Sunday, August 27, 2023

એક જાગૃત નાગરિક સામે ભ્રષ્ટ તંત્રને પણ ઝૂકવું પડે

 

આરટીઆઈ તો ઘણા કરતા હોય છે, પરંતુ બધાના ઇરાદા સારા નથી હોતા. ક્યારેક આરટીઆઈ રાજકીય ન્યૂસન્સ કરવા માટે પણ થતી હોય છે...પણ આજનો કિસ્સો અલગ છે

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

2024ની લોકસભા ચૂંટણી નજીક આવી છે ત્યારે આમ આદમી પાર્ટી અને તેની માતૃ સંસ્થા કોંગ્રેસના કેટલાક તત્ત્વો રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં આરટીઆઈ અરજીઓના નાખીને રીતસર ન્યૂસન્સ ઊભું કરી રહ્યા છે. મળતી વિગત અનુસાર આવા એક નવરા માણસે રાજ્યની અગ્રણી યુનિવર્સિટીમાં એક સાથે 76 આરટીઆઈ અરજી નાખીને યુનિવર્સિટીના કેટલાય વિભાગોની કામગીરીમાં અડચણો ઊભી કરી છે. આવા તત્ત્વોની આરટીઆઈને કારણે પ્રાધ્યાપકોએ શિક્ષણકાર્ય પડતું મૂકીને વહીવટી કામગીરીને લગતા પ્રશ્નોના જવાબો આપવા પડે છે.

ખેર, ગામ હોય ત્યાં આમ આદમી પાર્ટી રહેવાની. પણ આપણે આજે સાચા અર્થમાં એક જાગૃત નાગરિકની સતર્કતા અને તેમણે કરેલી સાચા અર્થની આરટીઆઈને કારણે દ્વારકા શહેર નજીક ખુલ્લા ડિવાઇડરને બંધ કરવાની સત્તાવાળાઓને ફરજ પડી છે. આ જાગૃત અને રાષ્ટ્રવાદી નાગરિકને કારણે આ સ્થળે ગમેત્યારે ગંભીર અકસ્માત થવાનું જોખમ પણ ટળ્યું છે.

શ્રી સુજિતકુમારે આ અંગે કરેલી વાત અહીં તેમના પોતાના જ શબ્દોમાં મૂકું છું, જેથી તમામ વાચકોને સમગ્ર ઘટનાનો યોગ્ય રીતે ખ્યાલ આવે અને તેમની જેમ પ્રેરણા લઇને અન્ય લોકો પણ લોકહિતના આવાં કામ કરી શકે. ... #Pgportal તથા RTI પોર્ટલ ની મદદ થકી મળેલી વધુ એક નાનકડી સફળતા..

દ્વારકા શહેરમાં પ્રવેશ કરતા શરૂઆતમાં જ હોટલ આવે છે, જેની આગળના રોડ પર મીડિયન ઓપનિંગ હતું એટલે કે ડીવાઈડર ખુલ્લું હતું.

આ મીડિયન ઓપનિંગ ફક્ત હોટલ ચાલકોને ફાયદો કરવા માટે કરેલું હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું જેથી કરીને સામેના રોડના વાહનચાલકો આ બાજુ હોટલ પર આવી શકે અને હોટલ સાઈડના વાહનો સામેની બાજુ જઈ શકે..

૧) અન્ય વાહનચાલકો માટે જોખમી આ મિડિયન ઓપનિંગ બંધ કરવા માટે #pgportal પર રજૂઆત કરેલી.

૨) જે ફરિયાદ બાબતે નેશનલ હાઇવે ઓથરિટી ઓફ ઇન્ડિયા રાજકોટ તરફથી એવો જવાબ મળ્યો કે કંસેશન એગ્રીમેન્ટ અંતર્ગત આ ઓપનિંગ આપવામાં આવ્યું છે.

૩) આ અનુસંધાને ઇન્ડીયન રોડ કોંગ્રેસની માર્ગદર્શિકાનો અભ્યાસ કર્યો જેમાં જણાવ્યું છે કે આવા ઓપનિંગની બાજુમાં શેલ્ટર લેન (એટલે કે વળાંક લેનાર વાહન પાછળના વાહનોને નડતરરૂપ ન થાય એ માટે એ શેલ્ટર લાઈનમાં ઉભું રહે અને વળવા માટેની પ્રતીક્ષા કરે) હોવી જરૂરી છે. જે અહીંના મિડીયન ઓપનિંગમાં હતી નહીં.

બીજું, આ માર્ગદર્શિકા મુજબ બે મીડિયન ઓપનિંગ વચ્ચે ઓછામાં ઓછું ૫૦૦ મીટર અંતર હોવું જોઇએ. જ્યારે અહીં ફકત ૧૫૦ મીટરના અંતરે જ એક મોટું મીડિયન ઓપનિંગ આવે છે.

આ માર્ગદર્શિકાના મુદ્દાઓ અને એના ઉલ્લંઘન બાબતે ફરીથી એક ફરિયાદ નાખવામાં આવી,

૪) સાથે સાથે પણ અપીલ કરવામાં આવી

૫) આ ફરિયાદ અને અપીલ સામે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એવો પ્રત્યુત્તર આપવામાં આવ્યો કે સ્થાનિક રાજ્ય સરકાર અને સ્થાનિક લોકોની માંગણીને અનુસંધાને આ મીડીયન ઓપનિંગ આપવામાં આવ્યું હતું, જ્યાં રિફ્લેક્ટર લાઈટ અને સાઈનબોર્ડ પણ લગાવવામાં આવ્યા અને બન્ને વચ્ચેનો રસ્તો પણ પેવર કરવામાં આવેલો છે.

૬) આ પ્રત્યુત્તરની સામે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજકોટમાં RTI કરીને સ્થાનિક રાજ્ય સરકાર અને સ્થાનિક લોકોની માંગણી બાબતના પત્રોની માહિતી માંગવામાં આવી. જેની સામે એવો જવાબ મળ્યો કે એમની ઓફિસમાં આવા કોઈ પત્રો મળ્યા નથી.

૭) આ આરટીઆઈનો જવાબ મળ્યા બાદ વિજિલન્સ વિભાગમાં આ સમગ્ર બાબતની વિસ્તૃત માહિતી અને પત્રોની કોપી સાથે ઇમેઇલ કર્યો અને આ બાબતે તપાસ કરવા વિનંતી કરી.

૮) ગઈકાલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજકોટ તરફથી પત્ર મળ્યો જેમાં દર્શાવ્યું છે કે એમના દ્વારા આ મીડિયન ઓપનિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

હવે, આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરીશું.

આ સમગ્ર કિસ્સામાં નોંધપાત્ર વાત એ છે કે, શ્રી સુજિતભાઈએ સૌપ્રથમ પીજીપોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી અને ત્યાંથી સંતોષજનક જવાબ ન મળ્યો ત્યારે આરટીઆઈ દ્વારા જવાબ માગીને સમગ્ર સમસ્યાનો ઉકેલ લાવવામાં જાગૃતિ દાખવી. ઘટનાનો સાર એ છે કે, જાગૃતિ અને ખંતથી ઘણાં કામ શક્ય બને છે.

અકસ્માત તથા દુર્ઘટનાઓ માટે વાહન ચાલકો ઉપરાંત બીજી પણ બાબતો જવાબદાર હોય છે. જેમ કે સ્થાનિક સ્તરનું ગંદું - ભ્રષ્ટ રાજકારણ, ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ પોલીસતંત્ર અને એવા જ ભ્રષ્ટ વેપારીઓ... આ બધા ભેગા મળીને સામાન્ય જનતાની સલામતી અને સુખાકારીના અધિકારોને ઘોળીને પી જતા હોય છે. પછી આવી સ્થિતિમાં આવાં સ્થળે અકસ્માત અથવા દુર્ઘટના બને ત્યારે સરકાર તરફથી "વળતર" ની જાહેરાત થાય છે. આ પ્રકરણમાં ઉપર જણાવી એ ચારેય તત્ત્વોના ભ્રષ્ટાચારની બૂ આવે જ છે. છતાં નાગરિકો જાગૃત રહે તો સ્થિતિમાં ફેર તો લાવી શકાય છે. પણ હા, શરૂઆતમાં જણાવ્યું તેમ યુનિવર્સિટીના કોઈ વિભાગમાં બેન્ચ અને બ્લેકબોર્ડ પાછળ કેટલો ખર્ચ થયો એવા મતલબની આરટીઆઈ કરનારા તત્ત્વોના ઇરાદા સારા નથી હોતા એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ. સુજિતભાઈ જેવી જાગૃતિ અન્ય લોકોમાં પણ ફેલાશે તો હાઇવે ઉપર ડિવાઇડર સાથે ચેડાં કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકનારા તત્ત્વો ઉપર લગામ લાવી શકાશે. જાગો...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment