Sunday, February 27, 2022

ગુજરાતમાં રચાયો પુસ્તક પ્રકાશનનો અનોખો વિક્રમ

 


 – અંજારથી સુરત સુધી રચાયો પુસ્તક-સેતુ. ઐતિહાસિક તારીખે ઐતિહાસિક સંખ્યામાં પુસ્તક પ્રકાશિત થવાની નોંધ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકોર્ડ્સમાં લેવામાં આવી

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

શબ્દોમાં એક પ્રકારનું અદૃશ્ય રોમેન્ટિસિઝમ હોય છે. ખાસ કરીને અવ્યક્ત માનવીય લાગણીને સ્પર્શ કરે એવા શબ્દો અનેક લોકોને ભાવુક બનાવી દે છે. વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં અનેક લોકો જે અનુભવતા હોય તેને લખાણમાં વ્યક્ત કરી શકતા નથી, પરંતુ બીજા કોઈ એવી જ લાગણી વ્યક્ત કરતું લખાણ લખે તો એ વાચક અને લખનાર વચ્ચે અદૃશ્ય સેતુ બંધાઈ જાય છે. ધીમેધીમે આ સ્થિતિ લાગણીશીલ લોકોને લેખન કરવા માટે પણ પ્રેરણા આપે છે, કેટલાક લખવાનું શરૂ કરે છે અને એમ કરતાં કરતાં ક્યારેક સમાજને ઉત્તમ સર્જક મળી જાય છે.

સામાન્ય રીતે એવું ભલે કહેવાતું હોય કે કળા શીખી કે શીખવાડી શકાતી નથી અને એ તો કુદરતી હોય છે - પરંતુ વાસ્તવિક જીવનમાં આ વાત સંપૂર્ણ સાચી નથી. હીરામાં હીર હોય તો જ શબ્દો-રૂપી ઝવેરીના સ્પર્શ પછી એ હીર ઝળકી ઊઠે અને એ હીરો (ડાયમંડ) તરીકે પ્રસ્થાપિત થાય. પરંતુ હીર ન હોય તો પણ એક કીમતી રત્ન તરીકે તો એની ઓળખ પ્રસ્થાપિત થાય જ, કેમ કે એ ઘસાય છે, પૉલિસ થાય છે અને તેથી ચમકે છે.

ખેર, આવી પૂર્વભૂમિકા બાંધવાનું કારણ માત્ર એટલું જ છે કે આ અઠવાડિયાના પ્રારંભે અંગ્રેજી તારીખની દૃષ્ટિએ ગુજરાતમાં પુસ્તકોની દુનિયામાં એક અનોખો વિક્રમ કરવામાં આવ્યો. 22-02-2022 જેવી વિશિષ્ટ તારીખે અંજારના એક ઉત્સાહી તથા અત્યંત લાગણીશીલ વાચક અને લેખક શ્રી સાગર ચૌચેટાએ બીજા કેટલાય નીવડેલા તેમજ નવોદિત લેખકોને પ્રોત્સાહિત કરીને સાગમટે બધાં પુસ્તક પ્રકાશિત થાય એવું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. અને તેમનું આ સ્વપ્ન સાકાર કરવામાં સુરતની પ્રકાશન સંસ્થા નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશનનો સાથ મળ્યો.

માણસ સ્વપ્ન સેવે અને એ સાકાર કરવા મહેનત કરે તો અનેક પરિબળોની મદદ મળતી હોય છે એવું આપણે વાંચ્યું-સાંભળ્યું હોય છે, પરંતુ સાગરભાઈના કિસ્સામાં એ બાબત પ્રત્યક્ષ સાકાર થતી જોવા મળી.

સંકલ્પ સાહિત્ય સમૂહના નેજા હેઠળ જે 50 કરતાં વધુ પુસ્તક એક સાથે-એક દિવસે પ્રકાશિત થયાં તેની ત્રણ વિશિષ્ટતા ખાસ ધ્યાન ખેંચે એવી છે. એક તો, આ પુસ્તકોનું વિષય-વૈવિધ્ય. અર્થાત, તેમાં અધ્યાત્મ, ઈતિહાસ, વાર્તા, કાવ્ય, યોગ, ધર્મ, મેનેજમેન્ટ, આરોગ્ય વગેરે વિષયોનું એક સંપૂર્ણ પૌષ્ટિક ભાથું તૈયાર કરવામાં આવ્યું છે. બીજું, આ ઐતિહાસિક ઉપક્રમમાં ભાષાનું બંધન રાખવામાં નથી આવ્યું. અર્થાત, ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી એમ ત્રણે ભાષામાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. ત્રણ, કેટલાક બાળ-લેખકો પણ આ દ્વારા ગુજરાતને મળ્યા છે. અને આવાં કારણોસર જ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ તેમજ એશિયા બુક ઑફ રેકોર્ડ્સમાં તેની નોંધ લેવામાં આવી છે.

સાગરભાઈ તથા નેક્ષસ પ્રકાશનની આ પવિત્ર-નેક્સસને શુભેચ્છા આપવા માટે મેં જાન્યુઆરી, 2022માં જે પત્ર લખ્યો હતો તે આ સમગ્ર ઉપક્રમનું કેટલું મહત્ત્વ છે એ દર્શાવે છે. એ પત્રનો અહીં માત્ર એક અંશ પ્રગટ કરીને સંકલ્પ સાહિત્ય સમૂહ તથા નેક્ષક સ્ટોરીઝ પબ્લિકેશનને વધુ એક વખત શુભેચ્છા અને અભિનંદન. (...ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જ્ઞાન હોય, વિજ્ઞાન હોય, ઈતિહાસ હોય કે સાહિત્ય હોય- દરેકનું લેખિત સ્વરૂપ જ સૌથી વિશ્વાસપાત્ર અને સ્વીકાર્ય હોય છે. અને તેથી પુસ્તકોની મહત્તા અને મહત્ત્વ ઓછાં થવાનાં નથી. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા, ટીવી, ઓટીટી સહિત અન્ય આકર્ષણો હોવા છતાં વિશ્વસનીયતાના શિખર ઉપર તો પુસ્તકો રહેશે. એ સંદર્ભમાં આપ સૌની કામગીરી ઐતિહાસિક ઘટનાક્રમનું એક નોંધપાત્ર પાનું બની રહેશે એવી મને ખાતરી છે.”…) અને હા, ખાસ તો આ ઐતિહાસિક વિમોચનમાં જેમનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે એવા તમામ લેખકોને વિશેષ અભિનંદન, તો...મિલતે હૈ બ્રેક કે બાદ.

1 comment: