Sunday, March 12, 2023

રાગાનો લોકશાહી રાગઃ કથની અને કરનીમાં અગડમ-બગડમ


 ⛔ લોકશાહી પ્રક્રિયાથી જીતી નહીં શકનાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર જઇને ભારતની લોકશાહીની ફરિયાદ કરે છે! કમાલ છે!😀

✍  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

કોંગ્રેસ, સપા, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), જેડી (યુ), આરજેડી, આમ આદમી પાર્ટી, ટીએમસી, બીઆરએસ વગેરે રાજકીય પક્ષોની બેચેનીનું પાણી નાક સુધી આવી ગયું છે. ભ્રષ્ટાચાર અને લઘુમતી તુષ્ટીકરણમાં ગળાડૂબ આ રાજકીય પક્ષો લોકશાહી પ્રક્રિયાથી યોજાતી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવી શકતા નથી એટલે હવે તમામ પ્રકારના અખાડા કરી રહ્યા છે—અને એ પણ લોકશાહીના નામે!

કટ્ટર ભ્રષ્ટાચારી અને જેહાદી-ખાલિસ્તાની સમર્થક આમ આદમી પાર્ટીનો ઘડો તો તેના અસ્તિત્વના દસ વર્ષમાં જ ભરાઈ ગયો છે. એનું ભવિષ્ય હવે વધારે લાંબો સમય નથી. મમતા બેનરજીના ટીએમસી પક્ષનું અસ્તિત્વ બંગાળની બહાર નથી તેનું પ્રમાણ હમણાં ઈશાન ભારતનાં ત્રણ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામોએ સ્પષ્ટ કરી દીધું. તેલંગણાના શાસક પક્ષ ભારતીય રાષ્ટ્ર સમિતિ (જૂનું નામ તેલંગણા રાષ્ટ્ર સમિતિ) ના અંતનો આરંભ થઈ ગયો છે કેમ કે મુખ્યપ્રધાન કેસીઆરના દીકરી કે. કવિતાનું નામ કેજરીવાલના શરાબકાંડમાં આવી ચૂક્યું છે. બિહારમાં લાલુ યાદવ પરિવાર વિરુદ્ધ ફરીથી કેસ ખૂલ્યો છે—આ વખતે જમીનના બદલામાં રેલવેમાં નોકરી અપાવવાની એમની જૂની ભ્રષ્ટાચારલીલાનો કેસ છે. ઉદ્ધવ ઠાકરે અને નીતિશકુમાર વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી કેમ કે બેમાંથી એકેય કદી પોતાની મેળે બહુમતી બેઠકો જીતીને સત્તા પર આવી શક્યા નથી—ભવિષ્યમાં આવી શકવાના નથી.

રહ્યો કોંગ્રેસ પક્ષ! તો એને હંમેશ માટે પ્રજાના મન પરથી ઉતારી દેવા માટે આદરણીય રાહુલ ગાંધી (રાગા) સહિત કોંગ્રેસના પ્રવક્તાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન અને ત્યારપછી પણ દેશમાં હિમાચલ પ્રદેશ સિવાય ક્યાંય ચૂંટણી જીતી નહીં શકનાર રાહુલ ગાંધી ચોવીસે કલાક, દરેક સ્થળે, દરેક રાજ્યમાં, લોકસભા તેમજ સોશિયલ મીડિયા સહિત દરેક મંચ ઉપર ભાજપ – સંઘ – નરેન્દ્ર મોદી એમ બધાના વિશે બેફામ બોલતા હોવા છતાં દેશમાં લોકશાહી નથી એવું ભારતમાં તો બોલે જ છે, પણ એથી આગળ વધીને વિદેશની ધરતી ઉપર જઇને પણ બોલે છે.

દેશના સામાન્ય નાગરિકોની વચ્ચે સાવ નીચું રેટિંગ ધરાવતા આ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ ભાજપને અને નરેન્દ્ર મોદીને ગાળો દઇને એક રીતે દેશના મતદારોનું જ અપમાન કરી રહ્યા છે. રાજકીય લડાઈને ખાતર આ બધા ભાજપને – મોદીને ગાળો દે ત્યાં સુધી સમજી શકાય, પરંતુ કોંગ્રેસ સહિત વિપક્ષોની હતાશા એ હદે પહોંચી ગઈ છે કે તેઓ ભારતીય સૈન્ય, ભારતીય તપાસ એજન્સીઓનું હવે તો હાલતાં-ચાલતાં અપમાન કરવા લાગ્યા છે.

વિરોધ પક્ષોની હતાશા એ હદે નીચલા સ્તરે પહોંચી ગઈ છે કે તેમની પાસે પોતાના વિશે હકારાત્મક કે રચનાત્મક વાત કરવા માટે એકપણ મુદ્દો જ નથી. આ વિરોધ પક્ષો જે વાતો કરે છે તેના ઉપર દેશના મતદારોને વિશ્વાસ જ નથી બેસતો. તમામ વિપક્ષો જ્યોર્જ સોરોસની ટુકડે ગેંગની જેમ વર્તી રહ્યા છે. રાહુલ ગાંધીને ભારત દેશ એક અખંડ રાષ્ટ્ર નથી લાગતો પરંતુ વિવિધ રાજ્યોનું બનેલું યુનિયન લાગે છે! અને એ જ ભાષા આતંકિસ્તાન પણ બોલે જ છે. બ્રિટનમાં રાહુલ ગાંધીના જેટલા પણ યજમાન હતા અને તેમના વિવિધ કાર્યક્રમમાં જે લોકો હાજર હતા તેમના સીધા તાર આતંકિસ્તાન સાથે જોડાયેલા હતા એ તો હવે જગજાહેર થઈ ગયું છે. અને ત્યારે દેશનો સામાન્ય નાગરિક એટલું તો વિચારને કે, જે આતંકિસ્તાન એના જન્મથી જ ભારત વિરોધી પ્રવૃત્તિ કરે છે તેની સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા લોકો લંડનમાં રાહુલ ગાંધીની સાથે કેમ હતા? જે આતંકિસ્તાનમાં કદી લોકશાહી જોવા નથી મળી તેના જ વિદેશમાં વસતા એજન્ટો રાહુલ ગાંધીની સાથે મંચ ઉપર હોય અને એ સમયે માનનીય રાહુલજી લોકશાહીની વાત કરે ત્યારે આપણે સૌએ હસવું કે રડવું? જે ચીને 1950ના દાયકા પછી લોકશાહી જોઈ નથી તેના દ્વારા વિદેશની ધરતી પર પ્રાયોજિત કાર્યક્રમોમાં રાહુલ ગાંધી ભારતમાં લોકશાહી વિશે ફરિયાદ કરે ત્યારે આપણે શું સમજવું?

ભારતમાં પારદર્શી અને લોકશાહી રીતે યોજાતી ચૂંટણીમાં માનનીય રાહુલજીનો પક્ષ જીતી શકતો નથી અને તેથી લંડનમાં કોઈ યુનિવર્સિટીના મંચ ઉપર 50-60 પાલતુ લોકોની વચ્ચે ગોળગોળ, મોં-માથા વિનાનું બોલીને રાહુલજી ભારતની લોકશાહી બચાવવા માટે અમેરિકા અને યુરોપને હાકલ કરે ત્યારે એનો સીધો અર્થ તો એવો જ થાય ને કે, ભારતમાં સત્તા પર આવવા કોંગ્રેસ આ નેતા અમેરિકા-યુરોપનો ટેકો માગી રહ્યા છે! મુદ્દો એ છે કે, વિરોધ પક્ષો પાસે હકારાત્મક, સકારાત્મક, રચનાત્મક વાતો અને વિષયો પહેલા પણ નહોતા અને આજે પણ નથી. ભાજપ મજબૂત નહોતો ત્યારે કોંગ્રેસ સહિત વિપક્ષો દાયકાઓ સુધી ગરીબી, લઘુમતી, ભ્રષ્ટાચાર, વંશવાદ વગેરેના આધારે સત્તા મેળવતા રહ્યા. તેમની પાસે એ સમયે પણ દેશના વિકાસના, સૌનો સાથ-સૌના વિકાસના મુદ્દા હતા જ નહીં—આજે પણ નથી. ભારતની પ્રજા ભોળી હશે, પણ ભોટ નથી એ વાત વિપક્ષોને કેવી રીતે સમજાશે એ વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment