Sunday, December 26, 2021

પંજાબમાં ઘરના ભેદી અને ઘાતકી પાડોશી

 

 


--- કેન્દ્ર સરકારે નકલી ખેડૂત આંદોલનની હવા કાઢી નાખી એ દિવસથી પાકિસ્તાન અને ભારતમાં રહેલા પાકિસ્તાનવાદીઓ બેચેન છે. તેમની એ બેચેની હતાશામાં પલટાઈ રહી છે અને એટલે જ સાવ સામાન્ય બાબતમાં હત્યા અને બોંબ વિસ્ફોટ થઈ રહ્યા છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

પંજાબમાં છેલ્લા થોડા દિવસથી જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તે અતિશય ચિંતાજનક છે. આ ચિંતા કામચલાઉ નથી પણ લાંબાગાળાની છે. લોકો 30 વર્ષ પહેલાંના પંજાબની હાલતને યાદ કરીને વિચારમંથન કરવા અને ઉકેલ શોધવા લાગી ગયા છે. ત્રણ દાયકા પહેલાં એવા કયાં કારણો અને પરિબળો હતાં જેને કારણે સામાન્ય નાગરિકોએ સતત ભયમાં જીવવું પડતું હતું? એવા કયા રાજકારણીઓ હતા જે સ્થિતિ કથળાવવા માટે જવાબદાર હતા? શું એવા જ રાજકારણીઓ અને એવી જ રાજકીય વિચારધારા ફરી આકાર લઈ રહી છે? ધીમે ધીમે ફરી ચિંતાજનક સ્થિતિ માથું ઊંચકી રહી છે ત્યારે જૂની ઘટનાઓ અને જૂની વાતોને યાદ કરીને પંજાબના અને એ થકી દેશનું ભવિષ્ય ફરી અંધકાર તરફ ન ધકેલાય એ માટે ભૂતકાળ અને વર્તમાનની સાંકળો જોડવી જરૂરી છે.

ઘરના ભેદી તરફથી કિલ્લાની દીવાલમાં અથવા દરવાજામાં તિરાડ પાડવામાં ન આવે ત્યાં સુધી બહારની દુશ્મન તાકતો એ કિલ્લાને નુકસાન પહોંચાડી શકતી નથી. બીજા શબ્દોમાં ઘરના ભેદીની મદદ વિના દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકતો નથી. પંજાબની ભૌગોલિક સ્થિતિ ઘણી બધી રીતે વિશિષ્ટ છે. એક તો પાકિસ્તાન જેવો ઘાતકી પાડોશી, બીજું દેશમાં બેઠેલા પાકિસ્તાનવાદી દુશ્મનો, ત્રીજું ખાલિસ્તાનવાદીઓ, ચોથું આ બધાનો સામૂહિક દૂરુપયોગ કરવા માગતી ધર્મની રાજનીતિ અને પાંચ, માઓવાદીઓથી ખદબદતું મીડિયા.

પાકિસ્તાન જેવા ઘાતકી પાડોશીનો ગેરલાભ ગુજરાત (512 કિ.મી), રાજસ્થાન (1035 કિ.મી.), પંજાબ (547 કિ.મી.) અને જમ્મુ-કાશ્મીર (1216 કિ.મી.)ને મળે છે. આ ચારેય રાજ્યો મળીને કુલ 3,300 કિલોમીટર કરતાં વધુ ભૌગોલિક વિસ્તાર ના-પાક. સાથે જોડાયેલો છે. પરંતુ સાત દાયકા કરતાં વધારે સમયથી સતત અશાંતિ અને હિંસાનો ભોગ પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકો બન્યા છે – કેમ કે એ બંને રાજ્યોમાં ઘરના ભેદી ઉપરાંત પાકિસ્તાન-પ્રેમીઓ વધારે છે!

આ જ કારણોસર 1980 અને 1990ના દાયકાઓમાં આ બંને રાજ્ય આતંકવાદનો ભોગ બન્યા. હજારોની સંખ્યામાં નિર્દોષ નાગરિકોએ જીવ ખોયા, અર્થતંત્ર નબળું પડી ગયું અને એના કરતાં વધારે ખતરનાક સ્થિતિ એ થઈ કે વિવિધ સમુદાયો વચ્ચે અવિશ્વાસની કાયમી ખાઈ રચાઈ ગઈ. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સહિત છ-સાત જિલ્લામાં તો જેહાદી માહોલ હતો એટલે આખી સ્થિતિ જૂદી હતી, પરંતુ પંજાબમાં જે કંઈ થઈ રહ્યું હતું એ અનેક લોકો માની શકતા નહોતા. જે સંપ્રદાય અને જે સમુદાય દેશની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે સૌથી અગ્રેસર હતો અને આજે પણ છે - એ જ સમુદાયમાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં અને એ ત્રાસવાદી ઘટનાઓ સુધી વિસ્તરી ગયાં હતાં એ બાબત શેષ ભારત માટે અકલ્પનીય હતી.

સંપૂર્ણ તટસ્થ નિરીક્ષણ અને સમીક્ષા કરીએ તો વાત ફરી 2014 અને 2019ની લોકસભા ચૂંટણીનાં પરિણામો ઉપર જ આવીને અટકે છે. આ બંને ચૂંટણીમાં રાષ્ટ્રવાદી સરકારને મળેલો વિજય- ઘાતકી પાડોશી દેશોને અને એ સાથે ભારતની અંદર બેઠેલા તેમના સ્લીપર સેલ જેવા લોકોને હજુ પચતો નથી. રાષ્ટ્રવાદી સરકાર દ્વારા દેશના હિત માટે, તમામ જાતિ-ધર્મ-સંપ્રદાયના હિત માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે, કાયદા ઘડવામાં આવી રહ્યા છે એ વાત ઘાતકી પાડોશી દેશો અને ભારતમાં તેમના સ્લીપર સેલ તરીકે કામગીરી કરતા લોકોને પચતી નથી. આવા સ્લીપર સેલમાં માત્ર એકલદોકલ વ્યક્તિ જ નહીં પરંતુ કેટલાક રાજકીય પક્ષો અને તેમના ટોચના નેતાઓનો પણ સમાવેશ થાય છે. લઘુમતીઓની બગલ ખંજળવામાં જન્નતનું સુખ માનતા આ કહેવાતા સેક્યુલર રાજકીય પક્ષો કેન્દ્રની રાષ્ટ્રવાદી સરકારના એકપણ પગલાંને સમર્થન નથી આપતા...ત્યાં સુધી તો વાત સમજી શકાય, પરંતુ જેહાદી માનસિકતા ધરાવતા આ સેક્યુલર પક્ષો તો રાષ્ટ્રહિતના કાયદા કે પગલાંની વિરુદ્ધ રીતસર શહેરો અને દેશને બાનમાં લઈ લે છે.

એક વર્ષથી ચાલતું નકલી ખેડૂત આંદોલન આ જેહાદી સેક્યુલરોના અપપ્રચારનું જ પરિણામ હતું જેને આધાર બનાવીને ખાલિસ્તાનવાદી લાગણી ફરી ભડકાવવામાં આવી. સામાન્ય પંજાબીઓ જે શાંતિથી જીવતા હતા એ ફરી ઉગ્ર બનવા લાગ્યા છે. નાની સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને હત્યાઓ થઈ રહી છે અને ગુરુવારે અદાલતના મકાનમાં બોંબ વિસ્ફોટ થયો.

દેશ માટે જરાસરખી પણ લાગણી ધરાવનાર કોઇપણ વ્યક્તિ એટલું તો વિશ્વાસપૂર્વક કહી જ શકે કે, કેન્દ્રની વર્તમાન સરકારના દરેકે દરેક પગલાં દેશહિતમાં છે...પરંતુ કથિત સેક્યુલર પક્ષો તેમના ટૂંકા સ્વાર્થમાં તોડફોડ કરાવવા માટે ઉશ્કેરણી કરતા રહે છે અને એ દ્વારા ઘાતકી પાડોશીઓના ઈશારે નાચતા રહે છે. આ સ્થળે હું તમને વારંવાર એક બાબતની ચેતવણી આપતો રહીશ કે, જો તમે સાવધાન નહીં રહો તો લઘુમતીઓની ખુશામતમાં ગળાડૂબ રહેતા રાજકીય પક્ષો આ દેશમાં ગમેત્યારે પંજાબ-કાશ્મીર જેવી સ્થિતિ પેદા કરશે અથવા દેશને ગૃહયુદ્ધ (સિવિલ વૉર) તરફ ધકેલી દેશે. તમારી રાજકીય વિચારધારા ગમે તે હોઈ શકે, તમે ગમે તે પક્ષના સમર્થક હોવ એમાં કોઈ વાંધો નથી, પરંતુ એ રાજકીય પક્ષની નીતિ, કાર્યક્રમો અને પગલાં રાષ્ટ્રહિતના છે કે નહીં એ વિચારો ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment