Monday, March 4, 2019

ઑપરેશન ‘આતંકી જૈશ’ થી ‘વીર અભિનંદન’


ઑપરેશન આતંકી જૈશ થી વીર અભિનંદન

--- CRPF ઉપરનો હુમલો આતંકીઓને ભારે પડશે એવું મક્કમ નિવેદન વડાપ્રધાન મોદીએ સાબિત કરી બતાવ્યું. આતંકી ક્ષેત્રો ઉપર હુમલો કર્યો, એટલું જ નહીં પરંતુ પછીની કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન પહોંચી ગયેલા વિંગ કમાન્ડર અભિનંદનને અઢી દિવસમાં પરત લાવી શકાયો... આ નવું ભારત છે #IndiaFirst


-- અલકેશ પટેલ

આ નવું ભારત છે. ભારત ઘણું બદલાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ દેશને જાણે એક નવી ઓળખ મળી છે. રાષ્ટ્રવાદ અને ધર્મ વિશે જાગ્રતિ વધી છે. કદાચ એટલે જ ગત 14 ફેબ્રુઆરીના આતંકવાદી હુમલા પછી જે કોઈ ઘટનાક્રમ બની રહ્યો છે તેમાં 97 ટકા લોકો સરકારના દરેક પગલામાં સાથ આપે છે. મને ખ્યાલ છે કે તમારા બધાના મનમાં તરત સવાલ થશે, 97 ટકા કેમ અને બાકીના ત્રણ ટકા કોણ? બાકીના ત્રણ ટકામાં ડાબેરીઓના રવાડે ચડેલી નક્સલવાદી માનસિકતા ધરાવતી ટુકડે ગેંગ, ઉપરાંત મુઠ્ઠીભર જેહાદી મુસ્લિમો, ઉપરાંત મુઠ્ઠીભર નાસમજ વિરોધપક્ષો, ઉપરાંત મુઠ્ઠીભર સાવ રબ્બીશ મીડિયાવાળાનો સમાવેશ થાય. આ ત્રણ ટકાની કિમત અને હેસિયત આમ તો સાડાત્રણ ટકા જેટલી જ છે, છતાં એ છે એવું આપણે ઉદારપણે સ્વીકારવું જોઇએ.
ખેર, તો મુળ વાત એ છે કે, દેશ અનિર્ણાયકતા, મીટિંગ-ઇટિંગ અને ચીટિંગ, સમિતિઓની રચના અને અહેવાલો, એ અહેવાલોની સમીક્ષા માટે બીજી સમિતિઓની રચના અને તેમના અહેવાલો... આ બધામાંથી સદનસીબે સાડા ચાર વર્ષથી બહાર આવી ગયો છે. આપણા સંરક્ષણ દળો પહેલેથી ખૂબ બાહોશ હતાં, પરંતુ તેમના પગ બાંધી રાખવામાં આવેલા હતા. તેમને પૂરતાં શસ્ત્રો અને યુદ્ધ વિમાનો પણ આપવામાં આવતાં નહોતાં. દેશમાં છેક 1990ના દાયકામાં મિગ યુદ્ધ વિમાન ખરીદવામાં આવ્યાં હતાં, પછી છેલ્લા 28 વર્ષથી એકપણ નવું, આધુનિક યુદ્ધ વિમાન ખરીદવામાં આવ્યું નહોતું. આ ગાળામાં મોટેભાગે કયા પક્ષ અથવા કયા ગઠબંધનોનું શાસન હતું એ કહેવાની જરૂર ખરી..!? મોદી સરકારે નવા અત્યાધુનિક રાફેલ વિમાન માટે સોદો કરેલો છે જે આપણને આગામી સપ્ટેમ્બરથી મળવાના શરૂ થશે.
આવી સ્થિતિ છતાં, આપણા સંરક્ષણ દળો કેટલા સક્ષમ છે એ આપણે સૌએ 26 ફેબ્રુઆરીને મંગળવારે જોઈ લીધું. હવાઈ દળના 12 યુદ્ધ વિમાનોએ અડધી રાત્રે છેક પાકિસ્તાનમાં જઈને ત્યાં સક્રિય આતંકવાદીઓની છાવણીઓનો ખાત્મો બોલાવી દીધો. એ આઘાત અને એ અપમાન સહન ન થતાં ના-પાકિસ્તાને બીજા દિવસે જમ્મુ-કાશ્મીરમાં ભારતના લશ્કરી મથકો ઉપર હુમલા કરવાનો પ્રયાસ કર્યો, પણ હંમેશની જેમ પાકિસ્તાનીઓનો પનો ટૂંકો પડ્યો અને ભારતને કશું નુકસાન કરી શક્યા નહીં. પરંતુ એ દરમિયાન ભારતીય હવાઈદળના બાહોશ જવાન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ત્રણ દાયકા જૂના મિગ વિમાન દ્વારા પાકિસ્તાનીઓનો પીછો કરીને તેમને તગેડી મૂક્યા. એ દરમિયાન છોડેલી મિસાઇલનો ઝાટકો મિગ વિમાન સહન કરી શકતાં તે હવામાં ફંગોળાવા લાગ્યું અને તેથી પોતાનો જીવ બચાવવા કૂદી ગયેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પેરાશૂટ સાથે પાકિસ્તાનની સરહદમાં ઉતર્યા.
મેલાં મનના પાકિસ્તાનીઓનો ઇરાદો વિંગ કમાન્ડર અભિનંદનના બદલામાં સોદો કરવાનો હતો, પરંતુ ભારતીય સરકાર તથા ભારતીય સૈન્ય અને ભારતીય પ્રજાની મક્કમતા ઉપરાંત આંતરરાષ્ટ્રીય દબાણ સામે ના-પાકીઓએ ઝૂકી જવું પડ્યું.
પ્રારંભમાં કહ્યું તેમ, આ સમગ્ર ઘટનાક્રમમાં ભારત સરકારની મક્કમતા અને કૂટનીતિનો ઘણો મોટો ફાળો છે અને હકીકતે તેનો જ વિજય છે. બાકી, આપણાં લશ્કરી દળો સાત દાયકાથી આ જ હતાં, આપણું વહીવટીતંત્ર સાત દાયકાથી આ જ હતું પણ અનિર્ણાયક સરકારોને કારણે બધું બંધિયાર થઈ ગયેલું હતું. સપ્ટેમ્બર, 2016માં ઉરીમાં ભારતીય લશ્કરી છાવણી ઉપર આતંકવાદી હુમલા પછી 15 દિવસમાં જ પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ-કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતીય લશ્કરી જવાનોએ અનેક આતંકીઓનો ઠાર મારી દીધા હતા એટલું જ નહીં પરંતુ એમની કમર તોડી નાખી હતી. ગયા મહિને પણ 12 દિવસના ગાળામાં જ છેક પાકિસ્તાનની અંદર પહોંચીને પ્રચંડ હુમલો કરીને ભારતીય લશ્કર અને ભારતીય સરકારે એટલું તો સાબિત કરી દીધું છે કે આ દેશ અને અહીંની સરકાર હવે નબળી અને નમાલી નથી.
બસ હવે આ દેશ ઉપર જો કોઈ વધારે જોખમ હોય તો તે ઉપર કહ્યા એ ત્રણ ટકા લોકોનું છે. આ ત્રણ ટકા દેશ વિરોધી તત્વો છે એ વાતનો હિંમતભેર અને મક્કમપણે સ્વીકાર કરવો પડશે. જો એવો સ્વીકાર થશે તો જ એ ડાબેરી તેમજ જેહાદી ટોળકીઓનો ખાત્મો બોલાવી શકાશે. જ્યાં સુધી આ બંને ટોળકી સક્રિય હશે ત્યાં સુધી દેશ ઉપરથી જોખમ ટળશે નહીં એ પણ એટલું જ નિશ્ચિત છે, કેમ કે આ ટોળકીઓ સરહદપારના જેહાદીઓના ઇશારે અને તેમના માટે કામ કરે છે. તેથી જ દેશની અંદર રહેલા આવા તત્વોને ઓળખવા અને તેમને હરાવવા પણ એટલું જ અગત્યનું છે.

No comments:

Post a Comment