Sunday, December 5, 2021

વિપક્ષો પણ હવે “કોંગ્રેસ-મુક્ત” થવા માગે છે?

 


--- લોકસભા ચૂંટણી આડે પૂરા સાડા ત્રણ વર્ષ બાકી છે, પરંતુ જાતિવાદી અને લઘુમતી ખુશામતના રાજકારણમાં ગળાડૂબ રહેતા રાજકીય પક્ષો ગઠબંધન બનાવવાની કવાયતમાં લાગી ગયા છે, અને એમાં નોંધપાત્ર મુદ્દો એ છે કે- અન્ય વિપક્ષો કોંગ્રેસનો હાથ પકડવા તૈયાર નથી

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

દેશની પ્રગતિની ચિંતા કરવાને બદલે, પોતપોતાના રાજ્યના વિકાસ અંગે વિચારવાને બદલે, લોકકલ્યાણનાં કામો ઉપર ધ્યાન આપવાને બદલે વિરોધ પક્ષો ગઠજોડ - તડજોડ અને ગઠબંધન માટેની વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં માનવકલાકો, નાણા તેમજ અન્ય સ્ત્રોતોનો ગુનાઇત બગાડ કરી રહ્યા છે. વિવિધ રાજ્યોમાંથી તેમજ કેન્દ્રમાંથી ભાજપ તથા નરેન્દ્ર મોદીને દૂર કરવાના શેખચલ્લી વિચારોમાં રચ્યા-પચ્યા રહેતા આ વિરોધ પક્ષોએ લોકસભા ચૂંટણીને આડે હજુ સાડા ત્રણ વર્ષ બાકી છે ત્યારથી જ મથામણ શરૂ કરી દીધી છે... પરંતુ આ મથામણમાં અન્ય વિપક્ષો કોંગ્રેસને તરછોડી રહ્યા છે. આ વિપક્ષોને કોંગ્રેસ મંજૂર નથી કે પછી ગાંધી ખાન-દાન મંજૂર નથી?

રાજકીય પક્ષો રાજકારણ રમે એમાં કશું ખોટું નથી. એક-બીજા ઉપર આક્ષેપબાજી કરે એ પણ સ્વાભાવિક છે. મુખ્ય મુદ્દાઓ પર સમાન વિચાર ધરાવતા પક્ષો ચૂંટણીલક્ષી જોડાણ કરે એ સમયની માંગ છે...પણ આ બધું જ જો પ્રજા-હિતના ભોગે, દેશ-હિતના ભોગે થતું હોય તો નાગરિકોએ – મતદારોએ સમજવું જોઇએ કે તેમનું હિત ક્યાં છે?

યાદ રહે, મોટાભાગના આ રાજકીય પક્ષો કોંગ્રેસમાંથી જ અલગ થયેલા છે. અને આશ્ચર્યજનક રીતે સમાનતા એ છે કે કોંગ્રેસમાંથી છૂટા પડીને અલગ પક્ષ રચનારા પ્રાદેશિક નેતાઓને ગાંધી ખાન-દાન સામે જ વાંધો હતો. મમતા બેનરજી સાથે આ અઠવાડિયે મુલાકાત કરનાર શરદ પવાર તો સોનિયા ગાંધીના વિદેશીકૂળનો મુદ્દો ઉપસ્થિત કરીને કોંગ્રેસમાંથી નીકળ્યા હતા. આમ છતાં આ જ બધા પક્ષો આટલાં વર્ષ સુધી કોંગ્રેસના જ ખોળામાં બેસીને કેન્દ્રમાં પરોક્ષ સત્તા ભોગવતા રહ્યા. પરંતુ 2014 પછી અને ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણી પછી આ બધા રાજ્ય સ્તરના નાના નાના વિપક્ષોને ખ્યાલ આવી ગયો કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી અને કોંગ્રેસનું વર્તમાન પારિવારિક નેતૃત્વ અર્થાત ગાંધી ખાન-દાન કોંગ્રેસને પુનઃજીવિત કરવા સક્ષમ નથી.

હકીકતે આ જ સૌથી અગત્યનો મુદ્દો છે. માત્ર સ્થાનિક સ્તરના નાના નાના પ્રાદેશિક પક્ષો જ નહીં પરંતુ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં ટોચના નેતાઓ સમજી ચૂક્યા છે કે ગાંધી ખાન-દાન હવે કોંગ્રેસને પુનઃજીવિત કરી શકે તેમ નથી. જોકે કોંગ્રેસના એ કહેવાતા વરિષ્ઠ નેતાઓમાં પક્ષમાંથી બહાર નીકળીને અલગ પક્ષ રચવાની હિંમત કે ક્ષમતા નથી. એ નેતાઓ અત્યાર સુધી માત્ર ગાંધી ખાન-દાનના ખીલે બંધાઈને કૂદતા રહ્યા છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં લઈને જ ટીએમસી અને આપ પાર્ટી જેવા કટ્ટરવાદી પક્ષો બીજા રાજ્યોમાં ચૂંટણી લડીને પોતાને રાષ્ટ્રીય પક્ષ ગણાવવાની ફિરાકમાં છે. એ વાત જૂદી છે કે એ પક્ષોના નેતાઓ તેમના દેખીતા લઘુમતી તરફી વલણ અને નીતિઓને કારણે બીજા રાજ્યોમાં સફળ થઈ શકે તેમ નથી. અને એ જ કારણે બેનરજી અને કેજરીવાલ જેવા લોકો ભોળા હિન્દુઓને વધારે મુર્ખ બનાવવા રામનામ જપવા લાગ્યા છે, બેનરજી તો હવે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાતો કરવા લાગ્યા છે. આ એ જ બેનરજી છે જેમણે પશ્ચિમ બંગાળમાં ટાટા નેનોના પ્લાન્ટ ન સ્થપાય એ માટે ખેડૂતોને ઉશ્કેરીને હિંસક આંદોલન કરાવ્યું હતું. તો બીજી તરફ દિલ્હીમાં મુલ્લા-મૌલવીઓને જંગી વેતન આપનાર કેજરીવાલ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની વાતો કરે છે.

દરમાં છૂપાયેલા ઝેરી સાપ કરતાં વધારે જોખમી લોકોને ઓળખવા જોઇએ, તેમનાથી સાવધાન રહેવું જોઇએ. પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત ચૂંટણી જીતનાર બેનરજીને તો હવે એવું લાગે છે કે, પોતે વિપક્ષોને એકત્ર કરીને 2024ની લોકસભા ચૂંટણી જીતીને વડાપ્રધાન બની શકે તેમ છે! પરંતુ કોંગ્રેસી કૂળ અને મૂળ ધરાવતા આ બધા રાજકારણીઓ કદી લઘુમતી તુષ્ટિકરણ છોડી શકવાના નથી એ હકીકત છે, એટલે વ્યૂહાત્મક રીતે અથવા બીજા કોઈપણ કારણસર આ ટુણિયાટ વિપક્ષો કોંગ્રેસથી છેડો ફાડે તો પણ રાષ્ટ્રીય સ્તરે કશું ઉકાળી શકે તેમ નથી. બીજો એક અગત્યનો મુદ્દો તમે સૌ વાચકો જાણો છો એમ આ બધા વામન પ્રાદેશિક પક્ષો ભેગા ભલે થાય પરંતુ વડાપ્રધાનપદની વાત આવશે ત્યારે બધા એકબીજાના પગ ખેંચવાના છે. એક નેતા માટે આ બધા સંમત થવાના જ નથી, પરંતુ ત્યાં સુધી સમજદાર નાગરિકોએ આ ટુણિયાટ વિપક્ષોના અપ-પ્રચારથી સાવધાન રહેવાની જરૂર છે. અને જેઓ સમજદાર નથી એમણે અહીં ઉપર જણાવી એ સ્થિતિનો થોડો વિચાર કરવાની જરૂર છે. વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment