Thursday, January 31, 2019

CBI-ED ને ધમકીઃ કોંગ્રેસી રાજનીતિનો વરવો ચહેરો


CBI-ED ને ધમકીઃ કોંગ્રેસી રાજનીતિનો વરવો ચહેરો

--- કોંગ્રેસી આનંદ શર્માએ શુક્રવારે CBI તથા ED ના અધિકારીઓને ખુલ્લી ધમકી આપી. ગાંધી પરિવારના ભ્રષ્ટાચારના કેસોની તપાસ અટકાવવાનો આ પ્રયાસ છે. સવાલ એ છે કે, જો ગાંધી પરિવારે ભ્રષ્ટાચાર કર્યો નથી તો પછી કોંગ્રેસીઓને ડર શેનો છે?

-- અલકેશ પટેલ

એક સર્વસામાન્ય માનવ સહજ પરંપરા છે કે તમે સાચા હોવ, તમે કશું ખોટું કર્યું ન હોય...તો તમારે ડરવાની કોઈ જરૂર હોતી નથી. તમને તમારી સચ્ચાઈ ઉપર જ એટલો ભરોસો હોય કે કોઈનાથી કશો ડર ન લાગે. એવું જ રાજકારણમાં છે. જો કોઈ રાજકારણીએ ભ્રષ્ટાચાર કર્યો ન હોય છતાં સરકાર કેસ કરે તો એ રાજકારણીએ ડરવાની કોઈ જરૂર ખરી? અને છતાં જો એ રાજકારણી ડરીને બેફામ બની જાય, ગમેતેમ બોલવા લાગે, ધાકધમકી ઉપર ઊતરી આવે... તો પ્રજા સમજી જાય કે દાળમાં કંઇક કાળુ હશે, તો જ આવી ધાકધમકીનો પ્રયોગ થઈ રહ્યો છે..!
આ વાતનો સીધો સંબંધ કોંગ્રેસ પક્ષ સાથે છે. શુક્રવારે કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્માએ એક પત્રકાર પરિષદ યોજીને સીબીઆઈ તેમજ એન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓને ખુલ્લેઆમ ધમકી આપી. શર્માએ ધમકી આપી કે, થોડા મહિના પછી સરકાર બદલાઈ જવાની છે અને એ વખતે હાલ કોંગ્રેસ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરનાર સીબીઆઈ-ઈડીના અધિકારીઓને જોઈ લઈશું. શર્માએ આ ધમકી એટલા માટે આપી કે શુક્રવારે જ સીબીઆઈએ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર હુડાના નિવાસસ્થાન તેમજ અન્ય બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડા સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડરાના જમીન કૌભાંડના સંદર્ભમાં હતા.
દરોડા કદી કોઈ પ્રામાણિક વ્યક્તિને ત્યાં નથી પડતા. એફઆઈઆર કોઈ સજ્જન વિરુદ્ધ નથી થતી. આરોપનામું કોઈ સામાન્ય લોકો સામે નહીં પરંતુ ગુનેગાર વિરુદ્ધ દાખલ થાય છે. આ બધું થયા પછી પોલીસ તપાસ થતી હોય છે, સાક્ષીઓનાં નિવેદન લેવાતાં હોય છે અને અદાલતોમાં પુરાવાના આધારે કેસ ચાલતો હોય છે. જો આ પ્રક્રિયા હોય તો પછી કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હુડા કે પછી 10થી વધુ બિલ્ડર કે પછી હુડાની સરકાર વખતના કેટલાક અધિકારીઓ વિરુદ્ધ સીબીઆઈએ પગલાં લીધા હોય તો એમાં ખોટું શું છે? શું શકમંદો સામે કોઈ કાર્યવાહી કરવાની જ નહીં? અને તેમાંય એ શકમંદ કોંગ્રેસી અથવા કોંગ્રેસ સાથે જોડાયેલા હોય તો તપાસ એજન્સીઓ કે પછી અદાલત કોઈ પગલાં લે તો શું પગલાં લેનાર ગુનેગાર ગણાય?
હુડા અને વાડરાના કેસમાં કોંગ્રેસ ભલે ગમે તેવો અપપ્રચાર કરીને મોદી સરકારને જવાબદાર ઠેરવવા પ્રયાસ કરે, પરંતુ નાગરિકોએ એ વાત સમજવી જરૂરી છે કે આવા દરેક કેસ અને ખાસ કરીને ગાંધી પરિવારના જમાઈના જમીન કૌભાંડના કેસ સુપ્રીમ કોર્ટની દેખરેખ નીચે અને કોર્ટે આપેલા માર્ગદર્શન હેઠળ થતા હોય છે અને એમાં સરકારનું કશું ચાલે નહીં. હવે જો કોંગ્રેસ આવા કેસોના મામલે જાહેર ધમકીઓ આપતો હોય તો તેનો સીધો અર્થ એ છે કે તે અદાલતોને તેમજ ન્યાયની પ્રક્રિયાને પણ ધમકી આપે છે.
દેશના નાગરિકોએ હવે આ સવાલો અંગે વિચાર કરવો પડશે. આ સવાલો એટલા માટે અતિશય ગંભીર છે કે કેન્દ્રમાં તથા અનેક રાજ્યોમાં સત્તા ગુમાવી ચૂકેલો કોંગ્રેસ પક્ષ ધાકધમકીની ભાષા ઉપર ઊતરી આવ્યો છે. દેશના નાગરિકોને એ વાત યાદ હશે કે ગત જુલાઈમાં આ કોંગ્રેસે જ તે સમયના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ સંસદમાં ઠપકા દરખાસ્ત લાવવાનો હિચકારો પ્રયાસ કર્યો હતો. હિચકારો એટલા માટે કે ન્યાયમૂર્તિ મિશ્રા દેશના હિતમાં ચુકાદા આપી રહ્યા હતા, પરંતુ તેને કારણે કોંગ્રેસને તેના લઘુમતી તૃષ્ટિકરણની ચિંતા હતી. આ ઠપકા દરખાસ્ત દ્વારા કોંગ્રેસીઓનો હિચકારો પ્રયાસ સમગ્ર ન્યાયતંત્રને ચેતવવાનો હતો એ સમજદાર નાગરિકોને ખ્યાલ આવવો જોઇએ, એટલું જ નહીં પરંતુ દેશના ભવિષ્ય માટે આ વાત યાદ પણ રાખવી જોઈએ.
કોંગ્રેસ રાજકીય પક્ષ છે અને તેને રાજકારણ માટે, સત્તા ઉપર આવવા માટે, ચૂંટણીમાં વિજય મેળવવા માટે હરીફ પક્ષો વિશે જે ફાવે એ બોલવાનો અધિકાર છે જ. કેમ કે બીજા પક્ષો પણ એવું જ કરતા હોય છે. પરંતુ એ કોંગ્રેસ જો ન્યાયતંત્ર, વહીવટીતંત્ર, સીબીઆઈ કે ઈડી જેવી તપાસ સંસ્થાઓને ડરાવવા માટે પત્રકાર પરિષદ યોજીને ધમકીની ભાષા વાપરે ત્યારે દરેક નાગરિકને દેશના ભવિષ્યની ચિંતા થવી જોઇએ. રાજકારણ રમવા અને ચૂંટણી જીતવા ખાતર ન્યાયતંત્ર કે પછી વહીવટીતંત્રને ડરાવવા – ધમકાવવાના પ્રયાસોની મીડિયાએ પણ ગંભીર નોંધ નથી લીધી એ પણ ચિંતાજનક બાબત છે.

No comments:

Post a Comment