Wednesday, January 23, 2019

કોલકાતામાં ગઠબંધનનો કૉમેડી શો


કોલકાતામાં ગઠબંધનનો કૉમેડી શો

--- શનિવારે કોલકાતામાં ગઠબંધનની રેલી યોજાઈ. રેલીનું આયોજન મમતા બેનરજીએ કર્યું. આ રેલી કૉમેડી શો હતી...કેવી રીતે? શું મારે એ રેલીને કૉમેડી શો કહેવો જોઇએ? શું આ ગઠબંધન રેલીનું કોઈ મહત્ત્વ નથી? – ચાલો વિચારીએ...


-- અલકેશ પટેલ

દેશ વિભાજીત થઈ રહ્યો છે”, ભાજપ દેશના ટુકડા કરી નાખવા માગે છે, મોદી-શાહની જોડી આ દેશને ખતમ કરી નાખશે, ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર એનડીએ-મોદી સરકારે કર્યો છે, જે કામ પાકિસ્તાન 70 વર્ષમાં ન કરી શક્યું એવું દેશ તોડવાનું કામ મોદી સરકારે કર્યું છે, મોદી સરકારે એક પણ વિકાસનું કામ કર્યું નથી, પાંચ વર્ષમાં કરોડો લોકો બેરોજગાર થયા,, દેશના તમામ ખેડૂતો બરબાદ થઈ ગયા છે અને બધા આપઘાત કરી રહ્યા છે, 2019માં દેશને નવા વડાપ્રધાન મળશે, મોદીને જીતવા નહીં દઇએ... આ બધા નિવેદનો વાંચીને તમારામાંથી કેટલાને હસવું આવ્યું..? – સાચું બોલજો હોં..!
ઠીક છે, ચાલો હવે આ કૉમેડી નિવેદનો વિશે થોડી વાત કરી લઈએ. 19 જાન્યુઆરીને શનિવારે કોલકાતામાં ખૂબ મોટી સંખ્યામાં વિરોધ પક્ષના નેતાઓ એકત્ર થયા હતા. જેમ કે, મમતા બેનરજી, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, શરદ યાદવ, શરદ પવાર, ચંદ્રબાબુ નાયડુ, મલ્લિકાર્જુન ખડગે, અરવિંદ કેજરીવાલ, પ્રફુલ્લ પટેલ, યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા, અરુણ શૌરી, આ ઉપરાંત ગુજરાતમાંથી પણ સામાન્ય કક્ષાના બે લોકો ત્યાં મંચ ઉપર ઉપસ્થિત હતા.
એ વાતનો ઇનકાર ન થઈ શકે કે, લોકશાહીમાં વિરોધ પક્ષનું અત્યંત મહત્ત્વ છે. એ વાત તદન સાચી જ છે કે, વિરોધ પક્ષ વિના લોકશાહી ટકી જ ન શકે. પરંતુ આ બધા વિરોધ પક્ષોએ શનિવારે કોલકાતામાં ભેગા થઈને જે નિવેદનો કર્યાં તે એટલા માટે કૉમેડી હતાં કે, જે 20-22 નેતા બોલ્યા એ બધાનો સૂર એક જ હતો – મોદી-શાહને રોકો. નરેન્દ્ર મોદીની એનડીએ સરકારે પાંચ વર્ષમાં વિકાસના કેટલાં કામ કર્યાં છે એ તમને ભાજપના પ્રચારકો અને સોશિયલ મીડિયાના યોદ્ધા કહેશે... પરંતુ મારે આજે અહીં એ વિપક્ષી નેતાઓને ખુલ્લા પાડવા છેઃ (1) એ રેલીમાં મમતા બેનરજીએ લોકશાહીની વાત કરી. પણ પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં અન્ય પક્ષોને ભાગ લેવા દેવામાં નહોતો આવ્યો. છેલ્લા એક મહિનાથી ભાજપને પશ્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢવા દેવામાં નથી આવતી અને છેલ્લા સમાચાર અનુસાર માલ્દાના સ્થાનિક શાસકોએ અમિત શાહના હેલિકૉપ્ટરને લેન્ડિંગ માટે પરવાનગી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. (2) એ સભામાં શરદ પવાર અને ખડગેએ મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. શરદ પવારની ભ્રષ્ટાચારની યાદી વિશે સૌ જાણે છે, પરંતુ યુપીએ સરકાર વખતનું એર ઈન્ડિયા કૌભાંડનું રહસ્ય ગમેત્યારે ખૂલશે તેમાં શંકા નથી. અને ખડગે કોંગ્રેસના નેતા છે. કોંગ્રેસના ટોચના બે નેતા અર્થાત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર નેશનલ હેરલ્ડ કેસનો કોર્ટ કેસ ચાલુ જ છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર કૌભાંડ ગમે ત્યારે છાપરે ચડીને પોકારશે. (3) એ સભામાં કુમારસ્વામી, કેજરીવાલ અને ચંદ્રબાબુ નાયડુ કહેતા હતા કે મોદીએ વિકાસનું એક પણ કામ કર્યું નથી. પણ આ ત્રણેના રાજ્યમાં વિકાસના કયા-કેટલા કામ થયાં તેનો હિસાબ આપી શકે તેમ છે? (4) એ સભામાં શત્રુઘ્ન સિંહા, યશવંત સિંહા અને અરુણ શૌરીએ હાજર રહીને ભાષણ કર્યાં. આ ત્રણે ભાજપમાંથી ફેંકાઈ ગયેલા છે એ સૌ જાણે છે. શત્રુઘ્ન સિંહાને તો ચારાકાંડના જેલવાસ ભોગવી રહેલા લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવમાં ભારતનું ભવિષ્ય ઉત્તમ નજર આવે છે!
આ બધી બાબતોને કૉમેડી ન કહેવાય તો શું કહેવાય? એ સભામાં વિપક્ષી નેતાઓ સીબીઆઈ, ઈડી, સુપ્રીમ કોર્ટ, ચૂંટણીપંચ – આ તમામ સંસ્થાઓ સામે એક સાથે આશંકા વ્યક્ત કરી છે. આ વિપક્ષી નેતાઓને હાલ સીબીઆઈમાં વિશ્વાસ નથી તો ભૂલેચૂકે સત્તા પર આવશે તો સીબીઆઈ ઉપર વિશ્વાસ રહેશે? આર્થિક ગોટાળા સામે ઈડી જે કામ કરે છે તેનામાં આ વિપક્ષી નેતાઓને વિશ્વાસ નથી, તો શું સત્તા પર આવશે તો ઈડી વિશ્વાસુ બની જશે? આ વિપક્ષી નેતાઓને રફાલ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં પણ વિશ્વાસ નથી.
ખેર, આ ચર્ચા હવે છેક મે મહિના સુધી ચાલુ રહેશે. કોણ સાચું છે અને કોણ ખોટું છે... ચર્ચા થશે પાંચ વર્ષમાં સરકારે કેટલી કામગીરી કરી અને સામે વિપક્ષી નેતાઓએ આટલા દાયકામાં કેટલાં કામ કર્યા હતા અથવા જ્યાં તેમની રાજ્ય સરકાર છે ત્યાં પ્રગતિ-વિકાસના કેટલાં કામ થયાં? ચર્ચા એ વાતની થશે કે પ્રજાને દેશની પ્રગતિમાં રસ છે કે પછી મોદી-શાહને અટકાવવાના રાજકારણમાં રસ છે? ચર્ચા એ વાતની થશે કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ પગલાં લેવા જરૂરી છે કે પછી ભ્રષ્ટાચારીઓ એકત્ર થઈને એકતા બતાવે એ લાભદાયી છે?

No comments:

Post a Comment