Monday, March 25, 2019

કાશ્મીરના આતંકી સાપોલિયા પાંજરે પુરાઈ રહ્યા છે

કાશ્મીરના આતંકી સાપોલિયા પાંજરે પુરાઈ રહ્યા છે

--- 22 માર્ચને શુક્રવારે બે મહત્ત્વની ઘટના બનીઃ એક, તો જમ્મુ-કાશ્મીરના આતંકી સંગઠન જેકેએલએફ ઉપર પ્રતિબંધ મૂકાયો અને બીજું, આતંકી ગીલાનીને 14 લાખ રૂપિયાનો દંડ ભરવા આદેશ થયો



-- અલકેશ પટેલ

ગયા અઠવાડિયે, એટલે કે 22 માર્ચને શુક્રવારે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં એક અત્યંત અગત્યનો નિર્ણય લીધોઃ ત્યાંના આતંકી સંગઠન જેકેએલએફ (JKLF) ઉપર પ્રતિબંધ મૂકી દીધો. એ સંગઠનના મુખ્ય આતંકી યાસીન મલિકને તો થોડા સમય પહેલાં જ પકડી લેવામાં આવેલો છે. આ ઉપરાંત એ જ દિવસે વયોવૃદ્ધ આતંકી ગીલાની ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 14.40 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગેરકાયદે વિદેશી ચલણ રાખવાના આરોપસર ગીલાનીને આ દંડ કરાયો છે અને જો તે દંડ નહીં ભરે તો તેની ધરપકડ થઈ શકે છે.
કેટલાક લોકો એવી પોકળ દલીલો કરવામાં વ્યસ્ત છે કે, મોદી સરકારે પાંચ વર્ષ પછી છેક તેની મુદતના અંતે જેકેએલએફ ઉપર પ્રતિબંધ મૂકીવાનો ચૂંટણીલક્ષી નિર્ણય લીધો છે. પરંતુ આવા લોકો એ ભૂલી જાય છે કે, વાસ્તવમાં ગયા વર્ષે મહેબુબા મુફ્તીના પક્ષ સાથેનું જોડાણ ભાજપે તોડી નાખ્યું અને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું ત્યારથી કેન્દ્ર સરકારે એવા અનેક પગલાં લીધા છે જેને કારણે હુર્રિયતના આતંકીઓમાં ફફડાટ ફેલાયેલો છે. કેન્દ્ર સરકારે હુર્રિયતના આતંકીઓને હવાલા મારફત મળતા નાણાના મુદ્દે પગલાં લીધા જ અને કેટલાય આતંકી સમર્થકોને જેલમાં નાખીને તેમની સામે કેસ ચાલી રહ્યો છે. અને હકીકતે એ જ અનુસંધાનમાં સૈયદ ગીલાની, મીરવાએઝ ફારુક તેમજ યાસીન મલિક જેવા આતંકીઓ સામે પણ કાર્યવાહી થઈ રહી છે.
તમારામાંથી અનેક લોકો સારી રીતે જાણતા જ હશે કે આ એ જ યાસીન મલિક અને આ એ જ આતંકી સંગઠન જેકેએલએફ છે જેને કારણે મુખ્યત્વે કાશ્મીરી પંડિતોનું કાશ્મીર ખીણમાંથી નિકંદન નીકળી ગયું હતું. 1990ના દાયકામાં મુખ્યત્વે જેકેએલએફની હાકલને પગલે જ કાશ્મીર ખીણની મસ્જિદોમાંથી જેહાદી સૂત્રોચ્ચાર થતા હતા. તે સમયે કેન્દ્રમાં સીધી અથવા આડકતરી રીતે કોંગ્રેસનું શાસન હતું. ગઠબંધન સરકારોના એ સમયગાળામાં કોંગ્રેસી દબાણ હેઠળ જમ્મુ-કાશ્મીરના આતંકીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાતા નહોતા. સુરક્ષા દળોના હાથ પણ બાંધી રાખવામાં આવેલા હતા. યાસીન મલિક તે સમયે ભયંકર હિંસક રીતે ભારત વિરુદ્ધ તેમજ હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓકતો હતો. અપહરણકારી, બળાત્કારી અને અત્યાચારી યાસીન મલિકે ત્યારપછી તેનું ધ્યેય સિદ્ધ થઈ ગયા બાદ કથિત રીતે હિંસા છોડીને અલગતાવાદનો ડોળ કરતા અન્ય આતંકી નેતાઓની જમાતમાં ભળી ગયો. તેને મહેબુબા મુફ્તી અને ફારુક અબ્દુલ્લા-ઓમર અબ્દુલ્લા જેવા સ્થાનિક મુસ્લિમ નેતાઓનું સીધું કે આડકતરું સમર્થન મળતું રહ્યું, તો બીજી તરફ કોંગ્રેસે પણ તેના તરફ આંખ આડા કાન કરીને એ સાપને મોટો થવા દીધો.
ભારતને ચાહતા મુસ્લિમો સહિત બીજા કોઈ રાષ્ટ્રવાદીઓએ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે હુર્રિયતના જે નેતાઓ છે એ બધા તો માત્ર અલગતાવાદી છે અને તેમને હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. ના... એવું જરાય નથી. એ બધા જ છેવટે ઘેટાની ખાલ ઓઢીને બેઠેલા વરુઓ છે, જેમનું લક્ષ્યાંક જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરીને ભારતથી અલગ થઈ જવાનું છે. આ બધા જ પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં છે. એટલું જ નહીં પરંતુ નેશનલ કૉન્ફરન્સના અબ્દુલ્લા બાપ-બેટો તેમજ પીડીપીનાં મહેબુબા પણ કંઈ ભારત તરફી છે એવું કોઈએ માની લેવાની જરૂર નથી. એ બધાની દાનત પણ માત્ર ભારતને તોડવાની અને પાકિસ્તાનમાં ભળવાની છે.
આ સંજોગોમાં નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા ઓછામાં ઓછા એકાદ વર્ષમાં હુર્રિયતના આતંકીઓ તેમજ તેમના સમર્થકો ઉપર કાર્યવાહી શરૂ કરી છે. એ કાર્યવાહી દરમિયાન આપણી ધારણા મુજબ પીડીપી અને નેશનલ કૉન્ફરન્સ આતંકીઓના સમર્થનમાં નિવેદનો કરીને ઊઘાડા પડી રહ્યા છે. હુર્રિયતના આતંકીઓને 70 વર્ષ સુધી આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. અને હવે બાકી હતું તે જેકેએલએફ તેમજ આતંકી યાસીન મલિક ઉપર પ્રતિબંધ મૂકીને નિર્ણાયક પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી ખુલ્લેઆમ ફરતો કાશ્મીરી પંડિતોનો હત્યારો હવે પાંજરે પુરાયેલો રહેશે. તેના ઉપર આવી કાર્યવાહી થવાથી દક્ષિણ કાશ્મીર ખીણના છ જિલ્લામાં સક્રિય બીજા નાના-મોટા આતંકી સંગઠનોમાં પણ ફફડાટ ફેલાશે.
છેક 1947થી ભારતને પજવી રહેલા સાપોલિયા જેવા કાશ્મીરી આતંકીઓને એક પછી એક પાંજરે પૂરીને અથવા તો ભાગી જવા પ્રયાસ કરે તો તેમને કચડી નાખીને હવે જમ્મુ-કાશ્મીરમાં તેમજ તેની સાથે દેશમાં શાંતિ સ્થપાય એ જરૂરી છે. લાગે છે કે, કલમ 370 અને કલમ 35-એ અંગે પણ કંઇક નિર્ણાયક પરિણામ આવશે જે શાંતિ પ્રસ્થાપિત કરવામાં વધુ અસરકારક સાબિત થશે.

No comments:

Post a Comment