Sunday, March 13, 2022

રાજકીય આત્મહત્યાનો કોંગ્રેસનો નવો રેકોર્ડ

 


– પાંચ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ હવે એ વાત નિશ્ચિત રીતે સ્પષ્ટ કરી દીધી છે કે કોંગ્રેસને રાજકીય પક્ષ તરીકે પુનઃજીવિત થવામાં જરાય રસ નથી, બલ્કે શક્ય હોય ત્યાં સામે ચાલીને રાજકીય આપઘાત કરી લે છે!

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

કોંગ્રેસમાં હવે રાજકીય પક્ષ તરીકેની ટકી રહેવાની જિજીવિષા રહી હોય એવું લાગતું નથી. 2014માં કેન્દ્રમાં સત્તા ગુમાવ્યા પછી સાવ જૂજ અપવાદોને બાદ કરતાં કોંગ્રેસે ક્યાંય નોંધપાત્ર વિજય મેળવ્યો નથી. જીત મળી હોય એવા જે જૂજ અપવાદો છે તેમાં જે તે રાજ્યના સ્થાનિક કોંગ્રેસી નેતાઓની છબી અથવા તો ભાજપ સહિત અન્ય પક્ષોની હાર વધારે કારણભૂત છે. અર્થાત કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ છેલ્લા સાત-આઠ વર્ષમાં પક્ષને જીત અપાવવામાં ક્યાંય સફળ થયું નથી.

કોંગ્રેસની આવી સ્થિતિ આવવાનું જો કોઈ એકમાત્ર કારણ હોય તો એ છે જૂથવાદ. અને આ જૂથવાદનું જો કોઈ એકમાત્ર કારણ હોય તો એ છે – પરિવારવાદ. હા, પરિવારવાદ જ કોંગ્રેસને રાજકીય પક્ષ તરીકે ડૂબાડી રહ્યો છે. કોંગ્રેસી નેતાઓ નહેરુ-ગાંધી ખાન-દાનના કોઇને કોઈ સભ્યને ખુશ રાખવા, તેમની ખુશામત કરવામાં જ પોતાનો સમય પસાર કરે છે. કોંગ્રેસી નેતાઓને પ્રજા સાથે કનેક્ટ થવામાં, સતત કનેક્ટ રહેવામાં જરાય રસ હોય એવું ક્યાંય દેખાતું નથી. આ જ કારણ છે કે દેશના મોટાભાગનાં રાજ્યોમાં કોંગ્રેસના સંગઠનનું વિધિવત્ માળખું જ નથી. ક્યાંક કાર્યકારી પ્રમુખથી કામ ચલાવવામાં આવે છે તો ક્યાંક કાર્યકારી સમિતિની કાખઘોડી છે. આવી સ્થિતિ હોવાનું કારણ સ્પષ્ટપણે પરિવારલક્ષી જૂથવાદ જ છે. અને એટલે કોંગ્રેસને રાજકીય પક્ષ કહેવાને બદલે પરિવાર-પક્ષ કહેવામાં જરાય ખોટું નથી. પક્ષમાં  કાર્યકરોનો પણ અભાવ છે. બધા પોતાને નેતા ગણે છે-ગણાવે છે. અને તેથી પ્રજાલક્ષી કામગીરી કરવા માટે કોંગ્રેસ પાસે કૅડર જ રહી નથી.

પરિવારવાદ અને જૂથવાદ ઉપરાંત કોંગ્રેસના પતનનું બીજું કારણ ખુશામત છે. ચોક્કસ વર્ગની ખુશામતની રાજનીતિએ કોંગ્રેસ પક્ષને આજે આ સ્થિતિમાં લાવી દીધો છે. અનેક દાયકા સુધી અને આજે પણ આ પક્ષ ધાર્મિક ખુશામત છોડવા તૈયાર નથી. 2014 પછી સતત ચૂંટણી હારવાને કારણે કોઈએ કોંગ્રેસની પારિવારિક નેતાગીરીને લઘુમતી ધાર્મિક ખુશામતની સાથેસાથે બહુમતીઓને ખુશ કરવા મંદિરોમાં જવાની સલાહ આપી. એટલે ગાંધી ખાન-દાનના સભ્યો ચૂંટણી સમયે મંદિરોમાં ફરવા લાગ્યા. પણ તેમની આ મંદિરોની મુલાકાત સાચા અર્થમાં ધર્મભાવનાને બદલે પિકનિક જેવી વધારે હોય છે એવું દેશના સામાન્ય નાગરિકને સ્પષ્ટ દેખાય છે. આથી ચૂંટણી સમયે હિન્દુત્વનો અંચળો ઓઢવા છતાં કોંગ્રેસને તેના મત મળતા નથી.

હવે અહીં મજાની વાત એ બની કે, છ-સાત દાયકા સુધી જે લઘુમતી ખુશામત કરી અને ચૂંટણી જીતતા રહ્યા – એ સ્થિતિમાં અચાનક ફેરફાર કરીને મંદિરોમાં ફરવાનું શરૂ કર્યું, પરિણામે દાયકાઓ સુધી જીવનધોરણમાં કોઈ સુધારો ન થવા છતાં કોંગ્રેસની સાથે રહેલો લઘુમતી વર્ગ પણ કોંગ્રેસી રાજકુંવર અને રાજકુંવરીની મંદિર-પિકનિકોથી નારાજ થયો અને મત આપવાનું ઘટાડી દીધું. આમ હંમેશાં હિન્દુઓ પ્રત્યે ભેદભાવ રાખનાર કોંગ્રેસને 2014 પછી દેખાડા પૂરતો હિન્દુત્વ બતાવવાનો પણ કોઈ લાભ ન મળ્યો. કોંગ્રેસની સ્થિતિ ઘર અને ઘાટ બંને ગુમાવવા જેવી થઈ.

કોંગ્રેસનું પરિવારલક્ષી નેતૃત્વ એ હદે નબળું છે કે, વિવિધ રાજ્યના સ્થાનિક રાજકીય પક્ષો પણ હવે તો કોંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર નથી. પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, ઉત્તરપ્રદેશ આનાં ઉદાહરણો છે.

કોંગ્રેસનું આવું રાજકીય રીતે આત્મઘાતી વલણ દેશ માટે જોખમી સાબિત થઈ શકે છે. અમુક જગ્યાએ એવા જૂથો રાજકીય પક્ષના નામે સત્તા પર આવી રહ્યા છે જે આ દેશની એકતા અને સલામતી માટે ભવિષ્યમાં ઘણું મોટું જોખમ ઊભું કરશે. તે ઉપરાંત ઓવેસી જેવા ઘોર કટ્ટરવાદીઓ રાજકીય મંચ ઉપર દેખાવા લાગ્યા છે અને આવા લોકો ભવિષ્યમાં ઝીણાના રસ્તે જશે એ બાબતે કોઈ શંકા રાખવાને કારણ નથી. અને એ સ્થિતિ માટેનું પાપ કોંગ્રેસના કપાળે લાગશે એ દીવા જેવી ચોખ્ખી વાત છે.

જે રાજકુંવર અને જે રાજકુંવરી કોંગ્રેસને સન્માનજનક બેઠકો પણ જીતાડી શકતાં નથી તેમને જ હજુ પણ નેતાપદે બેસાડી રાખવાનું પક્ષનું વલણ સામાન્ય માણસોની સમજથી બહાર છે. પરિવારવાદી પક્ષોના નબીરા એકાદ-બે ચૂંટણી હારે ત્યાં સુધી સમજી શકાય. લોકશાહી પદ્ધતિમાં આવું બની શકે. પરંતુ સતત સાત-આઠ વર્ષ સુધી એક પછી એક ચૂંટણી હાર્યા જ કરે એમને નેતાપદે રાખી કેવી રીતે શકાય? શા માટે કોંગ્રેસી નેતાઓ આવી માનસિકતામાંથી બહાર નથી આવતા? એ ખરું કે છેલ્લા થોડાં વર્ષમાં અમુક નેતાઓએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેર્યો છે, પરંતુ આ તો કોઈ ઉપાય નથી! આવી રીતે મોટાભાગના તેજસ્વી અને વિદ્વાન નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી જશે તો દેશ માટે લાભદાયક છે... પરંતુ લોકશાહી માટે આ સ્થિતિ સારી નથી જ.

ગાંધી ખાન-દાનના નબીરા નેતૃત્વ છોડવાનો અને વધુ લાયક લોકોને નેતૃત્વ સોંપવાનો વિચાર નહીં કરે તો તેનો દેશને ગેરલાભ જ થવાનો છે. નેતૃત્વ બદલીને દેશને બચાવવાની જવાબદારી હવે તેમની છે. હવે પરીક્ષા એ વાતની છે કે નહેરુ-ગાંધી ખાન-દાનને દેશની ખરેખર ચિંતા છે કે કેમ? આ બાબતે તેઓ વિચારણા કરે ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ.

No comments:

Post a Comment