Friday, January 28, 2022

કિશન ભરવાડ, કમલેશ તિવારી...આપણે બસ સંખ્યા ગણ્યા કરીએ

 



 – ધંધૂકાની ઘટના ચાર્લી હેબ્દોનું એક્સટેન્શન છે. કિશન ભરવાડની હત્યા કમલેશ તિવારીની હત્યા જેવું વધુ એક પ્રકરણ છે. હત્યારા ભલે જેહાદીઓ હોય, પણ આરોપીઓ તો કોઈ બીજા જ છે

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

કમલેશ તિવારી હોય કે કિશન ભરવાડ, ભારતીયોએ અને તેમાંય ખાસ કરીને હિન્દુઓએ માત્ર સંખ્યા ગણ્યા કરવાની, સોશિયલ મીડિયા ઉપર ગુસ્સાવાળા ઇમોજી ફેરવ્યા કરવાના, હિન્દુવાદી સરકાર શું કરે છે એવા પ્રશ્નો પૂછ્યા કરવાના અને પછી મસ્તમજાનું ભોજન કરીને નિઃસ્પૃહ ભાવે કામે લાગી જવાનું. હકીકતે આપણે આ જ તો કરતા આવ્યા છીએ—સદીઓથી.

સાચી વાત એ છે કે, આવી બધી ઘટનાઓમાં હત્યારાઓનો કોઈ વાંક નથી હોતો. એ લોકો તો એમને ગળથૂથીમાં જે પીવડાવવામાં આવે, જે શીખવવામાં આવે, જેના માટે ઉશ્કેરવામાં આવે એનું પાલન જ કરતા હોય છે. એનું પાલન કરવામાં પોતે હત્યારા ગણાશે એવી એમને ચિંતા નથી હોતી કેમ કે એમના સમાજ તરફથી એમને હીરો ગણવાની બાંયધરી મળેલી છે. તેમને કે તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર નહીં જ થાય એવી બાંયધરી મળેલી છે. તેમને કે તેમના પરિવારના નાણાની તકલીફ નહીં જ પડે એવી બાંયધરી મળેલી છે. એટલે એ હત્યારાઓનો કોઈ વાંક નથી.

વાંક આપણા સૌનો છે. મારો છે, તમારો છે, કોંગ્રેસનો છે, ભાજપનો છે, ખાદી-ધારીઓનો છે, શાખા-ધારીઓનો છે અને હા, મીડિયાનો વાંક તો છે જ છે. 1400 વર્ષથી જેમને કોઇએ જોયા જ નથી એવી વ્યક્તિના તદ્દન કાલ્પનિક ચિત્રો પણ જો હત્યાનું કારણ બનતા હોય તો એ હત્યારાઓનો વાંક કેવી રીતે હોઈ શકે? દેખીતું છે વાંક કોઇક બીજાનો છે. વાંક એ લોકોનો છે જેઓ આવી માનસિકતાને છાવરતા હોય છે. વાંક કેન્સરનો હોતો જ નથી, વાંક તો તેની સારવાર નહીં કરનારાઓનો હોય છે.

નિયમિત સમયાંતરે દેશ અને દુનિયામાં કિશન ભરવાડ અને કમલેશ તિવારી અને ચાર્લી હેબ્દો જેવી ઘટનાઓ બનતી જ રહે છે, પરંતુ એવી દરેક ઘટનાઓમાં શાસકો અને રાજકારણીઓ અને મીડિયા ઉપરાંત સમાજ—બધા ભેગા મળીને કિશન અને કમલેશમાં જ વાંક શોધે છે. ખાદી-ધારીઓ અને શાખા-ધારીઓ માત્ર એવી જ ચર્ચામાં ઇતિશ્રી માની લે છે કે, કિશને અને કમલેશે આવું ન કરવું જોઇએ. બદમાશ-હિંસાખોર માઓવાદીઓ આવી દરેક ઘટના વખતે હિન્દુત્વના કથિત છીંડાં શોધવાની કામગીરીમાં લાગી પડે છે અને હજારો વર્ષના સનાતન ઈતિહાસમાંથી બે-ચાર કિસ્સા શોધી કાઢીને હિન્દુત્વને ભાંડવા લાગે છે. મફતિયા માનસિકતાવાળા 20-30 ટકા હિન્દુઓ પણ હિંસાખોર માઓવાદીઓ-અર્બન નક્સલીઓની વાતોમાં સપડાઈને કિશન અને કમલેશને જ ગુનેગાર માની લે છે. બાકી રહેલા 70-80 ટકા હિન્દુઓ એટલા બધા વેર-વિખેર છે કે કદી સંગઠિત થતા જ નથી, સંગઠિત થઇને અવાજ ઉઠાવતા જ નથી.

જેહાદી હિંસાના જવાબમાં સામી હિંસા શક્ય નથી. એવું કરવાથી તો જંગલના કાયદા અને માનવસમાજના કાયદા વચ્ચે કોઈ તફાવત નહીં રહે. પરંતુ, ખાટલે જે મોટી ખોડ છે તે સંગઠન બતાવવાની છે. આપણે સંગઠન બતાવતા નથી એટલે હિન્દુવાદી હોવાની વાતો કરતા ભાજપને પણ હિંમત બતાવવાની હિંમત નથી થતી. બાકીના રાજકીય પક્ષોએ તો ઘૂંટણ અને માથાં ઝૂકાવી દીધેલા છે એ સ્પષ્ટ જોઈ શકાય છે.

ધંધૂકા, લખનૌ અને ચાર્લી હેબ્દો (પેરિસ) જેવી હિંસા અને હત્યા માટે જવાબદાર ત્રણ મુખ્ય આરોપી છેઃ એક તો એ વ્યક્તિ છે જેનું નામ લઇને હું મારા લખાણને અપવિત્ર કરવા નથી માગતો. બાકીના બેમાં- (1) રાજકારણીઓ + માઓવાદીઓના અપવિત્ર ગઠબંધન અને (2) માઓવાદીઓ + મીડિયાના અપવિત્ર ગઠબંધનનો સમાવેશ થાય છે. આ બંને ગઠબંધનોએ કહેવાતી અહિંસા અને કહેવાતી સહિષ્ણુતાના નામે વાસ્વતવમાં હિન્દુઓ ઉપર હિંસા અને અસહિષ્ણુતાના ચરખા ચલાવ્યા કર્યા છે.

જે પ્રજા શિવાજી મહારાજ અને વીર સાવરકરની વાત સમજવા અને એ રસ્તે ચાલવા તૈયાર નથી એ પ્રજા એક વંશ તરીકે હવે કેટલો સમય ટકી રહેશે એ ઘણો મોટો પ્રશ્ન છે. છેલ્લા સર્વેક્ષણ મુજબ ભારતમાં હિન્દુઓની સંખ્યા 79 ટકા થઈ ગઈ છે. આ સંખ્યા કોઇએ ધારી ન હોય એટલી ઝડપથી ઘટી રહી છે. સામે સંખ્યા વધવાના કેટલાં મોટાં જોખમ છે તેનો અંદાજ બોલિવૂડ, ક્રિકેટ, ટીવી સિરિયલો, ઓટીટી અને ઑનલાઇન ગેમમાં માથું ઘાલીને એક પ્રકારે નશાની હાલતમાં પટકાઈ ગયેલા હિન્દુઓને નથી.

કિશન અને કમલેશ જેવા લોકોની હત્યા થાય ત્યારે બંધનાં એલાન આપી દેવાથી ભવિષ્યમાં બીજા કિશન અને કમલેશ બચી જશે એની કોઈ ખાતરી ખરી? નથી જ, તો પછી ભવિષ્યમાં બચવા માટે કોઈ ઉશ્કેરણી વિનાની – અહિંસક વ્યૂહરચના ઘડવી પડશે. સંગઠિત છીએ એવું બતાવી શકાશે તો રાજકારણીઓને પણ તમારી વાત માનવાની ફરજ પડશે. સંગઠિત છીએ એવું બતાવી શકાશે તો અત્યાર સુધી એક તરફી એજન્ડા ઉપર કામ કરતા મીડિયાને પણ તમારી વાત માનવાની ફરજ પડશે. સંગઠિત છીએ એવું બતાવી શકાશે તો હિંસાખોર માઓવાદીઓ – અર્બન નક્સલીઓને વામણા સાબિત કરી શકાશે. અને જો આ બધું થશે તો જ, હા તો જ જેહાદી હત્યારાઓને સજા આપી શકાશે...અન્યથા આપણી દુનિયા શાખા અને મોબાઇલ સ્ક્રિન (અર્થાત ઑનલાઇન) સુધી જ સીમિત થઈ જશે. બચવું હોય તો આ બંને જગ્યાએથી બહાર નીકળીને સાચા અર્થમાં સહિષ્ણુ અને અહિંસક એકતા બતાવવી પડશે. આવી એકતાની દિશામાં આગળ વધવા માટે ઉપાયો વિચારીએ.

1 comment: