Sunday, August 14, 2022

75 વર્ષ પહેલાંનું એ વિભાજન ધર્મ આધારિત હતું...એ ન ભૂલશો

 


1947માં ભારતના વિભાજનને બદમાશ સેક્યુલરવાદીઓ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો-ની નીતિ ઉપર ઢોળી દે છે, પરંતુ આ સત્ય નથી. સેક્યુલર અપરાધીઓ જે રીતે ત્રાસવાદને છાવરે છે એ જ રીતે વિભાજનને છાવરે છે

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

75 વર્ષ વીતી ગયાં છે. હવે કશું જ પહેલાં જેવું થવાનું નથી, કમ સે કમ હજુ થોડી સદી સુધી તો નહીં જ. છતાં એ દિવસો ભૂલવા ન જોઈએ, બલ્કે સાચી વિગતો દરેક ભારતવાસીએ જાણવી જોઇએ. આ જ ઉદ્દેશથી નરેન્દ્રભાઈ મોદીએ 14 ઑગસ્ટને વિભાજન વિભીષિકા દિવસ જાહેર કર્યો. આજે, 14 ઑગસ્ટ, 2022ના રોજ પ્રથમ વિભાજન વિભીષિકા દિવસ છે.

નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ કોઈ વૈનસ્ય ફેલાવવાનો નથી જ. તે એક રાજપુરુષ છે પણ સાથે પોતાના મૂળ સંસ્કાર સાથે મજબૂત રીતે જોડાયેલા છે. તેઓ માત્ર એટલું જ ઈચ્છે છે કે વિભાજનના દિવસોમાં જે કંઈ થયું તેની સાચી જાણકારી, સાચી વિગતો હિન્દુઓ અને મુસ્લિમો બધા જ જાણે. અત્યાર સુધી સેક્યુલર અપરાધીઓએ આ દેશ સાથે અને એ રીતે સમગ્ર દુનિયા સાથે બહુ મોટું છળ કર્યું છે. ભારતના ભાગલા ધાર્મિક આધાર ઉપર જ હતા તેમ છતાં સેક્યુલર અપરાધીઓ હજુ આજે પણ એવી વાર્તાઓ કરી રહ્યા છે કે, એ બધું અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો-ની નીતિને કારણે થયું હતું.

સેક્યુલર અપરાધીઓનું આ સૌથી મોટું જૂઠાણું છે અને આજે, બલ્કે આજથી દરેક રાષ્ટ્રવાદી ભારતીય નાગરિકે એક વાત સ્પષ્ટ રીતે સમજી લેવી જોઇએ કે વિભાજન ધર્મ આધારિત હતું. અને જો હજુ સાવધાન નહીં રહો તો ભવિષ્યમાં એવી સ્થિતિ આવી જ શકે છે. કાશ્મીર ફાઈલ્સ એનું ઉદાહરણ છે. સાચું જાણશો તો બચી શકશો. તો આજથી જ એ સત્ય જાણવાની શરૂઆત કરો. આપણા એક સુપ્રસિદ્ધ લેખક કિશોર મકવાણાએ ભારતના ભાગલાની ભીતરમાં પુસ્તકમાં અનેક ઐતિહાસિક સંદર્ભો સાથે સાબિત કર્યું છે કે, 1947ના ભાગલા ધર્મ આધારિત જ હતા. અહીં પ્રસ્તુત છે તેમના પુસ્તકની પ્રસ્તાવનાના અંશો...

ભારત આઠસો વર્ષ વિદેશી આક્રમકોના પગતળે કચડાતું રહ્યું. પહેલા વિદેશી ઇસ્લામી આક્રમકો અને એ પછી અંગ્રેજ આક્રમકોએ એને રગદોળ્યું. આઠસો વર્ષ સુધી ભારતના પરાક્રમી વીરો ભારતભૂમિને વિદેશીઓની નાગચૂડમાંથી મુક્ત કરવા ઝઝૂમતા રહ્યા. આપણાં દેશનું કોઈપણ સ્થળ એવું નહીં હોય જ્યાં ભારતમાતાના કોઈ સપૂતોએ યોગદાન આપ્યું ના હોય, બલિદાન આપ્યું ન હોય.

એ કેવળ સ્વતંત્રતા આંદોલન જ નહોતું, સાંસ્કૃતિક રાષ્ટ્રીયતાનું જાગરણ પણ હતું. પહેલું આક્રમણ મોહંમદ બિન કાસિમે ભારતભૂમિના ગાંધાર પર સાતમી સદીમાં કર્યું. એ પછી તો સતત ઇસ્લામી આક્રમકોના ધાડેધાડાં આ દેશ પર આક્રમણ માટે આવતા રહ્યા. સત્તરમી સદીમાં અંગ્રેજ આક્રમકો નવા સ્વરુપે આવ્યા. આ દેશ હિન્દુનો છે એટલે એ પોતાની પ્રિય માતૃભૂમિને વિદેશી આક્રમકોની નાગચૂડમાંથી મુક્ત કરવા સાતમી સદીથી લઇ 15 ઓગસ્ટ, 1947 સુધી લડતો રહ્યો, સંઘર્ષ કરતો રહ્યો.

પ્રત્યેક સંગ્રામ અને સંઘર્ષો જુઠ્ઠાણા સામે સત્યની પ્રબળ ઘોષણા હતા, જે ભારતની સ્વતંત્રતાના જુસ્સાની સાક્ષી પૂરે છે. આ સંઘર્ષોએ એવી જ જાગૃતિ અને જુસ્સો લાવી દીધો હતો, જે શ્રી રામે રાવણ સાથેના યુદ્ધમાં, શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રમાં અને હલ્દીઘાટીના યુદ્ધમાં વીર મહારાણા પ્રતાપની ત્રાડથી ઉદભવ્યો હતો.

અંતે 15 ઓગસ્ટ, 1947ના દિવસે ભારત એક હજાર વર્ષ પછી ગુલામીમાંથી મુક્ત થયું. પરંતુ સ્વતંત્રતાની સાથેસાથે ભારતની જ ધરતી પર પાકિસ્તાન નામના દેશનું સર્જન થયું. ભારતના ભાગલા કેવી રીતે થયા? ભાગલા માટે કોણ જવાબદાર? કોણે-કોણે ખલનાયકની ભૂમિકા ભજવી? આવા અનેક સવાલો આજે પણ જનમાનસમાં ઊઠ્યા કરે છે અને સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠે ફરી આ સવાલોની પણ ચર્ચા તો થવાની જ છે.

ભારતવર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસતરીકે મનાવવાની એક અત્યંત મહત્ત્વની જાહેરાત કરી છે. એ સંદર્ભે ગેઝેટ પણ પ્રસિદ્ધ કર્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું:

આપણા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસતરીકે મનાવવામાં આવશે. દેશના ભાગલાની પીડા ક્યારેય ભૂલી શકાય તેમ નથી. નફરત અને હિંસાને કારણે, આપણાં લાખો બહેનો અને ભાઈઓ વિસ્થાપિત થયા અને અનેકે જીવ પણ ગુમાવ્યા. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભિષિકા સ્મરણ દિવસતરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દિવસ આપણને ભેદભાવ, દુશ્મનાવટ અને દુરાગ્રહના ઝેરને દૂર કરવા માટે પ્રેરણા તો આપશે જ, પરંતુ તે એકતા, સામાજિક સમરસતા અને માનવીય સંવેદનાઓને પણ મજબૂત બનાવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આ વાતમાં ભારોભાર ઐતિહાસિક તથ્ય છે. ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઊજવણીનો અમૃત મહોત્સવપ્રારંભ થઇ ગયો છે, ત્યારે સ્વતંત્ર થતાંની સાથે ભારતના ભાગલા કેમ થયા અને કોણે કર્યા તેનું વિશ્લેષણ થાય તે પણ જરૂરી છે.

15મી ઓગસ્ટે દેશ સ્વતંત્ર તો થયો, પણ 14 ઓગસ્ટે ભારતના ફાડિયા કરી નાખવામાં આવ્યા ને ભારતની જ ધરતી પર આતંક-નફરતથી ભરપૂર એવો પાકિસ્તાનનામનો દેશ પેદા થયો. આખરે એવું તે શું થયું કે દેશના ભાગલા કરવા પડ્યા? લાખો લોકોની કતલ કરવામાં આવી, હજારો બહેન-બેટીઓને ઉપાડી જઈ એમના શીલભંગ કરવામાં આવ્યા, નાના-નાના ભૂલકાને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા? આ સવાલો પ્રત્યેક ભારતીય માટે મનોમંથન માગી લે તેવા છે, એટલે જ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસમનાવવો રાષ્ટ્ર માટે બહુ જરૂરી હતો, જેથી દેશની પ્રજા જાણી શકે કે દેશ એમ જ સ્વતંત્ર નથી થયો. વિભાજન વિભીષિકાની બર્બર-ભયાનક કથા જાણવી ખૂબ જરૂરી છે.

બીજું, પાકિસ્તાન નિર્માણ પછી પણ દેશમાં ભાગલાવાદી માનસિકતા ઓછી થઈ ખરી? વર્ષ 1947 પછી પણ મુસ્લિમ કટ્ટરવાદ અને ભાગલાવાદી માનસને ખાતર-પાણી પૂરા પાડવામાં આવ્યા. પરિણામે આજે પણ દેશમાં દેશ તોડવાના નારા સેક્યુલારિઝમની આડમાં લાગી રહ્યા છે. આજે પણ વૈશ્વિક ઇસ્લામ વિસ્તારવાદના હાકલા રોજ વાગતા રહે છે, ત્યારે પણ ભાગલાની દર્દભરી કથા જાણવી જરૂરી છે, જેથી ઇતિહાસનું યથાવત્ પુનરાવર્તન ન થાય...!

સ્વતંત્રતા આંદોલનની સાથેસાથે ભારતના ભાગલા પાછળના કારણો અને પીડા પ્રજા જાણી શકે એ આશયથી આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પુસ્તક લખવામાં મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા લિખિત થોટ્સ ઓન પાકિસ્તાનતથા ચિંતક-લેખક અને રા.સ્વ. સંઘના પૂર્વ સરકાર્યવાહ અને  વરિષ્ઠ લેખક શ્રી હો. વે. શેષાદ્રિએ લખેલા ધ ટ્રેજીક સ્ટોરી ઓફ પાર્ટીશનજેવા અધિકૃત પુસ્તકોનો આધાર લીધો છે. દેશ સ્વતંત્રતાની 75મી વર્ષગાઠ ઊજવી રહ્યો છે ત્યારે આ પુસ્તક આજની અને આવનારી પેઢીને કંઈક ઇતિહાસબોધ આપવામાં નિમિત્ત બને અને ભારતના ઊજ્જવળ ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવે એજ અભ્યર્થના

... મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment