ઉપર પોલીસ ન દેખાય તો ટ્રાફિક સિગ્નલની લાઇટનું સન્માન નહીં કરવાનું આપણામાંથી 95 ટકાને ગમે છે. આ જ પશુ વૃત્તિ કહેવાયh.
પણ...બે ઘડી વિચાર કરો કે આપણે જ ગંદગી નહીં કરીએ તો સ્વચ્છતા માટે કોઈએ બૂમો પાડવી નહીં પડે. આપણે ગમેત્યાં ફેંકેલો એ કચરો રસ્તા પર બનાવેલા વરસાદી નાળામાં નહીં પડે તો ચોમાસામાં વરસાદના પાણીનો ભરાવો નહીં થાય.
આપણે જ જો ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું તો કોઈ પોલીસવાળાએ મેમો ફાડવો નહીં પડે અથવા ઇ-મેમો ઘરે નહીં આવે. આપણે જો રોંગ સાઇડ નહીં જઇએ તો ટ્રાફિક જામ નહીં થાય અને બધા ભીડભાડ વિના સરળતાથી વાહનો ચલાવી શકશે.
આપણે જ જો ફૂટપાથ ઉપર દબાણ નહીં કરીએ તો ત્યાં ચાલનારા લોકો માટે જગ્યા રહેશે અને તેમણે રસ્તા ઉપર ચાલવું નહીં પડે..એ રીતે ટ્રાફિકમાં સરળતા રહેશે અને અકસ્માતો ઘટી જશે.
પણ કમનસીબે થાય છે આ બધાથી ઊંધું. અને તેથી દરેક વ્યવસ્થા કથળે છે પછી આપણે સરકારને જવાબદાર ઠેરવીએ છીએ કે સરકાર કશું કરતી નથી. જો બધું બગાડનાર આપણે પોતે હોઈએ તો બધું સુધારવા માટેની જવાબદારી સરકાર ઉપર કેવી રીતે ઢોળી શકાય..?

No comments:

Post a Comment