Thursday, March 10, 2022

મીડિયાવાળા ત્યારે પણ રાષ્ટ્રવાદીઓની વાત સમજતા નહોતા, આજે પણ સ્થિતિ બદલાઈ નથી!


 મીડિયાવાળા ત્યારે પણ રાષ્ટ્રવાદીઓની વાત સમજતા નહોતા,

આજે પણ સ્થિતિ બદલાઈ નથી!

 --------------------

1947ના અરસામાં રાષ્ટ્રવાદીઓ કોંગ્રેસની નીતિઓ સામે લાલબત્તી ધરતા હતા, મીડિયાએ ત્યારે રાષ્ટ્રવાદને મજાકનો વિષય બનાવ્યો હતો. રાષ્ટ્રવાદીઓ આજે આમ આદમી પાર્ટી સામે લાલબત્તી ધરે છે, મીડિયા આજે પણ સમજવા તૈયાર નથી

--------------------------------------------

ફાગણ સુદ આઠમ, સંવત 2078

10-03-2022, ગુરુવાર.

n  અલકેશ પટેલ

જે લોકો રાષ્ટ્રને ચાહે છે, જે લોકો રાષ્ટ્રવાદના મહત્ત્વને સમજે છે, જે લોકો પોતાના વર્તમાનની સાથે સાથે ભાવિ પેઢીઓની સલામતી અને સુખ બાબતે ચિંતિત હોય છે, જે લોકો મફતના રાજકારણ અને તેની પાછળ આવનાર આર્થિક બેહાલીને સમજે છે – એ તમામ લોકો આજે પંજાબ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જોઇને વ્યથિત છે. ભારત તેરે ટુકડે હોંગે... જેવાં સૂત્રો બોલનાર લોકોથી ભરેલી પાર્ટી પાકિસ્તાન સાથેની સરહદને અડીને આવેલા સંવેદનશીલ રાજ્યમાં સત્તા ઉપર આવે એનાથી મોટી ચિંતાનો વિષય આજે બીજો કોઈ ન હોવો જોઇએ.

રાજકીય સ્વતંત્રતા નજીક હતી તે સમયે કોંગ્રેસના ચાલ-ચલનને અનેક લોકો ઓળખી ગયા હતા. કેટલાક લોકો એમ વિચારીને કોંગ્રેસની સાથે રહ્યા કે કોંગ્રેસનું ચરિત્ર બદલાશે અને જો નહીં બદલાય તો તેઓ પોતાની હાજરીથી પક્ષનું ચરિત્ર બદલી નાખશે. કોંગ્રેસનું ચરિત્ર ન જ બદલાયું, કેમ કે એને ગળથૂથીમાં જ અંગ્રેજોની નીતિ મળી હતી. કોંગ્રેસ પક્ષ તૂટતો ગયો, સતત તૂટ્યો પણ તેમાંથી જે પક્ષો બન્યા એમાં પણ એ જ ગળથૂથીનાં લક્ષણો હયાત હોવાથી રાષ્ટ્ર અને સનાતન બંનેને હાંસિયામાં ધકેલવાનું, અને એથી આગળ ઘણાં રાજ્યમાં તો રાષ્ટ્ર અને સનાતનને ખતમ જ કરી દેવાનું વ્યવસ્થિત કાવતરું સતત ચાલતું રહ્યું. પંજાબમાં આજે સત્તા ઉપર આવેલા લોકો ભાગલાવાદી સાંકળની જ એક કડી છે

ખુશામતના રાજકારણે આ દેશને પારાવાર નુકસાન કર્યું છે. એ નુકસાનની હજુ તો ભરપાઈ નથી થઈ ત્યાં ખાલિસ્તાનવાદીઓ તેમજ ગૌભક્ષકોની સોડ ગરમ કરતા તત્વો સંવેદનશીલ સરહદી રાજ્યમાં સત્તાની ખુરશી ઉપર બેસી જશે. મારી આ વાત જો હું શિલાલેખ ઉપર કોતરીને લખી શકત તો એમ કરીને એ શિલાલેખ સાચવીને રાખત જેથી થોડા દાયકા કે થોડી સદી પછી પંજાબ સહિત આ દેશના લોકો પંજાબના આજના પરિણામની ચિંતા કરતી વખતે મારી વાતની ચર્ચા કરત.

મીડિયા એક પ્રકારે અતિશય અસ્થિર વ્યવસ્થાતંત્ર છે. મીડિયાને ચપ્પાની ધાર સાથે, તલવાર સાથે, બંદૂક સાથે સરખાવી શકાય. આ તમામ સાધનો બે રીતે કામ આવે – કાંતો બચાવ માટે અથવા નાશ માટે. મોટેભાગે અનુભવને આધારે એવું જોવા મળ્યું છે કે મીડિયામાં સાવ ટૂંકી દૃષ્ટિના લોકો વધારે હોય છે. એમને મન તાત્કાલિક લાભ જ સર્વસ્વ હોય છે. આવા ટૂંકી દૃષ્ટિવાળા મોટાભાગના મીડિયાવાળા તાત્કાલિક સફળતાથી મૂર્ખની જેમ ખુશખુશાલ થઈ જતા હોય છે અને એવા લોકોને માથે બેસાડીને નાચતા હોય છે. શું કહેવાની જરૂર છે કે આમ આદમી પાર્ટીએ છેલ્લા એક વર્ષથી જાહેરાતો સહિત વિવિધ રીતે વેરેલા પૈસા અત્યારે તેનો રંગ બતાવી રહ્યા છે!

મીડિયાની બીજી એક મોટી નબળાઈ રાષ્ટ્રવાદને ધિક્કારવાની છે. મીડિયામાં બેઠેલા તત્વોને સનાતન સંસ્કૃતિ પ્રત્યે સૂગ હોય છે, રાષ્ટ્રવાદ પ્રત્યે ધિક્કાર હોય છે. તેના બે સ્પષ્ટ કારણ છે – માર્ક્સવાદી-માઓવાદી માનસિકતા અને ગૌભક્ષકોની તેમજ મિશનરીઓની ચુંગાલ.

ટૂંકી દૃષ્ટિવાળા લોકોને લાંબાગાળાના અર્થતંત્ર અને રાષ્ટ્ર તરીકેની ઓળખ વિશે ગતાગમ હોતી નથી, અને કમનસીબે આવા લોકો મીડિયામાં વધારે છે. ડાબેરી બદમાશો આ ભોળા મીડિયાવાળાઓને આબાદ રીતે એવું સમજાવી જાય છે કે, સરકાર પાસે તથા ધનિકો પાસે નાણાના વૃક્ષો તેમજ ખાણો હોય છે અને એ લોકોએ ગરીબોને બધું મફત આપ્યા કરવું જોઇએ. અને ગાંડી માથે બેડાંની જેમ ભોળા મીડિયાવાળા આ વાતોને લઇને એજન્ડા ચલાવ્યા કરે છે. આ ભોળા મીડિયાવાળા હજુ આજ સુધી એ સમજી નથી શક્યા કે દુનિયામાં ક્યાંય મફતનું રાજકારણ કરતા તત્વો હંમેશ માટે ટક્યા નથી. બલ્કે આવા મફતિયા રાજકીય પક્ષોને કારણે જે તે દેશ-પ્રદેશ આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે એ વાત ભોળા મીડિયાવાળાઓને હજુ સુધી કેમ સમજાઈ નથી એ આપણા માટે સમજવું મુશ્કેલ નથી જ, જેનાં કારણો ઉપર જણાવી દીધાં – મીડિયાકર્મીઓની ટૂંકી દૃષ્ટિ અને લાલચ.

આજના દિવસે પંજાબ વિધાનસભા ચૂંટણીનું પરિણામ બેહદ ચિંતાજકન છે. દેશને કોંગ્રેસી નીતિઓનાં ભયંકર પરિણામોમાંથી બહાર નીકળતા 70 વર્ષ જેવો લાંબો સમય લાગ્યો છે. આ સાત દાયકામાં દુનિયાના અનેક દેશ અલ્પ-વિકસિતમાંથી વિકસિત દેશ બની ગયા, ત્યારે આપણે ત્યાં 2014 પછી દરેક ઘરે ટોઇલેટ આપવાની યોજના ચલાવવી પડી હતી. પંજાબે તેની સ્થિતિમાંથી, ભૂતકાળમાંથી કશું શીખવાને બદલે એવી અસાધારણ ભૂલ કરી છે કે તેની અવળી અસરમાંથી નીકળવા માટે ત્યાંના બીજા રાષ્ટ્રવાદીઓએ-પંજાબીઓએ-શીખોએ તેમજ સનાતનીઓએ કેટલું ભોગવવું પડશે એ વિચારીને ધ્રુજી જવાય છે.

3 comments:

  1. અલકેશભાઈ આ બહુ મોટી કમનસીબી છે પણ હવે પાંચ વરસ ટીમ મોદીએ વધુ ચાર રાખવો પડશે કારણ સરહદ નજીકનો વિસ્તાર છે.આ માણસ કે પાર્ટી જ્યારે જીતે છે ત્યારે બમ્પર માર્જીનથી જીતે છે.એટલુ જ આશ્વાસન છે કે ભડભડીયો તળીયા વગરનો લોટો હારી ગયો ત્યાં.🙏

    ReplyDelete
  2. પંજાબ ના પરિણામો એ એક વાત તો સાબિત કરી દિધી કે પંજાબી ઓ અકાલુઓ ના શાશન થી ખુબજ કંટાળેલા છે અને કદાચ એમના પર પરનો ગુસ્સો બિલકુલ ઓછો થયો નથી. એટલે એન્ટી ઇનકમ્બન્સી નો જરા પણ લાભ થયો નથી.ભાજપે જે આજ સુધી એની આંગળી ઝાલી રાખી ને લીધે એને સહન કરવા નું આવ્યું છે ્્ જે ભૂલ નું પરિણામ એને મહારાષ્ટ્રમાં પણ ભોગવવું પડ્યું છે અને હજી ભોગવે છે. બીજી વાત છેલ્લો મત ગણાયા પછી વિશ્લેષણ થશે ત્યારે ખબર પડશે કે આપ લઘુમતી મતો થી જીત્યું છે કે દિલ્હી જેવો સપાટો બોલાવ્યો છે.બાકી જે રીતે બી એસ એફ ને સરહદી વિસ્તાર સોંપી દિધો છે ત્યારે એ મુદ્દે થોડા આશ્વસ્ત રહી શકાય. બાકી ના રાજ્યો ની જીત નો આનંદ પંજાબ માં આપની જીતે થોડો ફિક્કો તો કરી જ નાખ્યો. એ સિવાય જો કુમાર વિશ્વાસ ના કેજરીવાલ વિશે ના નિવેદન પછી પણ પંજાબી ઓ જો આપને મત આપે એનો અર્થ તો એજ કે હજી ય એમને ખાલિસ્તાન ની આશા અને મનસા પણ છે જ.

    ReplyDelete
  3. Well said...Saahebji!

    Yr last para is really shocking....unfortunately.

    ReplyDelete