Sunday, November 21, 2021

કૃષિ કાયદાઃ આ પીછેહઠ નથી, માસ્ટર સ્ટ્રોક પણ નથી!

 


--- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી. સમર્થકો અને વિરોધીઓ પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે. બંનેમાંથી કોઇને આખા કેસની સંપૂર્ણ જાણકારી નથી...એટલું નિશ્ચિત છે કે નકલી ખેડૂત આંદોલન પાછળના આંતરરાષ્ટ્રીય કાવતરાની ચેઇન એક વખત તો તોડવી પડે એમ હતી

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી ત્યારપછીના થોડા કલાક બાદ આ લેખ લખી રહ્યો છું. લેખ રવિવારે પ્રકાશિત થવાનો છે એટલે શુક્રવાર બપોરથી શનિવાર રાત સુધી આ મુદ્દે તમે ઘણું બધું વાંચ્યું હશે, ઘણું બધું સાંભળ્યું હશે. દરેક લખનાર અને દરેક બોલનાર પોતે નિષ્ણાત છે એ રીતે રજૂઆત કરતા હશે, તેથી ખૂબ મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો, ખાસ કરીને ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થકો મુંઝવણમાં છે કે- કોણ સાચું અને કોણ ખોટું?

મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના આ નિર્ણય પાછળની બધી વિગતો ખબર છે એવું નથી. પરંતુ હું એટલું ચોક્કસ જાણું છું કે, સરકારે કોઈ અસાધારણ મજબૂરી વિના આ નિર્ણય નહીં જ લીધો હોય. ખેર, મુદ્દો એ પણ નથી. ચાલો આ બાબતે અહીં એક સર્વગ્રાહી ચર્ચા કરી લઈએ.

વાત એમ છે કે, ખેડૂત આંદોલનના નામે વિપક્ષો તેમજ ભારત વિરોધી આંતરરાષ્ટ્રીય લૉબી જે રીતે સક્રિય થઈ હતી એને ક્યાંક અટકાવવી પડે તેમ હતી. નકલી આંદોલન શરૂ થયાના એક વર્ષ પછી પણ જો એ ટોળકી સક્રિય હતી તો તેનો અર્થ એ હતો કે એ લોકોને ભંડોળ મળવા સહિત બીજી તમામ સુવિધાઓ ઘણા લાંબા સમય સુધી મળવાની ખાતરી હતી (અને ટિકૈત એવું વારંવાર બોલતો પણ હતો) અને એ સંજોગોમાં દેશ-વિરોધી તત્વોને ભાંગફોડ કરવાની વધારે તક મળત.

જો આ કથિત ખેડૂત આંદોલન સાચા અર્થમાં હોત તો આખા દેશના ખેડૂતો તેમાં જોડાત, પરંતુ બધા જ જાણીએ છીએ કે માત્ર સ્થાપિત હિતો ધરાવતા રાજકીય પક્ષોના સમર્થક એવા ખેડૂતોને બાદ કરતાં કોઈ સાચા ખેડૂતો જોડાયેલા નહોતા. બાકી જે કોઈ બચ્યા હતા એ ખાલિસ્તાની સમર્થકો હતા એ વાત આંદોલનના સ્થળે લાગેલાં પોસ્ટરો તેમજ બેનરોના આધારે સ્પષ્ટ સમજી શકાતું હતું.

મોદી સરકારે એક વર્ષ સુધી આ નકલી ખેડૂતો તેમજ આંતરરાષ્ટ્રીય માઓવાદી ટોળકીઓને મચક ન આપી એના પરથી સરકારનો ઇરાદો સ્પષ્ટ થાય છે, અને છતાં હવે આ નિર્ણય લેવો પડ્યો એના પરથી વિચારો કે સરકાર કેવાં પરિબળો સામે લડી રહી હતી! એ પરિબળોને સફળ નહીં થવા દેવા માટે પણ અણગમતો નિર્ણય કરવો પડે તેમ હતું. સામાન્ય નાગરિકોએ એ વાત પણ સમજવી જરૂરી છે કે આ નકલી ખેડૂત આંદોલન પાછળ જે કોઈ પરિબળો કામ કરી રહ્યાં હશે તેના વિશે મોદી સરકારને ગુપ્તચર અહેવાલ મળ્યા હશે, પરિણામે દેશહિત ખાતર પણ આવો નિર્ણય લેવાની ફરજ પડી હોઈ શકે!

કેટલાક તત્વો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, કૃષિ કાયદા પાછા ખેંચવાની સરકારને ફરજ પડી છે તેથી CAA તથા કલમ 370-A જેવા કાયદા અંગેના નિર્ણયોનો જે લોકો વિરોધ કરે છે તેઓ હવે રસ્તા પર આવશે અને સરકારને તેના નિર્ણય પરત ખેંચવા ફરજ પાડશે. આવું તારણ કાઢવું એ હકીકતે અધકચરી સમજનું પરિણામ છે. અગાઉ કહ્યું તેમ, રાષ્ટ્રહિતમાં માનતા જૂજ પક્ષોને બાદ કરતાં બાકીના તમામ વિપક્ષો કૃષિ કાયદાના વિરોધમાં હતા. તેમની સાથે ખેત પેદાશોની દલાલી કરતા માફિયા ઉપરાંત ખાલિસ્તાનીઓ, માઓવાદીઓ અને એજન્ડાધારી મીડિયા એ બધા જ જોડાઈ ગયા હતા. આ તમામ રાષ્ટ્ર-વિરોધી તત્વો ભેગા મળીને દેશને નુકસાન કરી જ રહ્યા હતા, પરંતુ તેના કરતાં વધારે જોખમ આવી રહેલી પાંચ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઊભું થઈ શકે તેમ હતું.

નકલી ખેડૂત આંદોલનકારીઓ વારંવાર હિંસા કરતા હતા. આ વર્ષની 26 જાન્યુઆરીએ શરૂ કરેલી હિંસા ગયા મહિને છેક લખીમપુર સુધી ભાજપના કાર્યકરોના લિંચિંગ સુધી પહોંચી હતી. તેથી હવે એવી પૂરી શક્યતા હતી કે, પાંચ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ હિંસાખોર તત્વો વધારે ઉગ્ર બનીને સમગ્ર ચૂંટણી વ્યવસ્થા પણ ખોરવી નાખી શકે. કોરોનામાંથી માંડ ઉભરી રહેલો દેશ આ તબક્કે ખાલિસ્તાની-માઓવાદી હિંસાની સંભાવનાનું જોખમ ઉઠાવી શકે નહીં. હકીકતે કૃષિ કાયદાના બહાને આ હિંસાખોર તત્વો એક રાષ્ટ્રવાદી સરકારને ઉખાડી ફેંકવા શસ્ત્રો સજાવી રહ્યા હતા અને તેથી જ તેમના શસ્ત્રોને બુઠા કરી દેવા જરૂરી હતા. જે વડાપ્રધાન ચીન જેવા દેશને ઝુકાવી શકતા હોય એ ટુણિયાટ જેવા નકલી ખેડૂતોને તો ઝુકાવી જ શકે...છતાં એ જ વડાપ્રધાને પોતે પોતાનો નર્ણય પાછો ખેંચ્યો છે ત્યારે એના ઘણા સૂચિતાર્થ હશે જ. થોભો અને રાહ જૂઓ...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

1 comment:

  1. टिकैत को सरू में ही पकड़ के जेल में डाल देते। लालकिल हिंसा हुई तब भी पकड़ सकते थे। डरपोक सरकार है।

    ReplyDelete