Sunday, August 29, 2021

આપણી આસપાસ કેટલા કંસ છે? ઓળખી લો

 


 

--- હિંસાખોર ડાબેરીઓ હિન્દુત્વને ઉખાડી ફેંકવા માગે છે. જે હિન્દુત્વ માત્ર દુનિયાનું કલ્યાણ ઇચ્છે છે, જે હિન્દુત્વ પ્રત્યેક જીવમાં શિવનો અંશ હોવાનું માને છે એ હિન્દુત્વ હિંસાખોર ડાબેરીઓને પચતું નથી. હિન્દુત્વની વિરુદ્ધમાં પડેલા આ બધા તત્વો હકીકતે કંસ છે, અને જન્માષ્ટમીના પવિત્ર દિવસની પૂર્વસંધ્યાએ એવા કંસોને ઓળખી લઇએ.

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

ગયા અઠવાડિયાના મારા લેખમાં જે પ્રથમ બે વાક્ય હતા...એ સાચા પડ્યા, અર્થાત ખરેખર એવું જ થયું એ વાક્ય હતા- તમારામાંથી ઘણાને એમ લાગશે કે ઠીક છે, આવું તો ચાલ્યા કરે. ઘણા એવું પણ કહેશે કે, અરે! આ લોકો તો અનેક વર્ષથી આવા પ્રયાસ કરે છે પણ તેમને સફળતા મળી નથી.– અમુક વાચકો-મિત્રોએ આવું જ કર્યું, મારી વાતને ગંભીરતાથી ન લીધી.

ખેર, આગળ વધીએ. આ મુદ્દો અતિશય ગંભીર છે એટલે સળંગ બીજા અઠવાડિયે એ વિશે લખવું જરૂરી છે. ભારતના કેટલાક સોફેસ્ટિકેટેડ ડાબેરીઓ- આનંદ પટવર્ધન, આયેશા કિડવાઈ, બાનુ સુબ્રમણ્યમ, ભંવર મેઘવંશી, કવિતા કૃષ્ણન, મીના કંદસામી, મોહમ્મદ જુનૈદ, નંદિની સુંદર, નેહા દિક્ષીત, પી. સિવકામી પશ્ચિમના મિશનરીઓ અને જેહાદીઓની સાથે મળીને આખા વિશ્વમાંથી હિન્દુત્વને ખતમ કરી દેવા માગે છે! આ માટે સપ્ટેમ્બરમાં અમેરિકામાં એક કૉન્ફરન્સનું આયોજન કર્યું છે. ડિસ્મેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ નામે કૉન્ફરન્સના આયોજકોનો દાવો છે કે, આ કૉન્ફરન્સ માટે તેમને દુનિયાની 45 કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સાથ મળ્યો છે! જોકે શૈક્ષણિક સંસ્થાઓનો સાથ મળ્યો છે એ વાત સાચી નથી, એ આપણે આગળ જોઇએ.

આ ટુકડેગેંગ દ્વારા હિન્દુત્વને ઉખાડી ફેંકવાનું અભિયાન ચલાવવા માટે રીતસર એક વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે, ટુકડેગેંગની વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે કે, ભારતની રાષ્ટ્રવાદી સરકાર ભારતના લઘુમતી સમુદાયો ઉપર, ભારતના કચડાયેલા વર્ગો (દલિતો) ઉપર, ભારતના ખેડૂતો ઉપર અસાધારણ અત્યાચારો કરી રહી છે અને તેના આ અત્યાચારોમાં વિશ્વમાં વસતા હિન્દુઓનો પણ ટેકો છે. આટલું લખ્યા પછી વેબસાઇટ પર જે વિભાગ આપવામાં આવ્યો છે તે ખરી ચિંતાનું કારણ છે. એ વિભાગમાં દુનિયાભરના લોકોને તેઓ જો કોઈ હિન્દુઓને કારણે હેરાન થયા હોય તો એની વાતો શૅર કરવા જણાવવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં તેમજ અન્ય દેશોમાં પણ ધર્માંતરના ધંધાદારીઓ હિન્દુઓને વટલાવવા સતત કાર્યરત હોય છે. ધર્માંતરના ધંધાદારીઓની એ પ્રવૃત્તિ સામે પોતાનો ધર્મ – સંસ્કૃતિ બચાવવા હિન્દુઓએ સક્રિય થવું પડ્યું છે. ધર્માંતર કરાવવું એ એક પ્રકારે બીજા ધર્મ – બીજી સંસ્કૃતિ ઉપરનો હુમલો જ છે અને તેથી તેનો બચાવ કરવાનો પણ હિન્દુઓને અધિકાર છે. આ દરમિયાન સંઘર્ષ પણ થઈ શકે અને ઘર્ષણ પણ થઈ શકે. મિશનરીઓ અને જેહાદીઓ આ વાતને હિન્દુઓ દ્વારા થતા દમનમાં ખપાવે છે, અને એવા લોકો પોતાના ઉપરના કથિત દમનને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવા માગે છે. મારી દૃષ્ટિએ ભારત સરકારે આ વેબસાઇટની, અને તેમાંય ખાસ કરીને આ વિભાગની ગંભીર નોંધ લઇને કોઈ પગલાં લેવા જોઇએ.

ચાલાક બદમાશોની બનેલી આ ગેંગ હિન્દુઈઝમ અને હિન્દુત્વને અલગ પાડે છે અને એવું સ્થાપિત કરવા માગે છે કે, ભાજપ જેવા રાજકીય પક્ષ અને સંઘ જેવા હિન્દુવાદી સંગઠનોને કારણે હિન્દુત્વનું આતંકી સ્વરૂપ ભારત માટે જોખમી છે, અને તેથી તેને ઉખાડી ફેંકવું પડે! આ ટુકડેગેંગને શાંતિપૂર્ણ, સમૃદ્ધ, વિકસિત હિન્દુ-સ્થાન પસંદ નથી.

હવે વાત કરીએ વિશ્વની 45 કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ ડિસ્મેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ કૉન્ફરન્સને સમર્થનના દાવાની. તો સાચી વાત એ છે કે, કૉન્ફરન્સના આયોજકોએ હકીકતે બધી જ સંસ્થાઓની સંસ્થાઓના મેનેજમેન્ટ તરફથી સત્તાવાર સમર્થન મેળવ્યું જ નથી. પણ સંસ્થામાં કાર્યરત અમુક ભારતવિરોધી તત્વોનું સમર્થન મેળવ્યું છે, અને છતાં સમર્થન આખી સંસ્થાનું હોય એવો પ્રચાર કર્યો છે. કૉન્ફરન્સ સામે વિશ્વભરના હિન્દુઓએ વિરોધ વ્યક્ત કર્યા પછી જે તે સંસ્થાના ધ્યાનમાં આ વાત આવતાં તેમણે જાહેર કર્યું કે તેમણે હિન્દુત્વ વિરોધી કૉન્ફરન્સને સમર્થન આપ્યું જ નથી. હકીકતે હિન્દુત્વ વિરોધી કૉન્ફરન્સના આયોજકોનો આ ફોજદારી ગુનો ગણાય અને શૈક્ષણિક સંસ્થાઓએ આયોજકો વિરુદ્ધ કેસ કરવો જોઇએ.

આ સાથે બીજી એક અગત્યની ઘટના એ આકાર લઈ રહી છે કે, ભારતના અને વિશ્વના હિન્દુઓ આવા કાવતરાબાજ ડાબેરીઓ-મિશનરીઓ-જેહાદીઓ સામે જાગ્રત અને સાવધ થયા છે અને આ ટુકડેગેંગના અપપ્રચારનો જવાબ આપવા સક્રિય થયા છે. આપણે સૌએ પણ જાગ્રત અને સક્રિય થવું પડશે. આપણે સૌએ પણ ભારત વિરોધી – હિન્દુત્વ વિરોધી ટુકડેગેંગને ઓળખીને તેમની સામે અવાજ ઉઠાવવો પડશે. આવા લોકો આપણી આસપાસ જ છે, કંસ જેવા આ લોકોને ઓળખી લો એ જ આપણા માટે સાચી જન્માષ્ટમી બની રહેશે. જયશ્રી કૃષ્ણ.

(આ વિષય ઉપર ગયા અઠવાડિયે પ્રકાશિત પહેલો ભાગ વાંચવા અહીં ક્લિક કરો... https://keshav2907.blogspot.com/2021/08/blog-post.html 

No comments:

Post a Comment