Wednesday, March 27, 2019

કોઈ હિન્દુ સંગઠન આવું કરે છે?

કોઈ હિન્દુ સંગઠન આવું કરે છે?

મુસ્લિમ મતદાતાઓની નોંધણી માટે એક મુસ્લિમ સંગઠને વ્યાપક અભિયાન ઉપાડ્યું છે. લોકશાહી માટે જાગૃતિનું આવું કામ કોઈ હિન્દુ સંગઠન કરતું હોય તો ધ્યાન દોરવા વિનંતી...

-- અલકેશ પટેલ
2019ની લોકસભા ચૂંટણીનો ધમધમાટ મીડિયા અને સોશિયલ મીડિયામાં તો દેખાય છે. આ દરમિયાન છેલ્લા બે દિવસમાં બે એવા મુદ્દા ધ્યાનમાં આવ્યા જેના વિશે આજે વાત કરવી જરૂરી લાગે છે. 

સૌથી પહેલાં તો એક વીડિયો જોયો... જેમાં મુસ્લિમ સંગઠનો દ્વારા મુસ્લિમ મતદારોની જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન થયું હોવાનું દેખાય છે. પણ એ કાર્યક્રમમાં બેંગ્લોરની એક ઇસ્લામિક કંપની મુસ્લિમ મતદારો નોંધ્યા વિના રહી ન જાય અથવા મતદાર યાદીમાંથી જેમના નામો કોઈ ટેકનિકલ કારણોસર અથવા ભૂલથી નીકળી ગયા હોય તો ફરીથી દાખલ કરવા માટે એક મોબાઇલ એપ્લિકેશન પણ બનાવી દીધી છે અને એ લોકો બેંગ્લોરમાં બેઠા બેઠા આખા દેશના મુસ્લિમ મતદારોની નોંધણી અને તેમના કાર્ડ બનાવી આપવાની કામગીરી કરે છે.

મતદારોની જાગૃતિ માટેનું આવું કામ કોઈ હિન્દુ સંગઠન હિન્દુઓ માટે કરતું હોય એવું હજુ સુધી મારા ધ્યાનમાં તો આવ્યું નથી. મુસ્લિમોની જેમ હિન્દુઓમાં પણ નિરક્ષરતા, ગરીબીનું પ્રમાણ છે જ. પરંતુ મુસ્લિમોની એ ખામી દૂર કરવા ઇસ્લામિક સંગઠનો સક્રિય છે, તો હિન્દુઓની મદદ કરવા કોઈ હિન્દુ સંગઠન છે કે કેમ તે એક પ્રશ્ન છે.

ખેર, છેવટે મુદ્દો તો મતદારોની જાગૃતિનો, મતદારોની નોંધણીનો છે. માત્ર તંત્ર અને સરકાર ઉપર આધાર રાખવાને બદલે સંસ્થાઓ અને સંગઠનો સક્રિય થાય તો મતદાનની ટકાવારી વધે અને લોકશાહીનું પર્વ વધુ દીપી ઊઠે.

જે બીજી વાત ધ્યાનમાં આવી તે પણ મતદાનને લગતી જ છે. કોઈ જાગૃત વ્યક્તિએ અલગ અલગ ચૂંટણીમાં મતદાનની પેટર્નની સમીક્ષા કરીને એવું તારણ કાઢ્યું છે કે, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ તેમજ ધનિકો મતદાનમાં ભાગ લેવા બાબતે ઉત્સાહિત નથી હોતા. અને તેમાંય વળી ઉનાળાની ગરમી હોય ત્યારે આ તમામ વર્ગો રજાઓ માણવાના મૂડમાં હોય છે. પરિણામે મતદાનની ટકાવારી ઘટે છે અને અયોગ્ય ઉમેદવારો ચૂંટાઈ જાય છે, જે છેવટે દેશ માટે નુકસાનકારક છે. 

આ વખતે પણ ઉનાળા દરમિયાન સાત તબક્કામાં મતદાન થવાનું છે. ગુજરાતમાં એક જ તબક્કામાં, એક જ દિવસે અર્થાત 23 એપ્રિલે મતદાન છે. રાષ્ટ્રવાદી નાગરિકોએ પોતાની અંગત સુખ-સગવડો, રજાઓ ગાળવાની લાલચ છોડીને એક દિવસ માટે અચૂક મતદાન કરવું જોઇએ. એટલું યાદ રાખજો, મતદાન તમે માત્ર તમારા માટે નથી કરતા, પણ તમારા આજના મતદાનના પરિણામોની અસર તમારી ભાવિ પેઢીઓ ઉપર પણ થવાની છે...એથી વધારે કંઈ કહેવાની જરૂર ખરી! ચતુર કરો વિચાર. (C)અલકેશ પટેલ

1 comment:

  1. મત અધિકાર થી વધુ જવાબદારી છે...👌

    ReplyDelete