Monday, June 12, 2023

શું ગોડસે પિસ્તોલ કાઢે એ પહેલાં જ ગાંધીને ગોળી વાગી ચૂકી હતી?

  


દિલ્હીના બિરલા હાઉસમાં ગાંધીની હત્યા થઈ એ સમયે એક ફૂટના અંતરે બે મહિલા હતી જેમના ખભે હાથ મૂકીને ગાંધી ચાલતા હતા, પણ કેસમાં સાક્ષી તરીકે બંનેને શા માટે બોલાવવામાં ન આવ્યાં?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

નથુરામ ગોડસે. આ નામ છેલ્લા 75 વર્ષથી એક તરફથી ધિક્કાર અને બીજી તરફથી માન – એમ મિશ્ર લાગણીની વચ્ચે અફળાઈ રહ્યું છે. કોની લાગણી સાચી છે એવી ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ જે પ્રશ્નો પૂરા 75 વર્ષથી દબાતા સ્વરે પૂછાઈ રહ્યા છે એ પ્રશ્નો હવે ઐતિહાસિક દસ્તાવેજી સ્વરૂપે ઉપલબ્ધ થયા છે.

કયા પ્રશ્નો? એ જ કે, ગાંધીની હત્યા ખરેખર નથુરામ ગોડસેએ જ કરી હતી? હત્યા ગોડસેએ નહોતી કરી તો પછી કોણે કરી હતી? હત્યા પિસ્તોલથી થઈ હતી કે રિવોલ્વરથી? ઘટના બાદ તરત ગોડસે પાસેથી જપ્ત કરવામાં આવેલી પિસ્તોલમાં તમામ ગોળી એકબંધ હતી...તો પછી કોની રિવોલ્વરમાંથી ગોળી ચાલી? ઘટના સમયે હુમલાનો ભોગ બનનાર ગાંધી સિવાય બે સૌથી અગત્યનાં સાક્ષી – બે મહિલાઓ ત્યાં એક ફૂટના અંતરે જ હતી, છતાં કેસની કાર્યવાહી દરમિયાન એ બંને મહિલાને સાક્ષી તરીકે બોલાવવામાં કેમ ન આવ્યાં? ગાંધીની હત્યા કરવામાં ગોડસે ઉપરાંત બીજા કયા લોકોને રસ હતો? ગોડસેને હત્યારા સાબિત કરવા માટે પોલીસ પાસે કોઈ પુરાવા હતા ખરા? હતા, તો કયા? અને સૌથી અગત્યનો પ્રશ્ન – ગોડસેએ સામે ચાલીને કબૂલાત શા માટે કરી?

આ અને આવા બીજા ઘણા પ્રશ્ન કર્ણાટકના એક વિદ્વાન લેખક (સ્વર્ગસ્થ) ડૉ. કે.એસ. નારાયણાચાર્યે (Dr. K.S. Narayanacharya) તેમનાં પુસ્તક WHO REALLY KILLED GANDHI? માં ઉપસ્થિત કર્યા છે. તેમણે આ પ્રશ્નો માત્ર ઉપસ્થિત નથી કર્યા પરંતુ એ દિવસના અર્થાત 30 જાન્યુઆરી, 1948ના સમગ્ર ઘટનાક્રમના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે તથા કેસની અદાલતી કાર્યવાહીમાં રહેલી ખામીઓ તરફ સ્પષ્ટ નિર્દેશ પણ કર્યો છે.

ડૉ. નારાયણાચાર્યે મૂળભૂત રીતે 2017માં કન્નડ ભાષામાં આ પુસ્તક લખ્યું હતું, પરંતુ અનેક લોકોના આગ્રહથી તેમણે પોતે જ એ અંગ્રેજીમાં લખ્યું. પુસ્તકમાં લેખકે ગોડસેને બદલે ગાંધીની હત્યા માટે તે સમયના એક કોંગ્રેસ નેતા તરફ ઇશારો કર્યો છે. લેખકે એ કોંગ્રેસી નેતાનું નામ તો નથી આપ્યું પરંતુ એવો સંકેત આપ્યો છે કે હત્યા કરનાર એ કોંગ્રેસી નેતા છેક 1978 સુધી પૂણેમાં રહેતા હતા.

પ્રશ્ન એ થાય કે લેખકે આવું તારણ કેવી રીતે કાઢ્યું? તો તેનો જવાબ એ છે- હત્યાના દિવસે ગાંધીની સાથે ચાલનાર બંને મહિલાઓના બીજા દિવસનાં અખબારોમાં પ્રકાશિત થયેલાં નિવેદન. ત્યારે એ બંનેએ કહ્યું હતું કે, એક વ્યક્તિ ગાંધીજીની છેક નજીક આવી ગયો. તેણે બે હાથ જોડીને નમસ્તે કર્યું અને તેના ખિસામાંથી પિસ્તોલ કાઢીને બાપુ તરફ તાકી એ દરમિયાન તેની જમણી બગલ નીચેથી રિવોલ્વર સાથે એક હાથ બહાર આવ્યો, તેમાંથી ત્રણ ગોળી છૂટી અને એ વ્યક્તિ ટોળામાં ગાયબ થઈ ગયો.

લેખક કહે છે કે, ત્યારપછી પોલીસે આ બંને મહિલાઓનાં નિવેદનો લઇને તેનું સીલબંધ કવર તેમની પાસે રાખી લીધું પરંતુ અદાલતમાં એ નિવેદનો રજૂ કરવામાં આવ્યા નહીં. કોઇક કારણસર બચાવપક્ષના વકીલે પણ આ બંને મુખ્ય સાક્ષીને અદાલતમાં બોલાવવાની રજૂઆત કરી નહીં. એ જ રીતે કોઇક કારણસર કેસ ચલાવનાર જજે પણ પિસ્તોલ અને રિવોલ્વર વચ્ચેના ભેદનું રહસ્ય શોધવા પ્રયાસ ન કર્યો. અદાલતી કાર્યવાહી દરમિયાન પોલીસે ગોડસેની પિસ્તોલ અને તેમાં રહેલી સાતે-સાત ગોળી યથાવત રજૂ કરી છતાં અદાલતે એ બાબત ધ્યાનમાં ન લીધી કે ગોડસેની પિસ્તોલમાંથી ગોળી ચાલી જ નથી તો હત્યા કેવી રીતે થઈ? કોણે કરી?

લેખક ડૉ. (સ્વ.) નારાયણાચાર્ય તેમના પુસ્તકમાં બે-ત્રણ તારણ આપે છે તે પણ ચોંકાવનારા છે. સ્વતંત્રતા સમય અને ત્યારપછીની વિવિધ ઐતિહાસિક ઘટનાઓ સંદર્ભે તેઓ કહે છે કે, (અ) વિભાજન અને ત્યારપછી હિન્દુઓએ જે સહન કરવું પડ્યું તેનાથી દેશના મોટાભાગના હિન્દુ ગાંધીથી નારાજ હતા. (બ) કોંગ્રેસ પક્ષમાં કે પછી સરકારમાં કે અન્ય કોઇપણ જગ્યાએ ગાંધી કોઈ બંધારણીય હોદ્દો ધરાવતા ન હોવા છતાં 1947માં સરકારની રચના પછી પણ અનાવશ્યક જીદ કરીને એ સરકાર પાસે પોતાનું ધાર્યું કરાવતા હતા. જેમાં પાકિસ્તાનને રૂપિયા 55 કરોડ આપવાની વાતનો પણ સમાવેશ થતો હતો. (ક) કોંગ્રેસ પક્ષને વિખેરી નાખવા માટે ગાંધી જીદે ચડ્યા હતા જેને કારણે નહેરુ સહિત અનેક કોંગ્રેસી નેતાઓના રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થઈ શકે તેમ હતો. (કહેવાય છે કે, 31 જાન્યુઆરી, 1948ના દિવસે જ ગાંધી કોંગ્રેસના વિભાજનનો મુસદ્દો રજૂ કરવાના હતા!). અને સૌથી અગત્યનું (ડ) ગાંધીની હત્યા કોઈ હિન્દુવાદીએ કરી છે એવું સાબિત કરી શકાય તો કોંગ્રેસને કાયમી રાહત થઈ જાય...(અને 75 વર્ષનો ઇતિહાસ આ વાતનો સાક્ષી છે!) આ પુસ્તકમાં બીજા પણ એવાં અનેક પ્રમાણ આપવામાં આવ્યાં છે જેના વિશે કોંગ્રેસ અને તેમના દરબારીઓ દ્વારા દેશને 75 વર્ષથી અંધારામાં રાખવામાં આવ્યો છે. આ પુસ્તક વાંચો પછી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment