Sunday, March 6, 2022

ઓપરેશન ગંગા અને ભારતીય ત્રિરંગો

 

– કોણ કહે છે માત્ર બખ્તર જ જીવ બચાવે? યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પૂછો, કાપડ કે પ્લાસ્ટિકનો ત્રિરંગોય જીવ બચાવે છે

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

ચાઇનીઝ વાયરસ કોવિડના ખોફમાંથી માંડ માંડ બહાર નીકળવા મથી રહેલી દુનિયા રશિયા અને યુક્રેન વચ્ચેના ઘર્ષણને કારણે ફરી ઊભી થયેલી માનવીય કટોકટીમાં સપડાઈ છે ત્યારે... ભારતના મીડિયા અને સોશિયલ મીડિયા હાલ બે ભાગમાં વહેંચાયેલા છે. બંને પ્રકારના મીડિયામાં એક વર્ગ રાષ્ટ્રવાદી લાગણીથી ગદગદિત છે. આ વર્ગને ભારતની ક્ષમતાનો ગર્વ છે. આ વર્ગ સ્વાભાવિક રીતે ઘણો વિશાળ છે. તો બીજો વર્ગ આવી સ્થિતિમાં પણ સરકારની ટીકા કરવામાં, ખોડ કાઢવામાં વ્યસ્ત છે. આવો ટીકાખોર વર્ગ સાવ નાનો છે.

ખેર, ટીકાખોરીનો તો કોઈ ઉપાય નથી અને એટલે આપણે માત્ર પૉઝિટિવિટીની વાત કરીએ. વાત ઓપરેશન ગંગાની અને ભારતીય ત્રિરંગાની કરીએ. એક સમય હતો જ્યારે શ્રીનગરમાં ભારતીય ત્રિરંગો લહેરાવવાની કોઈ હિંમત કરી શકતું નહોતું. આવું કરવાનો પ્રયાસ કરનારને બીજી જ ક્ષણે ઠાર કરી દેવામાં આવતા. 2014 પછી એવો સમય આવ્યો કે એ જ શ્રીનગરના લાલચૉકમાં ભારતીય ત્રિરંગો ગર્વથી લહેરાય છે. ત્રિરંગો ગર્વનું પ્રતીક બન્યો છે એ વાત ભારતના ટીકાખોરોએ પણ સ્વીકારવી પડશે, કેમ કે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છેલ્લા એક અઠવાડિયામાં જોવા મળ્યું છે. યુક્રેનની રાજધાની કીવ તથા તેના અન્ય મુખ્ય શહેર ખારકીવ સહિત વિવિધ શહેરોમાં ભણવા ગયેલા અને સરકારની સમયસરની ચેતવણી છતાં ત્યાંથી સમયસર પાછા આવવા માટે નહીં નીકળેલા વિદ્યાર્થીઓની ફસાવા જેવી સ્થિતિ ઊભી ત્યારે ભારત સરકારની, અને ટુ બી સ્પેસિફિક નરેન્દ્ર મોદીની વૈશ્વિક છાપ કામ આવી. યુદ્ધમાં ઉતરેલા દેશોના સત્તાવાળાઓએ ભારતીય સત્તાવાળાઓને માત્ર એક લાઇનમાં સંદેશો આપ્યો કે તમારા વિદ્યાર્થીઓને કહો કે તેમના હાથમાં, તેમના વાહનો પર ત્રિરંગો રાખીને નીકળે એટલે એમને કોઈ આંચ નહીં આવે. અને તેનું પરિણામ આપણી સામે છે.

આટલું થયા પછી પણ સ્થિતિ એમ કંઈ સાવ સહેલી નહોતી. યુક્રેનમાંથી નીકળીને જે વિદ્યાર્થીઓ તેની આજુબાજુના દેશોમાં પહોંચ્યા હતા ત્યાંથી તેમને વિઝાની, અન્ય ટ્રાવેલ દસ્તાવેજોની કોઈ મુશ્કેલી ન પડે એ માટે મોદી સરકારે તત્કાળ ધોરણે ઓપરેશન ગંગા શરૂ કર્યું, જેના હેઠળ ચાર વરિષ્ઠ પ્રધાનોને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રના ચાર અલગ અલગ દેશોમાં મોકલવામાં આવ્યા. હવે ટાટા જૂથની માલિકીની બનેલી એર ઈન્ડિયા ઉપરાંત ભારતીય હવાઈદળના વિમાનો દ્વારા 20,000 કરતાં વધુ ભારતીયોને પાછા સ્વદેશ લાવવાના અભિયાન ઓપરેશન ગંગાએ જે કમાલ બતાવી છે તેની સામે આંખ આડા કાન કરવાનું વિરોધીઓને પણ પોષાય તેમ નથી!

છેલ્લે શુક્રવારે બપોરે આ લેખ લખાય છે ત્યારે મળતા અહેવાલો મુજબ યુક્રેનથી રશિયન સરહદ તરફ પહોંચેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને નજીકના શહેરના વિમાનમથકે પહોંચાડવા માટે રશિયાએ બસોની વ્યવસ્થા કરી કરી છે! ભારતીય કૂટનીતિનો આ સૌથી મોટો વિજય છે. રશિયા-યુક્રેન સંઘર્ષમાં ભારતે અખત્યાર કરેલા વલણથી અમેરિકા સહિત કેટલાક યુરોપીય દેશો નારાજ છે, પરંતુ હાલની સ્થિતિએ જોઇએ તો ભારતની નીતિ પોતાના અંદાજે 20,000 નાગરિકોને બચાવવામાં સફળ રહી છે.

સાચી વાત એ છે કે, મે 2014માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ દુનિયાના અનેક દેશોની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. ભારતના વિપક્ષો અને મીડિયાનો એક હિસ્સો આ વિદેશ મુલાકાતોની મજાક ઉડાવતો હતો, ટીકા કરતો હતો, પરંતુ નરેન્દ્ર મોદીનું વિઝન તો સ્પષ્ટ હતું અને તેનાં પરિણામ હવે ધીમે ધીમે દેખાઈ રહ્યાં છે. ચાઇનીઝ વાયરસ કોવિડ ફેલાયો તે પહેલાંના સામાન્ય સમયમાં વિદેશમાં ભારતીયોનું માન વધ્યું હતું એ નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય કૂટનીતિનું જ સુપરિણામ હતું. ચાઇનીઝ કોવિડ સમયે દુનિયાના વિવિધ દેશોને રસી પહોંચાડવામાં આવી એ ઉપકાર એ દેશો ભૂલશે નહીં. આ તમામ બાબતોનો સરવાળો જ છે કે, રશિયા-યુક્રેનની વર્તમાન કટોકટીમાં માત્ર એક ત્રિરંગો હાથમાં કે વાહન ઉપર રાખવાથી યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાંથી સલામત રીતે નીકળી શકાય છે.

 ત્રિરંગો માત્ર 15 ઑગસ્ટ તથા 26 જાન્યુઆરીએ અને પછી વીરગતિ પામતા ભારતીય સૈનિકોને લપેટવામાં જ કામ આવે છે...એવી દેશવિરોધીઓ ઉપરાંત કેટલાક મવાળ રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા થતી એ ટીકા હવે બંધ થવી જોઇએ. આવા લોકોને માત્ર એટલું જ કહેવાનું કે, કોણ કહે છે માત્ર બખ્તર જ જીવ બચાવે? યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પૂછો, કાપડ કે પ્લાસ્ટિકનો ત્રિરંગોય જીવ બચાવે છે. તો...મિલતે હૈ બ્રેક કે બાદ.

No comments:

Post a Comment