Sunday, August 21, 2022

“કટ્ટર ભ્રષ્ટાચારીઓ” વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે, બધાનો નંબર આવશે

આ દેશ એટલો કમનસીબ છે કે અહીંના નાગરિકો ભ્રષ્ટાચારને ગંભીર મુદ્દો નથી ગણતા! છતાં હવે ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિર્ણાયક પગલાં લેવાશે એવી આશા બંધાઈ છે, કેમ કે લડાઈ માટેનું બ્યુગલ નરેન્દ્ર મોદીએ ફૂંક્યું છે—પરિણામ તો અવશ્ય દેખાશે

=============

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

ખરેખરા ઇમાનદાર હોય એમણે કટ્ટર ઇમાનદારનાં પ્રમાણપત્રો જાતે તૈયાર કરવાં નથી પડતાં. સાચા દેશભક્ત હોય એમણે કટ્ટર દેશભક્તનાં પ્રમાણપત્રો જાતે વહેંચવા નીકળવું નથી પડતું. પણ આજે આ દેશમાં આવું થઈ રહ્યું છે—કમનસીબે.

આવું થાય છે એનાં બે કારણ છે. એક તો ભ્રષ્ટાચારીઓ ઉપર જનોઈવઢ પ્રહાર થઈ રહ્યો છે અને બીજું, સનાતન સંસ્કારના બળે સત્તા પર આવેલી રાજકીય વિચારધારાનાં મૂળિયાં જ રાષ્ટ્રવાદ સાથે જોડાયેલાં છે અને તેને પરિણામે અન્ય તમામ રાજકીય પક્ષોમાં રહેલા ભારત-તોડો પરિબળો (બ્રેકિંગ ઈન્ડિયા તત્વો) સત્તા વિના એવી છટપટાહટ અનુભવી રહ્યા છે જાણે પાણી વિનાની માછલી!

દેશભક્તિ કે રાષ્ટ્રવાદની વાત પછી ક્યારેક કરીશું, પરંતુ આજે ભ્રષ્ટાચારની વાત કરીએ. એનું કારણ એ છે કે, 15 ઑગસ્ટે વડાપ્રધાને પોતે લાલ કિલ્લા પરથી એવું નિવેદન કર્યું કે, હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૌથી મોટી લડાઈ લડવા જઈ રહ્યો છું અને તેમાં દેશના નાગરિકોનો સાથ જોઇશે. આ વાંચનાર ઘણાને થશે કે, એમાં શું? આવું તો દરેક સરકાર અને દરેક વડાપ્રધાન કહેતા રહ્યા છે, છતાં આજ સુધી કોઈ ભ્રષ્ટાચારને નાબૂદ કરી શક્યું નથી. પણ એવું વિચારનાર એક વાત ભૂલી જાય છે કે, ઉપરનું નિવેદન કરનાર નરેન્દ્ર મોદી છે. કમ સે કમ છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ તો એ વાતનો પુરાવો છે કે, નરેન્દ્ર મોદીએ ગંભીરતાથી – ભારપૂર્વક કોઈ નિવેદન કર્યું હોય તો પછી એનું પરિણામ આવે જ છે.

કોંગ્રેસનું એક લક્ષણ સારું છે કે એ પોતે જે નથી એ માટેના દાવા ગળા ફાડીને કરતા નથી. જેમ કે કોંગ્રેસે એવું કદી કહ્યું નથી કે તેમના પક્ષમાં કોઈના ઉપર ભ્રષ્ટાચારનો ડાઘ લાગ્યો નથી. એ જ રીતે કોંગ્રેસે રાષ્ટ્રવાદ વિશે પણ કદી કોઈ દાવા નથી કર્યા. પરંતુ એથી વિરુદ્ધ અમુક રાજ્યોમાં કોંગ્રેસનું સ્થાન લઈ રહેલી (અથવા કહો કે કોંગ્રેસ દ્વારા જ સામે ચાલીને જેમને પોતાનું સ્થાન આપવામાં આવી રહ્યું છે એવી) આમ આદમી પાર્ટી જાતે જ પ્રામાણિકતા અને રાષ્ટ્રવાદનાં પ્રમાણપત્રો છાપવાનું અને છાપાંઓમાં એ છપાવવાનું – ટીવી ઉપર પ્રસારિત કરવાનું કામ કરે છે.

અને તેમ છતાં કર્મ કોઇને છોડતું નથી. કેજરીવાલની પાર્ટીના દિલ્હીના અને પંજાબના આરોગ્ય પ્રધાનો ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. કેજરીવાલની પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ગમે ત્યારે ધરપકડ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે (શક્ય છે કે આ લેખ તમારા હાથમાં આવે ત્યારે કદાચ ધરપકડ થઈ પણ ગઈ હોય અથવા તૈયારી હોય). કેજરીવાલની પાર્ટીના દિલ્હીના કેટલાક કોર્પોરેટર હિન્દુ વિરોધી કોમી તોફાનોના કેસમાં જેલની હવા ખાઈ રહ્યા છે.

નરી આંખે જોઈ શકાય એવી, સાવ સામાન્ય માણસ પણ સમજી શકે એવી ઘટનાઓ બની રહી હોવા છતાં ગુજરાતમાં કેટલાક મફતના લાલચુઓ જેમ ગંદકી ઉપર માખો બણબણે એમ એની આસપાસ ફરી રહ્યા છે. અને તેમાંય હદ તો ત્યારે થઈ જ્યારે એક ભૂતપૂર્વ ટીવી એન્કરે કેજરીવાલના જન્મદિવસે પ્રમાણભાન ભૂલી જઇને ભાટાઈની તમામ હદ વટાવી દીધી! એ ભૂતપૂર્વ એન્કરે એક હોટેલ રૂમમાં 50 માણસોની જંગી મેદનીને સંબોધતાં એવું નિવેદન કર્યું કે, ભારતમાં પાપ વધી ગયા છે એટલે કેજરીવાલ જેવા મહામાનવે જન્મ લીધો છે. ઓત્તારી... પાછા એ ભૂતપૂર્વ એન્કર ત્યાંથી અટક્યા નહીં પણ આ બાબતનું ટ્વિટ પણ ઠપકારી દીધું!

ખેર, જેવી જેની મતિ. અહીં મુદ્દો ભ્રષ્ટાચારનો છે. પત્રકાર તરીકે અને ટીવી એન્કર તરીકે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કથાઓ કરવી અને પછી બે-ચાર હજાર લાઇક મળે એટલે પોતે ગુજરાતમાં સૌથી લોકપ્રિય છે એવું માની લઇને સદંતર અપ્રામાણિક, રાષ્ટ્રદ્રોહી લોકોના ખોળામાં જઇને બેસી જવું એ બાબત વિશ્વસનીયતાનો ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. જે વ્યક્તિ પોતાનાં બાળકોના સોગંદ ખાધા પછી પણ રાજકારણમાં આવે, જે વ્યક્તિ ભગવાન શ્રીરામના જન્મસ્થળે હોસ્પિટલ અને સ્કૂલ બનાવવાની વાતો કર્યા પછી મંદિર નિર્માણ શરૂ થાય ત્યારે ત્યાં જઇને ભગવા ખેસ પહેરે ત્યારે એ કઈ હદની છેતરપિંડી હશે અને આવા માણસો ભવિષ્યમાં આ દેશની શું દશા કરશે એ ખબર ન પડતી હોય એવી પ્રજા પોતે તો ગુલામ બનતી જ હોય છે પરંતુ તેમના પાપે અન્ય દેશવાસીઓએ પણ ગુલામી સહન કરવી પડતી હોય છે. 800-1000 વર્ષનો ઈતિહાસ આવા જયચંદો ઉર્ફે કેજરીવાલોને આભારી હતો – બસ એટલું ધ્યાન રાખજો વ્હાલા ગુજરાતીઓ! તો... મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment