Monday, January 14, 2019

ભારતીય નાગરિકોની તરફેણમાં કોણ છે? કોણ નથી?


ભારતીય નાગરિકોની તરફેણમાં કોણ છે? કોણ નથી?

--- સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાફેલ અને સવર્ણો માટે 10 ટકા અનામતના મુદ્દે હોબાળા વચ્ચે એક અત્યંત અગત્યનો ખરડો પસાર ન થઈ શક્યો. આ સુધારા ખરડો પસાર થયો હોત તો ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તામાંથી વિસ્થાપિત થતા હિન્દુઓ ભારતમાં સહેલાઇથી રહી શકત, પણ...


-- અલકેશ પટેલ

આ મહિનાના પ્રારંભે શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં દિલ્હીમાં અને તેમાંય ખાસ કરીને સંસદભવનમાં ભારે ગરમાગરમી હતી. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો રાફેલ યુદ્ધ વિમાનના મુદ્દે ભારત સરકારને ભીંસમાં લેવા આતુર હતા, તો બીજી તરફ નરેન્દ્ર મોદી સરકાર ત્રણ તલાક અને નાગરિકત્વ સુધારા ખરડા પસાર કરાવવા પ્રયાસ કરતી હતી. જોકે સત્ર પૂર્ણ થવાના છેલ્લા દિવસે સવર્ણ અનામત માટે જોગવાઈ કરવા 124મો બંધારણીય ખરડો લાવીને ઘણો મોટો રાજકીય ખેલ પાડી દીધો.
દેશના સામાન્ય નાગરિકો, વિરોધ પક્ષો, (કથિત) બુદ્ધિજીવીઓ સહિત બધા જાણે છે કે સવર્ણો માટે અનામતની જોગવાઈની વિચારણા ઘણું નોંધપાત્ર રાજકીય પગલું છે અને એટલે જ ડાબેરીઓ તથા મુસ્લિમ પક્ષો સિવાય બીજા કોઇએ તેનો ખુલ્લો વિરોધ કર્યો નથી. સવર્ણ અનામત વિશે ખૂબ ચર્ચા થઈ છે, તેના વિશે ઘણું લખાયું છે અને આગામી સમયમાં એ પ્રવાહ ચાલુ રહેશે, પરંતુ આ બધી હોહા અને હોબાળામાં નાગરિકત્વ સુધારા ખરડો પસાર ન થયો – અથવા કહો કે કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષોએ પસાર ન થવા દીધો તેને કારણે ઘણી મોટી સંખ્યામાં મૂળ ભારતવાસીઓના દિલ દુભાયાં છે.
શું છે નાગરિકત્વ (સુધારા) ખરડો, 2019:
મૂળભૂત રીતે 1955ના આ કાયદા હેઠળ અન્ય દેશોમાં રહેતા મુસ્લિમ સિવાયના ભારતીય નાગરિકો કોઈ કારણથી મુશ્કેલીમાં આવી પડે અને તેઓ જે દેશમાં રહેતા હોય ત્યાંથી ભારત આવવા મજબૂર બને તો કેટલીક શરતોને આધિન ભારતનું નાગરિકત્વ આપવામાં આવે છે. હાલ આ કાયદા હેઠળ આવા મૂળ ભારતીય નાગરિકો દેશમાં આવીને ઓછામાં ઓછા 12 વર્ષ રહ્યા હોય ત્યારે તેમને નાગરિકત્વ અપાય છે.
પરંતુ મોદી સરકારે આ કાયદામાં સુધારો કરીને નવો ખરડો દાખલ કર્યો હતો જે અનુસાર વિદેશમાં વસતા પીડિત ભારતીય નાગરિકોને છ વર્ષમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી અને આ માટે તેમની પાસે કોઈ દસ્તાવેજ ન હોય તો પણ ભારતીય નાગરિકત્વ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. લોકસભામાં ભાજપ અને એનડીએની બહુમતી હોવાથી આ ખરડો પસાર થઈ ગયો હતો, પરંતુ હંમેશાં થાય છે એમ, કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષોએ રાજ્યસભામાં આ ખરડો પસાર થવા ન દીધો.
રાજ્યસભામાં આ ખરડો રજૂ કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે તમામ પક્ષોને આ ખરડો પસાર કરવા સહકાર આપવા માટે અપીલ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત અન્ય દેશોમાં વસતા હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી તથા ખ્રિસ્તી નાગરિકો માટે દુનિયામાં બીજે ક્યાંય આશ્રય લેવાની શક્યતા નહીં હોવાથી ભારતે તેમને આશ્રય સાથે વહેલી તકે નાગરિકત્વ આપવું જોઇએ.
કોંગ્રેસ, ડાબેરીઓ તેમજ છૂટાછવાયા મુસ્લિમ પક્ષોનું વલણ આપણે જાણીએ છીએ. તેઓ દેખાડો અને દંભ કરવા માટે સેક્યુલારિઝમની વાતો કરે છે, પરંતુ તેમના સેક્યુલારિઝમમાં માત્ર લઘુમતી તૃષ્ટિકરણ જ હોય છે. તેમના સેક્યુલારિઝમમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી નાગરિકોનો સમાવેશ થતો નથી. અને એટલે જ આ પક્ષોએ જે રીતે લઘુમતીઓની ખુશામત કરવા માટે ટ્રિપલ તલાકનો ખરડો રાજ્યસભામાં પસાર ન થવા દીધો એ જ રીતે ભારતીય મૂળના વિદેશી પીડિત નાગરિકોને ભારતનું નાગરિકત્વ આપવા માટેનો સુધારા ખરડો પણ પસાર ન થવા દીધો.
ભારતીય રાજકારણની આ અત્યંત દુઃખદ સ્થિતિ છે. અહીં ભાજપ જેવા અમુક પક્ષો રાષ્ટ્રવાદની વાત કરે તો તેને કોમવાદમાં ખપાવી દેવામાં આવે છે. અને સામે કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષો દેશને, દેશની સલામતીને નુકસાન થવાના ભોગે પણ લઘુમતીઓની ખુશામત કરે અને છતાં તેમને સેક્યુલર ગણવામાં આવે! કોંગ્રેસ-ડાબેરીઓ તેમજ મુસ્લિમ પક્ષોનું આ પક્ષપાતી વલણ રોહિંગ્યાઓના કેસમાં આપણે સૌ જોઈ ચૂક્યા છીએ. રોહિંગ્યાઓ દેશની સલામતી માટે જોખમી હોવા છતાં આ કહેવાતા સેક્યુલર પક્ષો એમને ભારતમાં રાખવા માગે છે અને સામે મૂળ ભારતીય હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ અને પારસી અન્ય દેશમાં પીડિત હોય અને ભારતમાં આવવા માગતા હોય તો એ જ પક્ષો વિરુદ્ધમાં મત આપે છે!
હવે એવી આશા છે કે જાન્યુઆરીના અંતમાં મળનાર ટૂંકા બજેટ સત્રમાં સરકાર કદાચ ફરીથી નાગરિકત્વ સુધારા ખરડો, 2019 પસાર કરાવવા પ્રયાસ કરશે. જો ત્યારે પણ નિષ્ફળતા મળશે તો પછી એ ખરડાનું ભવિષ્ય શું હશે એ કહેવું મુશ્કેલ છે. સિવાય કે ચૂંટણી પછી લોકસભાની સાથે સાથે રાજ્યસભામાં પણ ભાજપ-એનડીએની બહુમતી થાય તો આવા દેશહિતના કાયદા પસાર થઈ શકે.

No comments:

Post a Comment