Monday, March 11, 2019

આ તફાવત છે ટીમ-મોદી અને ટીમ-રાહુલ વચ્ચે!


આ તફાવત છે ટીમ-મોદી અને ટીમ-રાહુલ વચ્ચે!

--- પરિવાર, સંસ્થા, રાજકીય પક્ષ કે દેશના વડાની નેતૃત્વ ક્ષમતાને આધારે એ પરિવાર, સંસ્થા, રાજકીય પક્ષ કે દેશનો ખ્યાલ આવે છે અને તેનું ભાવિ નિર્ધારિત થાય છે

-- અલકેશ પટેલ

તમારામાંથી મોટાભાગના લોકો સમાચાર ચૅનલો ઉપર થતી ચર્ચા જોતા હશો. તમારામાંથી મોટાભાગના તટસ્થ નાગરિકોએ એ નોંધ્યું હશે કે રાજકીય વિશ્લેષકના નામે બેસતા મોટાભાગના (લગભગ 95 ટકા) પત્રકારો અથવા ટીવી ચર્ચામાં ભાગ લેનારા લોકો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ ઉપરાંત સંઘ વિશે બેફામ બોલતા હોય છે. એ જ ચર્ચાની પૅનલમાં ભાજપ અને સંઘના પ્રવક્તાઓ પણ હોય છે, છતાં તેઓ પોતાની વિરુદ્ધના નિવેદનોથી ઉશ્કેરાઈને બેફામ બોલતા નથી... આ જ ચર્ચાની પૅનલમાં કોંગ્રેસના પ્રવક્તા પણ બેઠા હોય છે, અને ભૂલેચૂકે જો કોઈ રાજકીય વિશ્લેષક (પત્રકાર અથવા અન્ય વ્યક્તિ) કોંગ્રેસની વિરુદ્ધમાં એકાદ વાક્ય પણ બોલે તો કોંગ્રેસી પ્રવક્તાઓ આક્રમક અને બેફામ બની જતા હોય છે. ગુજરાતમાં તો આ થાય જ છે અને રાષ્ટ્રીય સ્તરે પણ આ જ સ્થિતિ છે.
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં જે રાજકીય ઊથલપાથલ થઈ છે એ સંદર્ભમાં પણ આજે આ મુદ્દે વાત કરવી જરૂરી છે. રાજકારણ અને સત્તા કાયમી નથી હોતાં, એ કામચલાઉ હોય છે. અને છતાં રાજકારણીઓનો તૉર અને પાવર ચિંતાજનક છે. આ આખી વાત એક તરફ નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વ હેઠળના ભાજપની તથા બીજી તરફ રાહુલ ગાંધી અને તેમના નેતૃત્વ હેઠળના કોંગ્રેસ પક્ષની છે.
દેશનો દરેક નાગરિક જાણે છે કે 2002માં ગોધરામાં કેટલાક જેહાદી મુસ્લિમોએ અયોધ્યાથી પરત ફરી રહેલા રામભક્તોને સળગાવી દીધા તેને કારણે પ્રજામાં જે આક્રોશ ફેલાયો હતો તેનો દોષનો ટોપલો સેક્યુલર ટોળકીએ અને મીડિયામાં બેઠેલા તેમના એજન્ટોએ નરેન્દ્ર મોદી ઉપર ઢોળી દીધો હતો. એ દિવસથી શરૂ કરીને હજુ આજે સુધી એટલે કે 2019ના માર્ચ સુધી નરેન્દ્ર મોદી ઉપર અને તેમના નામે ભાજપ ઉપર અને તેની સાથે સંઘ ઉપર પથરા ફેંકવાનું અને કાદવ ઉછાળવાનું ચાલુ છે. આમ છતાં, નાગરિકો જાણે છે કે, નરેન્દ્ર મોદી કે ભાજપ કે સંઘે કોઇની સામે બેફામ કે હિંસક વર્તન કર્યું નથી.
આથી વિરુદ્ધ શાંતિ અને પ્રેમની વાતો કરનાર રાહુલ ગાંધી પોતે અને તેમની ટીમના સભ્યો દેશના વડાપ્રધાનના હોદ્દાનું પણ માન જાળવી શકતા નથી, જાળવતા નથી. 2002થી 2019 સુધી આ પ્રથા ચાલુ રહી છે. પણ હવે કોંગ્રેસના પ્રવક્તાઓ સાચા અર્થમાં તટસ્થ રાજકીય વિશ્લેષકોને પણ નિશાન બનાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે અહીં કોંગ્રેસના તમામ નેતાઓ અને તમામ પ્રવક્તાની વાત નથી. પણ કેટલાક એવા છે જેમની સહનશક્તિ ખૂટી ગઈ છે અને બેફામ બની રહ્યા છે.
સવાલ એ છે કે, આવું થવાનું કારણ શું?
આવું થવાનું કોઈ એક કારણ નથી, પણ ઘણાં કારણ છે. સૌથી પહેલાં તો ભાજપની સામે દરેક મોરચે કોંગ્રેસને જે રીતે પછડાટ મળે છે તે તેમનાથી સહન થતી નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનો ભાજપ દેશમાં તો હાલ દરેક મોરચે પ્રભુત્વ જમાવી રહ્યો છે, પરંતુ વિદેશનીતિમાં પણ તેને સફળતા મળી રહી છે. બીજું, નોટબંધી, જીએસટી જેવા પગલાં ઊંધા પડી જશે અને મોદી સરકારની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થશે તેવી ઇચ્છા અને તેવો પ્રચાર સફળ થયો નથી. ત્રીજું, કોંગ્રેસ કે અન્ય વિપક્ષો ભ્રષ્ટાચારના મુદ્દે મોદી સરકાર સામે કશું જ નક્કર પુરવાર કરી શક્યા નથી. ચોથું, ગાંધી-વાડરા પરિવારના ચાર સભ્યો – રાહુલ અને સોનિયા ગાંધી તથા રૉબર્ટ વાડરા અને તેમનાં માતા સામે ભ્રષ્ટાચાર મુદ્દે અદાલતી કેસ ચાલે છે. ઉપરાંત ચિદમ્બરમ્ પરિવાર સામે પણ કેસ ચાલે છે. પાંચમું, પાકિસ્તાનના આતંક સામે પગલાં લેવામાં મોદી સરકારે ભારે હિંમત દર્શાવી છે.
આ અને આવા બીજા અનેક કારણસર કોંગ્રેસમાં ભારે ધુંધવાટ છે. આટલું ઓછું હોય તેમ, ઉત્તરપ્રદેશમાં સપા-બસપા, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી વગેરે કોંગ્રેસ સાથે ચૂંટણી જોડાણ કરવા તૈયાર નથી. શિવસેના ભાજપ સાથે ચૂંટણી જોડાણ નહીં કરે તેવી કોંગ્રેસ સહિત વિપક્ષોને આશા હતી એ પણ ધૂળમાં મળી ગઈ છે. તેથી કોંગ્રેસ દેખીતી રીતે હતાશ છે. આ હતાશામાં રાહુલ ગાંધી પોતે ચોકીદાર ચોર હૈ એવું દરેક સભામાં બોલ્યા કરે છે, અને તેમની આ ભાષાની અસર કોંગ્રેસના અમુક નેતાઓ અને પ્રવક્તાઓમાં આવી છે. આથી સ્થિતિ એ આવી છે કે લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ ક્યાં ભૂલ કરે છે એવું તટસ્થ અવલોકન કરનાર પત્રકારો તેમજ અન્ય બુદ્ધિજીવીઓને પણ કોંગ્રેસ અને તેમના પીઠ્ઠુ મીડિયાવાળા બેફામ બોલવા લાગ્યા છે. મેં આ સ્થળે વારંવાર કહ્યું છે કે, લોકશાહીમાં મજબૂત વિરોધપક્ષ હોવો જરૂરી છે, પરંતુ આપણા કમનસીબે રાષ્ટ્રીય સ્તરનો એક જ વિરોધપક્ષ છે – કોંગ્રેસ, પરંતુ તેની પાસે યોગ્ય અને મૅચ્યોર નેતૃત્વ નથી.

No comments:

Post a Comment