Monday, August 20, 2018

ઇમરાનની ચોટલી પણ પાકિસ્તાની લશ્કરના હાથમાં જ રહેશે


 --- પાકિસ્તાન આખી દુનિયાની આંખમાં ધૂળ નાખવા જ ચૂંટણી અને લોકશાહીનું નાટક કરે છે, બાકી ત્યાં આઇએસઆઇ - લશ્કર અને ત્રાસવાદીઓ જ શાસન કરે છે. ઇમરાનને 22મા વિઝિટિંગ વડાપ્રધાન કહી શકાય


-- અલકેશ પટેલ

ઇમરાન ખાને શનિવારે ભાંગ્યા-તૂટ્યા ઉર્દુ સાથે પાકિસ્તાનના 22મા વડાપ્રધાન તરીકે શપથ લીધા. એ સાથે આપણા પાડોશી ઇસ્લામિક દેશમાં વધુ એક વખત કહેવાતી લોકશાહી સરકાર અસ્તિત્વમાં આવી. એ જ કારણ છે કે 70 વર્ષમાં એ દેશમાં 22મા વડાપ્રધાને શપથ લીધા અને ભારતમાં એટલાં જ વર્ષોમાં 14મા વડાપ્રધાન શાસન કરી રહ્યા છે. અર્થાત 70 વર્ષમાં ના-પાકિસ્તાનીઓએ ભારતની સરખામણીમાં બીજા સાત બેસાડ્યા અને ઉઠાડી મૂક્યા. હવે ઇમરાન ખાન કેટલા મહિના કે કેટલાં વર્ષ વડાપ્રધાન રહેશે એ જોવાનું રહ્યું, કેમ કે વિઝિટિંગ પ્રોફેસર, વિઝિટિંગ ફૅકલ્ટીની જેમ પાકિસ્તાનમાં વડાપ્રધાનો પણ વિઝિટિંગ વડાપ્રધાન હોય છે, જે બે-ચાર મહિનાથી માંડીને બે-ત્રણ વર્ષ સુધી હોદ્દા ઉપર રહે અને કાંતો લશ્કર અથવા આઈએસઆઈ અથવા કટ્ટરવાદીઓ-ત્રાસવાદીઓ અને નહીં તો છેવટે અદાલત દ્વારા ઘરે રવાના કરી દેવામાં આવે.
પ્રારંભમાં પાકિસ્તાન માટે ઇસ્લામિક દેશ શબ્દ પ્રયોગ કર્યો છે, તે ખાસ ઇરાદાપૂર્વક અને મુખ્ય ત્રણ કારણસર કર્યો છે. પ્રથમ કારણ, શનિવારે જે લોકોએ ઇમરાનને વડાપ્રધાનપદના શપથ લેતા સાંભળ્યા હશે તેમણે એક વાક્ય અચૂક સાંભળ્યું હશે... કે “…મૈં મુસલમાન હું... – આ શબ્દો અતિશય સૂચક છે. પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માટે તમે મુસલમાન છો અને કુરાનનું પાલન કરીશ એવું શપથ લેતી વખતે બોલવું પડે છે, એ શપથ ઉપર સહી કરવી પડે છે. ભારતમાં કમનસીબે કહેવાતા સેક્યુલારિઝમના નામે હિન્દુ અને ભગવદ્ ગીતાના નામનો ઉલ્લેખ પણ કોઈ રાજકારણી કરી નથી શકતા, નહીં તો સેક્યુલર-કોમવાદીઓ એવા રાજકારણી-નેતાની ચામડી ઉતરડી નાખે. બીજું કારણ, સમારંભની શરૂઆત મૌલવી દ્વારા ધાર્મિક પાઠ દ્વારા થયો હતો. અને ત્રીજું કારણ, એ સમારંભમાં ઇમરાનનાં ત્રીજાં પત્ની હાજર હતાં, પરંતુ તેમની આંખો પણ જોઈ ન શકાય  હદે શરીર અને મોં ઢાંકેલું હતું. આ બાબત સૂચક પણ છે અને જોખમી પણ છે, કેમકે જે ઇમરાન ખાન એક ક્રિકેટર તરીકે આખી દુનિયામાં પ્રસિદ્ધ થયા, તેમને આજ સુધી દુનિયા એક પ્રગતિશીલ વ્યક્તિ માનતી રહી એ જ ઇમરાનનાં પત્ની તાલિબાન શાસનમાં સ્ત્રીઓએ જે રીતે બુરખા પહેરવા પડે એ રીતે પહેરીને શપથગ્રહણમાં આવે એ દેશનો વડાપ્રધાન કયા મોઢે ઉદારતા અને લોકશાહીની વાત કરશે..!?
25 જુલાઈની ચૂંટણીમાં ઇમરાન ખાનના પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પક્ષને વધારે બેઠકો મળી, બહુમતી નહીં પરંતુ વધારે બેઠકો મળી ત્યારે પોતે 18 ઑગસ્ટે વડાપ્રધાન બનશે એવા પૂરા વિશ્વાસ સાથે ખાને એક વિડીયો જારી કર્યો હતો. તેમાં તેણે પાકિસ્તાનની પ્રગતિના મોટાં મોટાં બણગાં ફૂંકવા સાથે ભારત સંદર્ભે જે વાતો કરી હતી તેના ઉપર આજે ફરી ધ્યાન આપવા જેવું છે. તે સમયે ઇમરાને કહ્યું હતું કે પોતે પાડોશી દેશો સાથે, અને ખાસ કરીને ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે... પરંતુ એ માટે કાશ્મીરનો ઉકેલ જરૂરી છે. આનો સીધો અર્થ જ એ કે પાકિસ્તાનના રાજકારણીઓ, પાકિસ્તાનનું લશ્કર, પાકિસ્તાની આઇએસઆઇ અને પાકિસ્તાની ત્રાસવાદીઓ રોજે રોજ, સવાર-સાંજ-બપોર પાકિસ્તાની પ્રજાને માત્ર એક જ બાળાગોળી પીવડાવ્યા કરે છે, અને એ ગોળીનું નામ છે – કાશ્મીર. આ બાળાગોળી વિના પાકિસ્તાનીઓ નથી શ્વાસ લઈ શકતા, નથી પાણી પી શકતા અને નથી ખાધેલું હજમ કરી શકતા.
અને એટલે જ એ દેશ કે એ દેશના કોઈપણ રાજકારણી ઉપર હજુ સુધી ભરોસો રાખી શકાય એવી સ્થિતિ જ નથી. પાકિસ્તાનમાં ઇમરાન ખાન વડાપ્રધાન બન્યા તેનાથી ભારતમાં કેટલીક ચોક્કસ પ્રકારની પ્રજા ખુશ છે. આ પ્રજાને ભારતના વડાપ્રધાન ઉપર વિશ્વાસ નથી, પરંતુ પાકિસ્તાન બાબતે એવું લાગે છે કે ઇમરાન જાદુઈ લાકડીથી ઉદ્ધાર કરી દેશે.
ખેર, જે લોકો ના-પાકિસ્તાનનો ઇતિહાસ જાણે છે, જે લોકોને પાકિસ્તાની લશ્કરના ઇરાદા વિશે ખબર છે, જે લોકોને પાકિસ્તાની આઇએસઆઇના કાવતરાંની જાણ છે અને જે લોકોને પાકિસ્તાનના તાલિબાની કટ્ટરવાદીઓ વિશે ખબર છે એ તો બધાને ખબર જ છે કે જ્યાં સુધી ના-પાકિસ્તાનીઓ કાશ્મીરનો રાગ આલાપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી બંને દેશ વચ્ચે સંબંધો સુધરવાની કોઈ આશા રાખી શકાય એમ નથી. પરંતુ એ સિવાયની મણિશંકર ઐયર જેવી પાકિસ્તાન-પરસ્ત જે વસ્તી છે તે વસ્તીને પોતાને ખાધાની અને પચાવવાની ખબર પડતી ન હોવા છતાં ભારતના વડાપ્રધાનને તથા ભારત સરકારને સલાહ આપવાનું બંધ નહીં કરે કે ભારતે પાકિસ્તાન સાથે વાટાઘાટ કરવી જોઈએ અથવા તો ભારતે પાકિસ્તાનને સબક શીખવાડી દેવો જોઈએ...બ્લા બ્લા બ્લા.

No comments:

Post a Comment