Monday, August 13, 2018

સબસિડી અને રાહતોથી કોઈ દેશ મહાન ન બની શકે


--- દુનિયાનું સૌથી જોખમી દૂષણ સમાજવાદ છે. આ દૂષણે જ આર્થિક સહાય, સબસિડી, રાહતો, અનામતવાદ, લઘુમતીવાદ, સેક્યુલારિઝમ જેવા કૅન્સર-જન્ય રોગ ભારતને આપ્યા છે


-- અલકેશ પટેલ

બે દિવસ પછી આપણે આપણો 71મો સ્વતંત્રતા દિવસ ઊજવીશું... પરંતુ સાથે કમનસીબી એ છે કે આપણને હજુ આજે પણ સબસિડી, રાહતો, અનામતવાદ, લઘુમતીવાદ, નકલી-સેક્યુલારિઝમ – જેવી માનસિકતાઓમાંથી સ્વતંત્રતા મળતી નથી. આપણા રાજકારણીઓ અને આપણી સરકારોએ હજુ આજે પણ રાહત પૅકેજોની જાહેરાત કરવી પડે છે. આ તમામ બાબતો સમાજવા અંગેની અધકચરી સમજમાંથી પેદા થઈ છે અને ભારતીય સમાજ વ્યવસ્થા, ભારતીય રાજકારણ તેમજ ભારતીય વહીવટીતંત્રમાં આ બધી બાબતોએ કૅન્સર જેવું સ્વરૂપ લઈ લીધું છે... ખૂબ મોટી સર્જરી વિના બીજો કોઈ ઉપાય નથી.
નહેરુ-ગાંધી પરિવારની તદ્દન ખોખલી, અવિચારી, સ્વાર્થી રાજકારણપ્રેરિત નીતિઓને કારણે દેશ આજે એવી સ્થિતિએ આવીને ઊભો છે કે ભાજપમાં પણ સુધારો કરવાની હિંમત રહી નથી. સમાજના નબળા વર્ગો માટે પૂરી સંવેદના અને લાગણી છે તેમ છતાં કહેવું પડે છે કે અનામત નીતિને કારણે દેશ પ્રગતિ કરવાને બદલે જાણે પીછેહઠ કરી રહ્યો છે. પીછેહઠ અનામતને કારણે નહીં પરંતુ એ નીતિ સાત દાયકા સુધી ચાલુ રહી તેને કારણે થઈ રહી છે. એ નીતિ હજુ સુધી ચાલુ રહેતાં હવે જે સમુદાયોનો અનામતમાં સમાવેશ નથી થયો એ લોકો પણ છેલ્લાં કેટલાક વર્ષથી અનામતની માગણી કરવા લાગ્યા છે અને તેથી જ નીતિની નિષ્ફળતા છે, અનામતની નહીં. હવે આજે તેનું એ પરિણામ આવ્યું છે કે ગુજરાત સરકારે બિન-અનામત વર્ગો માટે આર્થિક પૅકેજની જાહેરાત કરવી પડી છે.
ગુજરાત સરકારે બિન-અનામત વર્ગો માટે જે યોજનાઓ જાહેર કરી તેને કારણે એક તરફ એવું લાગે છે કે હાશ, ચાલો હવે સાત દાયકાની પ્રથાને કારણે અન્યાયનો અનુભવ કરતા બાકીના તમામ સમાજને પણ આર્થિક સહાય મેળવીને આગળ વધવાની તક મળશે. પરંતુ તરત જ સાથે બીજો વિચાર એવો પણ આવે છે કે, દેશના તમામ નાગરિકોને એક સમાન તક મળે અને તંદુરસ્ત સ્પર્ધા દ્વારા બધા સમાજ – બધા નાગરિકો મજબૂત અને મક્કમ મનોબળથી પ્રગતિ કરી શકે એવી સ્થિતિ હજુ સુધી આપણે શા માટે નથી લાવી શક્યા?
આ ગંભીર સવાલનો જવાબ શોધવા પ્રયાસ કરું છું ત્યારે આવીને બધી વાત કોંગ્રેસ અને ડાબેરીઓ ઉપર અટકે છે. માત્ર ભૂતકાળની વાતો કરીને એવું કહેવાનો કે એવું સાબિત કરવાનો કોઈ આશય નથી કે સમાજની પ્રગતિ માટે તેમણે જે પગલાં લીધાં તેનાથી આપણે આજે આ સ્થિતિએ છીએ. મારે તો ભારપૂર્વક એ કહેવું છે કે એ જ કોંગ્રેસ અને એ જ ડાબેરીઓ અને એ જ સમાજવાદી પાર્ટી અને એ જ બહુજન સમાજ પાર્ટી અને એ જ એનસીપી અને એ જ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) હજુ પણ સમાજને પ્રગતિની દિશામાં લઈ જવાનો વિચાર શા માટે નથી કરી શકતા..?!
મને ચિંતા એ વાતની છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૅસ સબસિડી છોડવા લોકોને અપીલ કરી અને તેમાંથી થયેલી બચતમાંથી ગ્રામ્ય વિસ્તારની પાંચ કરોડ મહિલાઓને રાંધણ ગૅસની સુવિધા પૂરી પાડી તેમછતાં વિરોધ પક્ષો હજુ પણ જાતિવાદી રાજકારણ શા માટે નથી છોડી શકતા..?! આખો દેશ જાણે છે કે જે પાંચ કરોડ મહિલાઓને રાંધણ ગૅસના બોટલ પૂરા પાડવામાં આવ્યા ત્યાં મુસ્લિમ મહિલાઓ પણ છે, ખ્રિસ્તી મહિલાઓ પણ છે, આદિવાસી મહિલાઓ પણ છે... ટૂંકમાં તમામ ધર્મ-સમુદાયની અત્યંત ગરીબ મહિલાઓને ગૅસની સુવિધા આપવામાં આવી છે જેમણે અત્યાર સુધી લાકડા અને કોલસા બાળીને રસોઈ કરવી પડતી હતી. આટલું કર્યા પછી પણ નરેન્દ્ર મોદીએ નછૂટકે જ્ઞાતિ-જાતિ-ધર્મની વાતો કરવી પડે છે તેનું કારણ એવા વિપક્ષોની નીતિ જ છે જે આ બધી બાબતમાંથી છૂટતા નથી.
કમનસીબે મીડિયા પણ આવી બાબતો ઉજાગર કરતું નથી કેમ કે તેમના પોતાના પણ ચોક્કસ એજન્ડા છે. વાત ગુજરાત સરકારે જાહેર કરેલા બિન-અનામત આયોગમાંથી ઊભી થઈ છે તો તેના વિશે પણ વિગતે વાત કરી લઉં. મુદ્દો એ છે કે 100 કરોડથી માંડીને 1000 કરોડના ખર્ચે મંદિરો બાંધનાર પાટીદાર સમાજે કોંગ્રેસ-ડાબેરીઓના દોરીસંચારથી અનામતની માગણી ઉપાડી એટલું જ નહીં પરંતુ વારંવાર હિંસા કરીને પ્રજાની જાહેર સંપત્તિને ભારે નુકસાન કર્યું. સરકારે સમાધાનના ભાગરૂપે આર્થિક પૅકેજની જાહેરાત કરી. કૂવાના દેડકા સમાન ટૂંકી દૃષ્ટિના તત્વો હવે તેમાં એવો વાંધો ઉઠાવી રહ્યા છે કે સરકાર વ્યાજ શા માટે લે છે..?! સરકાર જામીન શા માટે માગે છે..?! સરકાર મિલકત ગીરે મૂકવાની વાત કેમ કરે છે..?!
આ ટૂંકી દૃષ્ટિના કૂવાના દેડકા શું એ જાણતા નથી કે બધાને બધું મફત આપવું એ સાચું અર્થતંત્ર નથી..?! આ ટૂંકી દૃષ્ટિના કૂવાના દેડકા શું એ જાણતા નથી કે ગુજરાતની છ કરોડની વસ્તીમાંથી માંડ 50 લાખ લોકો જ અંગત કરવેરો ભરે છે, બાકીના બધા કાંતો કરચોરી અથવા સરકારી રાહતો ઉપર જ આધાર રાખે છે..?! આ ટૂંકી દૃષ્ટિના કૂવાના દેડકાઓને શું એ ખબર નથી કે મહાન દેશ બનવા માટે સખત મહેનત કરવી પડે, સ્પર્ધા કરવી પડે..?! મફતની સબસિડી અને રાહતોથી દુનિયાનો કોઈ દેશ સુપરપાવર બન્યો છે ખરો..?!
આશ્ચર્ય અને આઘાતની વાત તો એ છે કે જે કહેવાતા બુદ્ધિજીવીઓ દુનિયાના મહાપુરુષોના જીવન અને સંઘર્ષની વાતો કરે છે, જે કહેવાતા બુદ્ધિજીવીઓ સંઘર્ષ દ્વારા સિદ્ધિ મેળવવાનાં ભાષણ ઠપકારતા રહે છે, જે કહેવાતા બુદ્ધિજીવીઓ પ્રેરણાદાયક પુસ્તકો લખીને મહેનત અને સમાનતાના ગુણગાન કરતા રહે છે એ જ બુદ્ધિજીવીઓ સબસિડી અને રાહતો અને આર્થિક પૅકેજોની માગણી કરનારા વર્ગોના સમર્થનમાં પણ ઝંડા લઈને રસ્તા પર ઊતરે છે. ભારતના આ કહેવાતા બુદ્ધિજીવી વર્ગના દંભ અને બેવડાં ધોરણોએ પણ પારાવાર નુકસાન કર્યું છે.
ખેર, પ્રજામાં જ્યાં સુધી ખુમારી નહીં આવે, પ્રજામાં જ્યાં સુધી પ્રામાણિકતા અને મહેનત દ્વારા દેશને સુપરપાવર બનાવવાની ઇચ્છા નહીં જાગે ત્યાં સુધી આશાનું કિરણ ધૂંધળું જ રહેશે..!

No comments:

Post a Comment