Monday, December 13, 2021

પ્રાચીન નગરી કાશીને એનું ગૌરવ પાછું મળ્યું

 


--- આપણી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન બાબા કાશીવિશ્વનાથ મંદિર ફરતે રહેલાં અન્ય પ્રાચીન મંદિરો તેમજ ઘાટ સુધી જવાના માર્ગ ઉપરનાં દબાણો દૂર થઈ ગયાં છે, આવતીકાલે માગસર સુદ દસમે બાબાની ભવ્યતાના દર્શન કરવાનું ન ચૂકશો...

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે, અર્થાત સંવત 2078ની માગસર સુદ દસમે કાશી વિશ્વનાથ ધર્મપથ ખુલ્લો મૂકવાના છે. અને એ સમયે તમે સૌ દેવાધિદેવ કાશી વિશ્વનાથના દર્શન કરવાનું જરાય ન ચૂકશો. આ સ્થળને અંગ્રેજીવાળા કાશી વિશ્વનાથ કોરિડોર કહે છે, પણ મને લાગે છે કે આ સંદર્ભમાં એનો અનુવાદ ધર્મપથથવો જોઇએ. આ ધર્મપથ ખુલ્લો મૂકાવા સાથે પ્રાચીન નગરી કાશીની મૂળ ઓળખ પરત આવી જશે એ નિશ્ચિત છે.

કાશી વિશ્વનાથ મંદિર અને ત્યાંથી આગળ મણિકર્ણિકા તથા લલિતા ઘાટ તરફ જતા માર્ગો ઉપર અનેક દાયકાથી થઈ ગયેલા ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા ત્યારે આપણા સૌના ધ્યાનમાં આવ્યું હતું કે આ સમગ્ર વિસ્તારમાં બીજાં અનેક નાના-મોટાં પ્રાચીન મંદિરો અસ્તિત્વ ધરાવતાં હતાં. પરંતુ સ્વાર્થી, ભ્રષ્ટ અને અપ્રામાણિક લોકોએ મંદિરોને ફરતે જ ઘર બનાવી દઈને તેના નામે આવક કરવાનું શરૂ કરી દીધું હતું. અલબત્ત, એ સિવાય પણ એવાં કેટલાંક મંદિર મળ્યાં જે મકાનોની નીચે દબાયેલાં હતાં જેના વિશે ત્યાં રહેનારાઓને પણ કદાચ ખબર નહોતી.

પહેલી વાત તો એ છે કે, સનાતન ધાર્મિક શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ સ્થળે દબાણ થવું જોઈતું નહોતું. જ્યારે પણ દબાણ શરૂ થયાં હશે ત્યારે તત્કાલીન સરકારે એ અટકાવવાં જોઇતા હતાં, પરંતુ હિન્દુઓના જાતિવાદનો દૂરુપયોગ કરવામાં અને લઘુમતી રાજકારણમાં રચ્યાપચ્યા રહેતા રાજકીય પક્ષોએ સતત નષ્ટ થઈ રહેલી મંદિરની પવિત્રતા અને સુંદરતાને પુનઃસ્થાપિત કરવા કોઈ પ્રયત્ન જ કર્યા નહોતા. મોદી સરકાર 2014થી જ આ કામ કરવા માગતી હતી, પરંતુ તે સમયે ઉત્તરપ્રદેશમાં એવા તત્વોની સરકાર હતી જેને હિન્દુઓના સન્માનમાં કોઈ રસ નહોતો. છેવટે 2017માં યોગી મહારાજની સરકાર શાસનમાં આવી પછી આ દિશામાં કામ શરૂ થયું અને ધર્મપથનું કામ પૂર્ણ થયું છે.

ખેર, હવે એ બધી વાતોનો અર્થ નથી. મૂળ વાત એ છે કે, આવતીકાલથી બાબા વિશ્વનાથના દર્શન અને ત્યાંથી પવિત્ર ગંગા નદી સુધી પહોંચવાનું શ્રદ્ધાળુઓ માટે સરળ બનશે. આ માટેનો જે ધર્મપથ છે તે 50 ફૂટ પહોળો કરી દેવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ સામાન્ય દિવસોમાં દરરોજ ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથના દર્શને પહોંચતા હોય છે અને મહાશિવરાત્રી તેમજ શ્રાવણ મહિનામાં એકાદ લાખ જેટલા શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા પહોંચે છે.

સનાતન ધાર્મિક સ્થળ હોય કે પછી પ્રવાસન સ્થળ હોય, નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી એમની વિશેષતા રહી છે કે, આવી દરેક યોજનામાં બીજી ઘણી બાબતો જોડી દે છે જેને કારણે સમાજના વિવિધ પ્રકારના લોકોને રસ પડે. એ જ અનુસંધાનમાં કાશી વિશ્વનાથ ધામનો પણ વિકાસ થઈ રહ્યો છે. બાબાના પ્રાચીન મંદિરની આસપાસ હવે સંગ્રહાલય અને ભવ્ય હૉલ બન્યા છે જ્યાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસ પ્રદર્શિત કરવામાં આવશે. ધાર્મિક તહેવારો દરમિયાન હવન અને યજ્ઞ થઈ શકે તે માટે નવી યજ્ઞશાળાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

અહીં આવનાર શ્રદ્ધાળુઓ, અન્ય સામાન્ય પ્રવાસીઓ માટે ધર્મશાળાઓ બનાવવામાં આવી રહી છે તે ઉપરાંત સાધુ-સંતો માટે ખાસ રહેવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે. સાધુ-સંતો આપણા ધર્મના મુખ્ય આધાર છે અને તેથી તેમના માટે થઈ રહેલી આવી વ્યવસ્થા ગૌરવપ્રદ છે. મંદિરની બરાબર સામે વિશાળ જગ્યામાં ભોગશાળા પણ તૈયાર થઈ રહી છે. ટૂંકમાં કેદારનાથ ધામને અન્ય સંલગ્ન યોજનાઓ દ્વારા ભવ્યતા બક્ષવામાં આવી એવી જ રીતે બાબા વિશ્વનાથ ધામ પણ હવે ફરી ભવ્યતા મેળવી રહ્યું છે. આવતીકાલે આ અલૌકિક પ્રસંગ માણો...પછી મિલતે હૈ બ્રેક કે બાદ!

1 comment:

  1. जय काशी विश्वनाथ महादेव 🙏

    ReplyDelete