Sunday, January 8, 2023

58 અરજી પણ નોટબંધીને અયોગ્ય ઠેરવી ન શકી

સ્વતંત્ર ભારતના ઇતિહાસનું સૌથી ક્રાંતિકારી પગલું નોટબંધી હતું. આ એક પગલાંએ એકસાથે કેટલા ઉદ્દેશ પાર પાડ્યા છે એ સમજવા માટે પણ તમારા હૃદયના ખૂણામાં રાષ્ટ્રપ્રેમની ભાવના હોવી જરૂરી છે

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 બીજી જાન્યુઆરી, 2023ને સોમવારે સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપીને નરેન્દ્ર મોદીના આઠમી નવેમ્બર, 2016ના એક ઐતિહાસિક નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. તે સાથે કહેવાતા અર્થશાસ્ત્રીઓથી લઇને વિરોધ પક્ષો સહિત અનેકનાં મોઢાં કાળાં થઈ ગયાં. એ સાચું એ આ બધા બદમાશો એ વાતનો સ્વીકાર નહીં કરે કે તેમનાં મોઢાં કાળાં થઈ ગયાં છે. પરંતુ વાસ્તવિકતા તો એ જ છે, કેમ કે આ બધાએ ભેગા મળીને બે-પાંચ-દસ નહીં પરંતુ પૂરી 58 પિટિશન નોટબંધીની વિરુદ્ધમાં કરી હતી, અને એમાંથી એકેય જણ મોદી સરકારના આ પગલાંને અયોગ્ય ઠેરવી શક્યા નહીં. એમ તો આ એ જ ટોળકીઓ હતી જેમણે CAA વિરૂદ્ધ, રાફેલ યુદ્ધ વિમાનના સોદા વિરૂદ્ધ, ત્રિપલ તલાકના કાયદા વિરૂદ્ધ, રામ જન્મસ્થળના હિન્દુઓના અધિકાર વિરૂદ્ધ અને એથી આગળ વધીને કલમ 370ની નાબૂદી વિરૂદ્ધ અરજીઓ કરી હતી...પરંતુ દરેક વખતે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવાં તત્વોના હાથ હેઠા પડ્યા.

સાચી વાત તો એ છે કે, નોટબંધી એ સ્વતંત્ર ભારતના ઇતિહાસનો સૌથી ક્રાંતિકારી નિર્ણય છે. આ એક પગલાંથી મોદી સરકારે એક સાથે અનેક ઉદ્દેશ પાર પાડ્યા છે.

નોટબંધી કરવાનો સૌથી પહેલો ઉદ્દેશ કાળા નાણા સ્વરૂપે ચાલી રહેલા સમાંતર અર્થતંત્ર ઉપર ઘા કરવાનો હતો. આ ઉદ્દેશ મહદઅંશે પાર પડ્યો જ છે એમાં કોઈ શંકા નથી. એ સમજવા માટેના બે-ત્રણ મુખ્ય પાસાં જોઇએ. સૌથી પહેલાં તો નોટબંધી વિરુદ્ધ સૌથી વધુ કાગારોળ કોણે મચાવી હતી? રાજકારણીઓએ, ખરું ને? એમણે કાગારોળ મચાવી હતી કેમ કે તેમની પાસે બેહિસાબી રોકડ રકમના ઢગલા પડ્યા હતા. એ ઢગલા રાતોરાત ધૂળનાં ઢેફાં સાબિત થઈ ગયા. એ રકમનો ક્યાંય કોઈ હિસાબ નહીં રાખ્યો હોવાથી ભ્રષ્ટ રાજકારણીઓ તેને વટાવવા પણ જઈ શકે તેમ નહોતા. અને તેથી જ રાજકારણીઓ નોટબંધી વિરૂદ્ધ જે વિલાપ કરતા હતા તે માત્ર તેમના અંગત સ્વાર્થ માટે હતો, પ્રજાને તેની સાથે કોઈ લેવાદેવા નહોતી.

નોટબંધીને કારણે બીજો ઉદ્દેશ એ સધાયો કે આતંકવાદીઓને પહોંચતા આર્થિક સ્રોતો રાતોરાત સૂકાઈ ગયા. કાશ્મીરમાં સક્રિય જેહાદી આતંકીઓને દેશમાંથી તેમજ વિદેશમાંથી અને ખાસ કરીને પાકિસ્તાનમાંથી જે નાણાકીય પ્રવાહ મળતો હતો તેના ઉપર નોટબંધીએ પ્રચંડ આઘાત કર્યો છે એ વાત દરેકે વહેલા કે મોડા સ્વીકારવી જ પડશે.

ત્રીજું, નોટબંધી થવાથી પાકિસ્તાન એકદમ ખરાબ રીતે પાયમાલ થઈ ગયું. ભારત સહિત આખી દુનિયા જાણે છે કે, નોટબંધી પહેલાં રોજેરોજ વિપુલ માત્રામાં નકલી ભારતીય ચલણ શહેરોમાં અને સરહદો ઉપર પકડાતું હતું. ભારતીય ચલણની નકલી નોટોની માત્રા એટલી મોટી હતી કે દેશની અંદર કોઈ એકલ-દોકલ અપરાધીઓ માટે તેનું ઉત્પાદન કરવાનું શક્ય નહોતું. સ્વાભાવિક રીતે ચલણી નોટ માટેના કાગળ તેમજ પ્રિન્ટિંગની સુવિધા મોટાપાયે ઉપલબ્ધ ન હોય તો નકલી ચલણી નોટો વિપુલ માત્રામાં છાપી શકાય નહીં. અને આ સુવિધાઓ પાકિસ્તાનમાં હતી એ જગજાહેર છે. પાકિસ્તાન હાલ આર્થિક રીતે બેહાલ છે તેનાં વિવિધ કારણોમાં આ પણ એક કારણ છે કે નકલી ભારતીય નોટો છાપવાનો તેનો ઉદ્યોગ પડી ભાંગ્યો છે.

નોટબંધી બાદ ડિજિટલ ઇકોનોમીનું ચલણ વધવાથી ભારતીય અર્થતંત્રના ખરા કદની હવે ખબર પડી રહી છે. તે ઉપરાંત ડિજિટલ વ્યવહારોને કારણે ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટ્યું છે એમાં કોઇએ શંકા રાખવાની જરૂર નથી. હા, ભ્રષ્ટાચાર સંપૂર્ણ નાબૂદ નથી થયો એ માટે માત્ર સરકારને જવાબદાર ઠેરવી શકાય નહીં, પ્રજા પણ એટલી જ જવાબદાર ગણાય.

ખેર, નોટબંધીની તરફેણમાં આ સિવાય પણ બીજા અનેક મુદ્દા છે અને જેમને હકારાત્મક બાબતો જાણવામાં રસ હોય તે અહીં લેખમાં જે પુસ્તકનો ફોટો છે તે મગાવીને અથવા ક્યાંકથી મેળવીને વાંચી શકે છે. (નોટબંધીનું A to Z, લેખકઃ સૌરભ શાહ, પ્રકાશકઃ પ્રવીણ પ્રકાશન, રાજકોટ)

સાથે બીજી એક વાત ખાસ નોંધવી જોઇએ કે જે રાજકારણીઓ અને જે મીડિયાવાળા અને જે રાજકીય વિશ્લેષકો હજુ આજ દિન સુધી એમ કહ્યા કરે છે કે નોટબંધીથી સામાન્ય પ્રજાને હેરાનગતિ થઈ ગઈ હતી અને સામાન્ય નાગરિકો પાયમાલ થઈ ગયા હતા વગેરે વગેરે...તો એવા નકારાત્મક લોકોએ 2017, 2018માં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી, 2019ની લોકસભા ચૂંટણી, 2020, 2021 અને 2022માં યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને ધ્યાનમાં લેવાં જોઇએ, બધું સમજાઈ જશે. રાષ્ટ્રને ચાહનાર મોટાભાગના નાગરિકોએ પોતાને થોડો સમય તકલીફ પડી હોવા છતાં નોટબંધીના ઐતિહાસિક ક્રાંતિકારી પગલાંને 2016 પછીની દરેક ચૂંટણીમાં થમ્સ-અપ કર્યું છે, ખરું ને! મને ખબર છે કે તમારા બધાની પણ હા જ છે, તો...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment