Monday, March 14, 2022

ધ કાશ્મીર ફાઇલ્સઃ માત્ર ફિલ્મ નથી, એક આંદોલન છે


 

 શા માટે એક સાથે લાખો ભારતીયો હચમચી ઊઠ્યા છે...કાશ્મીર જીનોસાઇડમાં રાજકારણીઓ, મીડિયા અને અર્બન નક્સલીઓ તમામના હાથ લોહીથી ખરડાયેલા છે

 n  અલકેશ પટેલ

 ...લોલાર ખીણમાં કૂપવાડા જિલ્લાના કુમહિયાલ ગામમાં આતંકવાદીઓ પ્રેરિત નવો નારો ગાજ્યો - હમ દૂસરી ફરિદા નહીં હોને દેંગે, હમ ફૌજ કો લોલાર સે ભગાયેંગે.

અઢાર – ઓગણીસ વર્ષની અત્યંત ખૂબસૂરત યુવતી ફરિદા પર ફૌજીઓએ વારંવાર બળાત્કાર કર્યો હોવાની કથા ત્યારે પ્રચલિત કરાઈ હતી. અબળા પરના અત્યાચારીની આ વાત માનવઅધિકારના રખેવાળો સુધી પહોંચી હતી. આતંકવાદીઓ – અલગતાવાદીઓ ફરિદા પ્રકરણનો સલામતી દળોના વિરોધમાં યથેચ્છ ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ શ્રીનગરના તબીબો તથા શ્રીનગરની લાલદેહ હૉસ્પિટલની નર્સોએ ફરિદાના ફસાનાનો પર્દાફાશ અનાયાસ કરી નાખ્યો હતો.

સત્તર વર્ષની વયે ફરિદાએ અબ્બાનો આશરો ગુમાવ્યો, એની અમ્મી બીજા નિકાહ કરીને કુમહિયાલ ગામ છોડીને જતી રહી. આવી પડેલી અનાથ અવસ્થાના આઘાતમાં ફરિદાએ પોતાની માનસિક સ્વસ્થતા ગૂમાવી દીધી. એવી સ્થિતિમાં બે આતંકવાદીઓના હાથે ફરિદા ચઢી ગઈ, તેના પર વારંવાર બળાત્કાર કર્યા બાદ તે સગર્ભા છે એમ સમજાતાં એ બન્ને ફરિદાને શ્રીનગરની લાલદેહ હૉસ્પિટલમાં મૂકી આવ્યા.... (પુસ્તકઃ કાશ્મીર-95, લેખકઃ દિગંત ઓઝા, પાના નં. 12-13)

જેમણે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોઈ લીધી છે તેમને આ ઉપરના કિસ્સાનો રૅફરન્સ તરત જ સમજાઈ જશે. વાત એમ છે કે, 1990ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં જેહાદી આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓ, લુટિયન્સ મીડિયા તેમજ જેએનયુ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાધ્યાપકોના વેશમાં ફરતા અર્બન નક્સલીઓ આતંકવાદીઓને બચાવવા તમામ પ્રકારના હથકંડા અપનાવતા હતા. આ ત્રણે ભેગા થઇને આખા વિશ્વમાં એવો તદ્દન ખોટો નૅરેટિવ ફેલાવવામાં ત્યારે સફળ રહ્યા હતા કે જમ્મુ-કાશ્મીરમાં જે લોકો હિંસા કરે છે એ બધા તો નિર્દોષ છે અને માત્ર ભારતીય લશ્કરના અત્યાચારોને કારણે સ્થાનિક યુવાનો ઉશ્કેરાય છે. આ નૅરેટિવને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં આબાદ રીતે ઉજાગર કરવામાં આવ્યો છે.

હેડિંગમાં મેં લખ્યું છે કે, આ માત્ર ફિલ્મ નથી, એક આંદોલન છે. હા, સંઘ, ભાજપ, રાષ્ટ્રવાદી કર્મશીલો અને મારા જેવા એકલ-દોકલ લેખકો વર્ષોથી કાશ્મીરી પંડિતોની પીડા અને તેમની સ્થિતિ વિશે જાગ્રતિ લાવવા મથામણ કર્યા કરતા હતા, પરંતુ ભારતીય જનમાનસ ઉપર અમારા સૌના પ્રયાસોની જે અસર ન થઈ એ અસર એક ફિલ્મે એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં કરી દીધી.

લેખના પેટાહેડિંગમાં સવાલ કર્યો છે, શા માટે એક સાથે લાખો ભારતીયો હચમચી ઊઠ્યા છે? એનો જવાબ છેઃ મોટાભાગના ભારતીયો શાંતિપ્રિય છે. એ કદી કોઇને શારીરિક નુકસાન કરવાની વાત તો દૂર, એવો વિચાર પણ કરતા નથી...અને છતાં એ જ સરેરાશ ભારતીયો તેમના રોજિંદા જીવનમાં ગૌભક્ષકોની હિંસક વૃત્તિનો અનુભવ કરે છે. ફળોને થૂંક ચોંટાડતા, પાઉંભાજીના બનને થૂંક ચોંટાડતા ગૌભક્ષકોને સરેરાશ ભારતીય નાગરિક જૂએ છે ત્યારે એ કશું કરી શકતો નથી કેમ કે એ હિંસક નથી. પોતાની આસપાસની બહેન-દીકરીઓ લવજેહાદનો ભોગ બને ત્યારે સરેરાશ ભારતીય નાગરિક કશું કરી શકતો નથી કેમ કે હિંસા કરવી એના ડીએનએમાં નથી. સામે પક્ષેથી થતી આવી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ હિંસાથી સમસમી ઊઠતા નાગરિકોના દિલો-દિમાગમાં જે વલોણાં થાય છે તેને સિનેમાના પડદે બેધડક રજૂ કરવાની હિંમત કરવામાં આવી છે અને એટલે રાષ્ટ્રવાદી ભારતીયોએ દિલ ફાડીને આ ફિલ્મને વધાવી લીધી છે. અહીં તમને સૌને અઢી-ત્રણ દાયકા પહેલાં આવેલી રોજા ફિલ્મનું એક દૃશ્ય યાદ કરાવું એટલે વાતનો મર્મ સમજાશે. એ ફિલ્મમાં કાશ્મીરી ત્રાસવાદી ભારતીય ત્રિરંગાને આગ લગાડે છે અને ત્યારે ફિલ્મનો હીરો હાથકડી બાંધેલી અવસ્થામાં પણ એ સળગતા ત્રિરંગા ઉપર કૂદીને પોતાના શરીરથી આગ ઓલવી નાખે છે. અને એ સમયે મને બરાબર યાદ છે એ દૃશ્ય જોઇને આખા થિયેટરમાં બધા ઊભા થઈ જતા અને એ ફિલ્મી દૃશ્યને તાળીયોના ગડગડાટથી વધાવી લેતા. ટૂંકમાં, સરારેશ નાગરિકોની લાગણી ફિલ્મી પડદે હીરો-હીરોઈન દ્વારા વ્યક્ત થાય ત્યારે સમાજમાં એક પ્રકારના ઈમોશન્સ પેદા થાય છે. પણ અહીં તો ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે રીતસર આંદોલન પેદા કરી દીધું છે. આદરણીય પત્રકાર-તંત્રી શ્રી જશવંત રાવલ આ સ્થિત માટે સમાનુભૂતિ શબ્દ પ્રયોજે છે. અન્ય એક આદરણીય પત્રકાર – લેખક નીલેશ રૂપાપરા આ વાતને હિન્દીમાં સરસ રીતે રજૂ કરે છેઃ कभी कभी हमसे की गई नफरतें हमें इतना एक कर देती है जितना चाहतें भी नहीं कर सकती।

દેશમાં 68-70 વર્ષ સુધી ગૌભક્ષકોનાં તમામ હિંસક કૃત્યોનો હિંસાખોર માઓવાદીઓએ, અર્બન નક્સલીઓએ બચાવ કર્યો છે. આ માઓવાદી અર્બન નક્સલીઓને હિન્દુત્વ પ્રત્યે નફરત છે કેમ કે હિન્દુત્વ સર્વોચ્ચ માનવીય ગુણધર્મો ધરાવતી પરંપરા છે. વળી આ તત્વો હંમેશાં બેવડાં ધોરણો ધરાવતા હોય છે. તેમને વીર સાવરકર વિશેનું વિક્રમ સંપતનું અદ્દભૂત  સંશોધનાત્મક પુસ્તક પણ સ્વીકારવું નથી. એ જ તત્વો હાલ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો પણ વિરોધ કરી રહ્યા છે. આ હદની ચાલાકી અને બદમાશીઓને કારણે સરેરાશ ભારતીય સતત ગુંચવાડામાં રહ્યો છે કે સાચું કોણ?

હકીકત એ છે કે, સેક્યુલારિઝમ એ આ બહુરૂપીયાઓની છેતરપિંડીની કળા છે. એ વાત અલગ છે કે ભારતમાં બહુરૂપીયાની કળાનો ઉપયોગ રોજગારી માટે, સામાજિક સંદેશ આપવા માટે થતો રહ્યો છે... પરંતુ સેક્યુલર બહુરૂપીયા તો આતંકની ઢાલ બને છે, પરિણામે આતંક તમારા ઘર સુધી પહોંચી જવામાં સફળ થાય છે. આ સંદર્ભમાં ધ કાશ્મીર ફાઇલ્સનો ડાયલોગ સરકાર ઉનકી હૈ, લેકિન સિસ્ટમ તો હમારી હૈ – સમગ્ર આતંકી-માઓવાદી ગઠબંધનને સ્પષ્ટ રીતે ઉજાગર કરી દે છે.

શરૂઆતમાં કહ્યું તેમ, કાશ્મીરી પંડિતોના જીનોસાઇડ બાદ ભારત અને વિશ્વના મીડિયા પણ શંકાના ઘેરામાં છે. આ વર્ષે જ 20 જાન્યુઆરીએ બરખા દત્તનો એક જૂનો વીડિયો ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે એમ કહેતી જોવા મળે છે કે, ધનિક કાશ્મીરી પંડિતો દ્વારા કરવામાં આવેલા શોષણને કારણે કાશ્મીરી મુસ્લિમ યુવાનો નારાજ થયા હતા અને એટલે હિંસા કરી. આ હદનું જૂઠાણું ચલાવીને જ આતંકવાદીઓની એ હમદર્દે કોંગ્રેસી સરકારો પાસેથી ઈનામો અને ઇલકાબો મેળવી લીધા હતા.

કેટલાક કાશ્મીરી મુસ્લિમો આ ફિલ્મને ટેકો આપી રહ્યા છે. ફિલ્મના સમર્થનમાં એ લોકો લખે છે કે, શા માટે 30 વર્ષ સુધી આ બધું બહાર ન આવ્યું? ત્યારે હે ભોળા ભારતીયો! લાગણીવેડામાં ખેંચાઈ જવાને બદલે વિચારજો અને એવા લોકોને પૂછજો કે ભાઈ/બહેન, કાશ્મીરની બહાર રહેતા લોકોને જાણ ન હોય એ સમજી શકાય, પણ તમે તો કાશ્મીરમાં જ રહો છો ને? છતાં તમે અમને એવી ગોળી પીવડાવવા માગો છો કે 30 વર્ષ સુધી તમને પણ ખબર નહોતી? હકીકતે, આવા લોકો પેલા બહુરુપીયાઓનો જ એક અંશ છે જેઓ પવન પ્રમાણે પીઠ ફેરવીને ભોળા હિન્દુઓની સહાનુભૂતિ મેળવવા માગે છે. કેટલાક બદમાશ તત્વો એવી પણ દલીલ કરે છે કે, આ ઘટનાઓ હવે ભૂતકાળ થઈ ગઈ અને તેને હવે યાદ ન કરવી જોઇએ વગેરે વગેરે. તમારી સામે કોઈ આવી દલીલ કરે ત્યારે તેના મોંએ દલીલ મારજો કે, 30 વર્ષ પહેલાં જ્યારે આ બન્યું ત્યારપછી દિલ્હીમાં અને જમ્મુ-કાશ્મીરની સરકારો તેમજ ન્યાયતંત્રે એ વિસ્થાપિત પંડિતો માટે જરા સરખું પણ કામ કર્યું હોત, તેમને ન્યાય અપાવવા માટે જરાસરખી પણ ચિંતા કરી હોત તો આજે કદાચ એ બધું યાદ કરવાની જરૂર ન પડત. અને હા, ચોખલિયા સેક્યુલર હિન્દુઓને એમ પણ કહેજો કે, છેલ્લા સાત-આઠ વર્ષમાં હિન્દુઓ પોતાની પીડા વ્યક્ત કરી શકે એવું વાતાવરણ સર્જાયું છે ત્યારે આ બધું બહાર આવ્યું છે. જો હજુ પણ કોંગ્રેસી સરકારો જ હોત તો કાશ્મીરની ફાઇલો કદી ઉઘડી ન હોત.

હાલ જે ઉન્માદ ફેલાયો છે તે હિંસાનું સ્વરૂપ ન લેવો જોઇએ, પરંતુ સાથે એ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, જમ્મુ-કાશ્મીર, મોપલા, ગોધરા વગેરેના હિન્દુ હત્યાકાંડ ભૂલી ન જવા જોઇએ. આવા તમામ હિન્દુ હત્યાકાંડ માટે વિભાજનની વિભીષિકાને જન્મ આપનારા સીધે સીધા જવાબદાર છે. (આ વિષય ઘણો સંવેદનશીલ અને વિસ્તૃત છે. આ લેખ પણ ઘણો લાંબો થઈ ગયો છે તેથી હવે બીજી વધારે વાતો બીજા ભાગમાં કરીશું. ત્યાં સુધી વંદેમાતરમ્)

3 comments:

  1. અલકેશભાઈ, અત્ત્યુત્તમ લેખ. આટલો ગંભીર અને સંવેદનશીલ વિષય અટલ ઓછા શબ્દોમાં ખુબ સુંદર રીતે વ્યક્ત કર્યો છે એ માટે અપને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ, આ વિશે વધુ કથાનકો તમારાં મનોજગતના ભંડારમીથી બહાર કાઢી જલ્દી પ્રસ્તુત જરૂર કરજો.

    ReplyDelete
  2. અલકેશભાઈ, ખૂબ જ સરસ નિરૂપણ કર્યું છે. ધન્યવાદ.

    ReplyDelete