Tuesday, March 5, 2019

શું છે શ્રમયોગી માન-ધન યોજના?

શું છે શ્રમયોગી માન-ધન યોજના?
કેન્દ્રની મોદી સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના દેશને ગરીબી-મુક્ત કરવાની ખૂબ દીર્ઘદ્રષ્ટિવાળી સાચી દિશાની યોજના છે.
-   અસંગઠિત ક્ષેત્રના 40 કરોડ કરતાં વધુ લોકો તેનો લાભ લઈ શકશે.


--- અલકેશ પટેલ

      2019ની ત્રીજી માર્ચે, મંગળવારે દેશે ખરેખર ગરીબી-મુક્ત થવાની દિશામાં પ્રથમ પગલું માડ્યું. આ કોઈ અતિશયોક્તિવાળું નિવેદન નથી, આ હું ખૂબ સમજપૂર્વક કહી રહ્યો છું.
આજથી શરૂ થયેલી શ્રમિક માન-ધન યોજના લાંબાગાળે દેશનું આર્થિક નસીબ બદલશે એટલું જ નહીં પરંતુ સામાજિક સ્થિતિમાં પણ ખૂબ નોંધપાત્ર સુધારો આવશે એ નિશ્ચિત છે. આ એક એવું પેન્શન ખાતું છે જેના દ્વારા રોજિંદા કામદારોને તેઓ 60 વર્ષના થાય પછી દર મહિને રૂ. 3000/- નું પેન્શન મળશે.
સૌથી પહેલાં ટૂંકાણમાં જાણી લઈએ કે શું છે આ શ્રમિક માનધન યોજના?
n આ યોજના હેઠળ 18 થી 40 વર્ષની વયના મહિને રૂ. 15,000 કરતાં ઓછી આવક ધરાવતા શ્રમિકો-મજૂરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
n છૂટક મજૂરી કરનાર ઉપરાંત નાના નાના એકમોમાં કામ કરનાર કામદારો આ યોજનાનો લાભ લઈ શકશે.
n તેમની પાસે તેમના બેંક ખાતા સાથે જોડાયેલો આધાર કાર્ડ નંબર હોવો જરૂરી છે.
n આખા દેશમાં જ્યાં જ્યાં નાગરિક સુવિધા કેન્દ્ર, સિવિક સેન્ટર આવેલાં છે ત્યાં આ શ્રમિકો જઇને પોતાની નોંધણી કરાવી શકશે અને તરત જ તેઓ યોજનામાં સામેલ થઈ જશે.
n પ્રથમ વખત નોંધણી વખતે તેમણે તેમની ઉંમર પ્રમાણે રૂપિયા 55 થી રૂપિયા 200 વચ્ચે જે રકમ નક્કી થયેલી હોય તે એક વખત રોકડા ભરવાની રહેશે, અને તે તેમનું પેન્શન ખાતું સક્રિય થઈ જશે.
n આ યોજનામાં કામદારના ફાળે આવતી રકમ જેટલી જ બીજી રકમ કેન્દ્ર સરકાર જમા કરાવશે. દા.ત. 18 વર્ષની ઉંમરના કામદાર (મહિલા – પુરુષ બંને) દરમહિને રૂપિયા 55 જમા કરાવવાનું શરૂ કરે તે સાથે તેના ખાતામાં સરકાર તરફથી પણ રૂપિયા 55 જમા થશે – એટલે દર મહિને તેના ખાતામાં રૂપિયા 110 જમા થશે. તે પોતે 60 વર્ષના થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહશે અને પછી 61મા વર્ષથી એ વ્યક્તિને દર મહિને પેન્શન મળવાનું ચાલુ થઈ જશે. (2) દા.ત. 40 વર્ષની ઉંમરના કામદાર (મહિલા – પુરુષ બંને) રૂપિયા 200 જમા કરાવે તો કેન્દ્ર સરકાર પણ રૂપિયા 200 જમા કરાવશે. આમ એ કામદારના ખાતામાં દર મહિને રૂપિયા 400 જમા થશે. તેમની ઉંમર 60 વર્ષ થાય પછી 61મા વર્ષથી પેન્શન મળવાનું શરૂ થશે.

--- હવે આ યોજનાના આર્થિક અને સામાજિક લાભની વાત કરું. જવાહરલાલ નહેરુએ રશિયા અર્થાત તે સમયના સોવિયેત સંઘના રવાડે ચઢીને ભારતમાં સમાજવાદી અર્થતંત્રનો અખતરો કર્યો, પરંતુ નહેરુ એક વાત સદંતર ચૂકી ગયા. તેમણે શ્રમિકોના કલ્યાણ માટેની લાંબાગાળાની કોઈ યોજના જ ન બનાવી. જો એ વખતથી અથવા ત્યારપછીનાં વર્ષોમાં પણ શ્રમિક માન-ધન યોજના આવી હોત તો આજે દેશ ગરીબ દેશોની હરોળમાં ન હોત એ નિશ્ચિત છે.
--- છૂટક મજૂરી કરતા શ્રમિકો અથવા નાના કામ કરતા કામદારોએ પોતે જીવે ત્યાં સુધી મજૂરી કરવી પડતી હોય છે કેમ કે અત્યાર સુધી તેમના માટે નિવૃત્તિ અને નિવૃત્તિ પછીની આવકની કોઈ વ્યવસ્થા નહોતી. આ મજૂરો-શ્રમિકો-કામદારો વિશ્વાસપાત્ર રીતે બચત પણ કરી શકતા નહોતા, પરિણામે તેમના માટે ભવિષ્યનું આયોજન કરવાની કોઈ સંભાવના નહોતી.
--- આનું પરિણામ એ આવતું કે જીવે ત્યાં સુધી અથવા સંપૂર્ણ અશક્ત ન થઈ જાય ત્યાં સુધી તેમણે કામ કરવું પડે. આ સ્થિતિમાં તેમના પરિવાર પણ આર્થિક રીતે ઊંચા ન આવી શકે. તેમણે પણ ગરીબીમાં જ જીવન પસાર કરવું પડે.
--- આ સ્થિતિની સામાજિક અસર એ હતી કે. ક્યારેક કોઈ બાળકો થોડા આગળ નીકળી જાય તો તેમના વૃદ્ધ-અશક્ત અને કશું જ નહીં કમાઈ શકતા માતા-પિતાને તરછોડી દે.
--- પરંતુ હવે સ્થિતિ બદલાશે. કોઈ મજૂર-શ્રમિક-કામદારે 60 વર્ષ પછી કામ નહીં કરવું પડે. તે દરમહિને નિશ્ચિત રૂ. 3000 નું પેન્શન મેળવી શકશે. તેઓ નિવૃત્તિની વયમાં આર્થિક પગભર ગણાશે.
--- વૃદ્ધ માતા-પિતાના નામે દરમહિને ઓછામાં ઓછા રૂ. 3000 આવવાથી તેમનાં બાળકો પણ તેમની સાથે ખરાબ વ્યવહાર નહીં કરે.

--- હાલ દેશમાં 70 ટકા કરતા વધુ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. તેમની સંખ્યા આશરે 40 થી 45 કરોડ છે. તેઓ ભારતની કુલ જીડીપીમાં 40 થી 50 ટકાનો ફાળો આપે છે. છતાં અત્યાર સુધી કોઈ સરકારે દેશના અર્થતંત્રના એક મુખ્ય આધાર સમાન આ વર્ગ માટે લાંબાગાળાની યોજના બનાવી નહોતી. અને તેથી જ દેશમાંથી ગરીબી પણ દૂર થતી નહોતી. હવે થોડાં જ વર્ષમાં ખૂબ મોટું આર્થિક અને સામાજિક પરિવર્તન આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.-અલકેશ પટેલ

No comments:

Post a Comment