Monday, November 29, 2021

શું નકલી ફેમિનિસ્ટો હવે નરેન્દ્ર મોદીની પીઠ થાબડશે?

 

--- આ અઠવાડિયે રાષ્ટ્રીય સરવેના આંકડા જાહેર થયા, તે અનુસાર દેશમાં પ્રથમ વખત પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે હોવાનું તારણ નીકળ્યું. બેટી બચાવો, બેટી પઢાઓ– એ માત્ર સૂત્ર નથી એ સાબિત થયું!

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

દેશની સામાજિક – આર્થિક સ્થિતિ દર્શાવતો પાંચમો રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સરવે (NFHS) આ અઠવાડિયે જાહેર થયો. આ સરવેના અન્ય કેટલાંક તારણોની સાથે સૌથી મોટું એક તારણ એ નીકળ્યું કે, ભારતમાં હવે પુરુષો અને મહિલાઓની સંખ્યાનો રેશિયો બદલાઈ ગયો છે. અર્થાત દેશમાં પુરુષોની સંખ્યા કરતાં મહિલાઓની સંખ્યા વધી છે. હવે ભારતમાં પ્રત્યેક 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા 1020 છે.

આ સ્થિતિ કંઈ એમ જ નથી આવી ગઈ. આ માટે 20 વર્ષ પહેલાં ગુજરાતે જ પહેલ કરી હતી. આવો પ્રથમ સરવે 1992-93માં કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બીજો સરવે 1998-99માં કરવામાં આવ્યો હતો. બીજા સરવેનાં પરિણામો સમયે ગુજરાતમાં પ્રથમ વખત ભાજપે બહુમતી સાથે સરકાર બનાવ્યાને માંડ બે-ત્રણ વર્ષ થયાં હતાં. તે સમયે ગુજરાતમાં 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યાનું પ્રમાણ (અંદાજે) 930 આસપાસ હતું. 1990ના દાયકાના અંતિમ વર્ષોના એ ગાળામાં કેરળ જેવાં એકાદ-બે અપવાદરૂપ રાજ્યોને બાદ કરતાં લગભગ તમામ રાજ્યોમાં પુરુષો અને મહિલાઓની સંખ્યામાં આવું જ અસંતુલન હતું. પરંતુ કમનસીબે ગુજરાત, ભારત અને દુનિયાભરના નકલી ફેમિનિસ્ટો અને નકલી માનવ અધિકારવાદીઓએ માત્ર ગુજરાતને નિશાન બનાવીને કાગારોળ મચાવી મૂકી હતી. તેનું કારણ દેખીતું હતું – આ નકલી ફેમિનિસ્ટ-માનવ અધિકારવાદી પ્રજાતિને ભાજપનું શાસન પસંદ નહોતું.

1990ના દાયકાની આ વાતને વર્તમાન સાથે જોડવાનું તાત્પર્ય શું છે?

તાત્પર્ય એ જ છે કે, ત્યારપછી ગુજરાતમાં ભાજપની સરકારે અને ખાસ કરીને 2001માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા ત્યારપછી મહિલા સશક્તિકરણની દિશામાં સાચા અર્થમાં પ્રયાસો શરૂ થયા હતા, અને છતાં પેલા નકલી ફેમિનિસ્ટો તેમજ નકલી માનવ અધિકારવાદીઓએ તેમની એકતરફી કાગારોળ ચાલુ રાખીને બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન હેઠળ થઈ રહેલા મહિલા સશક્તિકરણના પ્રયાસોને વખોડવાનું અને એથી આગળ વધીને ક્યારેક તો એ પ્રયાસોને ખોરવી નાખવાનાં કાવતરાં પણ કર્યા હતાં.

ટુકડેગેંગના આ કાવતરાખોરો હિન્દુત્વ વિરોધી હતા અને છે, એ તત્વોને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી ભાજપ સામે વાંધો હતો અને છે અને એ કારણે જ દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપ સિવાયના પક્ષોની સરકારો હતી છતાં એ રાજ્યોમાં પુરુષ - મહિલા વસ્તી અસંતુલ વિશે કશું બોલતા નહોતા, પરંતુ ભાજપની સરકાર હોય તો એને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવામાં કશું બાકી રાખતા નહોતા.

નરેન્દ્ર મોદી ટુકડેગેંગના આ મલીન ઈરાદાને સારી રીતે સમજતા હતા અને તેથી જ ગુજરાતમાં સત્તા પર આવ્યા પછી તેમણે મહિલા સશક્તિકરણની દિશામાં ધરમૂળથી નીતિગત ફેરફારો કર્યા. આ ફેરફારોને તેઓ 2014માં વડાપ્રધાન બન્યા પછી કેન્દ્રીય સ્તરે પણ લઈ ગયા. એનું જ પરિણામ છે કે સાત વર્ષના ગાળામાં પુરુષ – મહિલા વસ્તીનો રેશિયો બદલાઈ ગયો છે. શરૂઆતમાં કહ્યું તેમ ભારતમાં હવે પ્રત્યેક 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા 1020 થઈ છે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સરવેના છેલ્લા અહેવાલ અનુસાર લગભગ તમામ પેરામીટરમાં મહિલાઓની સ્થિતિ સુધરી છે. ખુલ્લામાં ટોઇલેટ જવાની વાત હોય કે ઈંધણ માટે લાકડાને બદલે ગૅસના ઉપયોગની વાત હોય; મહિલાઓને મળતા વીમા કવચની વાત હોય કે પછી બેંક ખાતાંનો જાતે ઉપયોગ કરવાની બાબત હોય – દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ વધ્યું છે.

આ સંજોગોમાં સૌથી મહત્ત્વના પ્રશ્નો એ ઉપસ્થિત થાય છે કે, નકલી ફેમિનિઝમના ઝંડાધારીઓ અને નકલી માનવ અધિકારવાદીઓ શું હવે નરેન્દ્ર મોદી સરકારના પ્રયાસોને સ્વીકારી તેને આવકારશે? હિન્દુત્વને, રાષ્ટ્રવાદને, ભાજપને મનુવાદી કહીને ઊતારી પાડવાના નીચ પ્રયાસો કરનારા રાજ્ય સ્તરના, રાષ્ટ્રીય સ્તરના અને આંતરરાષ્ટ્રીય સ્તરના હિંસાખોર અર્બન નક્સલીઓ શું હવે મહિલા સશક્તિકરણની બદલાયેલી આ સ્થિતિ બદલ નરેન્દ્ર મોદીનો આભાર માનશે? આમ તો આવી આશા રાખવી નિરર્થક છે કેમ કે અર્બન નક્સલીઓનું લક્ષ્યાંક માત્ર ભાજપને સત્તાથી દૂર કરવાનું છે...એ તત્વોને મહિલા સશક્તિકરણ કે ખેડૂત સશક્તિકરણમાં કોઈ રસ નથી. તેથી જ આ સરવેનાં પરિણામોની સર્વગ્રાહી સારપને જોવાને બદલે ટુકડેગેંગના તત્વો તેમાંથી છીંડા શોધીને ચગાવશે એ નિશ્ચિત છે. આગામી એક અઠવાડિયા દરમિયાન ટુકડેગેંગના આવા પ્રયાસોને સમજદાર નાગરિકો ઓળખી લે...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment