Sunday, February 5, 2023

બીબીસી ડોક્યુમેન્ટ્રી અને અદાણી જેવાં સમુદ્રમંથન મે, 2024 સુધી થતાં રહેશે- છેવટે અમૃત નીકળશે


---------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 દુનિયામાં એવી કેટલીક આસુરી વિચારધારાઓ ઉત્પાત મચાવી રહી છે જેમને ભારતની પ્રગતિ સામે વાંધો છે. ભારત ફરી એક વખત વિશ્વગુરુ બને એ આ અસુરોને સહન થતું નથી કેમ કે ક્ષમતાવાન અને સમૃદ્ધ ભારત વિસ્તારવાદી આક્રાંતાઓના બદઇરાદા ઉપર બ્રેક મારવા સમર્થ હોય છે. આ સ્થળે મેં અસંખ્ય વખત કહ્યું છે કે ચાર પ્રકારનાં તત્વો – ડાબેરીઓ, મિશનરીઓ, જેહાદીઓ અને મીડિયા – આ આસુરી વિચારધારાના કાંતો સર્જકો છે અથવા તેના સમર્થક છે. એવું પણ વારંવાર કહ્યું છે કે, આ તમામ તત્વો 2002થી સક્રિય છે અને 2014થી તો રીતસર મરણિયા બન્યા છે. આ સ્થિતિ મે, 2024ની લોકસભા ચૂંટણી સુધી યથાવત્ રહેશે.

બીબીસીની ગુજરાત વિશેની ડોક્યુમેન્ટ્રી અને ત્યારબાદ દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી જૂથ વિરોધી હિંડનબર્ગ અહેવાલ- આ બંને ઘટના ભારતીય રાજ્યસત્તા ઉપર હુમલાનો જ એક ભાગ છે. આ બંને આક્રમણમાં વિદેશી સંસ્થાઓનો દેખીતો હાથ જણાય છે અને તેમને મદદ કરનારા મૂળ ભારતીયો જ છે. ભારતમાં સત્તા અને સન્માન ગુમાવી ચૂકેલા રાજકારણીઓ, રાજકીય પક્ષો તેમજ મીડિયામાં રહેલા તેમના એજન્ટો રાષ્ટ્રવાદી સરકાર અને રાષ્ટ્રવાદી પક્ષોને કોઇપણ ભોગે સત્તા પરથી દૂર કરવા માગે છે, કેમ કે પ્રજાને લૂંટવાનો તેમનો 70 વર્ષનો ગરાસ ખોરવાઈ ગયો છે. બીજું, બીબીસી જેવી વિદેશી સંસ્થાઓ હંમેશાં મિશનરીઓ, ડાબેરીઓ અને જેહાદીઓના કબજામાં રહી છે અને તેથી ભારત-વિરોધી પ્રવૃત્તિ તેમની ગમતી પ્રવૃત્તિ હોય છે. ભારત વિરોધી પ્રવૃત્તિ કરવાની હોય તો ચીન પાસેથી નાણા મળવાની પણ પૂરી ખાતરી હોય છે.

મે, 2014થી અત્યાર સુધીનો ઇતિહાસ જોઇએ તો દર વર્ષે ઓછામાં ઓછી એક અથવા તેથી વધુ ઘટનાઓ બની છે જેનો ઉદ્દેશ સીધે સીધો મોદી સરકારને અને એ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબિ બગાડવાનો હતો. શાસનના પ્રથમ વર્ષમાં 2015માં જ મોદી સરકારે જમીન સંપાદન (સુધારણા) જાહેરનામું બહાર પાડ્યું હતું. મોદી સરકાર એ જાહેરનામા દ્વારા જમીન સંપાદન પ્રક્રિયા સરળ બનાવવા માગતી હતી જેથી વિકાસ કામો ઝડપથી થઈ શકે. પરંતુ વિપક્ષોએ તત્કાળ એ જાહેરનામાનો વિરોધ શરૂ કરી દીધો. વિપક્ષો શેરીઓમાં ઉતરી આવ્યા. એ હદે વિરોધ થયો કે સરકારે છેવટે જાહેરનામું પાછું ખેંચવું પડ્યું. ત્યારપછીના વર્ષે 2016માં ભારત સરકારે નોટબંધી કરી દીધી. કાળા નાણાના વિકરાળ અજગરને કચડી નાખવા માટે તેમજ સમાંતર અર્થતંત્રને ડામી દેવા માટે એ પગલું જરૂરી હતું. દેશની બહુમતી પ્રજાનું જોકે સરકારને પૂરું સમર્થન હતું પરંતુ ફરીથી વિપક્ષોએ અને ચોક્કસ હિત ધરાવતા મીડિયા ગૃહોએ સરકારને બદનામ કરવાના અને એ દ્વારા પ્રજાને ઉશ્કેરવાના તમામ પ્રયાસ કર્યા હતા. એ લોકોએ ઘણા મહિના સુધી એવું વાતાવરણ ઊભું કરી દીધું હતું જાણે મોદી સરકારે દુનિયાનો સૌથી ગંભીર અપરાધ કરી દીધો હોય. એ જ રીતે 2017માં સરકારે જીએસટી કાયદો પસાર કર્યો ત્યારે પણ આ ચારેય તત્વોએ પ્રજાને, ખાસ કરીને વેપારીઓને ઉશ્કેરવા આકાશ-પાતાળ એક કરી દીધા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તો 2017થી હજુ આજ સુધી જીએસટી માટે ગબ્બર સિંહ ટેક્સ જેવા શબ્દો વાપરે છે.

2019માં સરકારે દેશહિતમાં બે મોટાં પગલાં લીધાં. એક તો સાત દાયકાથી જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ રાખતી કલમ 370 નાબૂદ કરી અને ભારતના પાડોશી દેશો- શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં વસતા અને ત્યાં અત્યાચારનો ભોગ બનતા મૂળ ભારતીય એવા હિન્દુ, સિખ, જૈન, બૌદ્ધ તથા ખ્રિસ્તીઓને ભારત પરત આવવા માટે સુવિધા કરી આપવા CAA કાયદો પસાર કર્યો. આ બંને પગલાં સામે મહિનાઓ સુધી રાજકીય પક્ષો અને ખાસ કરીને મુસ્લિમોએ આંદોલન કર્યાં. 2020માં મોદી સરકારે ખેડૂતોની સ્થિતિ સુધારવા ત્રણ કૃષિ કાયદામાં સુધારા કર્યા. અને તે સાથે પંજાબ, હરિયાણાના ખેડૂતોએ ખાલિસ્તાનીઓની મદદથી એક વર્ષ કરતાં વધુ સમય સુધી રાજધાની દિલ્હીને ઘેરાવ કરી રાખ્યો. એ દરમિયાન 2021ની 26 જાન્યુઆરીએ ખાલિસ્તાની સમર્થકોએ છેક લાલ કિલ્લા સુધી પહોંચી જઇને ભારે હિંસક ખેલ માંડ્યો.

આ બધું ઓછું હોય તેમ કેરળમાં કોંગ્રેસે ગૌહત્યાનું સમર્થન કરવા જાહેર રસ્તા ઉપર વાછરડાની કતલ કરીને તેનું માંસ રાંધીને ખાધું. દિલ્હીની ડાબેરીઓથી કુખ્યાત થયેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં આતંકવાદીઓના સમર્થનમાં અને પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચારો કર્યા. દિલ્હીમાં તત્કાલીન અમેરિકી પ્રમુખ ટ્રમ્પની મુલાકાત દરમિયાન જ  આમ આદમી પાર્ટીના સમર્થકોએ CAAના વિરોધમાં હિન્દુ વિરોધી રમખાણો કરીને અનેક હિન્દુઓની હત્યા કરી.

ટૂંકમાં આ બધાં આંદોલન અને તોફાનો મોદી સરકારને સત્તાથી દૂર કરવા માટેના હતાં. આમછતાં એ તમામ પ્રયાસોમાં નિષ્ફળ ગયેલા દેશ-વિરોધી તત્વો તેમના અધુરા રહેલા મનસુબા પાર પાડવા હવે બીબીસી ડોક્યુમેન્ટ્રી અને અદાણી જૂથ સામે કાવતરાં કરીને તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે. આ સંજોગોમાં એવી આશંકા જરાય અસ્થાને નથી કે દેશના અર્થતંત્રને તેમજ દેશની સમાજ વ્યવસ્થાને નુકસાન કરીને સરકાર વિરોધી વાતાવરણ ઊભું કરવા આ તમામ પરિબળો 2024ની ચૂંટણી સુધીમાં હજુ આવી કેટલીય ઘટનાઓને અંજામ આપશે. તેમના પ્રયાસોમાં દેશ-વિરોધી પરિબળો સફળ થશે કે નહીં એ તો મે-જૂન 2024માં જ ખબર પડશે, પરંતુ ત્યાં સુધીમાં દેશને નુકસાન થતું રહેશે એટલું નિશ્ચિત છે. ડાબેરીઓ, મિશનરીઓ, જેહાદીઓ અને સ્થાપિત હિત ધરાવતા મીડિયાની સામે રાષ્ટ્રવાદી નાગરિકો તરીકે તમારે એટલે કે મતદારોએ એ નિર્ણાયક ચૂંટણીમાં શું કરવાનું છે એ વિચારવું રહ્યું. વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment