Sunday, February 20, 2022

ગુજરાતી ભાષાઃ સાચી જોડણી માતૃભાષાનું ઘરેણું છે

 

 – આવતીકાલે 21 ફેબ્રુઆરીને સોમવારે વિશ્વ માતૃભાષા દિવસ છે. માતૃભાષાનું ગૌરવ તો દરેક જણ કરે છે, પણ પીડાદાયક હકીકત એ છે કે 98 ટકા ગુજરાતીઓને સાચી જોડણી આવડતી જ નથી


*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

આવતીકાલે 21 ફેબ્રુઆરીને સોમવારે વિશ્વ માતૃભાષા દિવસ છે. લાગણીશીલ નેટિઝન્સ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ આપશે. માતૃભાષા અંગે ગામેગામ સેમિનાર યોજાશે. કેટલાક તો વળી ગુજરાતી ભાષાનું ગૌરવ અંગ્રેજી ભાષામાંય વ્યક્ત કરશે! કેટલાક થોડા વધારે ડાહ્યા લોકો એમ પણ કહેશે કે જ્યાં સુધી ગુજરાતી લખાતું અને વંચાતું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને વાંધો નહીં આવે. ગુજરાત સરકાર પણ જોડણી અને વાક્ય રચનાઓની અસહ્ય ભૂલો સાથે માતૃભાષા વિશે લખશે-બોલશે. અખબારોમાં લેખો લખાશે જેમાં જોડણી તો ભાગ્યે જ સાચી હશે.

સામાન્ય રીતે હું ભાષા, માતૃભાષા, લેખન, અનુવાદ વિશે આવું નકારાત્મક લખતો-બોલતો નથી, પરંતુ આજે એવું લાગે છે કે માતૃભાષાની સાથે-સાથે જોડણી વિશે પણ થોડું કહું. જોડણીની સાથે સાથે કોઇપણ સમાજના પરંપરાગત રોજગાર-વ્યવસાય ટકાવવા માટે પણ માતૃભાષા એટલી જ અગત્યની છે.

હકીકતે માતૃભાષાનું સાચું ગૌરવ જોડણી સાથે જોડાયેલું છે. સાચી જોડણી વિનાની ભાષા એટલે ગાજ-બટન વિનાનું શર્ટ. સાચી જોડણી વિનાની ભાષા એટલે ટ્રીમ કર્યા વિનાનું જંગલી ઘાસ. સાચી જોડણી વિનાની ભાષા એટલે ગાળ્યા વગરની ચા. સાચી જોડણી વિનાની ભાષા એટલે સોલ વિનાના જૂતાં. સાચી જોડણી વિનાની ભાષા એટલે ગ્લાસ વિનાના ચશ્માની ખાલી ફ્રેમ.

ગુજરાતી ભાષામાં એમ.એ. કરનાર મહાનુભાવો, ગુજરાતી ભાષાના શિક્ષકો, સાહિત્ય સંસ્થાઓમાં અધ્યક્ષપદ શોભાવતા મહાનુભાવો, સાહિત્યકારો પોતે, તંત્રીઓ અને પત્રકારો – આ બધા જ લોકોમાં (થોડા-થોડા અપવાદને બાદ કરતાં) જોડણીની કોઈ સભાનતા જોવા મળતી નથી. વધારે પીડાદાયક એ છે કે, આ લોકો જોડણી શીખવા પ્રયાસ પણ કરતા નથી.

વર્તમાન સમયમાં વધારે ખરાબ સ્થિતિ એ થઈ છે કે, ગૂગલવાળાઓએ પણ સાચી જોડણી જાણનાર અનુવાદકોને કામ સોંપવાને બદલે જે હાથમાં આવ્યા એમને અનુવાદનાં કામ સોંપી દીધાં, અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અંગ્રેજી – હિન્દી વાક્યોના ગુજરાતી વાક્યો કે શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. એનું અતિશય માઠું પરિણામ એ આવી રહ્યું છે કે, પેન્ટના કાપડની કૂર્તની (ખમીસ-શર્ટ) બની જાય છે અને કૂર્તનીના કાપડના પેન્ટ!

પીડાદાયક સ્થિતિ એ પણ છે કે, અંગ્રેજી ભાષામાં સ્પેલિંગની ભૂલ નહીં ચલાવી લેતા લોકો ગુજરાતીની જોડણી માટે સદંતર ઉપેક્ષા કરે છે. આટલું ઓછું હોય એમ, ગુજરાતમાં એક પ્રજાતિ એવી પણ છે જે ઊંઝા જોડણીના નામે ઉધામા કરે છે. આ પ્રજાતિ માને છે કે મા અને માસી વચ્ચે કોઈ તફાવત રહેવો ન જોઇએ. આ પ્રજાતિના મતે બાપા અને કાકા એક જ ગણાય. આ પ્રજાતિ એમ માને છે કે નાના અને દાદા વચ્ચે વળી તફાવત શું કરવાનો હોય! આ પ્રજાતિ આવા ઉધામા માટે દલીલ એવી કરે છે કે, ગુજરાતી જોડણી અઘરી છે એટલે સામાન્ય લોકોને આવડતી નથી, અને તેથી મા-માસી, બાપા-કાકા, નાના-દાદા બધા એક જ! મૂળભૂત રીતે આવો તર્ક કરતી પ્રજાતિ નમાલી છે. તેને જોડણી માટે મહેનત કરવામાં રસ નથી. જોડણી નથી આવડતી તો વાંધો નહીં, ચાલો શીખીએ, શીખવાડીએ– એવું વલણ લેવાને બદલે આ પ્રજાતિ જંગલના નિયમને માન્યતા આપી દેવા તત્પર છે. જંગલનો નિયમ એટલે જેને જેમ ફાવે એમ બોલે, જેમ ફાવે એમ લખે.

જોડણી મુદ્દે જે થોડુંઘણું બચ્યું હતું એ મીડિયાએ, ખાસ કરીને ટીવી મીડિયાએ પૂરું કરી નાખ્યું. ટીવીના માલિકોએ ઑફિસ અને ટેકનોલોજી પાછળ ચિક્કાર ખર્ચા કર્યા, પરંતુ સમાચાર લખનાર અને સમાચાર વાંચનારા લોકો સાવ સસ્તા શોધ્યા. પરિણામ એ આવ્યું કે, ચલતાપૂર્જા જેવા લોકો એન્કર તરીકે ગોઠવાઈ ગયા જેમને સાચું ગુજરાતી લખતાં તો નથી જ આવડતું પણ સાચા ઉચ્ચારણ કરતાં પણ નથી આવડતું.

અને ગુજરાત સરકારનું શું કહેવું? જ્યાં ભાષા-જોડણીની કોઈ ભૂલ ન હોવી જોઇએ એવા ગુજરાત સરકારનાં તમામ લખાણ ચીતરી ચડે એવી ગંદી જોડણીમાં લખાયેલાં હોય છે. માહિતીખાતાની અખબારી યાદીમાં મુખ્યપ્રધાન અને પ્રધાનો માટે માનનીયશબ્દ લખવામાં જેટલી કાળજી લેવામાં આવે છે એટલી કાળજી સાચી જોડણી લખવા માટે લેવામાં નથી આવતી.

ભાષા હોય કે બીજી કોઇપણ બાબત હોય – કશાય વિશે જડતા રાખવાનો કોઈ અર્થ નથી એ જાણું છું, પરંતુ છૂટછાટ પણ વાજબી સારી લાગે. છૂટછાટને નામે સ્વચ્છંદતાને પોષવામાં આવશે તો આપણા ઉપર લાગેલો શું શા પૈસા ચારનો ડાઘ કદી ધોઈ નહીં શકીએ. બધા ભેગા થઇને જરા વિચાર કરો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ.

1 comment: