Sunday, September 12, 2021

તાલિબાની વાપસી વાયા જાવેદ અખ્તર અને નાગેશ્વર રાવ

 


 


--- અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરી સરકાર બનાવી અને અહીં ભારતમાં જાવેદ અખ્તર નામના એક દંભી સેક્યુલરે સંઘ અને તાલિબાનને એક જ ત્રાજવામાં મૂકી દીધા તો બીજાએ આરએસએસ-મુક્ત ભારતનું એલાન આપ્યું!

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી થઈ અને તેણે સરકાર બનાવી એ સાથે ભારત સહિત દુનિયાભરના સેક્યુલર બદમાશો અને જેહાદી માનસિકતા ધરાવતા લોકો ખુલ્લા પડી ગયા. ભારતમાં કેટલાક ચોક્કસ રાજકીય પક્ષોમાં બેઠેલા રાજકારણીઓએ તાલિબાનનું ખુલ્લું સમર્થન કરીને પોતાની જેહાદી માનસિકતાનો પરિચય આપી દીધો. હવે એ અંગે સમજવાનું છે પ્રજાએ અને મીડિયાએ.

ખેર, માનવજાતના દુશ્મનોને તો ઓળખી જવાશે, પરંતુ સેક્યુલારિઝમની ખાલ ઓઢીને બેઠેલા લોકોને ઓળખવાનું સામાન્ય લોકો માટે મુશ્કેલ હોય છે. મૂળભૂત રીતે સેક્યુલારિઝમ અર્થાત ધર્મનિરપેક્ષતામાં કશું ખોટું નથી. માનવમાત્ર સેક્યુલર હોવો જોઇએ. દરેક જ્ઞાતિ-જાતિ, પંથ, સંપ્રદાય અને ધર્મના પ્રત્યે એકસમાન ભાવ હોય અને આ તમામના ગુના પ્રત્યે એકસમાન આક્રોશ હોય એ સેક્યુલારિઝમ. પરંતુ કમનસીબે આવું હોતું નથી. ખાસ કરીને ભારતમાં સેક્યુલારિઝમના નામે ડાબેરીઓ સહિત ચોક્કસ રાજકીય પક્ષો, માઓવાદી અર્બન નક્સલીઓ તથા મીડિયામાં રહેલા આ લોકોના સ્લીપરસેલ – એમ બધા ભેગા મળીને હિન્દુત્વને ઝૂડાઝૂડ કરવાને તથા હિન્દુત્વનું અપમાન કરવાને જ સેક્યુલારિઝમ ગણે છે, અને સમસ્યા ત્યાંથી જ શરૂ થાય છે.

આ અઠવાડિયે આવા બે સેક્યુલર બદમાશોનો પરિચય ભારતને થયો. એક તો જાવેદ અખ્તર અને બીજા નિવૃત્ત પોલીસ અધિકારી એમ. નાગેશ્વર રાવ. જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તાલિબાનને એક ત્રાજવામાં મૂકીને બંનને સરખા ગણાવ્યા તો નાગેશ્વર રાવે આરએસએસ-મુક્ત ભારતનું એલાન આપી દીધું! રાવને જોકે પછીથી ભાન થયું હશે એટલે આવું એલાન કરતા ટ્વિટ ડીલીટ કરી દીધા છે, એટલે હવે એનો પુરાવો મળવો મુશ્કેલ છે, પરંતુ આ અંગેનો અહેવાલ ભારત-વિરોધી એક ડિજિટલ મીડિયાએ લીધો હતો.

તો હવે આ બંને ભારત વિરોધીઓની કુંડળી એક પછી એક જાણી લઇએ.

જાવેદ અખ્તર પોતાને નાસ્તિક ગણાવે છે. જાણકારો ખૂબ સારી રીતે જાણે છે કે, ઇસ્લામમાં નાસ્તિકતા જેવું કશું હોતું નથી. ધર્માંતર કરી લીધા પછી કાં તો તમે ઇસ્લામી છો, અને જો કુરાન-શરિયતનો ઇસ્લામ નથી માનતા તો તમે પણ કાફિર જ છો. એટલે જ પોતાને નાસ્તિક ગણાવનાર જાવેદને નથી ઇસ્લામીઓ સ્વીકારતા કે નથી હિન્દુઓ સ્વીકારતા. જે લોકો સ્વીકારે છે એ અબૂધ-ભોળા (હકીકતે મુર્ખ) હિન્દુઓ છે જેઓ ફિલ્મી ડાયલોગ અને ફિલ્મી ગીતોને કારણે જાવેદને મહાન સર્જક માને છે!

ખેર, તો વાત એમ છે કે, પોતાની ધાર્મિક ઓળખ બાબતે અધવચ્ચે લટકી ગયેલા આ જાવેદ અખ્તરે એવું નિવેદન ઠપકારી દીધું કે, તાલિબાન અને આરએસએસ એક સરખા છે. ઇસ્લામ અંગીકાર કરી ચૂકેલા, પરંતુ તેમ છતાં હિન્દુમાં લોકપ્રિય રહેવા માગતા લોકોની આ મુશ્કેલી હોય છે. આવાં તત્વોની જેહાદી માનસિકતાને વખોડવાની તાકાત હોતી નથી, છતાં મીડિયામાં અને હિન્દુઓમાં લોકપ્રિય રહેવું હોય તો શું કરવાનું? એટલે જેહાદીઓની ટીકા કરવાના નામે હિન્દુત્વના સામાજિક સંગઠનની પણ ટીકા કરી દેવાની. એણે જ લખેલી ફિલ્મ શોલેની ભાષામાં કહું તો- જેહાદી પણ ખુશ, મીડિયાના સ્લીપર સેલ પણ ખુશ અને હિન્દી ફિલ્મ જોનારા મુર્ખાઓ પણ ખુશ!

બીજી તરફ, એમ. નાગેશ્વર રાવ નામનો નિવૃત્ત આઈપીએસ સરકારી પેન્શન ખાતાં ખાતાં હિન્દુઓનો નેતા થવાનો ડોળ કરી રહ્યો છે. પણ તેની વાસ્તવિકતા એ છે કે, તે હિન્દુ સમાજમાં ભાગલા પડાવવાના ધંધા કરે છે. જે કામ ખ્રિસ્તી મિશનરીઓ અને જેહાદી સંગઠનો કરે એ કામ આ નાગેશ્વર રાવ કરી રહ્યા છે. ગયા મહિને જાપાનમાં ઓલિમ્પિક દરમિયાન આ દંભી હિન્દુ નેતા નાગેશ્વર રાવે ખેલાડીઓના ખભે બંદૂક મૂકીને મંદિરોના પૂજારીઓનો મુદ્દો ચગાવ્યો હતો. ત્યારબાદ આ અઠવાડિયા સરસંઘચાલક મોહન ભાગવતના એક ભાષણને આધાર બનાવીને આરએસએસ-મુક્ત ભારતનું એલાન આપી દીધું.

તમારામાંથી ઘણાને એમ થશે કે પૂજારીઓનો મુદ્દો ઉઠાવવો, મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવવાનો મુદ્દો ઉઠાવવો, હિન્દુ એકતાની વાત કરવી એમાં ખોટું શું છે? પણ અહીં જ દેશ-વિરોધી તત્વોને ઓળખવાની સાચી પરીક્ષા થાય છે. વાસ્તવમાં આ એમ. નાગેશ્વર રાવ કોંગ્રેસી સલાહકાર છે. ગયા મહિને જ કોંગ્રેસ દ્વારા આયોજિત એક ટ્વિટર-સ્પેસ ચર્ચામાં તે કોંગ્રેસી નેતાઓને 2024માં નરેન્દ્ર મોદીને કેવી રીતે હરાવવા એની સલાહ આપતા મેં પોતે સાંભળ્યા છે. એ ચર્ચામાં નાગેશ્વર રાવ કોંગ્રેસી નેતાઓને કહેતા હતા કે, નરેન્દ્ર મોદીની તાકાત હિન્દુ મતો છે અને જો 2024માં કોંગ્રેસે જીતવું હોય તો હિન્દુ મતોમાં ભાગલા પાડવા પડે. નાગેશ્વર રાવ કોંગ્રેસની તરફેણ કરે કે ભાજપની તરફેણ કરે એની સાથે મારે કોઈ લેવાદેવા નથી, પરંતુ એ હિન્દુ મતમાં ભાગલા કેવી રીતે પાડવા એની સલાહ આપતા હતા – અને એ જોખમી બાબત છે. ઠીક છે, તો સેક્યુલારિઝમ વિરુદ્ધ દેશહિતની વાતો આપણે અહીં ચાલુ રાખીશું- મિલતે હૈં બ્રેક કે બાદ..!

No comments:

Post a Comment