Sunday, August 22, 2021

ડાબેરીઓને ફરી હિન્દુત્વ વિરોધી ચળ ઊપડી

--- રાષ્ટ્રવાદ સહન નહીં કરી શકતા હિંસાખોર ડાબેરીઓ ફરી સક્રિય થયા છે. આ ડાબેરીઓ અમેરિકામાં એકત્ર થઈને ચર્ચા કરવાના છે કે, હિન્દુત્વને કેવી રીતે ઉખાડી ફેંકવું? આ એ જ બ્રેકિંગ ઈન્ડિયા પરિબળો છે જેઓ અગાઉ દલિતોના નામે ભારતીયોમાં ઝેર ભરી ચૂક્યા છે, હવે ખેડૂતોને હાથો બનાવવા માગે છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

તમારામાંથી ઘણાને એમ લાગશે કે ઠીક છે, આવું તો ચાલ્યા કરે. ઘણા એવું પણ કહેશે કે, અરે! આ લોકો તો અનેક વર્ષથી આવા પ્રયાસ કરે છે પણ તેમને સફળતા મળી નથી. પરંતુ લેખની સાથે જે ફોટો છે તેના ઉપર ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે આ હિંસાખોર ડાબેરીઓ શું કરવા માગે છે?

આનંદ પટવર્ધન, આયેશા કિડવાઈ, બાનુ સુબ્રમણ્યમ, ભંવર મેઘવંશી, કવિતા કૃષ્ણન, મીના કંદસામી, મોહમ્મદ જુનૈદ, નંદિની સુંદર, નેહા દિક્ષીત, પી. સિવકામી – આ તમામ એ નામો છે અથવા એ લોકો છે જેમને તાલિબાની અને જેહાદી કૃત્યો સાથે જરાય વાંધો નથી, પણ ખુલ્લા મેદાનમાં સામાન્ય લાકડી સાથે કસરતના બે-ચાર દાવ કરતા, માતૃવંદનાનાં ગીતો ગાતા હિન્દુઓ સામે સખત નફરત છે. તેમની આ નફરત એ હદે પહોંચી ગઈ છે કે તેઓ આખા વિશ્વમાંથી હિન્દુત્વને ખતમ કરી દેવા માગે છે!

2011 એટલે કે આજથી દસ વર્ષ પહેલાં એક પુસ્તક પ્રકાશિત થયું હતું બ્રેકિંગ ઈન્ડિયા. અમેરિકામાં વસતા રાજીવ મલ્હોત્રા લિખિત આ અંગ્રેજી પુસ્તકમાં (જેનો ગુજરાતી અનુવાદ હવે ટૂંક સમયમાં પ્રકાશિત થવાનો છે) ભારતને ટુકડા ટુકડામાં વિખંડિત કરી દેવાની મિશનરી-ડાબેરી-જેહાદી ત્રેખડના કાવતરાની સિલસિલાવાર, દસ્તાવેજી પુરાવા સાથે માહિતી આપવામાં આવી છે. આ ત્રેખડ હવે ટુકડેગેંગ તરીકે કુખ્યાત છે એ વાત તમારામાંથી ઘણા લોકો જાણે છે.

2014થી અલગ અલગ રીતે સક્રિય આ ટુકડેગેંગને શાહીનબાગમાં નિષ્ફળતા મળી ત્યારબાદ કલમ 370 મુદ્દે પણ કશું જ કરી ન શકી. એટલે હવે આ ગેંગ નકલી-ખેડૂત આંદોલનને હાથો બનાવીને ભારતમાં અશાંતિ સર્જીને રાષ્ટ્રવાદી સરકારને હટાવી દેવા તલપાપડ થઈ ગઈ છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ ટુકડેગેંગ દેશમાં અશાંતિ સર્જાય એ માટે સક્રિય થઈ છે.

ઉપર જે નામો લખ્યાં તે ઉપરાંત એવા બીજા ઘણાં પરિબળો હશે જે ભારતને અસ્થિર કરવા માટેની ડિસ્મેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ ચળવળમાં જોડાયેલાં હશે. આ ગેંગ દ્વારા આગામી 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વિરોધી આ ટુકડેગેંગ કઈ હદે શક્તિશાળી હશે તેનો અંદાજ એ વાત ઉપરથી આવે છે કે, આ કૉન્ફરન્સ માટે તેમને દુનિયાની 45 કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સાથ મળ્યો છે! આ ગેંગ દ્વારા આ માટેની રીતસર એક વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે, તે ઉપરાંત ટ્વિટર હેન્ડલ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ ચૅનલ પણ બનાવી દેવામાં આવી છે જેના દ્વારા દુનિયાભરના ભારત વિરોધીઓને જોડી રહ્યા છે.

આ ટુકડેગેંગની વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે કે, ભારતની રાષ્ટ્રવાદી સરકાર ભારતના લઘુમતી સમુદાયો ઉપર, ભારતના કચડાયેલા વર્ગો (દલિતો) ઉપર, ભારતના ખેડૂતો ઉપર અસાધારણ અત્યાચારો કરી રહી છે અને તેના આ અત્યાચારોમાં વિશ્વમાં વસતા હિન્દુઓનો પણ ટેકો છે. ચાલાક બદમાશોની બનેલી આ ગેંગ હિન્દુઈઝમ અને હિન્દુત્વને અલગ પાડે છે અને એવું સ્થાપિત કરવા માગે છે કે, ભાજપ જેવા રાજકીય પક્ષ અને સંઘ જેવા હિન્દુવાદી સંગઠનોને કારણે હિન્દુત્વનું આતંકી સ્વરૂપ ભારત માટે જોખમી છે, અને તેથી તેને ઉખાડી ફેંકવું પડે! આ ટુકડેગેંગને શાંતિપૂર્ણ, સમૃદ્ધ, વિકસિત હિન્દુ-સ્થાન પસંદ નથી. આ જ ટુકડેગેંગે ગુજરાતમાં 2002 પછી 59 રામભક્તોની હત્યાના કાવતરાખોરોને બચાવવા આકાશ-પાતાળ એક કર્યું હતું અને તે સમયે પણ અમેરિકા સહિત અન્ય દેશોમાં ડાબેરીઓને એકત્ર કરીને ગુજરાતના નાગરિકોને રાક્ષસ અને પીશાચી ચીતરી દીધા હતા. 2014 પછી આ ટુકડેગેંગની પેટની પીડા વધી ગઈ છે કેમ કે દેશના નાગરિકોએ એક રાષ્ટ્રવાદી સરકારની પસંદગી કરી છે.

ભારતની ટીકા કરવાનો, ભાજપની ટીકા કરવાનો, સંઘની ટીકા કરવાનો અરે હિન્દુ ધર્મની ટીકા કરવાનો દુનિયાના કોઇપણ માણસને અધિકાર છે, પરંતુ અહીં હિંસાખોર ડાબેરીઓ હિન્દુત્વને ભારત અને દુનિયા માટે જોખમી ગણાવે છે અને તેને ઉખાડી ફેંકવા સંગઠન રચે છે – એ ચિંતાજનક બાબત છે. આ ગેંગના પ્રયાસોને દુનિયાની શૈક્ષણિક સંસ્થાઓનો ટેકો છે – એ ચિંતાજનક બાબત છે. આગામી દિવસોમાં ગુજરાતના તેમજ દેશના કેટલાક ચોક્કસ મીડિયા આ ગેંગની વાતોને મહત્ત્વ આપશે – એ ચિંતાજનક બાબત છે. આ વિષય ઘણો ગંભીર છે. બ્રેકિંગ ઈન્ડિયા પરિબળો ફરી સક્રિય થયા છે. એ પરિબળો ભલે હિન્દુત્વને દૈત્ય ચીતરે, પરંતુ આપણે તો ધીરજપૂર્વક એ પરિબળોનો મુકાબલો કરવાનો છે, તેમને હરાવવાના છે, એક હજાર વર્ષથી હરાવતા આવ્યા છીએ તેમ... આ વિષયની ચર્ચા ચાલુ રાખીશું.

 

No comments:

Post a Comment