Showing posts with label Free politics. Show all posts
Showing posts with label Free politics. Show all posts

Sunday, August 21, 2022

“કટ્ટર ભ્રષ્ટાચારીઓ” વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે, બધાનો નંબર આવશે

આ દેશ એટલો કમનસીબ છે કે અહીંના નાગરિકો ભ્રષ્ટાચારને ગંભીર મુદ્દો નથી ગણતા! છતાં હવે ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિર્ણાયક પગલાં લેવાશે એવી આશા બંધાઈ છે, કેમ કે લડાઈ માટેનું બ્યુગલ નરેન્દ્ર મોદીએ ફૂંક્યું છે—પરિણામ તો અવશ્ય દેખાશે

=============

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

ખરેખરા ઇમાનદાર હોય એમણે કટ્ટર ઇમાનદારનાં પ્રમાણપત્રો જાતે તૈયાર કરવાં નથી પડતાં. સાચા દેશભક્ત હોય એમણે કટ્ટર દેશભક્તનાં પ્રમાણપત્રો જાતે વહેંચવા નીકળવું નથી પડતું. પણ આજે આ દેશમાં આવું થઈ રહ્યું છે—કમનસીબે.

આવું થાય છે એનાં બે કારણ છે. એક તો ભ્રષ્ટાચારીઓ ઉપર જનોઈવઢ પ્રહાર થઈ રહ્યો છે અને બીજું, સનાતન સંસ્કારના બળે સત્તા પર આવેલી રાજકીય વિચારધારાનાં મૂળિયાં જ રાષ્ટ્રવાદ સાથે જોડાયેલાં છે અને તેને પરિણામે અન્ય તમામ રાજકીય પક્ષોમાં રહેલા ભારત-તોડો પરિબળો (બ્રેકિંગ ઈન્ડિયા તત્વો) સત્તા વિના એવી છટપટાહટ અનુભવી રહ્યા છે જાણે પાણી વિનાની માછલી!

દેશભક્તિ કે રાષ્ટ્રવાદની વાત પછી ક્યારેક કરીશું, પરંતુ આજે ભ્રષ્ટાચારની વાત કરીએ. એનું કારણ એ છે કે, 15 ઑગસ્ટે વડાપ્રધાને પોતે લાલ કિલ્લા પરથી એવું નિવેદન કર્યું કે, હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૌથી મોટી લડાઈ લડવા જઈ રહ્યો છું અને તેમાં દેશના નાગરિકોનો સાથ જોઇશે. આ વાંચનાર ઘણાને થશે કે, એમાં શું? આવું તો દરેક સરકાર અને દરેક વડાપ્રધાન કહેતા રહ્યા છે, છતાં આજ સુધી કોઈ ભ્રષ્ટાચારને નાબૂદ કરી શક્યું નથી. પણ એવું વિચારનાર એક વાત ભૂલી જાય છે કે, ઉપરનું નિવેદન કરનાર નરેન્દ્ર મોદી છે. કમ સે કમ છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ તો એ વાતનો પુરાવો છે કે, નરેન્દ્ર મોદીએ ગંભીરતાથી – ભારપૂર્વક કોઈ નિવેદન કર્યું હોય તો પછી એનું પરિણામ આવે જ છે.

કોંગ્રેસનું એક લક્ષણ સારું છે કે એ પોતે જે નથી એ માટેના દાવા ગળા ફાડીને કરતા નથી. જેમ કે કોંગ્રેસે એવું કદી કહ્યું નથી કે તેમના પક્ષમાં કોઈના ઉપર ભ્રષ્ટાચારનો ડાઘ લાગ્યો નથી. એ જ રીતે કોંગ્રેસે રાષ્ટ્રવાદ વિશે પણ કદી કોઈ દાવા નથી કર્યા. પરંતુ એથી વિરુદ્ધ અમુક રાજ્યોમાં કોંગ્રેસનું સ્થાન લઈ રહેલી (અથવા કહો કે કોંગ્રેસ દ્વારા જ સામે ચાલીને જેમને પોતાનું સ્થાન આપવામાં આવી રહ્યું છે એવી) આમ આદમી પાર્ટી જાતે જ પ્રામાણિકતા અને રાષ્ટ્રવાદનાં પ્રમાણપત્રો છાપવાનું અને છાપાંઓમાં એ છપાવવાનું – ટીવી ઉપર પ્રસારિત કરવાનું કામ કરે છે.

અને તેમ છતાં કર્મ કોઇને છોડતું નથી. કેજરીવાલની પાર્ટીના દિલ્હીના અને પંજાબના આરોગ્ય પ્રધાનો ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. કેજરીવાલની પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ગમે ત્યારે ધરપકડ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે (શક્ય છે કે આ લેખ તમારા હાથમાં આવે ત્યારે કદાચ ધરપકડ થઈ પણ ગઈ હોય અથવા તૈયારી હોય). કેજરીવાલની પાર્ટીના દિલ્હીના કેટલાક કોર્પોરેટર હિન્દુ વિરોધી કોમી તોફાનોના કેસમાં જેલની હવા ખાઈ રહ્યા છે.

નરી આંખે જોઈ શકાય એવી, સાવ સામાન્ય માણસ પણ સમજી શકે એવી ઘટનાઓ બની રહી હોવા છતાં ગુજરાતમાં કેટલાક મફતના લાલચુઓ જેમ ગંદકી ઉપર માખો બણબણે એમ એની આસપાસ ફરી રહ્યા છે. અને તેમાંય હદ તો ત્યારે થઈ જ્યારે એક ભૂતપૂર્વ ટીવી એન્કરે કેજરીવાલના જન્મદિવસે પ્રમાણભાન ભૂલી જઇને ભાટાઈની તમામ હદ વટાવી દીધી! એ ભૂતપૂર્વ એન્કરે એક હોટેલ રૂમમાં 50 માણસોની જંગી મેદનીને સંબોધતાં એવું નિવેદન કર્યું કે, ભારતમાં પાપ વધી ગયા છે એટલે કેજરીવાલ જેવા મહામાનવે જન્મ લીધો છે. ઓત્તારી... પાછા એ ભૂતપૂર્વ એન્કર ત્યાંથી અટક્યા નહીં પણ આ બાબતનું ટ્વિટ પણ ઠપકારી દીધું!

ખેર, જેવી જેની મતિ. અહીં મુદ્દો ભ્રષ્ટાચારનો છે. પત્રકાર તરીકે અને ટીવી એન્કર તરીકે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કથાઓ કરવી અને પછી બે-ચાર હજાર લાઇક મળે એટલે પોતે ગુજરાતમાં સૌથી લોકપ્રિય છે એવું માની લઇને સદંતર અપ્રામાણિક, રાષ્ટ્રદ્રોહી લોકોના ખોળામાં જઇને બેસી જવું એ બાબત વિશ્વસનીયતાનો ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. જે વ્યક્તિ પોતાનાં બાળકોના સોગંદ ખાધા પછી પણ રાજકારણમાં આવે, જે વ્યક્તિ ભગવાન શ્રીરામના જન્મસ્થળે હોસ્પિટલ અને સ્કૂલ બનાવવાની વાતો કર્યા પછી મંદિર નિર્માણ શરૂ થાય ત્યારે ત્યાં જઇને ભગવા ખેસ પહેરે ત્યારે એ કઈ હદની છેતરપિંડી હશે અને આવા માણસો ભવિષ્યમાં આ દેશની શું દશા કરશે એ ખબર ન પડતી હોય એવી પ્રજા પોતે તો ગુલામ બનતી જ હોય છે પરંતુ તેમના પાપે અન્ય દેશવાસીઓએ પણ ગુલામી સહન કરવી પડતી હોય છે. 800-1000 વર્ષનો ઈતિહાસ આવા જયચંદો ઉર્ફે કેજરીવાલોને આભારી હતો – બસ એટલું ધ્યાન રાખજો વ્હાલા ગુજરાતીઓ! તો... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, August 7, 2022

મફતવાલ મંડળીથી સાવધાન ગુજરાત, દુનિયામાં કશું મફત નથી હોતું

 

મફતની લાલચ આપવી એ ઘાતક ડાબેરી વિચારધારાનું પરિણામ છે. દુનિયામાં ડાબેરીવાદ 50 વર્ષથી વધુ ટક્યો નથી. મુર્ખ કાર્લ માર્ક્સના રવાડે ચડેલા દેશો આર્થિક રીતે કંગાળ થઈને વેરવિખેર થઈ ગયેલા છે

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

વીજળી મફતમાં આપવાની, બેરોજગારોને ભથ્થું આપવાની, મહિલાઓને દર મહિને રૂપિયા 1000ની સહાય આપવાની, મહિલાઓને મફત પ્રવાસ કરાવવાની, વૃદ્ધોને યાત્રા કરાવવાની વાતો હવે તમામ મર્યાદા ઓળંગી રહી છે. અલબત્ત આવી વાતોથી મફતનું મેળવવાની માનસિકતા ધરાવતા અમુક ચોક્કસ વર્ગો તથા મીડિયામાં રહેલા અમુક ચોક્કસ લોકોને ગલગલિયાં થતાં હશે.

સાચી વાત એ છે કે, મફતિયા-વૃત્તિ એક પ્રકારનો વાયરસ છે. આ વાયરસ રાષ્ટ્ર-પ્રેમી પ્રજાને પણ લાગી શકે છે. મને હમણાં જ રાજકોટના એક મિત્ર દ્વારા જાણવા મળ્યું કે, તાજેતરમાં મફતવાલે રાજકોટમાં સભા કરી ત્યારે કેટલાક વેપારીઓ જીએસટીનો મુદ્દો લઈને તેમની પાસે પહોંચી ગયા હતા અને રજૂઆત કરી હતી. આવા વેપારીઓ માટે આનાથી મોટી શરમજનક બાબત બીજી કોઈ ન હોઈ શકે. જીએસટી એક પ્રકારનો સંકલિત કર છે અને તમારે પ્રજા પાસેથી જ લેવાનો હોય છે. તમારા નફાની રકમ તો તમને પહેલેથી મળી જ ગયેલી હોય છે. પણ તમે રિફંડની લાલચ રાખી બેઠા હોવ છો. એ રકમ જે વાસ્તવમાં પ્રજાએ સરકારને આપેલી રકમ છે. છતાં ઠીક છે કે એ કાયદાની જોગવાઈ છે તેથી અમુક ક્રેડિટ તમને પાછી આપવામાં આવે છે. પરંતુ એ આખી વ્યવસ્થામાં થોડા મહિના લાગી જાય અને તમે તદ્દન છેલ્લી પાટલીએ બેસીને જીએસટી રિફંડનો કકળાટ કરો ત્યારે તમે પણ હદ વટાવી દીધી હોય એમ લાગે. આટલું ઓછું હોય એમ ઘણી મોટી સંખ્યામાં વેપારીઓ અને નાગરિકો પણ જીએસટીથી બચવા બિલ વિનાનો વ્યવહાર કરે છે. શું આ બધી અપ્રામાણિકતા દેશ માટે ઘાતક નથી?

તેની સામે જરા વિદેશની વ્યવસ્થાનો વિચાર કરો. થોડા સમય પહેલાં હું કેનેડામાં હતો અને મને જાણવા મળ્યું કે ત્યાં દરેક વ્યક્તિની આવકના 50 ટકા જેટલી રકમ વિવિધ રીતે ટેક્સમાં ચાલી જાય છે. હવે અહીં કેટલાય અબૂધ લોકો એવી દલીલ વર્ષોથી કરતા આવ્યા છે કે, ત્યાં લોકો ટેક્સ આપે છે કેમ કે સરકાર એમને સુવિધાઓ આપે છે! તો ભાઈ એ દલીલ તમને લાગુ નથી પડતી? 70-70 વર્ષ સુધી અપ્રામાણિક રાજકીય પક્ષોએ કર-માળખું સરખું કરીને સારી આવક કરીને દેશમાં માળખાકીય સુવિધાઓ વધારવા તરફ ધ્યાન કેમ ન આપ્યું? યથા રાજા તથા પ્રજાની જેમ 2014 પહેલાં સરકારમાં બેઠેલા (વચ્ચે વાજપેયી સરકારના સમયને બાદ કરતાં) પોતેય બદમાશી કરતા હતા અને પ્રજાની કરચોરી કરવાની દાનત સામે આંખ આડા કાન કરતા હતા.

આપણને 2014 પછી ખબર પડી કે, 130 કરોડની વસ્તીમાંથી માંડ ત્રણ કરોડ લોકો જ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હતા. બાકીના 127 કરોડ તો ખાઈ-પીને જલસા જ કરતા હતા—આજે પણ એવું જ કરે છે. જોકે થોડો ફેર પડ્યો છે. પ્રામાણિક સરકારના પ્રામાણિક પ્રયાસોને કારણે આ ત્રણ કરોડનો આંકડો આ વર્ષે 31 જુલાઈ, 2022ના રોજ સાડા પાંચ કરોડને પાર કરી ગયો. માત્ર આઠ વર્ષમાં દોઢ ગણો વધારો!

આ સંજોગોમાં સાત-સાત દાયકા સુધી અપ્રામાણિક રાજ્યવ્યવસ્થા અને અપ્રામાણિક વહીવટીતંત્રને કારણે સડી ગયેલી પ્રજાની માનસિકતા હવે મફતવાલોના ખોળામાં જઇને બેસવા તત્પર છે?

એક કૉમનસેન્સનો પ્રશ્ન એ છે કે, તમારા ઘરે બાળક જન્મે એ મોટું થઇને જાતે ચાલતાં શીખે એ તમને ગમશે કે પછી ચાલવાની ઉંમર થાય ત્યારે તેને તમે કાખઘોડી આપશો? એ જાતે ચાલવાનું ન શીખે પરંતુ કાખઘોડી અને તમારા ઉપર નિર્ભર રહે એ તમને પસંદ પડશે? જો આનો જવાબ હા હોય તો મારે કશું કહેવાનું નથી. પણ મને ખબર છે કે તમારો જવાબ હા નથી. તો હવે એ વાત તમારા ઉપર લાગુ કરો...શું મફતની વીજળી અને બેરોજગારીના ભથ્થાંથી તમે આખી જિંદગી પૂરી કરી શકશો? શું એ બધું મફત મળવાથી તમે પ્રગતિ કરી શકશો? એવી પ્રગતિ જે તમને મોટું ઘર, ગાડી, વિદેશ પ્રવાસ કરવાની ક્ષમતા આપે એવી પ્રગતિ મફતની વીજળી અને ભથ્થાંથી મળી શકશે? મફતવાલ તો તમને બધું મફત આપીને- તમને માયકાંગલા બનાવીને અને સાથે સાથે રાજ્યની તિજોરી ખાલી કરી દઈને બેશરમની જેમ હાથ ઊંચા કરી ચાલ્યો જશે, પણ પછી તમે મહેનત કરવાને લાયક રહ્યા હશો ખરા?

મફતની વીજળી અને બેરોજગારી ભથ્થાંનાં સ્વપ્ન જોતી વખતે બસ માત્ર એટલું યાદ રાખજો કે વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓને એ માટે ખર્ચ થાય છે. એ ખર્ચ તમે નાણા આપશો ત્યારે ભરપાઈ થશે. પણ તમે નાણા નહીં આપો તો વીજળી ઉત્પન્ન કરતી કંપની ખોટમાં જશે. એ ખોટમાં વધારો થવાથી તેની અસર ઉત્પાદન ઉપર થશે. વીજળી કાપ આવશે. એ વીજ કંપનીઓના કર્મચારીઓની છટણી થશે. એ રીતે બેરોજગારોની સંખ્યામાં વધારો થશે. એ બધા બેરોજગારોને બેરોજગારી ભથ્થાં ક્યાંથી આપવામાં આવશે? જે મુઠ્ઠીભર લોકો ટેક્સ ભરે છે એમના નાણામાંથી જ ને? એ મુઠ્ઠીભર લોકો દેશની 99 ટકા પ્રજાનું ભરણપોષણ કરવાની જવાબદારી કેટલા સમય સુધી વહન કરી શકશે એ બાબતે કોઇએ વિચાર કર્યો છે ખરો?

હવે રેવડીવાલ-મફતવાલ તમારી સમક્ષ આવીને વાયદા કરે ત્યારે અહીં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એ એમને પૂછજો. એમને પૂછજો કે તમારી પાસે રાજ્યની આવક વધારવાનું કયું મોડેલ છે? એમને પૂછજો કે વિકાસનાં કામો માટે તમારી પાસે કયું મોડેલ છે? આ દેશની સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષણ માટે તેમની પાસે કયું મોડેલ છે એ પણ પૂછવાનું ચૂકશો નહીં. જો રેવડીવાલ-પાર્ટી પાસે આના જવાબો ન હોય તો તેમની નૌટંકી ઉપર નજર નાખતા રહો, બધું આપોઆપ સમજાઈ જશે... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, June 12, 2022

આપ એવી નાટકમંડળી છે, જે દરેક દૃશ્યમાં વેશ બદલે છે


 કોંગ્રેસના વિકલ્પે જે ટોળકી ગુજરાતમાં પગપેસારો કરવા મથામણ કરે છે એની વિશ્વસનીયતા શૂન્યથી પણ નીચે છે. મફતની લાલચ અને જૂઠાણા તમને ક્યાં પહોંચાડી દેશે એ વિચારી લેજો, #સાવધાન_ગુજરાત

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 સાવધાન ગુજરાત! રાત-દિવસ ખોટું બોલનારા તત્વો, દેશની સનાતન સંસ્કૃતિનું અપમાન કરનારા તત્વો, મફતની લાલચો આપીને દેશના અર્થતંત્રને ખોખલું કરી દેવાની દાનત ધરાવતા લોકો અત્યારે મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં સક્રિય છે. એ તત્વો ગામડાંઓમાં લાલચુ લોકોના ઘર મફતમાં રંગી આપે છે. એ તત્વો ગુજરાતમાં પરિવર્તન લાવવા માગે છેઃ ત્યારે પ્રશ્ન એ છે કે, ગુજરાતમાં અઢી દાયકાથી શાંતિ છે. શું આપ-ને શાંતિ ગમતી નથી? ગુજરાતમાં સ્થિર શાસનને કારણે આર્થિક પ્રગતિ થઈ છે, શું આપ-ને એ પ્રગતિ પસંદ નથી? ગુજરાતમાં મહિલાઓ સલામત છે, શું આપ-ને મહિલાઓ સલામત રહે એ પસંદ નથી? ગુજરાતમાં દારૂબંદીને કારણે સુખ-શાંતિ અને સલામતી છે, શું આપ દિલ્હી અને પંજાબની જેમ અહીં પણ દારૂની રેલમછેલ કરવા માગે છે? ગુજરાતમાં શાહીનબાગ થતા નથી અને તાહિર હુસેનો ઘરની છત પરથી પેટ્રોલ બોંબ ફેંકતા નથી, શું આપ ગુજરાતમાં શાહીનબાગ અને તાહિર હુસેનોને છૂટો દોર આપવા માગે છે? આપ-ના તત્વોને એક્ઝેટલી શું પરિવર્તન કરવું છે?

આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દ્વારા વારંવાર અને અવિરત ખોટું બોલવામાં આવે છે અને આવી દરેક વખતે કોઇને કોઈ રાષ્ટ્રવાદી નાગરિક એ જૂઠનો પર્દાફાશ કરી દે છે. ગુજરાત અંગે પણ કેજરીવાલના આવા હળહળતા જૂઠનો એક સજાગ નાગરિકે કરેલી આર.ટી.આઈ. દ્વારા પર્દાફાશ થઈ ગયો છે. ગત 11મી મેએ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન બેધડક એવું ખોટું નિવેદન કરી દીધું હતું કે, ગુજરાત સરકારે 27 વર્ષ દરમિયાન રાજ્યના એકપણ નાગરિકને ધાર્મિક યાત્રા કરાવી નથી. પોતાના જૂઠને ઢોળ ચડાવવાની આદત ધરાવતા કેજરીવાલે જાહેરસભામાં એક વૃદ્ધાના નામે વાર્તા પણ ઘડી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, એક વૃદ્ધાએ મારી પાસે આવીને કહ્યું હતું કે, બેટા અયોધ્યા જવાની મારી ઘણી ઈચ્છા છે. ભાજપે 27 વર્ષમાં એકપણ વ્યક્તિને ધાર્મિક યાત્રા કરાવી નથી, જ્યારે દિલ્હીમાં અમે ત્રણ વર્ષમાં 50,000 લોકોને તીર્થયાત્રા કરાવી છે, ગુજરાતમાં પણ કરાવીશું.

કેજરીવાલનું આ જૂઠાણું આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ફેલાવવામાં આવ્યું હતું. તેને પગલે રાજ્યના એક સજાગ નાગરિક સુજીત પટેલ દ્વારા ગુજરાતના જાહેર માહિતી અધિકાર વિભાગમાં અરજી કરીને કેજરીવાલના દાવા અંગેની સચ્ચાઈ વિશે પૂછવામાં આવ્યું. સુજીત પટેલની અરજીનો ગુજરાતના જાહેર માહિતી અધિકાર વિભાગે પહેલી જૂન, 2022ના રોજ જે જવાબ આપ્યો હતો જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારની ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 89,891 લોકોએ લાભ લીધો છે. સુજીત પટેલ નિયમિત રીતે #મહાઠગ હૅસટૅગ સાથે કેજરીવાલના એક પછી એક જૂઠનો પર્દાફાશ કરતા રહે છે.

દિલ્હીની કેજરીવાલ સરકાર માત્ર જાહેરાતો ઉપર ચાલતી સરકાર છે એવો આક્ષેપ અનેક વખત થતો રહ્યો છે. આ આક્ષેપને સત્ય પુરવાર કરતો એક ખુલાસો વધુ એક આરટીઆઈ દ્વારા થયો હતો. સુજીત પટેલે જ દિલ્હીના માહિતી અને પ્રસારણ ડિરેક્ટોરિટમાં એક અરજી કરીને કેજરીવાલ સરકારે વર્ષ 2013-14થી 2021-22 સુધીમાં જાહેરખબરો પાછળ કરેલા ખર્ચની વિગતો માગી હતી. આ આરટીઆઈનો તેમને જે જવાબ મળ્યો તે માત્ર આંખ ઉઘાડનારો જ નહીં પરંતુ ચોંકાવી દે એવો છે. 2013-14માં કેજરીવાલ સરકારે 252,47,10,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો તે આંકડો 2021-22માં વધીને 488,97,03,000 ચારસો ઈઠ્યાસી કરોડ સત્તાણું લાખ ત્રણ હજાર સુધી પહોંચી ગયો છે. આ આંકડાનું વર્ષના 365 દિવસમાં વિભાજન કરવામાં આવે તો કેજરીવાલ સરકારે દરરોજ 133.96 લાખ રૂપિયાનો ખર્ચ માત્ર જાહેરખબરો પાછળ કર્યો છે. આખો દેશ જાણે છે કે, ત્રણ કરોડ કરતાં ઓછી વસ્તી ધરાવતા અને એક બૃહદ મહાપાલિકા જેવું ક્ષેત્રફળ ધરાવતા દિલ્હી વિધાનસભા ક્ષેત્રની એક સરકાર દરેક નાની-મોટી વાતે દેશની લગભગ તમામ મુખ્ય ભાષાના અગ્રણી અખબારોમાં નિયમિત રીતે આખા પાનાની જાહેરખબરો આપ્યા કરે છે. તે ઉપરાંત દેશની તમામ હિન્દી અને અંગ્રેજી ભાષાની સમાચાર ચૅનલો ઉપર સરેરાશ દર 15 મિનિટે કેજરીવાલની જાહેરાત દેખાયા કરે છે. અને એટલે મીડિયાના મોં બંધ રહે એમાં શી નવાઈ!

જૂઠાણા અને જાહેરખબરો ઉપર સવાર આ તત્વો વિશે પ્રજાએ જાતે જ વિચારવું પડશે. રાજકીય અખાડાબાજી તો ચાલ્યા કરશે, પણ સાચું હિત ક્યાં અને શેમાં છે એ નાગરિકોએ જાતે વિચારવું પડશે.

જો તમે આ દેશને, આ રાષ્ટ્રને એક ચપટી જેટલું પણ ચાહતા હોવ તો હું આત્મવિશ્વાસપૂર્વક કહી શકું કે તમે આપની નાટકમંડળીના ચક્કરમાં નહીં ફસાવ...અને જો તમને એ નાટકમંડળીમાં દેશનું ભવિષ્ય દેખાતું હોય તો તમારા ઉપર દયા ખાવા સિવાય કંઈ રહેતું નથી, વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!