Sunday, September 19, 2021

આવી ગઈ રાજકીય ધર્માંતરની મોસમ

 


 

--- 2014 સુધી રાષ્ટ્રીય સ્તરે ભારતીયતા, રાષ્ટ્રવાદ જેવા કોઈ મુદ્દા જ નહોતા. ભાજપને બાદ કરતાં તમામ રાજકીય પક્ષનો ચૂંટણી એજન્ડા લઘુમતી ખુશામતથી શરૂ થતો હતો અને ત્યાં જ પૂરો થતો હતો. પણ- છેલ્લાં સાત વર્ષમાં ક્યાં – શું - કેમ બદલાયું?

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

આ દેશનાં સંસાધનો ઉપર પહેલો હક મુસ્લિમોનો હોવો જોઇએ એવું લાલ કિલ્લાના મંચ ઉપરથી નિવેદન કરનાર કહેવાતા વિદ્વાન અને કહેવાતા પ્રામાણિક ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ/ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા થોડાં વર્ષથી મંદિરે મંદિરે ફરી રહ્યા છે. તિલક, તરાજુ ઔર તલવાર-ઉસકો મારો જૂતે ચાર – સૂત્ર આપનાર બહુજન સમાજ પાર્ટીના વડા સુશ્રી માયાવતી બ્રાહ્મણ સંમેલન કરે છે. અયોધ્યામાં રામસેવકો ઉપર ગોળીઓ ચલાવનાર સમાજવાદી પક્ષના અખિલેશ યાદવને અયોધ્યાના ઊભરા આવે છે. આ વર્ષ સહિત છેલ્લા કેટલાય વર્ષથી દિલ્હીમાં દિવાળીના ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકી દેનાર અને રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે એવા નિવેદનો કરનાર આમ આદમી પાર્ટીનો નાયબ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશના પ્રવાસની શરૂઆત અયોધ્યાથી કરે છે. અઝાનના સમયે દુર્ગા વિસર્જન યાત્રા બંધ રાખવાનો આદેશ આપનાર તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજીએ આ વખતે પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા પંડાલોમાં પોતાની દુર્ગા તરીકેની મૂર્તિઓ મૂકાવી છે. આવા અનેક ચમત્કાર છેલ્લાં છ-સાત વર્ષથી આ દેશમાં થઈ રહ્યા છે. આ ચમત્કાર કેમ થઈ રહ્યા છે- એ તો બધાને ખબર છે.

મુદ્દો એ છે કે, આના વિશે દેશને ચિંતા થવી જોઇએ અને ચિંતન કરવું જોઇએ. રાજકારણીઓની અને રાજકીય પક્ષોની આ વાસ્તવિક ઘરવાપસી નથી, પરંતુ છેતરામણું રાજકીય ધર્માંતર છે. ઉત્તરપ્રદેશ અને ગુજરાત જેવા મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એવા સમયે રાહુલ ગાંધીથી લઇને કેજરીવાલ સુધીના રાજકારણીઓએ રંગ બદલવાની અને છેતરામણું ધર્માંતર કરવાની શરૂઆત કરી છે. તેમનું આવું રાજકીય ધર્માંતર હિન્દુઓ માટે તો જોખમી છે જ, પરંતુ મુસ્લિમો માટે પણ એટલું જ જોખમી છે.

અત્યાર સુધી મુસ્લિમ તરફી રાજકારણ રમનારા આ તમામ તત્વોને હવે હિન્દુઓ, હિન્દુત્વ, હિન્દુ ધર્મ, અયોધ્યા અને શ્રીરામ યાદ આવ્યા છે તેનો સીધો અર્થ એ છે કે, આ બધા હિન્દુઓમાં ભાગલા પડાવીને સંગઠિત હિન્દુ-મતમાં ભંગાણ પાડવા માગે છે. આવું થાય તો ભાજપની હાર થાય અને ભાજપની હાર થાય તો 1947થી 2014 સુધીના શાસનમાં હિન્દુઓ સાથે, મંદિરો સાથે, રામસેતુ સાથે, કાશ્મીરી પંડિતો સાથે જે કંઈ થતું રહ્યું છે તેનું પુનરાવર્તન શરૂ થઈ જાય.

આ દેશનો નાગરિક મુસ્લિમ, ખ્રિસ્તી હોય કે બીજા કોઇપણ લઘુમતી સમુદાયનો હોય તેની સાથે કોઇપણ પ્રકારનો અન્યાય ન જ થવો જોઇએ, દરેકને સમાન તક મળવી જોઇએ, દરેકના અધિકાર અને ફરજ સમાન હોવા જોઇએ...આ બધું જ આપણને છેલ્લા છ-સાત વર્ષમાં સ્પષ્ટ રીતે અનુભવવા મળ્યું છે. તેની અગાઉના સાત દાયકામાં હિન્દુ બિચારાની સ્થિતિમાં હતો એ વાત શું કોઇનાથી અજાણી છે?

શરૂઆતમાં કહ્યું તેમ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હવે મંદિરોમાં આંટાફેરા મારતાં થયાં, પણ 2014 પહેલાં શું સ્થિતિ હતી? રાહુલે એવું નિવેદન કર્યું હતું કે, મંદિરોમાં જનારા જ મહિલાઓની છેડતી કરે છે અને બળાત્કાર કરે છે. રાહુલના કોંગ્રેસ પક્ષે 2013-14માં કોમી તોફાનો સંદર્ભે એક ખરડો તૈયાર કર્યો હતો. એ ખરડામાં એવી જોગવાઈ હતી કે કોઈપણ કોમી તોફાન થાય તેની જવાબદારી માત્ર બહુમતી સમુદાયની એટલે કે હિન્દુઓની જ ગણાય! એ ખરડા અનુસાર કોમી તોફાન થાય તો હિન્દુઓની કોઈ વૉરન્ટ વિના જ બિનજામીનપાત્ર ધરપકડ કરી શકાશે, પરંતુ મુસ્લિમો પર તોફાનનો આરોપ હોય તો તે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરવામાં આવે ત્યારપછી જ જરૂર જણાય તો મુસ્લિમ આરોપીની ધરપકડ થઈ શકે. આ એ જ કોંગ્રેસ છે જેનો રામસેતુ-કાંડ આખા દેશને યાદ છે.

શું ગુજરાતમાં પણ દિવાળી સમયે ફટાકડાના વેચાણ ઉપર અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાવવા માગો છો? જે ગુજરાતીઓ કેજરીવાલની આમ આદમી પાર્ટીના રવાડે ચડ્યા છે એમને શું ખ્યાલ છે ખરો કે, કહેવાતા પ્રદૂષણના નામે આ ટોળકીએ દિલ્હીમાં દિવાળી સમયે ફટાકડાના વેચાણ, સંગ્રહ અને ફોડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે? માત્ર એક કે બે દિવસ ફોડવામાં આવતા ફટાકડાથી એવું કોઈ ગંભીર પ્રદૂષણ થતું નથી એ સાબિત થયેલું છે તેમ છતાં હિન્દુ પરંપરાઓ અને હિન્દુ તહેવારોને ખતમ કરવા માગતા એ તત્વો ગુજરાતમાં દિવાળી અને તેની પહેલાં નવરાત્રી ઉપર પ્રતિબંધ મૂકી દેશે તો શું કરશો?

યાદ રાખો, સાત દાયકા સુધી અપમાનિત દશામાં, ચુમાઈને રહેવા મજબૂર બનેલા તમે છેલ્લા સાત વર્ષથી રાહતનો શ્વાસ લઈ રહ્યા છો. થોડીઘણી આર્થિક મુશ્કેલી પડતી હોય તો એ સહન કરી લેજો કેમ કે એ માત્ર સરકારને કારણે નથી આવી, તેમાં કોરોનાએ પણ ભાગ ભજવ્યો છે. પરંતુ એવી થોડી મુશ્કેલીથી ચિડાઈને હિન્દુ વિરોધી પક્ષો તરફ અથવા નોટા તરફ વળી જશો તો પછી હવે બીજા 70 નહીં પરંતુ 700 વર્ષ પસ્તાવાનો વારો આવશે. રાષ્ટ્રહિતની આવી જ વાતો આપણે અહીં ચાલુ રાખીશું- મિલતે હૈં બ્રેક કે બાદ..!

1 comment:

  1. ખૂબ જ સરસ લખાણ. આજે સુષુપ્ત હિન્દુઓ જાગે અને બદમાશોને સારી રીતે ઓળખે, અન્યથા પસ્તાવવાનો સમય ક્યારેય નહીં મળે.

    ReplyDelete