Sunday, January 1, 2023

આત્મનિર્ભર ભારતની અભૂતપૂર્વ સ્વદેશી સિદ્ધિ


સ્વદેશી રમકડાં અપનાવવા માટેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલનું ક્રાંતિકારી પરિણામઃ સાત વર્ષમાં ભારતીય રમકડાંની નિકાસમાં 240 ટકાનો વધારો અને આયાતમાં 67 ટકાનો ઘટાડો

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 કોરોનાની વૈશ્વિક મહામારી તેમજ વિવિધ દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર ડામાડોળ છે. અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમના જે દેશોએ અનેક દાયકા સુધી જે મોંઘવારી જોઈ નહોતી તેનો હાલ તેમને સૌથી ખરાબ અનુભવ થઈ રહ્યો છે. શાંતિના સમયમાં આંતરરાષ્ટ્રીય વેપાર દરેક દેશ માટે લાભદાયક રહે છે, પરંતુ અશાંતિ અને મહામારી જેવાં કારણો માંગ અને પુરવઠાની સ્થિતિ ખોરવી નાખે છે અને પરિણામે અછતની સ્થિતિ ઊભી થાય છે જે છેવટે મોંઘવારી તરફ દોરી જાય છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી સંભવિત સ્થિતિને ઘણી વહેલી ઓળખી ગયા હતા અને તેથી 2014માં સત્તા પર આવ્યા પછી ટૂંક સમયમાં જ તેમણે આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપીને દેશવાસીઓને અમુક ચીજોનું ઉત્પાદન ઘરઆંગણે જ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. નરેન્દ્ર મોદી એ સ્થિતિ જોઈ શકતા હતા જ્યાં ચીન જેવા વિસ્તારવાદી માનસિકતા ધરાવતા દેશો, અમેરિકા જેવા યુદ્ધખોર માનસિકતા ધરાવતા દેશો અને સાથે પાકિસ્તાન જેવા ઘૂસણખોર-આતંકવાદી માનસિકતા ધરાવતા દેશો તેમના ટૂંકા સ્વાર્થ માટે દુનિયાને યુદ્ધની સ્થિતિ તરફ દોરી જશે એવું તે જાણતા હતા.

આ જ કારણે તેમણે ઑઈલ, શસ્ત્ર-સરંજામ જેવાં ક્ષેત્રોમાં આત્મનિર્ભર થવાની કામગીરી સૌથી પહેલાં શરૂ કરી દીધી હતી. ક્રુડઑઇલના સ્થાને સૂર્યઊર્જા તેમજ વીજળી સંચાલિત વાહનો ઉપર ભાર મૂક્યો. એ જ રીતે શસ્ત્ર-સરંજામનું ઉત્પાદન પણ દેશમાં જ થાય એ માટે પહેલ કરી. આનું પરિણામ એ આવ્યું કે, ક્રુડ ઑઇલની આયાતમાં તબક્કાવાર ઘટાડો થઈ રહ્યો છે. એ જ રીતે શસ્ત્ર-સરંજામ પાછળ 2014 પહેલાં અબજો રૂપિયાનો ખર્ચ થતો હતો તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આ બંને પગલાંને કારણે દેશના મોંઘા વિદેશી હુંડિયામણની બચત થઈ રહી છે.

આ જ અનુસંધાને વડાપ્રધાને રમકડાં ક્ષેત્રે પણ દેશને આત્મનિર્ભર થવાની હાકલ કરી. 2014 પહેલાં દેશમાં મોટાભાગનાં રમકડાં ચીનથી આયાત થતાં હતાં. પરંતુ ચીન એવો શેતાન દેશ છે જે આપણા જ નાણાથી આપણી વિરુદ્ધ કાવતરાં કરે છે. વડાપ્રધાને ચીની મોબાઇલ એપ્લિકેશન્સ અને સોફ્ટવેર ઉપર તો સીધો પ્રતિબંધ મૂક્યો, પરંતુ રમકડાંની બાબતમાં સીધો પ્રતિબંધ મૂકવાને બદલે ભારતીય ઉત્પાદકોને દેશમાં જ રમકડાંનું ઉત્પાદન કરવા હાકલ કરી. પરિણામ એ આવ્યું કે, છેક ગ્રામ્ય સ્તરે અનેક લોકોને નવેસરથી રોજગારી મળવાની શરૂ થઈ અને છેલ્લા સાત-આઠ વર્ષમાં રમકડાંની આયાતમાં જંગી 67 ટકાનો ઘટાડો થયો. તેની સામે આ જ ગાળામાં ભારતીય રમકડાંની નિકાસ 240 ટકા વધી. દુનિયાના અનેક દેશો ચીની રમકડાંથી ત્રસ્ત હતા પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો તેથી ચીની રમકડાંની આયાત ચાલુ રાખી હતી, પરંતુ ભારતનાં રમકડાંનો વિકલ્પ ઊભો થતાં જ અન્ય દેશોએ પણ ચીની રમકડાંને બદલે ભારતીય રમકડાં ઉપર પસંદગી ઉતારી અને પરિણામે તેની નિકાસમાં અભૂતપૂર્વ વધારો થયો. 2014-15માં રૂપિયા 797 કરોડના ભારતીય રમકડાંની નિકાસ થતી હતી તે 2021-22માં વધીને રૂપિયા 2706 કરોડે પહોંચી. એ જ રીતે 2014-15માં ભારત રૂપિયા 2756 કરોડનાં રમકડાંની આયાત કરતું હતું તે 2021-22માં ઘટીને રૂપિયા 909 કરોડની થઈ ગઈ.

ભારત સરકારે સ્વદેશી રમકડાંને આટલા મોટાપાયે પ્રોત્સાહન આપ્યું તેનું પરિણામ એ પણ આવ્યું છે કે, ઑનલાઇન વેચાણ કરતી અમુક કંપનીઓએ છેલ્લાં બે વર્ષથી ભારતીય રમકડાંના વેચાણ માટે વિશેષ સ્ટોર અને વિભાગ ઊભો કરવો પડ્યો છે. સરકારે જે રીતે ખાદીને પ્રચંડ પ્રોત્સાહન આપીને વણકરોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે એવી જ રીતે સ્વદેશી રમકડાંને પણ અસાધારણ પ્રોત્સાહન આપીને નાનાં નગરો અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વસતા રમકડાંના કારીગરોના જીવનમાં પણ ક્રાંતિ લાવી દીધી છે.

ભારતીય મીડિયાની આ ગુનાઈત બદમાશી જ છે કે દેશની આવી અસાધારણ સિદ્ધિઓની યોગ્ય નોંધ લેવામાં આવતી નથી. માત્ર રાજકીય તથા ક્રાઇમના સમાચારોને જ મહત્ત્વ આપ્યા કરતું મીડિયા વિવિધ ક્ષેત્રમાં દેશની અસાધારણ પ્રગતિના સમાચારોની ઉપેક્ષા કરીને દેશની પ્રજાનો જ ઘણો મોટો અપરાધ કરી રહ્યા છે. મને લાગે છે કે મીડિયાને હકારાત્મક તેમજ પ્રગતિ અને વિકાસના સમાચારો આપવા હવે વાચકોએ – દર્શકોએ જ ફરજ પાડવી પડશે. તમે શું કહો છો એ વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

2 comments:

  1. Great initiatives by this present Govt.

    ReplyDelete
  2. And even more surprising is the initiatives in the field of Hydrogen production....GREAT FORESIGHT...indeed. Never ever had thought that I would see this in my life.. in India. But, it's coming true, in short time!! And even wants to export the hydrogen has....so great initiatives + foresight....!!!

    ReplyDelete