Thursday, August 16, 2018

“આઈ ન્યુ ધ ડોર આઈ વૉન્ટેડ, એન્ડ આઈ નૉક્ડ”



--- આપણી સદીના એક મહાન લેખક વી એસ નાઇપૉલે સદેહે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. સાહિત્યના બે સર્વોચ્ચ સન્માન નોબેલ અને બૂકર વિજેતા - ભારતીય મૂળના પણ ટ્રિનિદાદમાં જન્મેલા અને આજીવન ઈંગ્લેન્ડમાં રહેલા નાઇપૉલ અક્ષર-દેહે હંમેશાં આપણી વચ્ચે રહેશે

--- અલકેશ પટેલ

       
“I knew the door I wanted, I knocked.” – આવા પ્રખ્યાત વિધાન દ્વારા ભાગ્યને પડકારીને પોતાના માટે ખ્યાતિનો મબલખ પાક લઈને 11 ઑગસ્ટને શનિવારે આપણી વચ્ચેથી સદેહે વિદાય થયેલા વિદ્યાધર સુરજપ્રસાદ નાઇપૉલ 17 ઑગસ્ટે આવી રહેલો તેમનો 86મો જન્મદિવસ ઊજવવા ન રહ્યા તેને પણ કંઇક વિશિષ્ઠ યોગાનુયોગ જ ગણવો જોઈએ. જોકે, સાથે સાથે કડવી વાસ્તવિકતા એ પણ છે કે પોતાના જન્મ સ્થળ (ટ્રિનિદાદ)ને નકારનાર, પોતાના પૂર્વજોની માતૃભૂમિ (ભારત)ને નકારનાર અને પોતાને આશ્રય અને શિક્ષણ આપનાર બ્રિટનને નકારનાર વી એસ નાઇપૉલનું વ્યક્તિત્વ તેમજ તેમનાં લખાણો ઘણીબધી રીતે વિરોધાભાસી હતાં. કદાચ એ જ કારણે સલમાન રશ્દીએ આપેલી અંજલિ શબ્દશઃ નાઇપૉલના વ્યક્તિત્વને વ્યક્ત કરે છે. રશ્દીએ ટ્વિટ કરીને અંજલિ આપતા લખ્યું હતું, અમારી વચ્ચે દરેક મુદ્દે વિવાદ અને વિરોધાભાસ હતો, છતાં તેમને ચાહનાર કોઇપણ વ્યક્તિ જેટલા જ હું પણ તેમને ચાહું છું. મને એક મોટાભાઈ ગુમાવ્યા જેટલું દુઃખ થાય છે.
34 જેટલાં પુસ્તકો દ્વારા સાહિત્યની દુનિયામાં ડંકો વગાડનાર નાઇપૉલની જીવનકથાને જો સાવ ઓછાં વાક્યોમાં કહેવી હોય તો આ રીતે કહી શકાય, ભારતમાં પોતાના વતનથી મૂળ સમેત ઊખડી ગયેલો એક માણસ, જે ટ્રિનિદાદ અને ટૉબેગોમાં પગ જમાવી નથી શકતો... છેવટે લંડનમાં માંડ પા-પા પગલી કરવા મથે છે ત્યાં ફરી ગોરો સમાજ તેમને એકલતામાં ધકેલી દે છે. પત્ની પેટ્રિશિયાનો સહારો ન હોત તો આપણે જાણતા નથી કે આજે આપણે જે નાઇપૉલને ઓળખીએ છીએ તેમનું અસ્તિત્વ દુનિયામાં એ જ ઓળખથી હોત કે નહીં..! સંઘર્ષ અને પીડાએ જે સાહિત્યને જન્મ આપ્યો એ જ સાહિત્યે તેમને ઓળખ આપી અને નોબેલ – બૂકર સહિત સાહિત્યના લગભગ તમામ મુખ્ય પુરસ્કારો પણ! 1950ના દાયકાના પ્રારંભ જે લંડને તેમની ઉપેક્ષા કરી હતી એ જ લંડનના ટોચના સાહિત્ય વર્તુળોમાં પછી તો તેમનો દબદબો હતો અને એ જ બ્રિટિશ સરકારે તેમને નાઇટહૂડથી નવાજ્યા હતા. વિદ્યાધર સુરજપ્રસાદ નાઇપૉલ હવે સર વી એસ નાઇપૉલ તરીકે ઓળખાતા હતા.
નાઇપૉલનું વ્યક્તિત્વ જેટલું અઘરું છે એટલો જ તેમનો સાહિત્યપ્રકાર પણ જટિલ છે. કદાચ એટલે જ એક વિવેચકે સર નાઇપૉલના સાહિત્યને ફિક્શન - નોન-ફિક્શન તેમજ જીવનકથાના મિશ્રણ સમાન ગણાવ્યું છે. પણ એવા એકાદ અપવાદને બાદ કરતાં આખી દુનિયામાં એક ઉમદા સાહિત્યકાર તરીકે નાઇપૉલનો સ્વીકાર થયો છે.
સાહિત્યકાર અને પત્રકાર પિતા શ્રીપ્રસાદ નાઇપૉલના આ પુત્ર વિદ્યાધર પણ લેખક બનવા માગતા હતા. તેમના પોતાના શબ્દોમાં, હું એવા કેટલાક લોકો પૈકી એક હતો જેને લખવાની અતિશય તમન્ના હતી, પરંતુ લખવા માટે કશું (વિષય) નહોતું. આવી દ્વિધા અનુભવનાર યુવાન નાઇપૉલને બીબીસીના વેસ્ટ ઇન્ડિઝના સાહિત્યલક્ષી કાર્યક્રમો તૈયાર કરવાની અને તેમાં ચર્ચા કરવાની તક મળી તે સાથે જ તેમનો સાહિત્ય સાથેનો નાતો જોડાઈ ગયો. બીબીસી સાથેના આ સમય દરમિયાન જ તેમણે એક વાર્તા લખી અને તેમનું લેખન શરૂ થયું. અને 1957 આવતાં આવતાં તેમણે તેમની પહેલી નવલકથા ધ મિસ્ટિક મેસર લખી. નવલકથાનો પ્લૉટ ટ્રિનિદાદમાં લાવવામાં આવેલા નિર્ધન અને નબળા લોકોના હાડમારીભર્યા જીવન વિશેનો હતો. તે સમયે આ નવલકથા લોકપ્રિયતાના માપદંડમાં નહોતી આવતી છતાં પુરસ્કાર માટે યોગ્ય ઠરી હતી અને તેમને પહેલી જ નવલકથા માટે જ્હોન લેવેલીન હેઇસ મેમોરિયલ પ્રાઇઝ મળ્યું હતું. આ પછી તેમની વાર્તાઓનું એક પુસ્તક મિગ્યુલ સ્ટ્રીટપ્રકાશિત થયું અને તેને પણ 1959માં સમરસેટ મૉમ અવોર્ડ મળ્યો. યુવાન નાઇપૉલ તેમના ત્રીજા પુસ્તક એ હાઉસ ફૉર મિ. બિસ્વાસ થી ખૂબ લોકપ્રિય થયા. 1961માં તેઓ 29 વર્ષના હતા ત્યારે તેમણે આ નવલથા લખી હતી અને તેમાં મુખ્યત્વે તેમના પિતાના જીવનના પ્રસંગો જોડાયેલા છે. આટલી નાની ઉંમરમાં ત્રણ પુસ્તક અને બે પુરસ્કાર મળવા છતાં સાહિત્યિક વર્તુળોમાં સ્થાન ન મળતાં અકળાયેલા નાઇપૉલે ધ ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટમાં આ શબ્દોમાં બળાપો કાઢ્યો હતો, પાંચ વર્ષમાં મેં ત્રણ પુસ્તક લખ્યાં છે અને તેમાંથી 300 ડૉલર કમાયો છું. અમેરિકનો મને સ્થાન નથી આપતા કેમ કે તેઓ મને બ્રિટિશ ગણે છે. બ્રિટિશરો મને સ્થાન નથી આપતા કેમ કે તેઓ મને વિદેશી ગણે છે. જોકે એ જ બ્રિટને પછી 1990માં વિદ્યાધર નાઇપૉલને નાઈટહૂડથી નવાજ્યા હતા અને તેઓ હવે સર વી એસ નાઇપૉલ બન્યા.
ત્યારપછી તો વી એસ નાઇપૉલનો સાહિત્યિક પ્રવાસ અવિતર ચાલુ રહ્યો. તેમણે દુનિયાના વિવિધ દેશોમાં ફરીને એક લેખક-પત્રકારની જેમ સંશોધન કર્યાં અને વિગતો મેળવી અને તેને આધારે પુષ્કળ નિબંધ લખ્યા જેને પરિણામે દુનિયાને વિવિધ દેશો વિશે જાણવા મળ્યું. નોબેલ પુરસ્કાર સમિતિએ પણ નાઇપૉલને 2001માં સાહિત્યનો નોબેલ આપતી વખતે આ જ બાબતની નોંધ તેમના પ્રશસ્તિપત્રમાં લીધી છે. નોબેલ સમિતિએ તેમના સાહિત્યને વખાણતાં લખ્યું, ...આ સાહિત્યમાં એક સુગ્રથિત સંવેદનશીલ વર્ણન અને વિશુદ્ધ નિરીક્ષણ જોવા મળે છે જે અમને કચડાયેલા (લોકોના) ઇતિહાસ તરફ નજર કરવા ફરજ પાડે છે. સર નાઇપૉલના સાહિત્યની આવી તાકાતની નોંધ ગૌરવ સમાન છે તેમાં શંકાને સ્થાન નથી. તેમનું આવું જ મજબૂત અને યાદગાર પુસ્તક ઈન એ ફ્રી સ્ટેટછે જેને  1971માં બૂકર પ્રાઇઝ મળ્યું હતું. ભારતમાંથી બંધક મજૂરો બનાવીને આફ્રિકન દેશોમાં લઈ જવાયેલા ભારતીયો ઉપરાંત અન્ય બ્રિટિશ કૉલોનીઓમાંથી આફ્રિકન દેશોમાં લવાયેલા એવા જ બંધક મજૂરોની દયનીય સ્થિતિ વિશેના એ પુસ્તકમાં એ બંધકો માટે કોઈ મુક્ત દેશની કલ્પના ઈન એ ફ્રી સ્ટેટ માં કરવામાં આવી છે.
નાઇપૉલે પાકિસ્તાન સહિત કેટલાક મુસ્લિમ દેશોની મુલાકાત લઈને અમંગ ધ બિલિવર્સઃ એન ઇસ્લામિક જર્ની (1981) તથા બિયોન્ડ બિલિફઃ ઇસ્લામિક એક્સર્સન્સ (1998) એમ બે પુસ્તક લખ્યાં છે. ઇસ્લામ વિશેનાં તેમનાં લખાણોને કારણે સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રના ઘણા લોકો તેમનાથી નારાજ થયા હતા.
આટલું બધું લખનાર વિદ્યાધર સુરજપ્રસાદ નાઇપૉલ તેમના પૂર્વજોના વતન ભારતને તો કેવી રીતે ભૂલે! સમગ્ર જીવન દરમિયાન તેઓ માંડ ચાર વખત ભારત આવ્યા હતા અને ભારત વિશે તેમણે ત્રણ પુસ્તક લખ્યાં છે – એન એરિયા ઑફ ડાર્કનેસ, ઈન્ડિયાઃ અ વુન્ડેડ સિવિલાઇઝેશન અને ઈન્ડિયાઃ અ મિલિયન મ્યુટિનિઝ નાઉ. તેમણે 1961ના અરસામાં પ્રથમ વખત ભારતની મુલાકાત લીધી હતી અને પરત ગયા પછી 1964માં એન એરિયા ઑફ ડાર્કનેસ લખ્યું હતું જેમાં અંગ્રેજોના ગયા પછી ભારતની થયેલી દુર્દશાનું વર્ણન છે. ત્યારપછી તેઓ 1975ના અરસામાં ભારત આવ્યા હતા. તે સમયે દેશમાં ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનું વાતાવરણ હતું. અને એ અનુભવોને આધારે તેમણે ઈન્ડિયાઃ અ વુન્ડેડ સિવિલાઇઝેશન લખ્યું. તેઓ હજુ વધુ એક વખત ભારતને જોવા માગતા હતા. ભારતમાં કોઈ પરિવર્તન આવ્યું છે કે નહીં તે જાણવા માગતા હતા અને તેથી 1988ના અરસામાં ફરી અહીં આવ્યા. એ વખતે તેમણે આખા દેશનો પ્રવાસ કર્યો અને લોકોને વ્યક્તિગત રીતે મળીને તેમના અનુભવો જાણ્યા અને તેને આધારે ભારત અંગેનું ત્રીજું પુસ્તક ઈન્ડિયાઃ અ મિલિયન મ્યુટિનિઝ નાઉ લખ્યું.
છેલ્લે ચોથી વખત તેઓ 2015માં ભારત આવ્યા હતા. તે સમયે તેમણે ખાસ જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. તે વખતે માધ્યમોએ નોંધ પણ લીધી હતી કે 2015માં જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં નાઇપૉલને સાંભળવા આવનાર લોકોની જે ભીડ હતી તે અગાઉના લિટરેચર ફેસ્ટિવલમાં મહાનાયક અમિતાભ બચ્ચન અને સેલિબ્રિટી ઓપરા વિનફ્રેના કાર્યક્રમોમાં જામેલી ભીડ કરતાં વધારે હતી. નાઇપૉલના સાહિત્યની એ જ તો તાકાત છે. સર વિદ્યાધર સુરજપ્રસાદ નાઇપૉલના સાહિત્ય વિશે આજે અહીં આટલું આચમન પૂરતું છે.

No comments:

Post a Comment