Sunday, September 26, 2021

કોંગ્રેસ શા માટે આવું કરે છે, કોઈ કહી શકે?

 



 --- કોંગ્રેસના સલાહકારો પક્ષને ડૂબાડવા માગે છે કે પછી ટોચની નેતાગીરીને જ હવે પક્ષને પુનઃજીવિત કરવામાં કોઈ રસ નથી? પક્ષના વિજય આડેની કૃપા ક્યાં અટકી છે?

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

પંજાબ કોંગ્રેસમાં કલહ ચરમસીમાએ છે. રાજસ્થાનમાં ગમે તે દિવસે ફરી ગેહલોત-પાઇલોટનો ટકરાવ થશે, છત્તીસગઢ કોંગ્રેસના પરસ્પર વિરોધી જૂથ થોડા થોડા દિવસે ગાંધી પરિવારના દરબારમાં ધામા નાખે છે. ગુજરાતમાં બે દિવસથી સમાચાર ફરી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસને હાંસિયામાં રાખીને અખિલ ભારત કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)એ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ વિશે સરવે કરાવ્યો છે. બીજી બાજુ દિગ્ગજ નેતાઓ જી-23 (ગ્રુપ-23) નામે અલગ ચૉકો કરીને બેઠેલા છે. ટૂંકમાં કોંગ્રેસના ગઢમાં હાલ ચારે બાજુ આગ અને અશાંતિની સ્થિતિ છે. લોકશાહી માટે આ દુઃખદ સ્થિતિ છે.

એક સમયનો રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ કોંગ્રેસ નજીકના ભવિષ્યમાં કેન્દ્રમાં સત્તા ઉપર આવે એવી કોઈ જ શક્યતા નથી, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે તેની પાસે હાલ આંગળીના વેઢે ગણી શકાય એટલાં રાજ્યોમાં સત્તા હોવા છતાં ત્યાં પણ એ સાચવી રાખવાની તેની તૈયારી નથી!

વર્ષોથી હું મારા લેખોમાં તેમજ ટીવી ચર્ચામાં કહેતો આવ્યો છું કે, કોંગ્રેસની સમસ્યા પારિવારિક ખુશામતની છે. કેન્દ્રીય નેતાઓ હોય કે પછી રાજ્યોના હોય- દરેક જણ પોતપોતાના જૂથ બનાવીને પોતે પરિવારની કેટલાક નજીક છે એ દર્શાવવામાં જ બધો સમય અને શક્તિ વેડફે છે. આવો જૂથવાદ હોય એટલે સ્વાભાવિક છે કે તેમાં જ્ઞાતિ-જાતિ-ધર્મનાં જૂથો પણ પોતપોતાની ક્ષમતા બતાવી દેવા ઉધામા કરે. આવી પારિવારિક ખુશામતમાં રચ્યા-પચ્યા રહેતા કોંગ્રેસના નેતાઓ જૂથવાદ ઉપર વધારે ધ્યાન આપતા હોવાથી લોકોની સેવા, લોકોની સમસ્યા વિશે ધ્યાન આપી જ શકતા નથી.

હકીકતે કોંગ્રેસ માટે આ બધું નવું પણ નથી અને જો વધારે સચોટ રીતે કહું તો જ્યાં સુધી નહેરુ-ગાંધી ખાન-દાનની ખુશામતનો મુદ્દો રહેશે ત્યાં સુધી જૂથવાદ જૂનો પણ થવાનો નથી. કોંગ્રેસમાં સ્વતંત્રતા પહેલાં પણ જૂથવાદ અને નેતૃત્વની હુંસાતુંસી હતી. મોહનદાસ કરમચંદ ગાંધીના આપખૂદીભર્યા વર્તનને કારણે નહેરુને બિનજરૂરી મહત્ત્વ મળતું રહ્યું અને સામે સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દીર્ઘદૃષ્ટા-બાહોશ રાષ્ટ્રવાદી નેતાઓ હાંસિયામાં ધકેલાતા ગયા. નહેરુ પછી ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસનું નેતૃત્વ સંભાળ્યું ત્યારથી તો આ પક્ષ સતત તૂટતો જ રહ્યો છે. પારિવારિક ખુશામતનાં બીજ પણ એ જ અરસામાં રોપાયાં, પરિણામે મોરારજી દેસાઈ જેવા પ્રતિભાશાળી નેતાઓએ અલગ માર્ગ અખત્યાર કરવો પડ્યો.

વળી કોંગ્રેસની સમસ્યા આ પારિવારિક ખુશામત અને તેને પરિણામે ઊભા થયેલા જૂથવાદ પૂરતી મર્યાદિત નથી. આ પક્ષની સમસ્યા જાતિવાદ અને લઘુમતી ખુશામતની પણ છે. કદાચ અહીં કોઈ વાચકને એવો વિચાર આવી શકે કે, જાતિવાદ તો બધા રાજકીય પક્ષો કરે છે અને ભાજપ પણ બહુમતી ખુશામત કરે જ છે ને! પરંતુ તેનો જવાબ એ છે કે, આ દેશની રાજકીય ક્ષિતિજ ઉપર કોંગ્રેસ સૌથી જૂનો પક્ષ છે અને તેણે પ્રારંભથી જે કાવાદાવા, તડજોડ સહિત દેશને નુકસાન કરે એવા તમામ પ્રકારના પગલાં લીધાં અને તેનો મુકાબલો કરવા બીજા પક્ષોએ પણ એ જ નીતિ-રીતિ અપનાવી. બીજા પક્ષો પણ કોંગ્રેસને કારણે આવું કરે છે એમ કહી તેમનો બચાવ કરવાનો જરાય ઈરાદો નથી, પરંતુ સૌએ એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે ભાજપ (મૂળ જનસંઘ)ને બાદ કરતાં મોટાભાગના રાજકીય પક્ષોનો જન્મ કોંગ્રેસમાંથી જ થયો છે. અર્થાત જ્યારે જ્યારે કોંગ્રેસમાં જૂથવાદને કારણે અસંતોષ ઊભો થયો અને અલગ ચૉકા કરવાની સ્થિતિ આવી ત્યારે અન્ય રાજકીય પક્ષો, ખાસ કરીને પ્રાદેશિક રાજકીય પક્ષો ઊભા થયા. કહેવાનું તાત્પર્ય એ કે, મૂળ કોંગ્રેસી કૂળ અને સંસ્કાર ધરાવતા અન્ય પક્ષોના નેતાઓ પણ ખુશામત અને જૂથવાદને આગળ ધરીને ગંદું રાજકારણ રમે ત્યારે તેનાં મૂળ અને કૂળ તરીકે કોંગ્રેસ જ બદનામ થાય.

ખેર, દેશનો સમજદાર નાગરિક આ બધું જ જૂએ છે. દુઃખી પણ થાય છે. સાથે સાથે તે ઇચ્છે છે કે, કોંગ્રેસ તથા અન્ય પક્ષો કમ સે કમ અંગત સ્વાર્થ, જૂથવાદ, ધાર્મિક ખુશામત બાજુ પર રાખીને દેશના વ્યાપક હિતમાં વિચારે તો એ કોંગ્રેસ પક્ષના લાભમાં તો હશે જ, સાથે દેશને પણ ફરી યોગ્ય અને જવાબદાર વિપક્ષ મળવાથી શાસન ઉપર લગામ રાખી શકાશે. કોંગ્રેસ આ દેશના નાગરિકોની આ વાત કાને ધરે છે કે કેમ એ જોવાનું રહ્યું. આપણે તો માત્ર આશા રાખી શકીયે. તો મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment