Sunday, June 12, 2022

આપ એવી નાટકમંડળી છે, જે દરેક દૃશ્યમાં વેશ બદલે છે


 કોંગ્રેસના વિકલ્પે જે ટોળકી ગુજરાતમાં પગપેસારો કરવા મથામણ કરે છે એની વિશ્વસનીયતા શૂન્યથી પણ નીચે છે. મફતની લાલચ અને જૂઠાણા તમને ક્યાં પહોંચાડી દેશે એ વિચારી લેજો, #સાવધાન_ગુજરાત

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 સાવધાન ગુજરાત! રાત-દિવસ ખોટું બોલનારા તત્વો, દેશની સનાતન સંસ્કૃતિનું અપમાન કરનારા તત્વો, મફતની લાલચો આપીને દેશના અર્થતંત્રને ખોખલું કરી દેવાની દાનત ધરાવતા લોકો અત્યારે મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં સક્રિય છે. એ તત્વો ગામડાંઓમાં લાલચુ લોકોના ઘર મફતમાં રંગી આપે છે. એ તત્વો ગુજરાતમાં પરિવર્તન લાવવા માગે છેઃ ત્યારે પ્રશ્ન એ છે કે, ગુજરાતમાં અઢી દાયકાથી શાંતિ છે. શું આપ-ને શાંતિ ગમતી નથી? ગુજરાતમાં સ્થિર શાસનને કારણે આર્થિક પ્રગતિ થઈ છે, શું આપ-ને એ પ્રગતિ પસંદ નથી? ગુજરાતમાં મહિલાઓ સલામત છે, શું આપ-ને મહિલાઓ સલામત રહે એ પસંદ નથી? ગુજરાતમાં દારૂબંદીને કારણે સુખ-શાંતિ અને સલામતી છે, શું આપ દિલ્હી અને પંજાબની જેમ અહીં પણ દારૂની રેલમછેલ કરવા માગે છે? ગુજરાતમાં શાહીનબાગ થતા નથી અને તાહિર હુસેનો ઘરની છત પરથી પેટ્રોલ બોંબ ફેંકતા નથી, શું આપ ગુજરાતમાં શાહીનબાગ અને તાહિર હુસેનોને છૂટો દોર આપવા માગે છે? આપ-ના તત્વોને એક્ઝેટલી શું પરિવર્તન કરવું છે?

આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દ્વારા વારંવાર અને અવિરત ખોટું બોલવામાં આવે છે અને આવી દરેક વખતે કોઇને કોઈ રાષ્ટ્રવાદી નાગરિક એ જૂઠનો પર્દાફાશ કરી દે છે. ગુજરાત અંગે પણ કેજરીવાલના આવા હળહળતા જૂઠનો એક સજાગ નાગરિકે કરેલી આર.ટી.આઈ. દ્વારા પર્દાફાશ થઈ ગયો છે. ગત 11મી મેએ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન બેધડક એવું ખોટું નિવેદન કરી દીધું હતું કે, ગુજરાત સરકારે 27 વર્ષ દરમિયાન રાજ્યના એકપણ નાગરિકને ધાર્મિક યાત્રા કરાવી નથી. પોતાના જૂઠને ઢોળ ચડાવવાની આદત ધરાવતા કેજરીવાલે જાહેરસભામાં એક વૃદ્ધાના નામે વાર્તા પણ ઘડી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, એક વૃદ્ધાએ મારી પાસે આવીને કહ્યું હતું કે, બેટા અયોધ્યા જવાની મારી ઘણી ઈચ્છા છે. ભાજપે 27 વર્ષમાં એકપણ વ્યક્તિને ધાર્મિક યાત્રા કરાવી નથી, જ્યારે દિલ્હીમાં અમે ત્રણ વર્ષમાં 50,000 લોકોને તીર્થયાત્રા કરાવી છે, ગુજરાતમાં પણ કરાવીશું.

કેજરીવાલનું આ જૂઠાણું આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ફેલાવવામાં આવ્યું હતું. તેને પગલે રાજ્યના એક સજાગ નાગરિક સુજીત પટેલ દ્વારા ગુજરાતના જાહેર માહિતી અધિકાર વિભાગમાં અરજી કરીને કેજરીવાલના દાવા અંગેની સચ્ચાઈ વિશે પૂછવામાં આવ્યું. સુજીત પટેલની અરજીનો ગુજરાતના જાહેર માહિતી અધિકાર વિભાગે પહેલી જૂન, 2022ના રોજ જે જવાબ આપ્યો હતો જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારની ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 89,891 લોકોએ લાભ લીધો છે. સુજીત પટેલ નિયમિત રીતે #મહાઠગ હૅસટૅગ સાથે કેજરીવાલના એક પછી એક જૂઠનો પર્દાફાશ કરતા રહે છે.

દિલ્હીની કેજરીવાલ સરકાર માત્ર જાહેરાતો ઉપર ચાલતી સરકાર છે એવો આક્ષેપ અનેક વખત થતો રહ્યો છે. આ આક્ષેપને સત્ય પુરવાર કરતો એક ખુલાસો વધુ એક આરટીઆઈ દ્વારા થયો હતો. સુજીત પટેલે જ દિલ્હીના માહિતી અને પ્રસારણ ડિરેક્ટોરિટમાં એક અરજી કરીને કેજરીવાલ સરકારે વર્ષ 2013-14થી 2021-22 સુધીમાં જાહેરખબરો પાછળ કરેલા ખર્ચની વિગતો માગી હતી. આ આરટીઆઈનો તેમને જે જવાબ મળ્યો તે માત્ર આંખ ઉઘાડનારો જ નહીં પરંતુ ચોંકાવી દે એવો છે. 2013-14માં કેજરીવાલ સરકારે 252,47,10,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો તે આંકડો 2021-22માં વધીને 488,97,03,000 ચારસો ઈઠ્યાસી કરોડ સત્તાણું લાખ ત્રણ હજાર સુધી પહોંચી ગયો છે. આ આંકડાનું વર્ષના 365 દિવસમાં વિભાજન કરવામાં આવે તો કેજરીવાલ સરકારે દરરોજ 133.96 લાખ રૂપિયાનો ખર્ચ માત્ર જાહેરખબરો પાછળ કર્યો છે. આખો દેશ જાણે છે કે, ત્રણ કરોડ કરતાં ઓછી વસ્તી ધરાવતા અને એક બૃહદ મહાપાલિકા જેવું ક્ષેત્રફળ ધરાવતા દિલ્હી વિધાનસભા ક્ષેત્રની એક સરકાર દરેક નાની-મોટી વાતે દેશની લગભગ તમામ મુખ્ય ભાષાના અગ્રણી અખબારોમાં નિયમિત રીતે આખા પાનાની જાહેરખબરો આપ્યા કરે છે. તે ઉપરાંત દેશની તમામ હિન્દી અને અંગ્રેજી ભાષાની સમાચાર ચૅનલો ઉપર સરેરાશ દર 15 મિનિટે કેજરીવાલની જાહેરાત દેખાયા કરે છે. અને એટલે મીડિયાના મોં બંધ રહે એમાં શી નવાઈ!

જૂઠાણા અને જાહેરખબરો ઉપર સવાર આ તત્વો વિશે પ્રજાએ જાતે જ વિચારવું પડશે. રાજકીય અખાડાબાજી તો ચાલ્યા કરશે, પણ સાચું હિત ક્યાં અને શેમાં છે એ નાગરિકોએ જાતે વિચારવું પડશે.

જો તમે આ દેશને, આ રાષ્ટ્રને એક ચપટી જેટલું પણ ચાહતા હોવ તો હું આત્મવિશ્વાસપૂર્વક કહી શકું કે તમે આપની નાટકમંડળીના ચક્કરમાં નહીં ફસાવ...અને જો તમને એ નાટકમંડળીમાં દેશનું ભવિષ્ય દેખાતું હોય તો તમારા ઉપર દયા ખાવા સિવાય કંઈ રહેતું નથી, વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment